સીમાંકન પર ફરીથી બિલ લાવવાથી ભાજપને શું ફાયદો છે?

ઇમેજ સ્રોત, ANI
કેન્દ્ર સરકારે 30 નવેમ્બરથી સંસદનું ચાર દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે.
એપ્રિલમાં લોકસભામાં જરૂરી સમર્થન ન મળી શકવાને કારણે પડી ગયેલું સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલું બિલ હવે નવા સ્વરૂપે ફરી લાવવામાં આવી રહ્યું છે.
આ વખતે સરકારે બે મોટા ફેરફાર કર્યા છે.
પહેલો, સીમાંકનને નવી વસતીગણતરીથી અલગ કરી દેવામાં આવ્યું છે અને બીજો, તમામ રાજ્યોની લોકસભા બેઠકોમાં સમાન રીતે 50 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
સરકારનો તર્ક છે કે આનાથી મહિલા અનામત લાગુ કરવાનો માર્ગ મોકળો થશે, જ્યારે ટીકાકારોનો સવાલ છે કે વસ્તીને આધાર તરીકે હટાવ્યા પછી બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાનો સિદ્ધાંત શું છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ માત્ર બંધારણીય સુધારો નથી, પરંતુ 2029ના રાજકારણ, વિપક્ષી એકતા, દક્ષિણ ભારતીય રાજ્યોની ચિંતાઓ અને મહિલા મતદારો સુધી પહોંચવાની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ પણ હોઈ શકે છે.
આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે શું ભાજપ ખરેખર મહિલા અનામત લાગુ કરવા માગે છે કે પછી આ સીમાંકન દ્વારા નવાં રાજકીય સમીકરણો રચવાનો પ્રયાસ છે?
દક્ષિણ ભારત અને વિપક્ષના મોટા વાંધા દૂર થઈ ગયા?

ઇમેજ સ્રોત, ANI
નવભારત ટાઇમ્સના પૂર્વ સંપાદક અને વરિષ્ઠ પત્રકાર રામકૃપાલસિંહનું માનવું છે કે સરકારે નવા પ્રસ્તાવ દ્વારા દક્ષિણ ભારતીય રાજ્યોની સૌથી મહત્ત્વપૂર્ણ ચિંતાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમના અનુસાર, જો સીમાંકનને નવી વસતીગણતરી સાથે જોડવામાં આવ્યું હોત તો વધુ વસતીવૃદ્ધિ ધરાવતાં રાજ્યો, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારને વધારાની બેઠકોનો લાભ મળ્યો હોત, જ્યારે દક્ષિણનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ પ્રમાણમાં ઘટી શક્યું હોત.
તેમનો તર્ક છે કે જે રાજ્યોએ દાયકાઓ સુધી પરિવાર-નિયોજનની નીતિઓનું પાલન કર્યું છે, તેમને માત્ર ઓછી વસતીવૃદ્ધિના કારણે રાજકીય નુકસાન ન પહોંચાડવું જોઈએ. તેથી બેઠકોમાં સમાન રીતે 50 ટકાનો વધારો અને રાજ્યોનું હાલનું પ્રમાણ જાળવી રાખવાનો નિર્ણય આ વિવાદને ઘણી હદ સુધી સમાપ્ત કરે છે.
વરિષ્ઠ રાજકીય પત્રકાર શરદ ગુપ્તાનું માનવું છે કે સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય ત્યારે જ કર્યો હશે જ્યારે તેને જરૂરી સંખ્યાબળ મળવાનો વિશ્વાસ થયો હશે. તેમના અનુસાર, એક વખત કોઈ બિલ પડી જાય પછી સરકાર તેને ત્યાં સુધી ફરી રજૂ કરતી નથી જ્યાં સુધી તેને તે પસાર થવાનો વિશ્વાસ ન હોય.
બિઝનેસ સ્ટાન્ડર્ડનાં વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડનીસે બીબીસીના કાર્યક્રમ 'દિનભર'માં કહ્યું કે પડદા પાછળ જે કંઈ કરવામાં આવ્યું છે, તે એ જ વિચાર સાથે કરવામાં આવ્યું છે કે આ વખતે બિલ કોઈ પણ સંજોગોમાં પડવું ન જોઈએ.
તેમણે કહ્યું, "કોઈ પણ સરકાર માટે એ અત્યંત શરમજનક સ્થિતિ હોય છે કે બંધારણીય સુધારા જેવું મહત્ત્વપૂર્ણ બિલ પૂરતી તૈયારીના અભાવે પડી જાય."
એનડીએ પાસે બિલ પસાર કરવા માટે પૂરતું સંખ્યાબળ છે કે નહીં એ સવાલ અંગે તેઓ કહે છે કે સંસદીય ગણિતની દૃષ્ટિએ એનડીએ પાસે પૂરતી સંખ્યા છે કે નહીં એ આપણે જાણતા નથી, પરંતુ એપ્રિલથી અત્યાર સુધી રાજકીય પરિસ્થિતિમાં ઘણો ફેરફાર થયો છે.
ટીએમસીમાં વિભાજન થયું છે અને બળવાખોર પક્ષ ભાજપનું સમર્થન કરી રહ્યો છે. બીજી તરફ, લોકસભામાં 22 બેઠકો ધરાવતી ડીએમકે સતત કહી રહી હતી કે તેના રાજ્યની બેઠકોમાં ઘટાડો થવો જોઈએ નહીં.
એવું લાગે છે કે સરકારે સુધારેલા બિલમાં આ જ ચિંતાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. કદાચ આ જ કારણ છે કે સરકાર વસતીના પ્રમાણ પ્રમાણે બેઠકો વધારવાની શરતમાંથી પાછળ હટી ગઈ છે.
તેઓ કહે છે કે ડીએમકેના નેતૃત્વના તાજેતરના વલણ પરથી સંકેત મળે છે કે તેમના માટેનો મોટો વિવાદાસ્પદ મુદ્દો ઘણી હદ સુધી ઉકેલાઈ ગયો છે. તેઓ પ્રતીકાત્મક વિરોધ નોંધાવી શકે છે, પરંતુ તીવ્ર વિરોધ કરતા દેખાતા નથી. એ જ રીતે વાયએસઆર કૉંગ્રેસ પણ આ બિલને સમર્થન આપી શકે તેવા સંકેતો આપી રહી છે.
વસતીગણતરીની શરત દૂર કરવા પાછળ શું વિચાર છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
રામકૃપાલસિંહ અનુસાર, કોવિડ મહામારીને કારણે 2021ની વસતીગણતરી થઈ શકી નહોતી. જો સરકારે વસતીગણતરી પૂરી થવાની અને એ બાદ સમગ્ર સીમાંકન પ્રક્રિયાની રાહ જોઈ હોત, તો મહિલા અનામતનો અમલ પણ લાંબા સમય સુધી ટળી શક્યો હોત.
તેમના મતે હાલના સુધારાનો મૂળ હેતુ સીમાંકનને વસતીગણતરીથી "ડી-લિંક" કરવાનો છે, જેથી રાજકીય પ્રતિનિધિત્વ અને મહિલા અનામતના માર્ગમાં સતત વિલંબ ન થાય.
બીજી તરફ, શરદ ગુપ્તા કહે છે કે હાલની વસતીગણતરીની પ્રક્રિયા હજુ લાંબી ચાલશે, કારણ કે મણિપુરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં એપ્રિલ 2027 સુધી વસતીગણતરી પર હાઇકોર્ટે રોક લગાવી છે.
તેઓ કહે છે કે વસતીગણતરી પછી વિવિધ સામાજિક વર્ગો, એસસી-એસટી, ઓબીસી, વયજૂથ અને અન્ય આંકડાને અંતિમ સ્વરૂપ આપવામાં પણ સમય લાગે છે.
શરદ ગુપ્તા અનુસાર, જો સરકારે વધુ એક વર્ષ રાહ જોઈ હોત તો 2028 આવી જાત અને પછી 2029ની સામાન્ય ચૂંટણી નજીક હોવાને કારણે સીમાંકનની પ્રક્રિયા પૂરી કરવાનું કામ મુશ્કેલ બની શક્યું હોત.
તેમનું માનવું છે કે આ કારણોસર પણ સરકારે વસતીગણતરીની શરત અંગેનું પોતાનું જૂનું વલણ બદલ્યું. દક્ષિણનાં રાજ્યોની મુખ્ય શરત પણ એ જ હતી કે સીમાંકનને વસતીના પ્રમાણ સાથે જોડવામાં ન આવે.
જોકે, સરકાર નવા સંશોધન બિલમાં દરેક રાજ્યની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાની જોગવાઈ લાવી રહી હોવાનો દાવો છે.
અદિતિ ફડનીસ આ મુદ્દે સવાલ ઉઠાવે છે.
તેમણે કહ્યું, "સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા નવા બિલમાં વસતીગણતરીની જે શરત દૂર કરવામાં આવી છે અને જે નવા ફેરફારો કરવામાં આવ્યા છે, તેનો મૂળ આધાર શું છે? આ નવો પ્રસ્તાવ કયા સંગઠનાત્મક અથવા બંધારણીય સિદ્ધાંતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે તે સ્પષ્ટ નથી."
તેમણે કહ્યું, "50 ટકાના વધારાનો તર્ક શું છે? જ્યારે વસતીને આધાર બનાવવામાં આવતી નથી, તો મહિલા અનામત 33 ટકા શા માટે અને બેઠકોમાં વધારો 50 ટકા શા માટે? આ એક અસામાન્ય સ્થિતિ છે. સીમાંકન કયા સિદ્ધાંતના આધારે કરવામાં આવી રહ્યું છે તે હજુ સ્પષ્ટ નથી."
જોકે, રામકૃપાલસિંહનું માનવું છે કે સંસદ અને જનતા વચ્ચે પ્રતિનિધિત્વનું અંતર સતત વધ્યું છે. તેમની દલીલ છે કે આજની વસતીની સરખામણીમાં હાલની લોકસભાનું કદ અપૂરતું છે અને એક સાંસદના મતવિસ્તારમાં વસતી ઘણી વધારે છે.
આવી સ્થિતિમાં દરેક રાજ્યમાં બેઠકોની સંખ્યામાં 50 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. તેમનું એ પણ કહેવું છે કે મહિલાઓને 33 ટકા અનામત આપવા માટે બેઠકોની સંખ્યા વધારવી જરૂરી બની ગઈ હતી, જેથી હાલના પ્રતિનિધિઓની બેઠકો પર મોટા પાયે અસર કર્યા વિના નવી વ્યવસ્થા લાગુ કરી શકાય.
શું વિપક્ષ હવે આ બિલનો વિરોધ કરી શકશે?

ઇમેજ સ્રોત, ANI
રામકૃપાલ સિંહનું આકલન છે કે એપ્રિલમાં જ્યારે બિલ અટકી ગયું હતું ત્યારથી પરિસ્થિતિમાં ઘણો ફેરફાર થયો છે.
ડીએમકે, તેલુગુ રાજકારણના કેટલાક પક્ષો અને અન્ય પ્રાદેશિક પક્ષોના વલણને જોતાં હવે આ બિલ પડી જવાની શક્યતા ઘણી ઓછી દેખાય છે.
શરદ ગુપ્તાને હાલમાં કોઈ મોટો સંસદીય અવરોધ દેખાતો નથી. તેમના અનુસાર, "ઘણા રાજકીય પક્ષો ભાજપના સમર્થનમાં દેખાઈ રહ્યા છે અને વિપક્ષ પાસે પણ આ મુદ્દે બહુ વિકલ્પો દેખાતા નથી."
તેમનું માનવું છે કે ભાજપ ઘણી વખત મહત્ત્વપૂર્ણ કાયદાકીય નિર્ણયો અચાનક સામે લાવીને વિપક્ષને તૈયારી માટે ઓછો સમય આપે છે. તેઓ તેને "એમ્બુશ સ્ટ્રેટેજી" કહે છે.
તેમના જણાવ્યા પ્રમાણે, અગાઉ પણ વિપક્ષ સંપૂર્ણ રીતે તૈયાર નહોતો. જો આ વખતે પણ વિપક્ષ પૂરતી તૈયારી ન કરી શકે અને વિભાજિત રહે, તો ભાજપને આ બંધારણીય બિલ પસાર કરવામાં સરળતા રહેશે અને તેનો રાજકીય લાભ પણ મળી શકે છે.
અદિતિ ફડનીસ કહે છે કે એનડીએ પાસે કેટલું સંખ્યાબળ છે તે આપણે જાણતા નથી, પરંતુ એપ્રિલથી અત્યાર સુધી રાજકીય પરિસ્થિતિ ઘણી બદલાઈ છે.
ટીએમસીમાં વિભાજન થયું છે અને બળવાખોર પક્ષ ભાજપનું સમર્થન કરી રહ્યો છે. મહારાષ્ટ્રના વિપક્ષી પક્ષોએ પણ સમર્થનના સંકેતો આપ્યા છે. આવી સ્થિતિમાં કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પાસે વિકલ્પો ઓછા બચ્યા છે.
તેઓ કહે છે કે જો બિલ પસાર થઈ જાય તો વિપક્ષે, ખાસ કરીને કૉંગ્રેસે, સીમાંકન પછી રચાયેલી નવી બેઠકો અનુસાર ચૂંટણીમાં ઊતરવાની તૈયારી કરવી પડશે.
સીમાંકન દ્વારા ભાજપને રાજકીય લાભ?
આસામ અને અન્ય રાજ્યોના સીમાંકન અંગે લગાવવામાં આવતા આરોપોને રામકૃપાલસિંહ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનો ભાગ માને છે. જ્યારે શરદ ગુપ્તાનું માનવું છે કે કેટલાંક રાજ્યોમાં થયેલા સીમાંકને સવાલો તો ઊભા કર્યા છે.
અદિતિ ફડનીસે સીમાંકનની પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેઓ કહે છે કે સીમાંકન દ્વારા મતવિસ્તારોની નવી રચના સામાજિક, જાતીય અને ધાર્મિક સમીકરણોને પ્રભાવિત કરી શકે છે.
કયા વિસ્તારમાં કયો સામાજિક સમૂહ પ્રભાવશાળી બનશે અને ચૂંટણીપરિણામો પર તેની શું અસર પડશે તે સીમાંકન એક મહત્ત્વપૂર્ણ રાજકીય પાસું છે.
ફડનીસ અનુસાર, "1997માં ગુજરાત વિધાનસભાના સીમાંકન દરમિયાન અમિત શાહે આ પ્રક્રિયાને ખૂબ નજીકથી સમજી હતી અને તેમાં ભૂમિકા ભજવી હતી. એ પછી આજ સુધી થયેલી ચૂંટણીઓમાં કૉંગ્રેસ ગુજરાતમાં ફરી સત્તામાં આવી શકી નથી."
તેમનું આકલન છે કે અમિત શાહ દેશના એવા નેતાઓમાં સામેલ છે, જેઓ સીમાંકનના રાજકીય પ્રભાવને ઊંડાણથી સમજે છે.
મતવિસ્તારોની સીમાઓમાં થતા ફેરફારો લાંબા સમય સુધી ચૂંટણી રાજકારણને પ્રભાવિત કરી શકે છે અને ભાજપ આ પાસાને સારી રીતે સમજે છે.
બીજી તરફ, સીમાંકન પ્રક્રિયામાં ચૂંટણીપંચની ભૂમિકા અંગે ઊઠેલા સવાલો વિશે શરદ ગુપ્તા કહે છે કે ચૂંટણી કમિશનરોની નિષ્પક્ષતા અંગે રાજકીય વિવાદ અગાઉથી છે.
તેમનું માનવું છે કે સીમાંકન જેવી પ્રક્રિયાની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવી જરૂરી છે અને તેના માટે સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ દેખાવી પણ જોઈએ.
તેઓ કહે છે કે જો સીમાંકન નિષ્પક્ષ રીતે કરવામાં આવે તો તેના વિશે ઊઠતા ઘણા સવાલો આપોઆપ સમાપ્ત થઈ શકે છે.
જો બિલ પસાર ન થાય તો શું થશે?

ઇમેજ સ્રોત, ANI
સીમાંકન બિલમાં રાજ્યવાર બેઠકોની સંખ્યામાં 50 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ છે.
રામકૃપાલસિંહની એક રસપ્રદ દલીલ એ છે કે આ મુદ્દે ભાજપને બંને પરિસ્થિતિમાં રાજકીય લાભ મળી શકે છે.
તેમના અનુસાર, જો બિલ પસાર થઈ જાય તો ભાજપ તેને મહિલા સશક્તીકરણ અને પ્રતિનિધિત્વ વધારવાની ઐતિહાસિક સિદ્ધિ તરીકે રજૂ કરશે.
જો કોઈ કારણસર બિલ અટકી જાય, તો ભાજપ એવો સંદેશ આપવાનો પ્રયાસ કરશે કે વિપક્ષ મહિલાઓને રાજકીય અધિકારો આપવાના માર્ગમાં અવરોધ ઊભો કરી રહ્યો છે.
રામકૃપાલસિંહનું માનવું છે કે આ પગલું રાજકીય રીતે અત્યંત યોગ્ય સમયે લેવામાં આવ્યું છે.
ઇન્ડિયા ગઠબંધન ઘણા પ્રસંગોએ એક દેખાય છે, પરંતુ મહત્ત્વપૂર્ણ રાજકીય ક્ષણોમાં તેની અંદરના મતભેદો સામે આવી જાય છે. ભાજપે આ મુદ્દો એવા સમયે આગળ વધાર્યો છે જ્યારે રાજ્યોની ચૂંટણીઓ નજીક હોવાથી મહિલા અનામતનો વિરોધ કરવો વિપક્ષી પક્ષો માટે રાજકીય રીતે મુશ્કેલ બની શકે છે.
રામકૃપાલસિંહ કહે છે કે મહિલા અનામત અંગે ભાજપનું વલણ નવું નથી. તેમના કહેવા પ્રમાણે, ભૂતકાળમાં જ્યારે મહિલા અનામતનો મુદ્દો ઊઠ્યો હતો ત્યારે પણ ભાજપ તેનું સમર્થન કરતો હતો.
અદિતિ ફડનીસનું માનવું છે કે મહિલા અનામતના મુદ્દે ભાજપ રાજકીય રીતે વધુ તૈયાર દેખાય છે.
તેમના અનુસાર, ભાજપ લાંબા સમયથી એવો રાજકીય સંદેશ આપવામાં સફળ રહ્યો છે કે તે મહિલા અનામતનું સમર્થક છે, જ્યારે કૉંગ્રેસ આ મુદ્દે એટલી આક્રમક અને સંગઠિત વ્યૂહરચના બનાવી શકી નથી.
તેમનું કહેવું છે કે જો મહિલા અનામત લાગુ થાય તો તેનાથી મળનારો રાજકીય લાભ મેળવવા માટે ભાજપે અન્ય પક્ષોની સરખામણીમાં વધુ તૈયારી કરી છે.
શરદ ગુપ્તા અનુસાર, જો આ બિલ પસાર થાય તો ભાજપ તેને મોટી સિદ્ધિ તરીકે રજૂ કરશે. તેઓ તેની સરખામણી એવા મુદ્દા સાથે કરે છે જેને એક સમયે અશક્ય માનવામાં આવતા હતા, જેમ કે કલમ 370 દૂર કરવી અથવા રામમંદિરનું નિર્માણ.
ભાજપ આવા મુદ્દાઓને પોતાની રાજકીય સિદ્ધિ તરીકે પ્રચારિત કરશે અને તેનો ચૂંટણીલક્ષી લાભ મેળવવાનો પ્રયાસ કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























