નવજાત શિશુને કમળો શા માટે થાય છે અને માતાપિતાએ કયા ગંભીર સંકેતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઓમકાર કરંબેળકર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
'બાળકનો જન્મ થયો છે. પ્રસૂતિ સરળતાથી થઈ ગઈ છે. માતા અને નવજાત શિશુ બંનેની તબિયત સારી છે.' આવો સંદેશ મૅસેજ અથવા ફોનકૉલ દ્વારા મળે છે, પરંતુ આમ થયા પછી કેટલીક વાર એમ પણ જણાવવામાં આવે છે કે બાળકને કમળો થયો છે.
આ સાંભળીને સમાચાર આપનાર અને સાંભળનાર બંનેના મનમાં આનંદની સાથે થોડી ચિંતા પણ જન્મે છે. બધાને થાય છે કે આટલા નાના બાળકને કમળો શી રીતે થઈ શકે? બાળકનાં માતાપિતા સહિત સૌ કોઈ ગભરાઈ જાય છે. પરંતુ શું કમળો હંમેશાં જોખમી જ હોય છે? અને ક્યારે ખાસ સાવચેતી રાખવાની જરૂર પડે છે? આ જાણવું મહત્ત્વનું છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નવજાત શિશુઓમાં કમળો થવો બહુ સામાન્ય બાબત છે. દુનિયાભરમાં જન્મ પછીના પ્રથમ અઠવાડિયામાં ઘણાં બાળકોને કમળો થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં શરીરમાં થઈ રહેલા કુદરતી ફેરફારોનો આ એક ભાગ હોય છે અને થોડા દિવસોમાં તે મટી જાય છે.
જોકે, કેટલાક કિસ્સાઓમાં લોહીમાં બિલિરુબિનનું પ્રમાણ એટલું વધી શકે છે કે તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. જો સારવારમાં વિલંબ થાય તો મગજ અને ચેતાતંત્રને અસર થવાનું જોખમ રહે છે.
શરૂઆતનાં લક્ષણો ઘણી વાર સામાન્ય લાગે છે. તેથી કયા પ્રકારના કમળામાં માત્ર દેખરેખ રાખવાની જરૂર છે અને કયા કિસ્સામાં તાત્કાલિક સારવાર જરૂરી છે તે સમજવું માતાપિતા માટે મહત્ત્વનું છે.
નવજાતને કમળો શા માટે થાય છે, કયાં બાળકોમાં તેનું જોખમ વધારે હોય છે, સૂર્યપ્રકાશ અંગેની માન્યતા અને ગેરમાન્યતા શું છે તથા ક્યારે ફોટોથૅરપીની જરૂર પડે છે, તે વિશે બાળરોગ નિષ્ણાતો શું કહે છે તે જાણીએ.
કમળો નવજાત માટે 'સામાન્ય' છે કે જોખમની ચેતવણી?

ઇમેજ સ્રોત, Getty Images
નવજાત શિશુઓમાં કમળાની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તે સામાન્ય પણ હોઈ શકે છે અને કેટલાક કિસ્સાઓમાં જોખમી પણ. તેથી બાળકની ચામડી પીળી પડવા લાગે ત્યારે ગભરાવાની જરૂર નથી, પરંતુ તેને અવગણવું ભારે પડી શકે છે.
શરૂઆતમાં કમળો ચહેરા પર અને આંખોમાં દેખાય છે. જોકે, જો પીળાશ ઝડપથી છાતી, પેટ અને હાથ-પગ સુધી પ્રસરવા લાગે, બાળક દૂધ ઓછું પીવા લાગે, ખૂબ સુસ્ત થઈ જાય અથવા તેને જગાડવામાં મુશ્કેલી પડે તો આ જોખમનાં ચિહ્નો હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સમય કરતાં વહેલાં જન્મેલાં બાળકો, ઓછા વજન સાથે જન્મેલાં બાળકો અને માતા તથા બાળકના બ્લડ ગ્રૂપ વચ્ચે મેળ ન ખાતો હોય તેવા કિસ્સાઓમાં વધુ ઝીણવટભરી દેખરેખ રાખવી જરૂરી છે.
ઘણા પરિવારો આજે પણ કમળાની ઘરગથ્થુ સારવાર તરીકે સૂર્યપ્રકાશને મહત્ત્વ આપે છે. જોકે, નિષ્ણાતો કહે છે કે ગંભીર કમળાને ઓળખવા અને યોગ્ય સારવાર શરૂ કરવા માટે તબીબી તપાસનો કોઈ વિકલ્પ નથી. મોટાં ભાગનાં બાળકો કોઈ જટિલતા વિના કમળામાંથી સાજાં થઈ જાય છે, પરંતુ સમયસર સારવાર ન મળે તો કેટલીક વાર તેની અસરો કાયમી બની શકે છે. તેથી નવજાત શિશુમાં કમળો થવો એ માત્ર ચામડી પીળી પડવા પૂરતી સીમિત બાબત નથી, પરંતુ સમયસર તેની ઓળખ અને યોગ્ય સારવાર અત્યંત જરૂરી છે.
નવજાત શિશુઓમાં કમળો એટલે શું ?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૌપ્રથમ નવજાત શિશુઓમાં કમળો એટલે શું તે સમજવું જરૂરી છે. તબીબી ભાષામાં આ કમળાને 'નિયોનેટલ હાઇપરબિલિરુબિનેમિયા' કહેવામાં આવે છે. આ સ્થિતિમાં લોહીમાં બિલિરુબિનનું પ્રમાણ વધવાને કારણે બાળકની ચામડી અને આંખોનો સફેદ ભાગ પીળો પડી જાય છે.
આ બહુ સામાન્ય સ્થિતિ છે. પૂર્ણ સમયગાળે જન્મેલાં આશરે 60 ટકા નવજાત શિશુઓને અને સમય કરતાં વહેલાં જન્મેલાં આશરે 80 ટકા બાળકોને કમળો થાય છે.
નવજાત શિશુઓના શરીરમાં લાલ રક્તકણોનું પ્રમાણ વધારે હોય છે અને જન્મ પછી આ રક્તકણો ઝડપથી તૂટવા લાગે છે. બીજી તરફ, બાળકનું યકૃત (લિવર) હજી અપરિપક્વ હોય છે અને ચયાપચય દ્વારા બિલિરુબિનને શરીરમાંથી બહાર કાઢવાની તેની ક્ષમતા સંપૂર્ણપણે વિકસેલી હોતી નથી.
મોટાં ભાગનાં નવજાત શિશુઓમાં આ પ્રકારનો શારીરિક કમળો કામચલાઉ હોય છે અને બાળકનું યકૃત પરિપક્વ થતાં તે મટી જાય છે.
બિલિરુબિન પીળા રંગનું એક દ્રવ્ય છે, જે જૂનાં રક્તકણો તૂટે ત્યારે કુદરતી રીતે ઉત્પન્ન થાય છે.
સામાન્ય રીતે યકૃત બિલિરુબિનને પ્રક્રિયા કરીને એવા સ્વરૂપમાં ફેરવે છે કે જે પિત્ત દ્વારા બહાર નીકળી શકે અને મળ વાટે શરીરમાંથી બહાર ફેંકાઈ શકે.
નવજાત શિશુઓમાં યકૃત પ્રમાણમાં અપરિપક્વ હોવાથી શરીરમાંથી બિલિરુબિન બહાર કાઢવાની પ્રક્રિયા ધીમી હોય છે. જ્યારે આ બિલિરુબિન લોહીમાં એકઠું થવા લાગે છે, ત્યારે તે ચામડી અને શરીરના અન્ય પેશીઓમાં જમા થાય છે. તેના કારણે ચામડીને લાક્ષણિક પીળો રંગ મળે છે.
બિલિરુબિનના પ્રમાણમાં થોડો વધારો સામાન્ય રીતે હાનિકારક હોતો નથી. પરંતુ અસંયુગ્મિત (અનકન્જુગેટેડ) બિલિરુબિનનું પ્રમાણ અત્યંત વધી જાય તો તે લોહી અને મગજ વચ્ચેના અવરોધને પાર કરીને ચેતાતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિને 'કર્નિક્ટેરસ' કહેવામાં આવે છે.
આથી જ બિલિરુબિનના પ્રમાણની સમયસર તપાસ અને સારવાર અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
બાળકને કમળો શા માટે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
કમળો થવાનાં સંભવિત કારણો વિશે અમે મુંબઈની જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરનાં બાળરોગ અને નવજાત શિશુ આરોગ્ય વિભાગનાં કન્સલ્ટન્ટ ડૉ. શેહલા કાઝી સાથે વાત કરી.
બીબીસી મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "આનાં કારણોમાં માતા અને બાળકના બ્લડ ગ્રૂપ વચ્ચેની વિસંગતતા (ABO અથવા Rh incompatibility), રક્તકણોનો વધુ પડતો નાશ, G6PDની ઊણપ, નવજાત શિશુમાં સેપ્સિસ જેવા ચેપ તથા પ્રસૂતિ દરમિયાન માથાની ચામડી નીચે થતી ઈજા અથવા રક્તસ્રાવનો સમાવેશ થઈ શકે છે. આ સ્થિતિનું વહેલું નિદાન કરવું મહત્ત્વનું છે, કારણ કે આમાંથી કેટલીક પરિસ્થિતિઓમાં બિલિરુબિનનું પ્રમાણ ઝડપથી વધી શકે છે."
સમય કરતાં વહેલાં જન્મેલાં બાળકોમાં કમળો થવાની શક્યતા વધુ હોય છે કે કેમ એ સવાલના જવાબમાં ડૉ. કાઝીએ કહ્યું, "સમય કરતાં વહેલાં જન્મેલાં બાળકોમાં કમળો થવાની શક્યતા નોંધપાત્ર રીતે વધારે હોય છે."
"કારણ કે પૂર્ણ સમયગાળે જન્મેલાં બાળકોની સરખામણીએ તેમનું યકૃત વધુ અપરિપક્વ હોય છે. આ બાળકોમાં રક્તકણોનો નાશ વધુ પ્રમાણમાં થઈ શકે છે. સ્તનપાન કરાવવાથી તેમનો મળત્યાગ ઓછી વાર થઈ શકે છે, જેના કારણે આંતરડાંમાંથી બિલિરુબિન ફરીથી શરીરમાં શોષાવાનું પ્રમાણ વધે છે."
"આ ઉપરાંત, તેમનામાં ચેપ અને અન્ય તબીબી જટિલતાઓનું જોખમ પણ વધારે હોય છે. એટલું જ નહીં, બિલિરુબિનનું પ્રમાણ વધવાથી ચેતાતંત્ર પર થતી હાનિકારક અસરોનું જોખમ પણ સમય કરતાં વહેલાં જન્મેલાં બાળકોમાં વધારે હોય છે."
શું મગજને નુકસાન થઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સમય કરતાં વહેલાં જન્મેલાં બાળકોમાં ગંભીર કમળો થવાની શક્યતા વધારે હોય છે. આ ઉપરાંત, જો માતાનું બ્લડ ગ્રૂપ 'Rh-નૅગેટિવ' (Rh -ve) હોય અને બાળકનું બ્લડ ગ્રૂપ 'Rh-પૉઝિટિવ' (Rh +ve) હોય તો પણ ગંભીર કમળો થઈ શકે છે.
આ અંગે અમે ફોર્ટિસ હૉસ્પિટલ, મુલુંડના બાળરોગ વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. પ્રકાશ વૈદ્ય સાથે વાત કરી.
માતા અને બાળકના બ્લડ ગ્રૂપ વચ્ચેની વિસંગતતાને કારણે કમળાનું જોખમ વધી શકે છે કે કેમ તેવા સવાલના જવાબમાં ડૉ. વૈદ્યે કહ્યું, "ચોક્કસ. સૌથી સામાન્ય વિસંગતતા ત્યારે જોવા મળે છે જ્યારે 'Rh-નૅગેટિવ' (Rh -ve) બ્લડ ગ્રૂપ ધરાવતી માતા 'Rh-પૉઝિટિવ' (Rh +ve) બ્લડ ગ્રૂપ ધરાવતા બાળકને જન્મ આપે છે. આ ઉપરાંત, કેટલીક વાર A, B અને O બ્લડ ગ્રૂપ વચ્ચેની વિસંગતતાને કારણે પણ નવજાત શિશુમાં ગંભીર કમળો થઈ શકે છે."
"પ્રસૂતિ દરમિયાન થતી ઈજાઓ, જેમ કે ખોપરીનાં હાડકાંની બહાર લોહીનો ગઠ્ઠો જામી જવો, તેના કારણે પણ કમળો વધુ ગંભીર બની શકે છે. કારણ કે આ ગઠ્ઠામાં રહેલાં રક્તકણો તૂટે છે અને શરીરમાં 'બિલિરુબિન'નું પ્રમાણ વધી જાય છે. આ સિવાય, થાઇરૉઇડની સમસ્યા અથવા G6PDની ઊણપ જેવી ચયાપચય સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે પણ નવજાત શિશુને ગંભીર કમળો થઈ શકે છે."

ઇમેજ સ્રોત, Getty Images
કમળાની અસર બાળકના મગજ અથવા ચેતાતંત્ર પર થઈ રહી હોવાનો સંકેત આપતાં કોઈ ચોક્કસ ચેતવણીનાં લક્ષણો હોય છે કે કેમ તેવા સવાલના જવાબમાં ડૉ. વૈદ્યે કહ્યું, "બિલિરુબિનનું પ્રમાણ ચોક્કસ મર્યાદા કરતાં વધી જાય તો કમળો જોખમી બની શકે છે, કારણ કે બિલિરુબિન મગજમાં પ્રવેશીને તેને નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિનાં શરૂઆતનાં લક્ષણોમાં બાળકનું ખૂબ સુસ્ત થઈ જવું અથવા તેનાથી વિપરીત, ખૂબ ચીડિયું થઈ જવું સામેલ છે."
તેઓ કહે છે, "આવાં બાળકો દૂધ ઓછું પી શકે છે અથવા કેટલીક વાર તેમનું શરીર એકદમ ઢીલું પડી ગયેલું જણાય છે. જો મગજને નુકસાન થવાની પ્રક્રિયા આગળ વધે તો આ સ્થિતિને 'કર્નિક્ટેરસ' કહેવામાં આવે છે. તેમાં બાળકનું ખૂબ ઊંચા અવાજે રડવું, આંચકી આવવી, શરીર જકડાઈ જવું અને ધીમે ધીમે પ્રતિભાવ આપવાનું બંધ કરી દેવું જેવાં લક્ષણો જોવા મળે છે."
ફોટોથૅરપી વિશે શું જાણવું જરૂરી છે?

ઇમેજ સ્રોત, Getty Images
બાળકની ઉંમર, ગર્ભાવસ્થાનાં કેટલાં અઠવાડિયાં પૂરાં થયાં છે (પૂર્ણ સમયગાળો કે સમય કરતાં વહેલો જન્મ) અને અન્ય જોખમી પરિબળોને ધ્યાનમાં રાખીને બિલિરુબિનનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે અને તેના આધારે સારવાર નક્કી થાય છે.
મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલનાં નિયોનેટલ, પીડિયાટ્રિક અને કાર્ડિયાક ઇન્ટેન્સિવ કેર યુનિટનાં કન્સલ્ટન્ટ ડૉ. પ્રીથા જોશીએ ફોટોથૅરપી વિશે વધુ માહિતી આપી.
તેમણે કહ્યું, "આ સારવારમાં વાદળી રંગના વિશિષ્ટ સ્પેક્ટ્રમવાળા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકાશ બિલિરુબિનને એવા સ્વરૂપમાં ફેરવે છે કે જેને બાળક પેશાબ અને મળ વાટે વધુ સરળતાથી શરીરમાંથી બહાર કાઢી શકે છે. બાળકને પ્રકાશ નીચે રાખવામાં આવે ત્યારે તેની આંખો અને જનનાંગોને સુરક્ષિત રાખવામાં આવે છે."
"નિષ્ણાતોની ટીમ બાળકના શરીરનું તાપમાન અને શરીરમાં પ્રવાહીઓનું પ્રમાણ પણ તપાસતી રહે છે. બાળક સારવારને કેવો પ્રતિભાવ આપી રહ્યું છે તે જાણવા માટે બિલિરુબિનનું પ્રમાણ નિયમિતપણે તપાસવામાં આવે છે."
તેમના મતે, "કેટલીક વાર જો કમળાનું કારણ Rh આઇસોઇમ્યુનાઇઝેશન હોય તો તેની સાથે સંબંધિત કેટલીક તબીબી સારવાર પણ શરૂ કરવામાં આવે છે. ભાગ્યે જ જોવા મળતા કેટલાક ગંભીર કિસ્સાઓમાં, સારવારથી યોગ્ય પ્રતિભાવ ન મળે તો લોહી બદલવાની પ્રક્રિયા કરવાની જરૂર પડી શકે છે."

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું, "બાળકને વારંવાર દૂધ પીવડાવવાથી, આદર્શ રીતે 24 કલાકમાં 8થી 12 વખત, તેને પૂરતા પ્રમાણમાં પ્રવાહી અને કૅલરી મળે છે. તેનાથી મળત્યાગ નિયમિત થવામાં મદદ મળે છે અને પરિણામે મળ વાટે બિલિરુબિન શરીરમાંથી બહાર નીકળે છે. પૂરતું દૂધ ન પીવાથી કમળાનું જોખમ વધી શકે છે."
"બાળકને સ્તનપાન કરવામાં અથવા દૂધ ચૂસવામાં મુશ્કેલી પડતી હોય તો માતાઓએ સ્તનપાન અંગે નિષ્ણાતની મદદ લેવી જોઈએ. સામાન્ય રીતે કમળાની સારવાર દરમિયાન પણ સ્તનપાન ચાલુ રાખવામાં આવે છે, સિવાય કે ડૉક્ટર અન્ય કોઈ સલાહ આપે."
આ ઉપરાંત, ડૉ. જોશી એક ખાસ સલાહ પણ આપે છે. તેઓ કહે છે, "માતાપિતાએ સારવાર માટે બાળકને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળવું જોઈએ. ઉપરાંત, ખાંડનું પાણી, જડીબુટ્ટીઓમાંથી બનાવેલી દવાઓ કે ડૉક્ટરે ન લખી હોય તેવી કોઈ પણ દવા આપવી જોઈએ નહીં. આમાંથી કોઈ પણ ઉપાય કમળા માટે અસરકારક હોવાનું સાબિત થયું નથી અને હકીકતમાં તે નુકસાનકારક પણ થઈ શકે છે."
તેઓ કહે છે, "સૂર્યપ્રકાશને કારણે બાળકનું શરીર વધુ પડતું ગરમ થઈ શકે છે અથવા તેની ચામડી દાઝી શકે છે. કમળાની તપાસ હંમેશાં આરોગ્ય નિષ્ણાત પાસે જ કરાવવી જોઈએ. માતાપિતાએ ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલા આહાર, દેખરેખ અને સારવારનું પાલન કરવું જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























