ભારતમાં મોંઘવારી: ચોખા, કઠોળ અને ખાદ્ય તેલના વધતા ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગ પર કેવી પડી રહી છે અસર?

ભારતમાં મોંઘવારી: ખાદ્યપદાર્થોના વધતા ભાવ ભારતીય પરિવારો પર કેવી રીતે દબાણ વધારી રહ્યા છે
    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ભારતમાં મોંઘવારી ફરી વધી રહી છે. અને સૌથી મોટી ચિંતા ખાદ્યપદાર્થોના ભાવને લઈને છે.

સરકારના તાજેતરના આંકડા દર્શાવે છે કે છૂટક મોંઘવારી સપ્ટેમ્બરના 5.54 ટકાથી વધીને ઑક્ટોબરમાં 6.09 ટકા થઈ ગઈ છે.

પરંતુ ખાદ્ય મોંઘવારીને વધુ નજીકથી જોઈએ તો તે 8.94 ટકા સુધી ઊછળી છે.

ગ્રામીણ ભારતમાં દબાણ વધુ તીવ્ર હતું, જ્યાં ખાદ્ય મોંઘવારી 9.09 ટકા હતી, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 8.68 ટકા હતી.

બીજા શબ્દોમાં કહીએ તો, ખાદ્યપદાર્થોના ભાવ એકંદર મોંઘવારીના દર કરતાં નોંધપાત્ર રીતે વધુ ઝડપે વધી રહ્યા છે.

અર્થશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ખાદ્ય મોંઘવારી પાછળ હવામાન સંબંધિત વિક્ષેપો, પુરવઠાની અછત અને ઉત્પાદન ખર્ચમાં વધારો જેવા પરિબળોનું સંયોજન જવાબદાર રહ્યું છે.

ભારતની લગભગ 60 ટકા ખેતીની જમીન વરસાદ પર આધારિત હોવાથી દેશ ચોમાસાની અનિશ્ચિતતા સામે અત્યંત સંવેદનશીલ છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં 13 ટકા ઓછું રહ્યું અને વરસાદનું વિતરણ પણ અસમાન હતું. સાથે જ, વધુ તીવ્ર બનેલી અલનીનો પરિસ્થિતિઓએ કૃષિ ઉત્પાદન માટેના જોખમમાં વધારો કર્યો છે.

પોલિંગ એજન્સી LocalCirclesના સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે દર 10માંથી છ ગ્રાહકો કહે છે કે એક વર્ષ અગાઉની સરખામણીમાં ઘરગથ્થુ આવશ્યક ચીજવસ્તુઓ માટે તેમને દર મહિને 20 ટકાથી વધુ ખર્ચ કરવો પડે છે. તેના કારણે સરકારના હસ્તક્ષેપની માગ ઊઠી છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વધતા ભાવ લોકોની અન્ય ખર્ચમાં પણ કાપ મૂકવા મજબૂર કરી રહ્યા છે: 74 ટકા લોકો બહાર જમવા, ખરીદી અને મનોરંજન જેવા વૈકલ્પિક ખર્ચ ઘટાડી રહ્યા છે, જ્યારે અડધા લોકો આવશ્યક ચીજવસ્તુઓ ઓછી માત્રામાં ખરીદી રહ્યા છે.

ભારતીય પરિવારોના કુલ ખર્ચમાં ખોરાકનો હિસ્સો પહેલાં કરતાં ઓછો થયો છે, પરંતુ તે હજુ પણ મોંઘવારીને આગળ ધપાવતું સૌથી મોટું પરિબળ છે અને તેના નોંધપાત્ર આર્થિક, સામાજિક અને રાજકીય પરિણામો છે.

ભારતના નવા ગ્રાહક ભાવ સૂચકાંકમાં મોંઘવારી માપવા માટે ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ અને સેવાઓની ટોપલીમાં ખાદ્યપદાર્થો અને પીણાંનો હિસ્સો 36.75 ટકા છે. અગાઉની શ્રેણીમાં આ હિસ્સો 45.86 ટકા હતો.

આ નોંધપાત્ર ઘટાડો બદલાતી વપરાશની પદ્ધતિ દર્શાવે છે, કારણ કે ભારતીયો હવે સેવાઓ, પરિવહન, આરોગ્યસંભાળ, શિક્ષણ અને અન્ય બિન-ખાદ્ય વસ્તુઓ પર વધુ ખર્ચ કરી રહ્યા છે.

તેમ છતાં, ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર વધારો એકંદર મોંઘવારીના દરને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. ખાસ કરીને એવા લોકો પર તેની અસમાન રીતે વધુ અસર પડે છે, જેમની આવકમાં ખર્ચ સમાયોજિત કરવાની બહુ ઓછી જગ્યા હોય છે.

મુંબઈ સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચનાં અર્થશાસ્ત્રનાં ઍસોસિયેટ પ્રોફેસર રાજેશ્વરી સેનગુપ્તા કહે છે, "ભારત જેવા ગરીબ દેશ માટે ખર્ચમાં ફેરફાર કરવાની ક્ષમતા નોંધપાત્ર રીતે ઓછી છે." તેઓ એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે પરિવારોની આવકનો નોંધપાત્ર હિસ્સો હજુ પણ ખોરાક પાછળ ખર્ચાય છે.

ભારતમાં મોંઘવારી: ખાદ્યપદાર્થોના વધતા ભાવ ભારતીય પરિવારો પર કેવી રીતે દબાણ વધારી રહ્યા છે

આંકડા પણ આ વાતની પુષ્ટિ કરે છે. એનાલિટિક્સ કંપની ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ધર્મકીર્તિ જોશીની ગણતરી મુજબ, ઑક્ટોબરમાં ગ્રામીણ પરિવારોના સૌથી ગરીબ 20 ટકા વર્ગે 6.9 ટકા મોંઘવારીનો સામનો કર્યો હતો, જ્યારે સૌથી ધનિક 20 ટકા પરિવારો માટે આ દર 6.5 ટકા હતો.

શહેરી ભારતમાં આ દર અનુક્રમે 6.1 ટકા અને 5.3 ટકા હતો.

આ દબાણ સાદા ભોજનના ખર્ચમાં પણ દેખાઈ રહ્યું છે.

ક્રિસિલના રોટી રાઇસ રેટ વિશ્લેષણ પ્રમાણે, ઑક્ટોબરમાં ઘરે બનાવેલી શાકાહારી થાળીનો ખર્ચ એક વર્ષ અગાઉની સરખામણીમાં 12 ટકા વધ્યો હતો. તેનું કારણ ડુંગળી, ટામેટાં, શાકભાજી, ખાદ્ય તેલ, ચોખા અને રસોઈ ગેસના વધેલા ભાવ હતા. માંસાહારી થાળી 9 ટકા મોંઘી થઈ હતી.

Crisilના ઇન્ટેલિજન્સ ડિરેક્ટર પુષણ શર્માના જણાવ્યા પ્રમાણે, એક વર્ષ અગાઉની સરખામણીમાં ચોખાના ભાવ લગભગ 10 ટકા, કઠોળના 8 ટકા, ખાદ્ય તેલના 13 ટકા અને LPGના 10 ટકા વધ્યા હતા.

તેઓ કહે છે, "હવે માત્ર કેટલીક ચીજવસ્તુઓ જ આ વધારાને આગળ ધપાવી રહી નથી, આ વધારો થોડો વધુ વ્યાપક બની રહ્યો છે."

જ્યારે ડુંગળીના ભાવ ઊછળે છે, ત્યારે પરિવારો અમુક હદ સુધી તેનો વપરાશ ઘટાડી શકે છે. પરંતુ ચોખા, કઠોળ અને રસોઈના તેલનો વિકલ્પ શોધવો ઘણી વધુ મુશ્કેલ છે.

અને ખાદ્ય મોંઘવારી માત્ર ખેડૂતો શું પેદા કરે છે તે અંગેની બાબત નથી. ખોરાકને કેટલી કાર્યક્ષમતાથી સંગ્રહિત અને પ્રોસેસ કરવામાં આવે છે અને બજાર સુધી પહોંચાડવામાં આવે છે, તે પણ એટલું જ મહત્ત્વનું છે.

દરેક તબક્કાની નબળાઈ મોસમી અછતને ભાવમાં તીવ્ર ઉછાળામાં અને વધુ પડતા પુરવઠાને બગાડમાં ફેરવી શકે છે.

ઉદાહરણ તરીકે, ડુંગળીના ભાવમાં મોસમ પ્રમાણે થતી વધઘટ ખાસ કરીને વધુ હોય છે.

ડુંગળીના કુલ ઉત્પાદનમાં લગભગ બે-તૃતીયાંશ હિસ્સો ધરાવતો રબી પાક, એટલે કે ચોમાસા પછી વાવવામાં આવતો અને વસંત ઋતુમાં લણવામાં આવતો શિયાળુ પાક, માર્ચ અને એપ્રિલમાં લણવામાં આવે છે અને પછી કેટલાક મહિના સુધી સંગ્રહિત કરવામાં આવે છે.

જથ્થો ઘટતો જાય તેમ આગામી પાક બજારમાં આવે તે પહેલાં ભાવમાં તીવ્ર વધારો થઈ શકે છે.

બીજી તરફ, ટામેટાના ભાવ સામાન્ય રીતે ઉનાળાના મહિનાઓમાં ઊછળે છે, જ્યારે કેટલીક બજારોમાં આવક ઘટે છે અથવા ગરમીના દબાણથી ઉત્પાદન પ્રભાવિત થાય છે.

પુષણ શર્મા કહે છે કે ઝડપથી બગડી જતી ચીજવસ્તુઓ ઘણી વાર ખાદ્ય મોંઘવારીમાં અચાનક ઉછાળા માટે જવાબદાર હોય છે. ચોખા અને ઘઉં જેવા મુખ્ય ખાદ્યપદાર્થોના ભાવ સામાન્ય રીતે વધુ ધીમે વધે છે, પરંતુ લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે.

તેઓ કહે છે, "ઝડપથી બગડી જતી ચીજવસ્તુઓ ભાવની અસ્થિરતાનું કારણ બની. જ્યારે ચોખા અને ઘઉં જેવી ન બગડતી ચીજવસ્તુઓ ખર્ચમાં માળખાકીય રીતે વધારો કરે છે."

અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભારતમાં હજુ પણ ઝડપથી બગડી જતા મોટા પ્રમાણના કૃષિ ઉત્પાદનને છાંટવા, ગુણવત્તા પ્રમાણે વર્ગીકૃત કરવા, સંગ્રહવા અને પ્રોસેસ કરવા માટે પૂરતું માળખું નથી.

ઉદાહરણ તરીકે, વધુ પડતું ઉત્પાદન થાય ત્યારે ટામેટાં એટલી મોટી માત્રામાં ઉપલબ્ધ થઈ શકે છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવા ભાવે વેચવામાં મુશ્કેલી પડે. પરંતુ થોડા મહિના પછી ગ્રાહકોને એ જ ટામેટાં માટે ઘણો ઊંચો ભાવ ચૂકવવો પડી શકે છે.

ભારતમાં મોંઘવારી: ખાદ્યપદાર્થોના વધતા ભાવ ભારતીય પરિવારો પર કેવી રીતે દબાણ વધારી રહ્યા છે
ઇમેજ કૅપ્શન, ભારતની લગભગ 60 ટકા ખેતીની જમીન વરસાદ પર આધારિત હોવાથી અનિયમિત ચોમાસા સામે દેશ સંવેદનશીલ રહે છે.

પુષણ શર્માના જણાવ્યા પ્રમાણે, વધુ સારી સંગ્રહ અને પ્રોસેસિંગ વ્યવસ્થાથી વધારાના ઉત્પાદનના કેટલાક હિસ્સાને પ્યૂરી જેવી વસ્તુઓમાં ફેરવી શકાય, જે પુષ્કળ પુરવઠો અને અછત વચ્ચેની તીવ્ર અસમાનતા ઘટાડવામાં મદદ કરી શકે છે.

બીજા દબાણો પણ છે.

ઊર્જાના ભાવમાં આંચકો પરિવહન, સિંચાઈ અને કૃષિ માટે જરૂરી સામગ્રીના ખર્ચને અસર કરે છે. ખાતરના ભાવ વધી શકે છે. વૈશ્વિક ખાદ્ય તેલ બજાર પણ મહત્વનું છે, કારણ કે ભારત આયાત પર મોટા પ્રમાણમાં નિર્ભર છે.

જોકે, ખાદ્ય મોંઘવારીની સૌથી ખરાબ અસરો સામે ભારત પાસે કેટલીક સુરક્ષા પણ છે.

સરકાર પાસે અનાજનો જથ્થો નિર્ધારિત લઘુતમ સ્તર કરતાં આરામથી વધુ છે. લગભગ 80 કરોડ લોકોને આવરી લેતો મફત અનાજ કાર્યક્રમ પણ વધતા ભાવ સામે રાહત આપે છે. ખાસ કરીને ચોખાનો જથ્થો ઘણો પૂરતો છે.

સેનગુપ્તા કહે છે કે એક વધુ વ્યાપક આર્થિક જોખમ પણ છે.

તેઓ કહે છે, "ખાદ્ય મોંઘવારીની શરૂઆત પુરવઠાના આંચકાથી થઈ શકે છે, પરંતુ તેની અસરો આગળ ફેલાઈ શકે છે."

"જેમને લાગે કે તેમનું વેતન હવે જીવનનિર્વાહના મૂળભૂત ખર્ચને પહોંચી વળતું નથી એવા કામદારો વધુ વેતનની માગ કરી શકે છે. શ્રમ ખર્ચ વધતાં વ્યવસાયો ભાવ વધારી શકે છે."

"ખાદ્યપદાર્થોના ભાવમાં વધારા તરીકે શરૂ થયેલી બાબત ધીમે ધીમે વધુ વ્યાપક મોંઘવારીના દબાણમાં ફેરવાઈ શકે છે. આ એ જ જાણીતી વેતન-ભાવની ચક્રાકાર વૃદ્ધિ છે, જેને કેન્દ્રીય બેન્કો રોકવાનો પ્રયાસ કરે છે."

ભારત માટે આ ખાસ કરીને મુશ્કેલ સંતુલન ઊભું કરે છે.

કૃષિ પ્રમાણમાં ઓછી ઉત્પાદકતા ધરાવતું ક્ષેત્ર છે અને સરકારે લાંબા સમયથી અમુક પાકો માટે લઘુતમ ટેકાના ભાવ, એટલે કે MSP, નક્કી કરીને ખેડૂતોનું રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો છે.

આ એવો લઘુતમ ભાવ છે જેમાં સરકાર પાક ખરીદવાનું વચન આપે છે, જેથી બજારના ભાવ તૂટી પડે ત્યારે ખેડૂતોને સુરક્ષા મળે.

ભારતમાં મોંઘવારી: ખાદ્યપદાર્થોના વધતા ભાવ ભારતીય પરિવારો પર કેવી રીતે દબાણ વધારી રહ્યા છે
ઇમેજ કૅપ્શન, ભારત પાસે ખાદ્ય અનાજનો પૂરતો બફર સ્ટોક છે.

તે જ સમયે, ખાદ્યપદાર્થોના ભાવ રાજકીય રીતે સંવેદનશીલ છે. ડુંગળી અને ટામેટાં જેવા મુખ્ય ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર વધારો ગ્રાહકોમાં ઝડપથી રોષ પેદા કરી શકે છે.

પરિણામે સરકારો નિકાસ પર પ્રતિબંધ મૂકવા, વેપારીઓ કેટલો માલ સંગ્રહી શકે તેની મર્યાદા નક્કી કરવા અથવા અન્ય રીતે ભાવ ઘટાડવાના પ્રયાસો જેવા પગલાં લઈ શકે છે.

ભારતમાં ખોરાકના બદલાતા વપરાશની વધુ વ્યાપક કહાની વર્તમાન મોંઘવારીને વધુ રસપ્રદ બનાવે છે.

એક દાયકા પહેલાંની સરખામણીમાં આજે પરિવારોની ખાવાની રીત બદલાઈ ગઈ છે.

2011-12 અને 2023-24ના વપરાશ સર્વેક્ષણોના વિશ્લેષણ પ્રમાણે, ખોરાક પાછળના ખર્ચમાં અનાજનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટ્યો છે, ખાસ કરીને સૌથી ગરીબ પરિવારોમાં.

આ સબસિડીવાળા ખાદ્ય કાર્યક્રમોની અસર દર્શાવે છે.

દરમિયાન, અભ્યાસમાં જાણવા મળ્યું કે તમામ આવકવર્ગોમાં ડેરી ઉત્પાદનો, ફળ અને માંસ જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ખાદ્યપદાર્થોનો વપરાશ વધ્યો છે અને તેમાં સૌથી મોટો વધારો સૌથી ગરીબ લોકોમાં જોવા મળ્યો છે.

ભારતની ખાદ્ય ટોપલી વધુ વૈવિધ્યસભર બની રહી છે.

પરંતુ આ વૈવિધ્ય ત્યારે જ અર્થપૂર્ણ બને છે, જ્યારે સામાન્ય ભારતીયો તેને ખરીદી શકે.

અંતે, ખાદ્ય મોંઘવારીનો મુદ્દો એ છે કે થાળી સુધી શું પહોંચે છે અને શું બહાર રાખવું પડે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન