યુસુફ પઠાણને વડોદરામાં જે પ્લૉટ આપવાની 2014માં ના પાડી, તે 2026માં કેમ મંજૂર કરાયો?

ઇમેજ સ્રોત, Hardik
- લેેખક, બાદલ દરજી
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
પૂર્વ ક્રિકેટર અને લોકસભાના સાંસદ યુસુફ પઠાણને વડોદરાસ્થિત તેમના ઘરને અડીને આવેલા સરકારી પ્લૉટની ફાળવણી અંગેનો વિવાદ હજુ પણ ચર્ચામાં છે.
તાજેતરમાં જ રાજ્ય સરકારે યુસુફ પઠાણને તેમના ઘરને અડીને જ આવેલા 978 ચો.મી. પ્લૉટ ફાળવવાનો ઠરાવ વડોદરા મહાનગરપાલિકાને મોકલ્યો હતો. આ ઠરાવને 18 નવેમ્બરના રોજ પાલિકાની સામાન્યસભામાં મંજૂરી મળી હતી.
આ મંજૂરી બાદ સરકારી જમીનને હરાજી વગર ખાનગી વ્યક્તિને આપવાથી લઈને આશરે 20 કરોડ રૂપિયાની જમીન રાજકીય લાભ માટે નિયમો બદલીને પાણીના ભાવે આપવામાં આવી હોવાના આરોપ લાગ્યા છે.
તો વડોદરા મહાનગરપાલિકાનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી આ મંજૂરી 'વિશેષ કિસ્સા'માં આપવામાં આવી છે.
આ અહેવાલમાં જાણીએ કે આખો મામલો શું છે...
પ્લૉટ ખરીદવાની માગથી માંડીને મંજૂરી સુધી
માર્ચ 2012 - યુસુફ પઠાણે વડોદરા મહાનગરપાલિકાને પોતાના ઘરને અડીને આવેલા 978 ચો.મી. પ્લૉટ ખરીદવાની માગણી કરતો પત્ર લખ્યો. પાલિકાની સ્થાયી સમિતીએ ઠરાવ પસાર કરીને સામાન્ય સભામાં મોકલ્યો.
જૂન 2012 - ઠરાવમાં 'સરકારી જમીન હરાજી વગર ખાનગી વ્યક્તિને આપવાની' વાત હોવાથી મહાનગરપાલિકાએ સરકારનો અભિપ્રાય માગ્યો.
મે 2013 - યુસુફ પઠાણે મહાનગરપાલિકાને પત્ર લખ્યો, જેમાં તેમણે મૂલ્યાંકન મુજબ કિંમત ચૂકવવાની તૈયારી દર્શાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૂન 2014 – રાજ્ય સરકારે યુસુફ પઠાણની જમીન ફાળવણીની અરજી ફગાવી. પાલિકાએ યુસુફ પઠાણને આ અંગે જાણ કરી.
જૂન 2024 - પઠાણે માગેલા પ્લૉટ પર ગેરકાયદેસર રીતે ફૅન્સિંગ કરીને દબાણ ઊભું કરાયું હોવાનું જણાવી મહાનગરપાલિકાએ તેને દૂર કરવા નોટિસ ફટકારી.
ઑગસ્ટ 2025 - આ નોટિસને પઠાણે ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. સિંગલ જજની બૅન્ચે તેને ગેરકાયદેસર દબાણ ગણાવ્યું. પઠાણે ડબલ જજની બૅન્ચ પાસે અપીલ કરી હતી.
જૂન 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપ વિધાનસભાની ચૂંટણી જીતી ગયો, ત્યાર પછી તરત ટીએમસીના 20 સાંસદો પક્ષ છોડીને નૅશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (એનસીપીઆઈ)માં જોડાઈ ગયા હતા અને તેમાં યુસુફ પઠાણ પણ સામેલ હતા.
ઑગસ્ટ 2026 - ડબલ જજની બૅન્ચ પાસે કરેલી અપીલ યુસુફ પઠાણે પાછી ખેંચી. થોડા જ દિવસોમાં રાજ્ય સરકારે યુસુફ પઠાણને પ્લૉટ ફાળવવાની મંજૂરી આપી.
નવેમ્બર 2026 - વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં યુસુફ પઠાણને જમીન ફાળવવાનો ઠરાવ બહુમતીથી પસાર કરાયો.
યુસુફ પઠાણને કયા કાયદા હેઠળ જમીન અપાઈ?

ઇમેજ સ્રોત, ani
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શહેરી વિસ્તારમાં આવેલી સરકારી જમીનો કોને અને કયા ભાવે આપવી તે માટે રાજ્ય સરકારે સપ્ટેમ્બર 2002માં લૅન્ડ ઍન્ડ ડિસ્પોઝલ ઍક્ટ બનાવ્યો હતો.
જે અંતર્ગત દરેક શહેરમાં આવેલી જમીન 'શહેરી સત્તામંડળ'ને વેચવાની અથવા ભાડાપટ્ટે (99 વર્ષ સુધી) આપવાની સત્તા આપવામાં આવી છે.
કાયદા મુજબ સત્તામંડળ આ જમીન ચાર રીતે આપી શકે છે. હરાજી, ટૅન્ડર, સીધી ઑફર અને ડ્રૉ પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં છાપામાં તેમજ ઑફિસબોર્ડ પર જાહેરાત મૂકવામાં આવે છે.
આ કાયદા હેઠળ અરજી કરનારા અરજદાર છેલ્લાં પાંચ વર્ષથી ગુજરાતમાં રહેતા હોવા જોઈએ. જો અરજીમાં ખોટી માહિતી આપી હોય તો એ રદ કરવામાં આવે છે અને ડિપૉઝિટ પણ પાછી મળતી નથી.
જોકે, વર્ષ 2008માં સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જે મુજબ જે તે શહેરની પાલિકાને જાહેર કામ માટેની જમીન આ કાયદા મુજબ નહીં, પરંતુ તેના પોતાના કાયદા પ્રમાણે આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.
કયા કામ માટે કયા ભાવે જમીન મળે?
ગરીબ પરિવારોનાં ઘર માટે: હાઉસિંગ બોર્ડ જેવી સરકારી સંસ્થાને સત્તામંડળ દ્વારા નક્કી કરાયેલા ભાવ મુજબ જમીન આપી શકાય.
દુકાન અને ધંધા માટે: હરાજી કે ટૅન્ડર દ્વારા જ આપી શકાય. ભાવ બજારભાવથી ઓછો હોઈ શકે નહીં
શાળા અને હૉસ્પિટલ માટે: ટૅન્ડરથી જ આપી શકાય. જોકે તે બજારભાવની અડધી કિંમતે શરૂ થઈ શકે છે
રહેણાક માટે: ટૅન્ડરથી જ આપી શકાય. સૌથી વધારે ભાવ આપનારને જમીન મળે
સત્તામંડળના કર્મચારીઓને: ઘર માટે બજારભાવની અડધી કિંમતે જમીન મળી શકે
બગીચા માટે: પાંચ વર્ષ માટે જમીન આપી શકાય, બાળકોના રમવાની જગ્યા સિવાય બીજું બાંધકામ ન કરી શકાય
રમતના મેદાન માટે: મેદાન બધા લોકો માટે ખુલ્લું રાખવું પડે
ખાલી જગ્યા (પ્લૉટ) માટે: હરાજીથી 1 વર્ષ માટે અપાય
આ મામલે વકીલ શૈલેશ અમીન કહે છે, "હાલમાં પણ તેમને જે સ્પેશિયલ કેસ અંતર્ગત જમીન ફાળવવાની મંજૂરી અપાઈ છે, તેમાં જોગવાઈ છે કે સરકારી જગ્યા હરાજી વગર માત્ર કોઈ ટ્રસ્ટ કે પછી જાહેરહિતનું કાર્ય કરતી સંસ્થાને જ આપી શકાય છે. જોકે, યુસુફ પઠાણ પહેલેથી જ રહેણાક ઉપયોગ માટે જમીનની માગ કરી રહ્યા છે. જેના માટે હરાજી વગર જમીન આપવી ગેરકાયદેસર છે."
'ટીએમસીમાંથી ચૂંટણી જીત્યા ત્યારે નોટિસ અને બળવો કર્યો તો એ જ જમીનની ભેટ'

ઇમેજ સ્રોત, Hardik
વડોદરાસ્થિત સામાજિક સંસ્થા 'વિશ્વામિત્રી બચાવો સમિતિ' સાથે સંકળાયેલા વકીલ શૈલેશ અમીન શરૂઆતથી આ મામલે અવાજ ઉઠાવી રહ્યા હતા.
તેમનું કહેવું છે, "યુસુફ પઠાણ 2007 અને 2011માં ભારતને વર્લ્ડકપ જિતાડનારી ટીમના સભ્ય હતા. 2012માં જ્યારે તેમણે પાલિકા પાસે પ્લૉટની માગણી કરી ત્યારે તેનો ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. જોકે, એ જગ્યા પાલિકાની માલિકીની હોવાથી હરાજી વગર ખાનગી વ્યક્તિને આપી શકાય કે કેમ? તે અંગે રાજ્ય સરકારનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો."
તેમણે આગળ કહ્યું, "રાજ્ય સરકારે 2014માં માગણી ફગાવી દીધી હતી. પણ યુસુફ પઠાણ "પ્લૉટ ફરતે દીવાલ ઊભી કરીને તેનો ઉપયોગ કરતા હતા. કૉર્પોરેશનને તેની જાણ હોવા છતાં ન તો તેને દૂર કર્યું હતું, ન તો દંડ ફટકાર્યો હતો."
શૈલેશભાઈનું કહેવું છે કે કૉર્પોરેશને દસ વર્ષ સુધી આ મામલે મૌન પાળી રાખ્યું હતું અને જ્યારે 2024માં યુસુફ પઠાણ તૃણમૂલ કૉંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા ત્યારે ગેરકાયદેસર દબાણ અંગે નોટિસ ફટકારી હતી. પઠાણ આ મામલો લઈને કોર્ટમાં ગયા અને સમય ખેંચ્યો.
શૈલેશભાઈનું માનવું છે કે હાલમાં જે કાયદા અંતર્ગત તેમને જમીન ફાળવવાની મંજૂરી અપાઈ છે, એ કાયદો 2014માં પણ હતો જ, તો એ સમયે રાજ્ય સરકારે તેના અંતર્ગત મંજૂરી કેમ ન આપી?
'સરકારને માત્ર અમીર મુસ્લિમોની જ પડી છે, ગરીબ મુસ્લિમોનું શું?'
તાંદલજાના જે પ્લૉટ અંગે હાલ વિવાદ ચાલી રહ્યો છે. એ જ ટીપી સ્કીમમાં આવેલાં સહકારનગરમાં પાલિકાએ વર્ષ 2017માં એક હજારથી વધારે મકાનો તોડ્યાં હતાં.
વડોદરા શહેર કૉંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોષીનું કહેવું છે કે "આ ગરીબ મુસ્લિમોને આજે પણ ન તો ઘર મળ્યાં છે, ન તો ભાડાં. જ્યારે એક અમીર મુસ્લિમના વોટ માટે એ જ વિસ્તારમાં તેમને કરોડોની જમીનની લહાણી કરવામાં આવી રહી છે."
આ સિવાય મહાનગરપાલિકા અને ભાજપ પર પ્રહાર કરતા તેઓ કહે છે કે "હાલ તેમની ખુરશી ખતરામાં છે એટલે તેઓ તલપાપડ થઈ રહ્યા છે. તેમને યુસુફ પઠાણનો એક વોટ 15 કરોડમાં પડ્યો છે. જો તેઓ એક પૂર્વક્રિકેટરે દેશને વર્લ્ડકપ જિતાડવામાં મદદ કરી એટલે પ્લૉટની લહાણી કરી રહ્યા હોય તો જ્યારે મહિલા ક્રિકેટર રાધા યાદવે ક્રિકેટ ઍકેડૅમી બનાવવા માટે જમીન માગી તો તે કેમ ન આપી?"
જોકે, અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં સ્થાયી સમિતિનાં ચૅરપર્સન વર્ષાબહેન વ્યાસે કહ્યું હતું કે "રાધા યાદવની માગણી અમારા સુધી પહોંચી નથી. લૅન્ડ ઍન્ડ ડિસ્પોઝલ ઍક્ટ હેઠળ અમે તેમની વાત પણ સાંભળીશું અને વિચાર કરીશું."
યુસુફ પઠાણને 'વિશેષ કિસ્સા'માં મંજૂરી

ઇમેજ સ્રોત, ANI
આ મામલે બીબીસીએ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિનાં ચૅરપર્સન વર્ષાબહેન વ્યાસ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર તરફથી પાલિકા પાસે ઠરાવ આવ્યો હતો, જેને સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી હતી.
સાથે જ સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ વિશેષ કિસ્સાને ભવિષ્યમાં દાખલારૂપ ગણી શકાશે નહીં.
તેમણે આગળ કહ્યું, "ઠરાવમાં કુલ 978 ચો.મી.માંથી 500 ચો.મી. જમીન ભેટરૂપે આપવાની અને બાકીની 478 ચો.મી. જમીન રૂપિયા 2.10 લાખ પ્રતિ ચો.મી.ના ભાવે આપવાની વાત કરવામાં આવી હતી. તેમાંથી પણ યુસુફ પઠાણને 55 ટકા રકમ જ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે."
તો પછી યુસુફ પઠાણને આપવામાં આવેલી રાહતનો ખર્ચ ભોગવશે કોણ?
તેના જવાબમાં વ્યાસે જણાવ્યું, "જે 500 ચો.મી. ભેટરૂપે આપવામાં આવી રહ્યો છે, તેના બદલામાં રાજ્ય સરકાર પાલિકાને પ્લૉટ આપશે." જોકે બાકીના પ્લૉટની રકમમાં અપાયેલી 45 ટકાની રાહત કોણ ભોગવશે, તે અંગે કોઈ સ્પષ્ટતા આપી નહોતી.
આ અંગે બીબીસીએ વડોદરા શહેરનાં મેયર ગીતાબહેન મકવાણાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તે થઈ શક્યો નહોતો. તેમનો સંપર્ક થતા તેમનો પક્ષ અહેવાલમાં ઉમેરી દેવાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















