ગોધરા ટ્રેનકાંડના દોષિત ઇરફાન પાડાની સજા પર સુપ્રીમ કૉર્ટની રોક, તબીબી કારણોસર જામીન

ગોધરા ટ્રેનકાંડના દોષિત ઇરફાન પાડાની સજાને સુપ્રીમ કોર્ટની રોક, તબીબી કારણોસર જામીન, બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ગોધરાકાંડ 2002 ગુજરાત રમખાણ
ઇમેજ કૅપ્શન, સાબરમતી એક્સપ્રેસની એક ફાઇલ તસવીર.

વર્ષ 2002માં ગોધરાકાંડ અને ત્યારબાદ જે રમખાણો થયાં, તે સમયે ઇરફાન પાડાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે ઇરફાનની ઉંમર આશરે 19 વર્ષ હતી. 17 વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કૉર્ટે તેમને રાહત આપી છે.

સુપ્રીમ કૉર્ટે ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવવાના કેસમાં દોષિત ઠરેલા ઇરફાન સિરાજ પાડાની આજીવન કેદની સજાને 23 નવેમ્બરે સ્થગિત કરી છે. કૉર્ટે ગંભીર હૃદયરોગ અને 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો હોવાની બાબતને ધ્યાનમાં રાખીને તેને તબીબી કારણોસર જામીન આપ્યા છે.

જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પી. બી. વરાલેની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો.

ઇરફાન ગંભીર હૃદયરોગથી પીડાતો હોવાની દલીલનો રાજ્ય સરકારે પણ વિરોધ કર્યો નહોતો.

ઇરફાનની ધરપકડ 2002માં થઈ હતી. તે સમયે તેની ઉંમર આશરે 19 વર્ષ હતી અને તે અપરિણીત હતો.

ગોધરાના રહેવાસી અને સાબરમતી એક્સપ્રેસ હુમલા કેસ પર લાંબા સમયથી નજર રાખતા સઇદ ઉમરજીએ બીબીસીને આ માહિતી આપી હતી.

ઉમરજીના જણાવ્યા મુજબ, ઘટનાના સમયે ઇરફાન છૂટક કામ કરતો હતો અને ગોધરા રેલવે સ્ટેશન પર ખાદ્યપદાર્થો વેચતો હતો.

ચાર્જશીટમાં તેને ટોળાના એક સભ્ય તરીકે દર્શાવવામાં આવ્યો હતો. બાદમાં આ કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

ઉમરજીના જણાવ્યા મુજબ, કેસની વિગતો અનુસાર ટ્રેન પર પથ્થરમારો અને હુમલો કરનારા લોકોમાં ઇરફાનનો પણ સમાવેશ થતો હતો.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કેસની કાર્યવાહી દરમિયાન ઇરફાન થોડા સમય માટે જામીન પર બહાર આવ્યો હતો.

જોકે, તે દરમિયાન તેમની સામે અન્ય એક કેસ પણ નોંધાયો હતો.

એ વખતે શું થયું હતું?

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના એસ-6 કૉચમાં ગોધરા રેલવે સ્ટેશન નજીક આગ લાગી હતી.

આ ઘટનામાં 59 લોકોનાં મોત થયાં હતાં.

આગ ઇરાદાપૂર્વક લગાવવામાં આવી હતી કે તે એક અકસ્માત હતો, તે મુદ્દે લાંબા સમયથી વિવાદ રહ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા રચાયેલા તપાસપંચે 2008ના અહેવાલમાં ટ્રેન સળગાવવાની ઘટનાને 'કાવતરું' ગણાવી હતી.

આ પંચે આગ પછી થયેલાં કોમી રમખાણોના સંદર્ભમાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી હતી.

રમખાણો રોકવામાં નિષ્ફળ રહેવા અને હિન્દુ ટોળાંને આડકતરી રીતે પ્રોત્સાહન આપવાના આક્ષેપોને પણ પંચે ફગાવ્યા હતા.

ગુજરાત સરકારના તપાસપંચનાં તારણો સુપ્રીમ કૉર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ઉમેશચંદ્ર બેનરજીના નેતૃત્વ હેઠળ થયેલી અગાઉની તપાસથી અલગ હતાં.

બેનરજીપંચે 2005ના અહેવાલમાં જણાવ્યું હતું કે, કૉચમાં આગ ઇરાદાપૂર્વક લગાવવામાં આવી નહોતી, પરંતુ અકસ્માતે લાગી હતી.

તપાસપંચના મતે, આગ ટ્રેનની અંદરથી શરૂ થઈ હોવાના પુરાવા મળ્યા હતા. કૉચને બહારથી આગ લગાવવામાં આવી હોવાના કોઈ સ્પષ્ટ સંકેત મળ્યા નહોતા.

આ રીતે ગોધરા ટ્રેનકાંડમાં આગ લાગવાનું કારણ અને તેની પાછળ કાવતરું હતું કે નહીં, તે અંગે અલગ-અલગ તપાસોમાં જુદાં-જુદાં તારણો સામે આવ્યાં હતાં.

આ ઘટના પછી ગુજરાતમાં વ્યાપક કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

ગોધરામાં ટ્રેનમાં આગ લાગવાની ઘટના અને ત્યારબાદ થયેલી હિંસા ગુજરાતના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ અને વિવાદાસ્પદ ઘટનાઓ પૈકીની એક માનવામાં આવે છે.

કેસમાં શું કાર્યવાહી થઈ હતી?

કેસની તપાસ અને સુનાવણી પછી માર્ચ 2011માં ટ્રાયલ કૉર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા.

તેમાંથી 11 લોકોને ફાંસીની સજા અને 20 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આ ઉપરાંત, 63 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

વર્ષ 2017માં ગુજરાત હાઇકૉર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. અને અન્ય 20 દોષિતોને ફટકારાયેલી આજીવન કેદની સજા યથાવત્ રાખવામાં આવી હતી.

ત્યારબાદ દોષિતોએ સુપ્રીમ કૉર્ટમાં અપીલ કરી હતી.

અન્ય દોષિતોને પણ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા

આ કેસમાં અગાઉ પણ કેટલાક દોષિતોને સુપ્રીમ કૉર્ટે જામીન આપ્યા છે.

13 મે, 2022ના રોજ સુપ્રીમ કૉર્ટે દોષિત અબ્દુલ રહેમાન ધંતિયા ઉર્ફે કનકટ્ટો ઉર્ફે જાંબુરોને 6 મહિના માટે વચગાળાના જામીન આપ્યા હતા.

તેમનાં પત્ની કૅન્સરથી પીડાતાં હતાં અને તેમની દીકરીઓ માનસિક પડકારોનો સામનો કરી રહી હતી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૉર્ટે તેને રાહત આપી હતી.

11 નવેમ્બર 2022ના રોજ કૉર્ટે તેના જામીન 31 માર્ચ 2023 સુધી લંબાવ્યા હતા.

ડિસેમ્બર 2022માં અન્ય એક દોષિત ફારૂકને પણ જામીન મળ્યા હતા. ટ્રેન પર થયેલા પથ્થરમારમાં તેમની ભૂમિકા હતી

કોર્ટે નોંધ્યું હતું કે તે 17 વર્ષથી વધુ સમય જેલમાં રહી ચૂક્યા હતો.

ત્યારબાદ 21 એપ્રિલ, 2023ના રોજ સુપ્રીમ કોર્ટે અન્ય આઠ દોષિતોને પણ જામીન આપ્યા હતા.

ઇરફાનને 2025માં વચગાળાના પૅરોલ પણ આપવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર તેની સમય પહેલાં મુક્તિ અંગેની અરજી પર વિચાર કરી શકે તે માટે તેને પૅરોલ આપવામાં આવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન