ગુજરાતમાં કુપોષણની સમસ્યાનો ઉકેલ કેમ નથી આવતો?

ઇમેજ સ્રોત, Getty Images
થોડા દિવસ પહેલાં નવથી 13 વર્ષની વયજૂથની આશરે 80 બાળકીઓ અને 15 જેટલા છોકરાઓ એક હેલ્થ કૅમ્પમાં સાથે હતાં. તે દરમિયાન ગુજરાતના આદિવાસી વિસ્તારની એક બાળકીને અચાનક ખેંચ આવી ગઈ. સંચાલકો તેને તાત્કાલિક કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ ગયા. રિપોર્ટ પછી જાણવા મળ્યું કે તે બાળકીમાં લોહીનું પ્રમાણ ખૂબ ઓછું છે, તેને એનિમિયા છે.
છોકરી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે તેનાં માતાપિતા શહેરમાં મજૂરી કરે છે. તે પોતાના ભાઈ સાથે રહે છે. જે મળે તે ખાઈ લે છે, પણ દિવસમાં એક જ વખત.
આ તો થઈ આ એક છોકરીની વાત. આવી જ રીતે એક બીજી છોકરી, જે 11મા ધોરણમાં અભ્યાસ કરે છે અને દેવગઢ બારિયાના એક ગામમાં રહે છે, તે દરરોજ સવારે શાળાએ જાય છે. તેના ઘરમાં સવારે તેને રાંધી આપનાર કે ટિફિન બનાવી આપનાર કોઈ નથી.
સ્કૂલે પહોંચે ત્યારે રિસેસ દરમિયાન કંઈ ખાવા માટે તેની પાસે પૈસા રહેતા નથી, માટે તે મોટા ભાગે આખા દિવસ દરમિયાન કંઈ ખાતી નથી અને સાંજે ઘરે આવ્યા બાદ એક જ ટાઇમ જમે છે.
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં 'કુપોષણની સમસ્યાનો ચિતાર આપતાં' આ માત્ર બે જ ઉદાહરણ છે. બાળકોમાં કુપોષણની સમસ્યા ગુજરાતમાં વર્ષોથી 'કાયમ' છે.
નિષ્ણાતોને મતે આદિવાસી વિસ્તારોમાં મહિલાઓને પૌષ્ટિક આહારની કમી, કામ માટે શહેરમાં સતત વસવાટ, સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટેનો સંઘર્ષ વગેરેને કારણે આ સમસ્યાનો ઉકેલ આવતો નથી.
જાણકારોને મતે હાલમાં જ જાહેર થયેલા સર્વે ફૉર એસેસમેન્ટ ઑફ માર્કર્સ ઑફ પૉપ્યુલેશન હેલ્થ, ઍક્ટિવિટી, ડાયટ & ઍન્થ્રૉપૉમૅટ્રી (SAMPADA)નાં પરિણામોએ ફરી એક વખત ફરીથી 'ગુજરાતમાં કુપોષણની પરિસ્થિતિનો ચિતાર' આપી દીધો છે. આ રિપોર્ટ પ્રમાણે 'રાજ્યમાં કુપોષણની સ્થિતિ એક મોટો પડકાર બનીને ફરીથી સામે આવી છે.'
આ રિપોર્ટમાં ભારતનાં વિવિધ રાજ્યોમાં અલગ-અલગ વયજૂથોમાં એનિમિયાનાં પ્રમાણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતની સ્થિતિ 'ચિંતાજનક' જણાઈ હતી. 12 મહિનાથી 59 મહિના સુધીનાં બાળકોમાં એનિમિયાનું પ્રમાણ 56.5 ટકા જોવા મળ્યું હતું, જ્યારે પાંચથી નવ વર્ષ સુધીનાં બાળકોમાં એનિમિયાનું પ્રમાણ 51.7 ટકા જોવા મળ્યું હતું, જે છત્તીસગઢ (59.9 ટકા) પછી દેશમાં બીજા ક્રમનું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, નિષ્ણાતો પ્રમાણે સૌથી વધુ 'ચિંતાજનક પરિસ્થિતિ' 10થી 19 વર્ષનાં બાળકી અને બાળકોમાં જોવા મળી હતી. રાજ્યમાં આ ઉંમરની છોકરીઓ કે મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ 61.4 ટકા હતું, જ્યારે છોકરાઓમાં આ પ્રમાણ 41.5 ટકા હતું, જે 'દેશમાં સૌથી વધારે હતું.'
આઇસીએમઆર-નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (આઇસીએમઆર-એનઆઇએન) દ્વારા 2023થી 2025 દરમિયાન વસ્તીનાં સ્વાસ્થ્ય, શારીરિક પ્રવૃત્તિ, આહાર અને શારીરિક માપદંડોના મૂલ્યાંકન માટે SAMPADA સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય સ્તરનો, સમુદાય આધારિત અને વિવિધ પાસાંને આવરી લેતો સર્વે હતો. વિશ્વભરમાં હાથ ધરાયેલાં પોષણ સંબંધિત સૌથી મોટાં અને વ્યાપક સર્વેક્ષણોમાં તેનો સમાવેશ થાય છે.
ગુજરાત અને કુપોષણ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નિષ્ણાતોના મતે ગુજરાતમાં 'કુપોષણ એ નવી સમસ્યા નથી.' વિવિધ એનજીઓ, નિષ્ણાતો, યુનિસેફ જેવી સંસ્થાઓ વગેરેએ પણ પોતપોતાની રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ 'હજી સુધી ધાર્યાં પરિણામો મળ્યાં નથી.'
ઉપલબ્ધ ડેટા મુજબ, મુખ્યત્વે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આ સમસ્યા ખૂબ મોટી છે. તેમાંય દાહોદ, પંચમહાલ, ડાંગ, સાબરકાંઠા વગેરે જેવા જિલ્લામાં આ સમસ્યામાં 'કોઈ નોંધપાત્ર ઘટાડો થયો હોય તેવું જણાતું નથી.'
રાજ્ય તેમજ કેન્દ્ર સરકારોની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વિવિધ બજેટમાં આ અંગે ખાસ જોગવાઈ કરવામાં આવે છે.
રાજ્ય સરકારના ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સફોર્મેશન (જીઆરઆઇટી)ના જુલાઈ 2026ના એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ગંભીર કુપોષણ (સિવિયર એક્યુટ માલન્યૂટ્રિશન - SAM) ધરાવતાં બાળકોની સારવાર માટે સુવિધા આધારિત પોષણ પુનર્વસન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાં 244 એનઆરસી/સીએમટીસી (ન્યૂટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર/ચાઇલ્ડ માલન્યૂટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર) કેન્દ્રો અને 2,338 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ગંભીર કુપોષણથી પીડિત બાળકોને સારવારની સુવિધા વ્યાપક સ્તરે મળી શકે.
માર્ચ 2026માં રાજ્યમાં કુપોષણ મુદ્દે સરકારનો જવાબ મૂકતા રાજ્યનાં મહિલા અને બાળવિકાસ મંત્રી મનીષા વકીલે કહ્યું હતું કે, "કુપોષણને નાથવા માટે રાજ્ય સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. તમામ આંગણવાડી કેન્દ્રોમાં ફોર્ટિફાઇડ પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે. એ ઉપરાંત બાળકોના સ્વાસ્થ્ય માટે મહિલાઓને બાળજન્મ પહેલાં અને પછીના કુલ એક હજાર દિવસ સુધી પોષણક્ષમ આહાર આપવામાં આવે છે."
"આ સિવાય સરકાર કુપોષણને નાથવા માટે આંગણવાડીનાં બાળકો અને તેમનાં માતાઓને ટેક હોમ રૅશન, દૂધ સંજીવની અને પોષણ સુધા યોજના જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત પૂરક પોષણ પૂરું પાડે છે. "
આ અંગે વધારે જાણવા માટે બીબીસી ગુજરાતી ગુજરાત સરકારના પ્રવક્તામંત્રી જિતુ વાઘાણીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. જોકે, વાંરવાર પ્રયાસ કરવા છતાં પણ એમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
સરકારી યોજનાઓ અને તેનું અમલીકરણ

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે બીબીસી ગુજરાતીએ ઘણા નિષ્ણાતો સાથે વાત કરી.
આ તમામ નિષ્ણાતોનું માનવું છે કે, "સરકારી યોજનાઓ બનાવી લેવાથી પરિણામ નથી મળી જતાં, પરંતુ તેનું યોગ્ય અમલીકરણ ખૂબ જરૂરી છે. દરેક સમસ્યા માટે એક યોજના છે, પરંતુ તેના અમલીકરણ માટે જવાબદારી નક્કી કરવામાં આવી નથી."
વર્ષોથી આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ, બાળકો અને ધાત્રી મહિલાઓ સાથે કામ કરનારાં અને આનંદી સંસ્થાનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીતા હલદીકરે આ સમસ્યાને વર્ષોથી નજીકથી જોઈ છે અને તેના સમાધાન માટે સતત કામ કર્યું છે.
તેઓ માને છે કે સરકારી યોજનાઓની કોઈ કમી નથી, પરંતુ જ્યાં સુધી આ યોજનાઓની ગુણવત્તા સુધારવામાં નહીં આવે, દરેક જરૂરિયાતમંદ સુધી તેને સહેલાઈથી પહોંચાડવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે.
તેમના અનુભવોના આધારે તેમણે જણાવ્યું હતું કે, "ઘણી વખત એવું બને છે કે આધાર કાર્ડમાં જો કોઈ મહિલાનું નામ મેળ ન ખાતું હોય તો તેને યોજનાનો લાભ ન મળે.
સામાન્ય રીતે આદિવાસી સમાજમાં લોકો સરકારી યોજનાઓથી વંચિત રહી જાય છે, તેનું એક મોટું કારણ દસ્તાવેજોની પ્રક્રિયા છે."
"આ જટિલ સમસ્યામાંથી બહાર નીકળવા માટે મોટા ભાગની મહિલાઓ સક્ષમ હોતી નથી. આશા વર્કર બહેનો થકી આ કામ થાય છે, પરંતુ તેનું પરિણામ મળતું નથી. કાગળમાં ક્યાંક કોઈ એક ભૂલ આવી જાય તો તે મહિલા લાભોથી વંચિત રહી જાય છે અને તેનો સમય વેડફાય છે."
રાજ્યમાં હાલમાં પબ્લિક હેલ્થ રજિસ્ટ્રી (પીએચઆર) મારફતે મહિલાઓને એક પ્રીમિક્સ આપવામાં આવે છે. બીબીસી ગુજરાતીએ એવી અનેક મહિલાઓ સાથે વાત કરી, જેઓ આ 'પોષણયુક્ત પ્રીમિક્સ'નું સેવન કરે છે. વાતચીતમાં એવું જાણવા મળ્યું હતું કે 'આ પ્રીમિક્સનો સ્વાદ સારો હોતો નથી, માટે ઘણી મહિલાઓ તેને ખાવાથી બચે છે.'
નિષ્ણાતો માને છે કે પ્રીમિક્સ આપવું પડે એટલે આપે છે, તેનાથી બહાર આવીને લોકોને ગમે કે સ્વાદિષ્ટ લાગે તેવું પ્રીમિક્સ આપવું પડે, જેથી લોકો તેનો લાભ લઈ શકે અને પરિસ્થિતિ બદલાઈ શકે. ઘણા માને છે કે યોજનાઓની ગુણવત્તા જ્યાં સુધી સુધારવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં મળી શકે.
જોકે, ગુજરાત રાજ્યની પરિસ્થિતિ સાવ નિરાશાજનક જ રહી હોય એવું પણ નથી. વિવિધ અભ્યાસોએ એ સાબિત કર્યું છે કે જ્યારે યોગ્ય રીતે નાના ગ્રૂપમાં કામ કરવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ મળી શકે છે.
જેમકે, એમએસ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ડૉ. સીરી નાયરે થોડાં વર્ષો પહેલાં એક અભ્યાસ કર્યો હતો. જેમાં તેમણે લોકો વચ્ચે કામ કરતી વિવિધ સરકારી એજન્સીઓ વચ્ચે સમન્વય અને કામ ન કરી શકવાની સ્થિતિમાં એક જ એજન્સીની જવાબદારી નક્કી કરવાનું કામ કર્યું હતું.
ઉપરાંત તેમણે નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારનાં ગામોની પંચાયતોને જ તમામ વિભાગો વચ્ચે સમન્વય જાળવવાની જવાબદારી સોંપી હતી. આ પ્રોજેક્ટમાં ગામની કુપોષિત મહિલાઓ અને બાળકો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાની જવાબદારી પ્રથમ તબક્કે સરપંચને સોંપવામાં આવી હતી.
આ અભ્યાસના અંતે ડૉ. નાયરને જાણવા મળ્યું હતું કે જો સિસ્ટમને સરળ બનાવી કોઈ એક વ્યક્તિની જવાબદારી નક્કી કરવામાં આવે તો પરિણામ મળી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























