વૈભવ સૂર્યવંશી: 28 છક્કા, 7 ચોક્કા...15 વર્ષના વૈભવે રચ્યો ઇતિહાસ, માત્ર 52 બૉલમાં ફટકારી બેવડી સદી

ઇમેજ સ્રોત, ANI
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની ગ્રૂપ મૅચમાં ભારત-A તરફથી રમતાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 28 બૉલમાં જ શાનદાર સદી ફટકારી દીધી હતી.
15 વર્ષના આ યુવા બૅટ્સમૅને લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. એટલું જ નહીં તેણે માત્ર 52 બૉલમાં બેવડી સદી પૂર્ણ કરી હતી. વૈભવ લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારા બૅટ્સમૅન બની ગયા છે. વૈભવે યુએઈ સામેની મૅચમાં છક્કા-ચોક્કાનો વરસાદ કરી દીધો.
250 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે ખૂબ ઝડપી શરૂઆત કરી હતી. સૂર્યવંશીએ માત્ર 16 બૉલમાં જ પોતાની અર્ધસદી પૂરી કરી લીધી હતી. સદી ફટકારી ત્યારે વૈભવે 14 છક્કા અને ચાર ચોક્કા ફટકારી દીધા હતા. વૈભવે જૅક ફ્રૅઝર-મૅકગર્કનો રેકૉર્ડ પણ તોડ્યો, જેમણે વર્ષ 2023માં દક્ષિણ ઑસ્ટ્રેલિયા તરફથી તસ્માનિયા સામે માત્ર 29 બૉલમાં સદી ફટકારી હતી. આ મૅચ જીતીને ભારત પાસે સેમિફાઇનલમાં સ્થાન પાક્કું કરવાની તક છે.
આ પહેલાં UAEએ 50 ઓવરમાં આઠ વિકેટે 249 રન બનાવ્યા હતા. ટીમ વતી હરપ્રીતસિંહ ભાટિયાએ 144 બૉલમાં 130 રનની ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી અર્શદ ખાન સૌથી સફળ બૉલર રહ્યો હતો. તેણે ચાર વિકેટ ઝડપી હતી.
સિક્સરનો નવો રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Hagen Hopkins/Getty Images
પોતાની આ વિસ્ફોટક ઇનિંગ્સ દરમિયાન સૂર્યવંશીએ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વધુ એક નવો રેકૉર્ડ પણ બનાવ્યો હતો. આ યુવા બૅટ્સમૅને પોતાની ઇનિંગ્સમાં 28 સિક્સર (છગ્ગા) ફટકારીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. સૂર્યવંશી લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારનારો ભારતીય બૅટ્સમૅન બની ગયો છે.
તેણે રોહિત શર્મા અને ઋતુરાજ ગાયકવાડનો રેકૉર્ડ તોડ્યો છે, જેમણે 16-16 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ 2013માં ઑસ્ટ્રેલિયા સામે આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે ઋતુરાજ ગાયકવાડે 2022ની વિજય હજારે ટ્રૉફીમાં ઉત્તર પ્રદેશ સામે અણનમ 220 રનની ઇનિંગ્સ દરમિયાન 16 સિક્સર ફટકારી હતી.
સૂર્યવંશીએ આ પહેલાં ડિસેમ્બર 2025માં અરુણાચલ પ્રદેશ સામે 190 રનની શાનદાર ઇનિંગ્સમાં 15 સિક્સર ફટકારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























