ફૅરનેસ ક્રીમથી કિડનીની ગંભીર બીમારીનું જોખમ? રૂપ નિખારવાનો દાવો કરતી ક્રીમ અંગે ચોંકાવનારો ખુલાસો

ફૅરનેસ ક્રીમ, બીબીસી ગુજરાતી હેલ્થ, આરોગ્ય, કિડની, રોગ, બીમારી કેરળ, ભારત બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, કિશોરીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ક્રીમની જાહેરાત જોયા બાદ તેણે તેને ખરીદી હતી. (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, અશરફ પડન્ના
    • પદ, તિરુવનંતપુરમ
    • લેેખક, શેરલીન મોલાન
    • પદ, મુંબઈ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતના દક્ષિણના રાજ્ય કેરળમાં પોલીસે એક ફૅરનેસ ક્રીમ બનાવતી એક બ્રાન્ડ સામે કેસ નોંધ્યો છે. આ ક્રીમનો ઉપયોગ કરનારી 17 વર્ષની એક કિશોરીને કિડનીની કથિત ગંભીર બીમારી થઈ હતી.

કિશોરીની સારવાર કરતા ડૉક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, "ક્રીમમાં પારાના ઝેરી સ્તરના કારણે તેને એવી બીમારી થઈ હતી જે કિડનીની લોહી ગાળવાની ક્ષમતાને અસર કરે છે."

કિશોરીની ઓળખ ગુપ્ત રાખવા માટે તેનું નામ જાહેર કરાયું નથી. અહેવાલો અનુસાર, તેણે સોશિયલ મીડિયા પર જાહેરાત જોયા પછી ખીલ અને પિગમેન્ટેશન (ડાઘ-ધબ્બા)ની સારવાર માટે આ ક્રીમ ખરીદી હતી.

ભારતમાં ત્વચાનો રંગ ગોરો કરવાની ક્રીમ પ્રત્યે ભારે આકર્ષણ છે. તેના કારણે ફૅરનેસ ક્રીમ વેચતી અનેક બ્રાન્ડ્સ બજારમાં આવી ગઈ છે, જોકે, એક જાણકારી પ્રમાણે આ તમામ બ્રાન્ડ્સ નિયમન હેઠળ નથી.

નિષ્ણાતોનો દાવો છે કે, આવી કેટલીક ક્રીમમાં પારો અને સીસું જેવી ઝેરી ધાતુઓ હોઈ શકે છે. પરંતુ તે વૉટ્સઍપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ મારફતે વેચાતી હોવાથી ઘણી વાર અધિકારીઓની તપાસમાંથી બચી જાય છે.

તેઓ એમ પણ કહે છે કે, ઘણી બ્રાન્ડ્સ પોતાનાં ઉત્પાદનો પ્રમાણિત કે પરીક્ષણ કરાયેલાં ન હોવા છતાં, સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને નિશાન બનાવી તેમનું માર્કેટિંગ કરે છે.

કિશોરીએ વાપરેલી ક્રીમના લૅબોરેટરી ટેસ્ટમાં તેમાં પારાનું પ્રમાણ 12,500 પાર્ટ્સ પર મિલિયન (PPM) હોવાનું બહાર આવ્યું હતું. ત્વચાનો રંગ ગોરો કરતાં ઉત્પાદનો માટે માન્ય મર્યાદા એક પાર્ટ પર મિલિયન (1 PPM) કરતાં પણ ઓછી છે. કિશોરીની સારવાર કરનાર મલપ્પુરમ જિલ્લાની 'ઍસ્ટર MIMS (એમઆઈએમએસ) મધર હૉસ્પિટલ' દ્વારા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.

ફૅરનેસ ક્રીમ, બીબીસી ગુજરાતી હેલ્થ, આરોગ્ય, કિડની, રોગ, બીમારી કેરળ, ભારત બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, ગોરી ત્વચા પ્રત્યેની પસંદગીનો વિરોધ હવે વધી રહ્યો છે. છતાં ભારતમાં લગ્નના નિર્ણયો, વ્યાવસાયિક તકો અને સુંદરતા અંગેની ધારણાઓ પર તેની અસર હજી પણ વર્તાય છે. (પ્રતીકાત્મક તસવીર)

હૉસ્પિટલના નૅફ્રોલૉજિસ્ટ ડૉ. સતીશે જણાવ્યું હતું કે, કિશોરીને 'મૅમ્બ્રેનસ નૅફ્રોપથી' થઈ હતી. આ કિડનીની એક જીવલેણ બીમારી છે. તેમાં રોગપ્રતિકારક તત્ત્વો જમા થવાથી કિડનીની ગાળણ કરતી દીવાલો જાડી થઈ જાય છે, જેના કારણે પેશાબમાં મોટા પ્રમાણમાં પ્રોટીન જતું રહે છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે ઉમેર્યું હતું કે, ત્વચા દ્વારા શરીરમાં શોષાયેલો પારો કિડનીનાં ગાળણ એકમોને નુકસાન પહોંચાડે છે. તેનાથી લોહીમાં ઝેરી અસર પણ થઈ શકે છે.

જો તેની યોગ્ય સારવાર કરવામાં ન આવે, તો આ ઝેરી અસરના કારણે કિડની ફેલ (નિષ્ફળ) થઈ શકે છે અને નર્વસ સિસ્ટમને પણ ગંભીર નુકસાન પહોંચી શકે છે.

કિશોરીએ જણાવ્યું હતું કે, તેણે લગભગ એક વર્ષ પહેલાં સોશિયલ મીડિયા ઍપ દ્વારા આ ફૅરનેસ ક્રીમ ખરીદવાનું શરૂ કર્યું હતું અને છેલ્લા એક વર્ષમાં તેની ત્રણ બૉટલ ખરીદી હતી.

કિશોરીએ 'ઑનમનોરમા' અખબારને જણાવ્યું હતું કે, "કંપનીએ દાવો કર્યો હતો કે દરરોજ રાત્રે ક્રીમનો સતત ઉપયોગ કરવાથી ખીલ અને પિગમેન્ટેશન (ડાઘ-ધબ્બા) દૂર થશે. નિયમિત ક્રીમ લગાવવાથી દેખીતાં પરિણામો મળશે એવું પણ કંપનીએ કહ્યું હતું."

પરંતુ થોડા મહિના સુધી ક્રીમનો ઉપયોગ કર્યા પછી તેને થાક, માથાનો દુખાવો, ચક્કર અને અનિદ્રા જેવી તકલીફો થવા લાગી હતી. આ ઉપરાંત તેના પગ અને ચહેરા પર સોજો પણ આવવા લાગ્યો હતો.

કિશોરીએ અખબારને આગળ જણાવ્યું હતું કે, તેને સીધા ઊભા રહેવામાં પણ મુશ્કેલી પડતી હતી.

હૉસ્પિટલે જણાવ્યું હતું કે, "કિશોરીને શરૂઆતમાં તેનાં માતાપિતા ગંભીર શારીરિક સોજા અને તીવ્ર તકલીફ સાથે હૉસ્પિટલમાં લાવ્યાં હતાં."

ફૅરનેસ ક્રીમ, બીબીસી ગુજરાતી હેલ્થ, આરોગ્ય, કિડની, રોગ, બીમારી કેરળ, ભારત બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર.

હૉસ્પિટલના નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે, "પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેનાં લક્ષણોમાં અસામાન્ય રીતે થઈ રહેલા વધારાના કારણે ડૉક્ટરોને તેની પાછળ કોઈ ઝેરી પદાર્થ હોવાની શંકા ગઈ. ત્યાર પછી તબીબી તપાસમાં તેના શરીરમાં પારાનું સ્તર ખતરનાક રીતે ઊંચું હોવાનું બહાર આવ્યું."

ડૉક્ટરોને શંકા હતી કે, પારો કિશોરીની ત્વચા મારફતે તેના લોહીના પ્રવાહમાં ભળ્યો હોઈ શકે છે. તેમણે ફૅરનેસ ક્રીમનો નમૂનો ટેસ્ટિંગ માટે લૅબોરેટરીમાં મોકલ્યો હતો.

હૉસ્પિટલે જણાવ્યા અનુસાર, લૅબોરેટરીના રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે, ક્રીમમાં પારાનું પ્રમાણ ભારતમાં કૉસ્મેટિક ઉત્પાદનો માટે 'સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશન' (CDSCO) દ્વારા નક્કી કરેલી માન્ય સુરક્ષા મર્યાદા કરતાં "અતિશય વધારે" હતું.

ત્યાર પછી ડૉક્ટરોએ કિશોરીના શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરવા માટે દવાઓ આપી હતી. આ સાથે જ તેમણે કિડની સંબંધિત તકલીફોની પણ સારવાર કરી હતી.

લગભગ એક મહિના પછી તેને હૉસ્પિટલમાંથી રજા અપાઈ હતી અને હવે તે ઘરેથી સાજી થવાની સારવાર લઈ રહી છે. સોમવારે તેણે બીબીસીને જણાવ્યું હતું કે, તેને હજી પણ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ રહી છે અને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

ડૉ. સતીશે જણાવ્યું હતું કે, "સારવાર શરૂ થયા પછી તેની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો છે. જોકે, તે હજી સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી અને પૂરેપૂરી તંદુરસ્ત થવામાં તેને હજી સમય લાગી શકે છે."

આ દરમિયાન કેરળ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત 'કેરળ સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે' પણ ફૅરનેસ ક્રીમ બનાવતી કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

આ ઘટના ફરી એક વાર ભારતમાં ગોરી ત્વચા પ્રત્યેના આકર્ષણ તરફ ધ્યાન દોરે છે. ખાસ કરીને મહિલાઓ, ગોરી ત્વચા બનાવવાનો દાવો કરતી ક્રીમ નિયમન હેઠળ ન હોય તો પણ ખરીદવા તૈયાર થઈ જાય છે.

તેની પાછળનું કારણ એ છે કે, ભારતીય સમાજમાં શ્યામ ત્વચા પ્રત્યેનો સાંસ્કૃતિક પૂર્વગ્રહ ખૂબ ઊંડો છે. તેના કારણે ગોરી ત્વચા ન ધરાવતા લોકોને ઘણી વાર 'ભેદભાવ'નો સામનો કરવો પડે છે.

તાજેતરનાં વર્ષોમાં સામાજિક કાર્યકરો અને બોલીવુડના કલાકારોએ પણ ગોરી ત્વચા પ્રત્યેની આ અસ્વસ્થ પસંદગીનો વિરોધ કર્યો છે. તેમણે "વધુ ગોરું એટલે વધુ સારું" એવી વ્યાપક માન્યતાને ખુલ્લેઆમ પડકારી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન