બાબા રામદેવ વિ. બાબા બાગેશ્વરનો વિવાદ : સનાતનના નામે પાખંડ ફેલાવવાના આરોપો કોણે મૂક્યા?

ઉલ્લેખનીય છે કે 'બાબા બાગેશ્વર' તરીકે જાણીતા ચર્ચિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક કાર્યક્રમ દરમિયાન આપેલાં નિવેદનોથી ભારે હોબાળો થયો હતો
ઇમેજ કૅપ્શન, ઉલ્લેખનીય છે કે 'બાબા બાગેશ્વર' તરીકે જાણીતા ચર્ચિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક કાર્યક્રમ દરમિયાન આપેલાં નિવેદનોથી ભારે હોબાળો થયો હતો
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

યોગગુરુ રામદેવે જાણીતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ અગાઉ આપેલા રામ અને કૃષ્ણ અંગેના 'વિવાદિત' નિવેદનની ટીકા કરી છે.

તેમણે કહ્યું હતું કે આવા લોકો પાખંડનો સહારો લઈને લોકોમાં ભ્રમ ફેલાવે છે. આવા લોકોથી દૂર રહેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે 'બાબા બાગેશ્વર' તરીકે જાણીતા ચર્ચિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક કાર્યક્રમ દરમિયાન આપેલાં નિવેદનોથી ભારે હોબાળો થયો હતો.

આ નિવેદનોમાં તેમણે ભગવાન રામ અને કૃષ્ણની તુલના કરતી ટિપ્પણી કરી હતી.

સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે તેમણે કથિતપણે ભગવાન કૃષ્ણને રામ કરતાં નીચા દેખાડવાની કોશિશ કરી હતી અને કૃષ્ણના દેખાવની મજાક ઉડાવી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા અને ઘણા લોકો તેમના નિવેદનની ટીકા કરી હતી.

હવે રામદેવના નિવેદન બાદ ફરી એ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.

યોગગુરુ રામદેવે શું કહ્યું?

યોગગુરુ રામદેવે કહ્યું કે "જે લોકો દેવી-દેવતાઓની તુલના કરે, અને કહે કે રામ મહાન અને કૃષ્ણ વાંકાચૂકા છે એવા પાખંડી લોકોની મતિ મારી ગઈ છે. આ ખોટી વાત છે. હું બોલું છું, કારણ કે કાલે ઊઠીને કોઈ કહે નહીં કે પાખંડ ચાલી રહ્યું હતું અને સ્વામી રામદેવ ચૂપ રહ્યા. સનાતનના નામે ઢોંગ, પાખંડ નહીં ચાલે."

તેમણે વધુમાં કહ્યું કે "કેટલાક લોકોએ વેદ, પુરાણ, રામાયણ, મહાભારત વાંચ્યાં નથી. એમને લોકશાહી કે બંધારણ વિશે પણ ખ્યાલ નથી અને ગમે ત્યાંથી બકવાસ કર્યા કરે છે."

"વળી કહે છે કે અમે હિન્દુ ધર્મને બચાવીશું. ખોટી વાતો કરીને, સનાતનની નાનીમોટી વાતો કરીને આવા ઢોંગી કથાકારો ભીડને ઉત્તેજિત કરે છે. આવા લોકોથી દૂર રહો."

ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કાર્યવાહીની માગ થઈ હતી

ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનાં નિવેદનોને કારણે ઘણી વાર વિવાદોમાં સપડાતા રહે છે
ઇમેજ કૅપ્શન, ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનાં નિવેદનોને કારણે ઘણી વાર વિવાદોમાં સપડાતા રહે છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપેલા નિવેદન બાદ સોશિયલ મીડિયા તેની ઘણી ચર્ચા થઈ હતી અને કાર્યવાહીની માગ પણ થઈ હતી.

બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ એફઆઇઆર નોંધવાની માગ કરી હતી.

પપ્પુ યાદવે કહ્યું હતું, "તેમનું (ધીરેન્દ્ર શાસ્ત્રીનું) વર્તન શરૂઆતથી જ શંકાસ્પદ રહ્યું છે. આરએસએસ અને ભાજપે હંમેશાં શંકાસ્પદ વર્તન ધરાવતા લોકોને પ્રોત્સાહન આપ્યું છે. મેં પહેલાં પણ કહ્યું છે કે બાબાઓને કથા કરવાના અધિકાર માટે કડક કાયદો હોવો જોઈએ. ધર્મ પર બોલવા માટે એક આદર્શ આચારસંહિતા હોવી જોઈએ, જે કાયદા હેઠળ હોવી જોઈએ."

તો ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર, શિવસેના (યુબીટી)નાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, "આવું કેવી રીતે હોઈ શકે? હવે આ ધર્મશાસ્ત્રી ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની તુલના કરી રહ્યા છે? તેમને પ્રમોટ કરનાર પક્ષ કેમ મૌન છે?"

ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું, "ભાજપ દ્વારા સમર્થિત તમામ બાબાઓ અને ધાર્મિક નેતાઓ વિશેનું સત્ય એક દિવસ બહાર આવશે. જે રામ અને કૃષ્ણને વિભાજિત કરવાની વાત કરે છે તે ધાર્મિક વ્યક્તિ ન હોઈ શકે. સમાજના દરેક વર્ગે આની નિંદા કરવી જોઈએ."

સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે આ ઘટના અંગે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, "સનાતનીઓ કેમ ચૂપ છે? એક બાબા આવું અપમાન કરી રહ્યા છે. પહેલાં તેમણે ભગવાન કૃષ્ણનું અપમાન કર્યું. હવે એવું સંભળાઈ રહ્યું છે કે તેમણે ભગવાન શ્રીરામના પિતા વિશે પણ આવી વાતો કરી છે. સનાતની લોકોનાં બુલડોઝરો ક્યાં ગયાં? જો તેમની પાસે બુલડૉઝર છે તો તેમણે પાડોશી રાજ્યના મુખ્ય મંત્રીને મોકલવા જોઈએ. સરકાર શું કરી રહી છે?"

ધીરેન્દ્ર શાસ્ત્રી પર અખિલેશ યાદવના નિવેદનનો જવાબ આપતા ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ઓપી રાજભરે કહ્યું હતું, "તેમને (અખિલેશ) કૃષ્ણ સાથે શું લેવાદેવા છે? તેમણે ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે મથુરા જવું જોઈએ, પરંતુ તેઓ જઈ રહ્યા નથી. તેઓ ફક્ત ટ્વિટર પર અને પ્રેસ કૉન્ફરન્સમાં જ બોલે છે."

ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા કરવી પડી હતી

જોકે વિવાદ વધતો જોઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ પોતાનાં નિવેદન અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું, "મેં શ્રી ઠાકુરજી (કૃષ્ણ)ને ભાવનાત્મક સ્થિતિમાં ઠપકો આપ્યો હતો, અને ઘણા લોકોએ તેનું ખોટું અર્થઘટન કર્યું. અમે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણને ઠપકો આપીને ભેદ પાડવા માગતા ન હતા. હું પોતે કૃષ્ણનો ભક્ત છું. જો કોઈને દુઃખ થયું હોય, તો અમે માફી માગીએ છીએ. અમે ભગવાનને વિભાજિત કરવાનો પ્રયાસ કર્યો નથી."

ધીરેન્દ્ર શાસ્ત્રીના વિવાદાસ્પદ નિવેદન અને અખિલેશ યાદવ દ્વારા તેમની ટીકા બાદ વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા શ્રીરાજ નાયરે પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું , "વિશ્વ હિંદુ પરિષદ સ્પષ્ટપણે માને છે કે દરેક હિંદુ 'હિંદુ' છે, પછી ભલે તેનો ધર્મ, સંપ્રદાય, સંપ્રદાય, પૂજા પદ્ધતિ કે ભૌગોલિક ક્ષેત્ર કોઈ પણ હોય. અખિલેશ યાદવ એક ચૂંટણીલક્ષી હિંદુ છે. તેઓ ફક્ત ચૂંટણી દરમિયાન જ હિંદુનું ગીત ગાય છે."

રાજકોટમાં 'બાબા બાગેશ્વર'નો થયેલો વિવાદ

જૂન મહિનામાં રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિના બૅનર હેઠળ પાંચ જૂનથી સાત જૂન એમ ત્રણ દિવસ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ પર 'સનાતન સેતુ શ્રી હનુમંત કથા' નામના કાર્યક્રમનું આયોજન કરાયું હતું
ઇમેજ કૅપ્શન, જૂન મહિનામાં રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિના બૅનર હેઠળ પાંચ જૂનથી સાત જૂન એમ ત્રણ દિવસ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ પર 'સનાતન સેતુ શ્રી હનુમંત કથા' નામના કાર્યક્રમનું આયોજન કરાયું હતું

જૂન મહિનામાં રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિના બૅનર હેઠળ પાંચ જૂનથી સાત જૂન એમ ત્રણ દિવસ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ પર 'સનાતન સેતુ શ્રી હનુમંત કથા' નામના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

એ સમયે ભારત જન વિજ્ઞાન જાથા અને રાજકોટના ધારાશાસ્ત્રી પુરુષોત્તમ પીપરિયાએ આક્ષેપ કર્યો હતો કે આવાં આયોજન દરમિયાન કથાના સમય બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી 'દિવ્ય દરબાર' અને 'પ્રેત દરબાર' નામના કાર્યક્રમનું આયોજન કરીને કથિત ચમત્કારોના દાવા કરી લોકોને ગેરમાર્ગે દોરે છે.

પીપરિયાએ આવા આયોજનની મંજૂરી રદ કરવા પોલીસને અરજી કરી હતી.

જોકે આ કથાના આયોજકોએ વિજ્ઞાન જાથા અને પુરુષોત્તમ પીપરિયાના આરોપને ફગાવી દીધો હતો.

રાજકોટના કેટલાક લોકો તેમના દિવ્ય દરબારનો વિરોધ કરી રહ્યા છે અને અમુક પ્રકારના પડકારો ફેંકી રહ્યા છે તેનો જવાબ પૂછવામાં આવતાં રાજકોટ આવી પહોંચેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારોને જણાવ્યું હતું, "જે લોકો મારા વિષે ટિપ્પણીઓ કરી રહ્યા છે તેઓ ક્યારેક એ લોકો વિષે પણ ટિપ્પણીઓ કરે જે દેશને કસ્બા-એ-હિન્દ બનાવવા ઇચ્છે છે અને જેઓ દેશમાં 'લવ જેહાદ' ફેલાવે છે. અમે તો ધર્માંતરણ રોકી રહ્યા છીએ."

ધીરેન્દ્ર શાસ્ત્રી એ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના ગઢા ગામમાં આવેલા બાગેશ્વર ધામના પૂજારી છે. 2022માં નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન 'અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાના આરોપ' પછી તેઓ પહેલી વાર સમાચારમાં આવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન