બિસલેરીના પાણીના નમૂનામાં એવું શું મળ્યું કે FSSAIએ કાર્યવાહી કરી?

બિસલેરીના પાણીના નમૂનામાં એવું શું મળ્યું કે FSSAIએ કાર્યવાહી કરી? પાણી, આરોગ્ય, હેલ્થ, બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, FSSAIએ પૅકેજ્ડ ડ્રિંકિંગ વૉટરની તપાસ માટે નિયમો નક્કી કર્યા છે, જે 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવ્યા છે.
    • લેેખક, શુભ રાણા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતમાં મુસાફરી દરમિયાન, રેલવે સ્ટેશન પર કે કોઈ દુકાનેથી પાણીની બૉટલ ખરીદતી વખતે ઘણા લોકો પૅક કરેલા (બૉટલબંધ) પાણીને સીધું જ 'બિસલેરી' કહી દેતા હોય છે. દેશમાં બૉટલબંધ પાણીના બજારમાં 'બિસલેરી' એક જાણીતું નામ છે.

તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે બજારમાં બિસલેરી જેવાં જ નામ અને જુદી-જુદી જોડણી ધરાવતી અનેક બ્રાન્ડ્સ જોવા મળે છે.

પરંતુ હવે આ જ બ્રાન્ડના પૅકેજ્ડ ડ્રિંકિંગ વૉટરના એક નમૂનાને લઈને FSSAIએ કાયદેસરની કાર્યવાહી કરી છે. FSSAIના જણાવ્યા અનુસાર, બિસલેરીના એક નમૂનામાં નક્કી કરેલાં ધોરણોનું ઉલ્લંઘન જણાયું હતું અને તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે.

આખરે આ નમૂનાની તપાસમાં શું મળ્યું? આ કાર્યવાહી અંગે બિસલેરીનું શું કહેવું છે? અને પાણીમાં મળેલાં આ રસાયણોથી આરોગ્યને કેટલું જોખમ થઈ શકે? આ તમામ સવાલોના જવાબો મેળવવા માટે અમે નિષ્ણાતો સાથે વાત કરી હતી.

FSSAIએ બિસલેરીના નમૂના વિશે શું કહ્યું?

22 નવેમ્બર, 2026ના રોજ FSSAIએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર પૉસ્ટ કરીને જણાવ્યું હતું કે, પ્રાધિકરણે 'બિસલેરી ઇન્ટરનૅશનલ પ્રાઇવેટ લિમિટેડ' સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે.

FSSAIના જણાવ્યા અનુસાર, બિસલેરી ઇન્ટરનૅશનલના પરિસરમાંથી પૅકેજ્ડ ડ્રિંકિંગ વૉટરનો નિયમનકારી નમૂનો લેવાયો હતો. પ્રાધિકરણે તેને 'પૅકેજ્ડ ડ્રિંકિંગ વૉટર'ની શ્રેણીમાં મૂક્યો હતો, જે 'નેચરલ મિનરલ વૉટર'થી અલગ હોય છે.

પૅકેજ્ડ ડ્રિંકિંગ વૉટર વિવિધ સ્રોતોમાંથી મેળવવામાં આવે છે. તેને ફિલ્ટરેશન, RO (આરઓ) અને અન્ય પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરીને પીવાયોગ્ય બનાવાય છે, જ્યારે નેચરલ મિનરલ વૉટર જમીનની અંદરના કુદરતી સ્રોતોમાંથી આવે છે અને તેમાં કુદરતી ખનિજ તત્ત્વો હોય છે.

FSSAIના જણાવ્યા મુજબ, નમૂનામાં બ્રોમેટનું પ્રમાણ નક્કી કરેલી મર્યાદા મુજબ ન હતું. ત્યાર પછી તેને ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ, 2006 હેઠળ અસુરક્ષિત જાહેર કરાયો હતો.

કંપનીએ અપીલ કર્યા પછી નમૂનાને રેફરલ ફૂડ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. FSSAIના જણાવ્યા અનુસાર, આ લૅબોરેટરીએ પણ નમૂનામાં પૉલીસાયક્લિક ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન્સ (પીએએચ)ની હાજરી નોંધાવી હતી અને તેને ફરીથી અસુરક્ષિત જાહેર કર્યો હતો.

ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ, 2006 હેઠળ FSSAI ખાદ્ય પદાર્થોનાં ધોરણો નક્કી કરે છે અને નિયમોના ઉલ્લંઘન બદલ સંબંધિત કંપનીઓ સામે કાર્યવાહી કરે છે.

FSSAIએ આ મામલે બિસલેરી સામે કેસ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે, તેનો અર્થ એ નથી કે કંપની અદાલતમાં દોષિત સાબિત થઈ ગઈ છે; હવે આ મામલો કાનૂની પ્રક્રિયા હેઠળ આગળ વધશે.

બિસલેરીનું શું કહેવું છે?

બિસલેરીના પાણીના નમૂનામાં એવું શું મળ્યું કે FSSAIએ કાર્યવાહી કરી? પાણી, આરોગ્ય, હેલ્થ, બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, બિસલેરી ઇન્ટરનેશનલે નિવેદન જાહેર કરીને પોતાના પાણીને સુરક્ષિત ગણાવ્યું છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

FSSAIની કાર્યવાહી પછી કંપનીએ જણાવ્યું હતું કે, આ મામલો સપ્ટેમ્બર 2025માં ગોવામાં આવેલા તેના ઉત્પાદન પ્લાન્ટમાં તૈયાર કરાયેલી એક બૅચ સાથે સંબંધિત છે.

કંપનીના જણાવ્યા અનુસાર, 30 સપ્ટેમ્બર, 2025ના રોજ FSSAIએ ગોવા પ્લાન્ટમાંથી છ નમૂના લીધા હતા.

પ્રાથમિક તપાસમાં પાંચ નમૂના નક્કી કરેલાં ધોરણો મુજબ હતા. છઠ્ઠા નમૂનામાં બ્રોમેટનું પ્રમાણ પ્રતિ લિટર 12 માઇક્રોગ્રામ મળ્યું હતું, જ્યારે તેની નક્કી કરાયેલી મર્યાદા પ્રતિ લિટર 10 માઇક્રોગ્રામની હતી.

બિસલેરીના જણાવ્યા મુજબ, કંપનીએ 22 નવેમ્બર, 2025ના રોજ આ પરિણામ સામે અપીલ કરી હતી.

ત્યાર પછી રેફરલ લૅબોરેટરીએ બ્રોમેટનું પ્રમાણ નક્કી કરેલી મર્યાદામાં હોવાનું જણાવ્યું હતું, પરંતુ એ જ નમૂનામાં પીએએચ (પૉલીસાયક્લિક ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન્સ)ની હાજરી નોંધાઈ હતી.

કંપનીનો દાવો છે કે, તેણે FSSAI દ્વારા માન્યતા પ્રાપ્ત સ્વતંત્ર લૅબોરેટરીમાં પણ તપાસ કરાવી હતી, જેમાં બ્રોમેટનું પ્રમાણ નક્કી કરેલી મર્યાદામાં હોવાનું જણાયું હતું.

બિસલેરીના જણાવ્યા અનુસાર, 2 ફેબ્રુઆરી, 2026ના રોજ સ્વતંત્ર લૅબોરેટરીનો અહેવાલ FSSAIની પશ્ચિમ પ્રાદેશિક કચેરીને મોકલી અપાયો હતો.

કંપનીનું કહેવું છે કે, ત્યાર પછી FSSAI તરફથી કોઈ વધુ માહિતી આપવામાં આવી નહોતી અને કંપનીએ માની લીધું હતું કે આ મામલો પૂરો થઈ ગયો છે.

કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે, તેની ઉત્પાદન પ્રક્રિયામાં દસ તબક્કા અને 90થી વધુ ગુણવત્તા પરીક્ષણ સામેલ છે.

કંપનીએ પોતાનું પાણી સુરક્ષિત હોવાનું જણાવ્યું છે અને નિયમનકારી સંસ્થાઓ સાથે સહકાર આપવાની વાત કહી છે. જોકે, કંપનીના દાવા અને FSSAIની તપાસનાં પરિણામો વચ્ચે તફાવત જોવા મળે છે.

બ્રોમેટ અને પીએએચ શું છે, તે પાણીમાં કેવી રીતે પહોંચે છે?

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ પીવાના પાણીમાં બ્રોમેટ માટેની માર્ગદર્શક મર્યાદા પ્રતિ લિટર 10 માઇક્રોગ્રામ નક્કી કરી છે.

FSSAIએ તપાસ પછી બિસલેરીના એક નમૂનાને અસુરક્ષિત જાહેર કર્યો છે, જ્યારે કંપનીએ પોતાના પાણીને સુરક્ષિત ગણાવ્યું છે.

બંને પક્ષના દાવા વચ્ચે તફાવત જોવા મળે છે. જોકે, કેસ ચલાવવાની મંજૂરી મળવાનો અર્થ એ નથી કે અદાલતે કંપનીને દોષિત ઠેરવી દીધી છે.

FSSAIની આ કાર્યવાહી પછી ઘણા લોકોના મનમાં સવાલ ઊઠ્યો છે કે બ્રોમેટ અને પીએએચ (પૉલીસાયક્લિક ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન્સ) આખરે શું છે?

જાહેર આરોગ્ય ક્ષેત્રે લાંબા સમયથી કાર્યરત સમીર ભાટીના જણાવ્યા અનુસાર, બ્રોમેટ એક રાસાયણિક સંયોજન (કમ્પાઉન્ડ) છે. તે પાણીને ઑઝોન દ્વારા શુદ્ધ કરવાની પ્રક્રિયા દરમિયાન બની શકે છે.

પાણીમાં કુદરતી રીતે રહેલા બ્રોમાઇડ આયન્સ જ્યારે ઑઝોનના સંપર્કમાં આવે છે, ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તેના પરિણામે બ્રોમેટ ઉત્પન્ન થાય છે. WHOના જણાવ્યા અનુસાર પણ, પાણીને ઑઝોનથી શુદ્ધ કરતી વખતે બ્રોમેટ બને છે.

જ્યારે પીએએચ અનેક પ્રકારના રાસાયણિક સંયોજનોનો સમૂહ છે. તે મુખ્યત્વે બળતણ, કોલસો, તેલ અને અન્ય કાર્બનિક પદાર્થોના અપૂર્ણ દહન (અડધા બળવાથી)થી બને છે.

WHOના જણાવ્યા અનુસાર, પીવાના પાણીમાં પીએએચ પહોંચવાનો એક મુખ્ય સ્રોત પાણીની પાઇપલાઇન પર મારેલું કૉલતારનું કૉટિંગ હોઈ શકે છે. આ ઉપરાંત ઔદ્યોગિક પ્રદૂષણ અને દૂષિત જળ સ્રોતો પણ તેનું કારણ બની શકે છે.

જોકે, પીએએચ અનેક અલગ-અલગ સંયોજનોનો સમૂહ છે અને તેની આરોગ્ય પરની અસરો પણ જુદી-જુદી હોઈ શકે છે.

બ્રોમેટ અને પીએએચથી આરોગ્યને કેટલો ખતરો?

બિસલેરીના પાણીના નમૂનામાં એવું શું મળ્યું કે FSSAIએ કાર્યવાહી કરી? પાણી, આરોગ્ય, હેલ્થ, બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

FSSAIના જણાવ્યા અનુસાર, નમૂનામાં બ્રોમેટનું પ્રમાણ નક્કી કરેલી મર્યાદા મુજબ ન હતું.

સમીર ભાટીના જણાવ્યા મુજબ, જો પાણીમાં બ્રોમેટનું પ્રમાણ પ્રતિ લિટર 12 માઇક્રોગ્રામ હોય, તો તે WHO દ્વારા નક્કી કરાયેલી પ્રતિ લિટર 10 માઇક્રોગ્રામની મર્યાદા કરતાં 20 ટકા વધુ ગણાય.

જોકે, તેનો અર્થ એ નથી કે આવું પાણી પીવાથી તરત જ નુકસાન થશે કે કૅન્સર થઈ જશે. પ્રાણીઓ પર થયેલા અભ્યાસોમાં બ્રોમેટના સંપર્કથી કિડની પર અસર અને ગાંઠો થઈ હોવાનું જોવા મળ્યું છે. તે જ રીતે, પીએએચનાં કેટલાંક સંયોજનોને પણ કૅન્સરકારક માનવામાં આવે છે.

પરંતુ બ્રોમેટ અને પીએએચ શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે? આ અંગે અમે 'BLK-Max (બીએલકે-મૅક્સ) સુપર સ્પેશિયલિટી હૉસ્પિટલ'ના રેડિએશન ઑન્કોલોજી વિભાગના ઍટેન્ડિંગ કન્સલ્ટન્ટ ડૉ. સુશાંત સાથે વાત કરી હતી.

ડૉ. સુશાંતના જણાવ્યા અનુસાર, બ્રોમેટનું વધારે પ્રમાણ કોષોને અને ખાસ કરીને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. તેના સંપર્કથી ઊલટી, ઝાડા અને પેશાબ ઓછો થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં કિડની ફેલ (નિષ્ફળ) થવાનું જોખમ પણ રહે છે.

જ્યારે પીએએચનાં કેટલાંક સંયોજનો કોષોના DNA (ડીએનએ)ને નુકસાન પહોંચાડી શકે છે અને લાંબા ગાળે તેના સંપર્કમાં રહેવાથી કૅન્સરનું જોખમ વધી શકે છે.

ડૉ. સુશાંતના જણાવ્યા મુજબ, બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને કિડનીની બીમારી ધરાવતા લોકોએ આ બાબતે ખાસ સાવચેતી રાખવી જોઈએ.

બૉટલબંધ પાણીની તપાસ કેવી રીતે થાય છે?

બૉટલબંધ પાણીની ગુણવત્તાની તપાસ પાણીના સ્રોતથી જ શરૂ થાય છે.

સૌપ્રથમ એ તપાસવામાં આવે છે કે પાણીમાં કોઈ હાનિકારક રસાયણ, ભારે ધાતુ કે બૅક્ટેરિયા તો નથી ને.

ત્યાર પછી પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાંથી પસાર કરાય છે અને પછી તેની ફરી ચકાસણી થાય છે.

આ દરમિયાન ઈ-કૉલાઈ જેવા હાનિકારક બૅક્ટેરિયા, નાઇટ્રેટ, ફ્લોરાઇડ અને બ્રોમેટ જેવાં રસાયણોના પ્રમાણની તપાસ કરવામાં આવે છે.

આ સાથોસાથ પાણીનું pH મૂલ્ય અને TDS (ટીડીએસ)નું સ્તર પણ માપવામાં આવે છે.

પાણીની સાથોસાથ તેના પૅકેજિંગની પણ તપાસ કરાય છે. તેનાથી એ જાણી શકાય છે કે બૉટલ કે કન્ટેનરમાંથી કોઈ હાનિકારક રસાયણ પાણીમાં ભળી રહ્યું નથી ને.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન