સુરત : સવાર-સાંજ કસરત, દિવસે પાર્ટ ટાઇમ નોકરી, અગ્નિવીરની નોકરી માટે દિવસરાત મહેનત કરતા યુવાનોનો સંઘર્ષ

સેનામાં નોકરી, સમાજમાં સન્માન મેળવવા રાતદિવસ મહેનત કરીએ છીએઃ અગ્નિવીરની તૈયારી કરતા યુવાનો શું કહે છે
ઇમેજ કૅપ્શન, સુરતમાં વાહન વ્યવહાર બંધ હોય તેવા રોડ પર યુવાનો સવાર-સાંજ કસરત કરવા આવે છે. તેઓ અગ્નિવીર તરીકે સેનામાં જોડાવા માગે છે.
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

"અમારામાંથી મોટા ભાગના લોકો બહુ સાધારણ પરિવારમાંથી આવે છે. કોઈની આર્થિક સ્થિતિ સારી નથી. અમે માત્ર સેનામાં જોડાવવાનું સપનું જોઈએ છીએ અને તેના માટે પાર્ટ ટાઇમ નોકરીની સાથે સાથે અગ્નિવીરની પરીક્ષાની તૈયારી કરીએ છીએ."

આ શબ્દો છે સુરતના યુવાન દર્શન ચૌધરીના જેઓ વહેલી સવારે સૂરજ ઊગે તે પહેલાં સુરતના ડિંડોલી વિસ્તારમાં એક પુલ નજીક સુમસાન રસ્તા પર હાજર થઈ જાય છે. તેમની સાથે બીજા 40થી 50 યુવાનો પણ હોય છે જેઓ દોડવું, કૂદવું, પુશ-અપ્સ વગેરે કરે છે અને સેનામાં જોડાવા માટે શારીરિક સજ્જતા કેળવે છે.

અહીં આર્થિક રીતે નબળા પરિવારના યુવાનો બહુ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું ન હોય, પરંતુ સમાજમાં પ્રતિષ્ઠા અપાવે તેવી નોકરીનો વિચાર કરે ત્યારે તેમના મનમાં અગ્નિવીરનો ખ્યાલ આવે છે.

ભારત સરકારે 2022માં શરૂ કરેલી આ સ્કીમ હેઠળ સાડા 17 વર્ષથી 21 વર્ષ સુધીની વયના અપરિણીત યુવાનો ચાર વર્ષના ટૂંકા ગાળા માટે આર્મી, ઍરફોર્સ અથવા નૅવીમાં જોડાય છે. આ દરમિયાન તેમને માસિક પગાર મળે છે અને ચાર વર્ષના અંતે 25 ટકા જવાનોને કાયમ માટે સમાવી લેવામાં આવે છે. હાલમાં અગ્નિવીરની પ્રથમ બેચ ચાલે છે અને તેમને બે વર્ષનું ઍક્સ્ટેન્શન આપવાની સરકારે જાહેરાત કરી છે.

સવાર-સાંજ કસરત, દિવસે પાર્ટ ટાઇમ નોકરી

સેનામાં નોકરી, સમાજમાં સન્માન મેળવવા રાતદિવસ મહેનત કરીએ છીએઃ અગ્નિવીરની તૈયારી કરતા યુવાનો શું કહે છે
ઇમેજ કૅપ્શન, નીરજ જાદવ કહે છે કે સરકારી નોકરી મળે તો પરિવારમાં માન વધશે એ ગણતરીથી પણ યુવાનોને અગ્નિવીર બનવું છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં એક જગ્યાએ લગભગ એક કિમી લાંબો ડામર રોડ છે, જે આગળ બીજા રોડ સાથે જોડાયેલો નથી. તેના કારણે અહીં બહુ ઓછાં વાહનો જોવા મળે છે. અગ્નિવીરમાં જોડાવા માટે ફિજિકલ ટેસ્ટની તૈયારી કરતા યુવાનોને આ જગ્યા માફક આવી ગઈ છે.

તેઓ સવારે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી અને સાંજે છથી આઠ વાગ્યા દરમિયાન અહીં આવીને કસરત કરે છે. આ યુવાનોએ 'સડકથી સરહદ' નામે એક જૂથ બનાવ્યું છે જે લગભગ એક દાયકાથી સક્રિય છે.

નીરજ જાદવ નામનો યુવાન હાલમાં એક કૉલેજમાં અભ્યાસ કરે છે અને અગ્નિવીરમાં જોડાવા માટે અહીં પ્રેક્ટિસ કરવા આવે છે. તેમણે કહ્યું કે "અહીં આવતા બધા યુવાનો સાધારણ પરિવારમાંથી આવે છે. કોઈના પિતા કારીગર છે, કાપડની કંપનીમાં કામ કરે છે, ટેમ્પો ચલાવે છે અથવા લેબર તરીકે કામ કરે છે."

તેમણે કહ્યું કે "કેટલાક છોકરા 12મું ધોરણ પાસ છે જ્યારે કેટલાક ગ્રેજ્યુએશન કરી રહ્યા છે."

આ જગ્યા પસંદ કરવા વિશે તેમણે કહ્યું કે, "એક સમયે આ જગ્યા બહુ સુમસાન હતી અને સાંજે નીકળવું મુશ્કેલ હતું. ત્યાર બાદ અહીં એક રોડ બન્યો, પરંતુ તેને આગળના રોડ સાથે જોડવામાં નથી આવ્યો તેના કારણે અહીં વાહનવ્યવહાર જોવા નથી મળતો. તેના કારણે અમે દરરોજ અહીં જ પ્રેક્ટિસ કરવા આવીએ છીએ."

નીરજ કહે છે કે, "અમારું બેકગ્રાઉન્ડ એટલું મજબૂત નથી કે બીજું કંઈ કરી શકીએ. આ છોકરાઓ તૈયારી કરે અને સેનામાં જોડાય તો તેમને સમાજમાં સન્માન મળશે. આ ઉપરાંત અગ્નિવીરમાં નોકરી કરી હશે તો તેમનામાં શિસ્ત આવશે."

સેનામાં નોકરી, સમાજમાં સન્માન મેળવવા રાતદિવસ મહેનત કરીએ છીએઃ અગ્નિવીરની તૈયારી કરતા યુવાનો શું કહે છે
ઇમેજ કૅપ્શન, પ્રમોદ પાટીલે લેખિત પરીક્ષા પાસ કરી છે, હવે ફિજિકલ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે

પ્રમોદ પાટીલ નામના યુવાને અગ્નિવીરમાં જોડાવા માટેની લેખિત પરીક્ષા પાસ કરી લીધી છે અને હાલમાં ફિજિકલ ટેસ્ટની તૈયારી કરે છે.

તેઓ કહે છે કે "સેનામાં જોડાવાનું મારું સપનું છે. હાલમાં હું કૉલેજમાં અભ્યાસ કરું છું અને મારા પિતા કાપડના એક કારખાનામાં નોકરી કરે છે. છેલ્લાં પાંચેક વર્ષથી અમે આ રીતે ટ્રેનિંગ લઈએ છીએ. અમારામાંથી ઘણા લોકો સેનામાં જોડાઈ પણ ગયા છે."

પ્રમોદ સાંજે જ પ્રેક્ટિસ માટે આવે છે. થોડો સમય વોર્મ અપ કર્યા પછી લાંબા અંતર માટે દોડે છે. તેઓ કહે છે કે અગ્નિવીરમાં ચાર વર્ષ નોકરી કરવા મળે તો પછી ઘરે આવીને બીજું પણ કામ કરી શકાશે.

તેઓ કહે છે કે "હું અગ્નિવીરમાં ચાર વર્ષ જઈ આવું તો સ્થાનિક પોલીસ તંત્રમાં અનામતનો લાભ મળી શકે છે. આ ઉપરાંત બીજી જગ્યાએ પણ ભૂતપૂર્વ સૈનિકો માટે જગ્યા અનામત હોય છે જે સારી વાત છે."

અગ્નિવીરમાં શા માટે જોડાવું છે?

સેનામાં નોકરી, સમાજમાં સન્માન મેળવવા રાતદિવસ મહેનત કરીએ છીએઃ અગ્નિવીરની તૈયારી કરતા યુવાનો શું કહે છે
ઇમેજ કૅપ્શન, કેટલાક યુવાનો માને છે કે હાલના નિયમો મુજબ અગ્નિવીર યોજનાના સારા અને નબળા પાસા બંને છે.

કેન્દ્ર સરકારે ચાર વર્ષ અગાઉ સેનાની ત્રણેય પાંખોમાં સૈનિકોની સીધી કાયમી ભરતી કરવાના બદલે અગ્નિવીર યોજના શરૂ કરી તેનો ઉગ્ર વિરોધ થયો હતો. ખાસ કરીને ઉત્તર ભારતના જે રાજ્યોમાં મોટી સંખ્યામાં યુવાનો સૈન્યમાં જોડાવાનું સપનું જોતા હોય છે, તેમણે બહુ આકરો વિરોધ કર્યો હતો.

સુરતમાં અગ્નિવીરની તૈયારી કરતા યુવાનોને આ સ્કીમમાં સારાં અને નબળાં પાસાં બંને જોવા મળે છે. નીરજ યાદવ કહે છે કે આર્મી, ઍરફોર્સ અથવા નૅવીમાં નોકરી કરવા મળે તો ઘણું શીખવા મળશે. આ ઉપરાંત ચાર વર્ષની સર્વિસ પછી લગભગ 11 લાખ રૂપિયાની રકમ હાથમાં આવશે. જોકે, હવે યોજનામાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેના પછી તેની કેવી અસર પડશે તે જોવાનું રહે છે.

નીરજ હાલમાં લેખિત અને ફિજિકલ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. લેખિતની તૈયારી માટે સવારે નવથી ચાર વાગ્યા સુધી લાઇબ્રેરીમાં વાંચે છે. જ્યારે ફિજિકલ ટેસ્ટની તૈયારી કરતા યુવાનો સવારના ચારથી છ વાગ્યા દરમિયાન અને સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી અહીં કસરત કરે છે.

સાધારણ પરિવારના યુવાનોનો સંઘર્ષ

સેનામાં નોકરી, સમાજમાં સન્માન મેળવવા રાતદિવસ મહેનત કરીએ છીએઃ અગ્નિવીરની તૈયારી કરતા યુવાનો શું કહે છે
ઇમેજ કૅપ્શન, સાંજે અંધારું થયા પછી પણ સ્ટ્રીટ લાઇટના સહારે યુવાનો રસ્તા પર દોડવાની પ્રેક્ટિસ કરે છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દર્શન ચૌધરી નામના યુવાન લગભગ ચાર વર્ષથી સેનામાં જોડાવા માટે શારીરિક મહેનત કરે છે. તેઓ કહે છે કે અમારા ગ્રૂપમાંથી લગભગ 50 લોકો સેનામાં પસંદ થઈ ગયા છે. આસામ રાઇફલ્સમાં નોકરી કરતા અહીંના એક સૈનિકે તેમને આના માટે પ્રોત્સાહિત કર્યા છે.

અગ્નિવીર સ્કીમ વિશે તેઓ કહે છે કે, "ચાર વર્ષની નોકરી તો બહુ ઓછી ગણાય. અગ્નિવીરને વર્ષમાં માત્ર 30 દિવસની રજા મળે છે. બહુ દૂર ફરજ બજાવતા હોય તો ઘરે આવવા જવામાં જ ઘણા દિવસો વીતી જાય, પરંતુ અમારી પાસે બીજા નોકરીના સારા વિકલ્પો નથી, તેના કારણે મેં અગ્નિવીરમાં જવાનો વિચાર કર્યો."

આ યુવાનોનું જીવન સરળ નથી. કેટલાક હજુ કૉલેજમાં અભ્યાસ કરે છે અને સાથે સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરે છે. કોઈ ટેમ્પો ચલાવે છે, કોઈ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં નોકરી કરે છે તો કોઈ કારખાનામાં કામ કરે છે.

દર્શનનો પરિવાર ભાડાનાં ઘરમાં રહે છે. તેમના પિતા રિક્ષા ચલાવે છે અને માતા સિલાઈકામ કરીને ઘરને ટેકો આપે છે. તેઓ કહે છે કે અહીં આવતા મોટા ભાગના યુવાનોની આર્થિક સ્થિતિ બહુ નબળી અને અનિશ્ચિત છે. તેઓ પોતે એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં પાર્ટ ટાઇમ નોકરી કરે છે. દર્શનનું કહેવું છે કે અગ્નિવીરોને મહિને 21 હજાર રૂપિયા પગાર હાથમાં આવે છે. આજની મોંઘવારીમાં આટલી રકમમાં ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ છે.

અહીં આવતા યુવાનો ડામર રોડ પર ચાર-પાંચ કિમી દોડવાની પ્રેક્ટિસ કરે છે. અહીં પુલ-અપ અને પુશ-અપ્સ પણ કરે છે. જોકે, ડામર રોડ પર દોડવાનું આસાન નથી. સખત રોડના કારણે પગમાં ઈજા થવાનું જોખમ રહે છે.

નીરજ કહે છે કે, "અમને એક ગોળાકાર, માટીવાળું માટીવાળું ગ્રાઉન્ડ મળી જાય તો બહુ સારું રહેશે કારણ કે દરરોજ ડામર રોડ પર દોડવાથી પગ દુખવા લાગે છે."

દર્શન પણ કહે છે કે "સેનાની પરીક્ષામાં દોડવું એ સૌથી મહત્ત્વની ટેસ્ટ હોય છે. અમારી પાસે દોડવા માટે સારું ગ્રાઉન્ડ હોય તો ફાયદો થાય. ગયા વખતે હું ફિજિકલમાં ફેઇલ થયો હતો અને હજુ પગ દુખે છે."

સૈન્યમાં જોડાવાની અગ્નિવીર સ્કીમ શું છે?

સેનામાં નોકરી, સમાજમાં સન્માન મેળવવા રાતદિવસ મહેનત કરીએ છીએઃ અગ્નિવીરની તૈયારી કરતા યુવાનો શું કહે છે
ઇમેજ કૅપ્શન, મોટા ભાગના યુવાનો સાધારણ પરિવારમાંથી આવે છે. તેઓ પરિવારને ટેકો આપવા પાર્ટ ટાઈમ નોકરી પણ કરે છે.

અગ્નિવીર એ ભારતીય સેનાની ત્રણેય પાંખો - આર્મી, નૅવી અને ઍરફોર્સમાં સૈનિક તરીકે યુવાનોની ભરતી કરવાની અગ્નિપથ યોજનાનો ભાગ છે. તેમાં સાડા 17 વર્ષથી 21 વર્ષની વય સુધીના યુવાનો ચાર વર્ષની સૈન્ય સેવા માટે જોડાઈ શકે છે.

ચાર વર્ષની સેવા પૂરી થયા પછી 25 ટકા, એટલે કે ચોથા ભાગના યુવાનોને મેરિટના આધારે રેગ્યુલર કૅડર તરીકે સમાવી લેવામાં આવે છે, જ્યારે બાકીનાને એક નિશ્ચિત રકમ આપીને છૂટા કરવામાં આવે છે.

આ યોજના 2022માં શરૂ થઈ ત્યારે આવી શરતોના કારણે કેટલાંક રાજ્યોમાં તેનો ઉગ્ર વિરોધ થયો હતો. તાજેતરમાં કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાનો ગાળો બે વર્ષ વધારીને ચાર વર્ષમાંથી છ વર્ષ કર્યો હતો. એટલે કે 25 ટકા અગ્નિવીરોને ચાર વર્ષ પૂરા કર્યા પછી મેરિટના આધારે સેનામાં સમાવી લેવાશે, જ્યારે બાકીના 75 ટકાને બે વર્ષ માટે ઍક્સ્ટેન્શન મળ્યું છે. આમ તેઓ છ વર્ષ પૂરા કરશે ત્યારે મેરિટના આધારે તેમને સમાવી શકાય છે.

અગ્નિવીર યોજનામાં ચાર વર્ષ પછી જે યુવાનોને છૂટા કરવામાં આવે તેમને 10.04 લાખ રૂપિયાની ટૅક્સ-ફ્રી લમ્પસમ રકમ મળે છે, જેને સેવા નિધિ કહેવામાં આવે છે. તેના પર વ્યાજ ઉમેરતા કુલ રકમ લગભગ 11.71 લાખ જેટલી થાય છે. ચાર વર્ષ પછી જેમને સેનાની કોઈ પાંખમાં લેવામાં ન આવે અને છૂટા કરવામાં આવે, તેમને કોઈ ગ્રેચ્યુઇટી કે પેન્શન મળવાપાત્ર રહેતું નથી. પરંતુ રાજ્યોના પોલીસ દળ અને બીજી જુદી જુદી જગ્યાઓમાં તેમના માટે બેઠકો અનામત રાખવામાં આવે છે.

સેનામાં નોકરી, સમાજમાં સન્માન મેળવવા રાતદિવસ મહેનત કરીએ છીએઃ અગ્નિવીરની તૈયારી કરતા યુવાનો શું કહે છે
ઇમેજ કૅપ્શન, લગભગ 40થી 50 યુવાનોનું જૂથ નિયમિત દોડવાની સાથે પુલ-અપ્સ અને પુશ-અપ્સની કસરત પણ કરે છે.

અગ્નિવીરોના પગારની વાત કરીએ તો આર્મી, નૅવી કે ઍરફોર્સમાં તેમને સરખો જ પગાર મળે છે. પ્રથમ વર્ષે આ યુવાનોને માસિક 30 હજાર રૂપિયા પગાર મળે છે, જે દર વર્ષે વધતો જાય છે અને ચોથા વર્ષે માસિક 40 હજાર રૂપિયા સુધી પહોંચે છે.

હવે બે વર્ષના ઍક્સ્ટેન્શન સાથે પાંચમાં વર્ષમાં માસિક 43,500 અને છઠ્ઠા વર્ષે 47,500 પગાર મળશે. જોકે, તેમાંથી માત્ર 70 ટકા માસિક પગાર હાથમાં આવે છે અને 30 ટકા રકમ સેવા નિધિના ભથ્થામાં જાય છે. એટલે કે પ્રથમ વર્ષે દર મહિને હાથમાં 21,000 રૂપિયા પગાર આવે છે અને 9000 રૂપિયા સેવા નિધિના ભથ્થામાં જાય છે. તેની સાથે સરકાર પણ એટલી જ રકમનું યોગદાન આપે છે અને આ રકમ ચાર વર્ષ કે છ વર્ષ પછી લમ્પસમ ચૂકવાય છે.

ગુજરાતમાં સરકારી નોકરીમાં અનામત

ગુજરાત સરકારના કેટલાક વિભાગોમાં વર્ગ -3ની ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા જગ્યા અનામત રાખવામાં આવી છે. મુખ્યત્વે હથિયારધારી સબ-ઇન્સ્પેક્ટર, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ ગાર્ડ વગેરેમાં જગ્યાઓ અનામત હોય છે. આ ઉપરાંત વન વિભાગની વર્ગ - 3ની નોકરીઓમાં અગ્નિવીરોને અનામતનો લાભ મળે છે.

આ ઉપરાંત ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ મળે છે, અગ્નિવીરની પ્રથમ બૅચ માટે ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ અપાય છે. ગુજરાતમાં અમુક ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને ફિજિકલ ટેસ્ટમાં મુક્તિ આપવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન