પાકિસ્તાનમાં પત્ની-સંતાનોને મળવા ભારતીય પિતાએ નદીમાં ઝપલાવ્યું, જીવતા પરિવારને ન મળી શક્યા, મોત બાદ મૃતદેહ મળ્યો

ઇમેજ સ્રોત, Maqsood Muntazir/ Getty Images
- લેેખક, નસીર ચૌધરી
- પદ, બીબીસી ઉર્દુ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
પત્ની અને બાળકોને મળવા નીકળેલા બારામુલ્લાના ઇરફાન હસન શાહનો મૃતદેહ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મળ્યો.
પાકિસ્તાનના અધિકારીઓએ નીલમ નદીમાંથી મળેલા ઇરફાન હસન શાહના મૃતદેહને મુઝફ્ફરાબાદમાં રહેતાં તેમનાં પત્ની અને બાળકોને સોંપી દીધો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇરફાન હસન શાહ ભારત પ્રશાસિત કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના રહેવાસી હતા અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં રહેતાં તેમનાં પત્ની અને બાળકોને મળવાનો પ્રયાસ કરતી વખતે તેઓ નીલમ નદીમાં ડૂબી ગયા હતા.
ભારત સરકારે એપ્રિલ 2025માં થયેલા પહેલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં રહેતાં ઇરફાનનાં પત્ની અને બાળકોને પાકિસ્તાની નાગરિક હોવાને કારણે ડિપોર્ટ કરી દીધાં હતાં.
ત્યારબાદ તેમનો પરિવાર મુઝફ્ફરાબાદમાં રહેવા લાગ્યો હતો. જોકે, ઇરફાન ભારતીય નાગરિક હોવાથી બારામુલ્લા જિલ્લામાં જ રહી ગયા હતા.
ઇરફાનનાં બાળકોનો દાવો છે કે બારામુલ્લામાં રહેતા તેમના પિતા સમયાંતરે તેમનો સંપર્ક કરતા હતા.
તેમની છેલ્લી વાર આશરે 15 દિવસ પહેલાં વાત થઈ હતી. તે દરમિયાન ઇરફાન હસન શાહે કહ્યું હતું કે તમામ અડચણો છતાં તેઓ કોઈ પણ ભોગે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પહોંચવાનો પ્રયાસ કરશે.
પરિવારનું કહેવું છે કે ત્યારબાદ તેમના પિતા સાથે કોઈ સંપર્ક થયો નહોતો. પાછળથી તેમને માહિતી મળી કે ઇરફાનનો મૃતદેહ નીલમ નદીમાંથી મળી આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇરફાન હસન શાહનો મૃતદેહ મળ્યા બાદ એ વાત પર વિવાદ શરૂ થઈ ગયો હતો કે ભારતીય નાગરિક હોવાને કારણે તેમનો મૃતદેહ ભારતીય અધિકારીઓને સોંપવામાં આવે કે પછી મુઝફ્ફરાબાદમાં રહેતાં તેમનાં પત્ની અને બાળકોને.
આસિસ્ટન્ટ કમિશનર અથકમામ ચૌધરી બશારતે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં રહેતા ઇરફાનના ભાઈ અને બહેનોની સંમતિ બાદ તેમનો મૃતદેહ મુઝફ્ફરાબાદમાં રહેતાં તેમનાં પત્ની અને બાળકોને સોંપી દેવામાં આવ્યો.
આસિસ્ટન્ટ કમિશનરના જણાવ્યા મુજબ, જ્યારે કોઈ મૃત વ્યક્તિનાં પત્ની અને બાળકો હાજર હોય, ત્યારે વારસાના અધિકારની દૃષ્ટિએ તેઓ સૌથી પહેલાં હકદાર હોય છે. આ જ કારણે તમામ જરૂરી મંજૂરી અને કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો.
સ્થાનિકોના મતે, આ ફક્ત એક ઘટના નથી, પરંતુ અલગ થયેલા એક પરિવારના વિરહ, લાચારી અને છૂટા પડેલા પરિવારજનો વચ્ચેના છેલ્લા પુનઃમિલનની ઝંખનાની પીડાદાયક કહાણી છે.
પરંતુ પ્રશ્ન એ છે કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઇરફાન હસન શાહનાં લગ્ન કેવી રીતે થયાં, તેમનો મૃતદેહ અધિકારીઓ સુધી કેવી રીતે પહોંચ્યો અને મૃતદેહ સોંપવા અંગે શું વિવાદ હતો?
જ્યારે નદીમાં મળ્યો અજાણ્યો મૃતદેહ

ઇમેજ સ્રોત, DMA
23 નવેમ્બરે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના નીલમ જિલ્લાના અધિકારીઓને માહિતી મળી કે કેરન વિસ્તારમાંથી વહેતી નીલમ નદીમાં એક મૃતદેહ દેખાયો છે.
શરૂઆતમાં અધિકારીઓ અને સ્થાનિક લોકોને લાગ્યું કે કદાચ કોઈ અજાણી વ્યક્તિ નદીના તેજ પ્રવાહનો શિકાર બની ગઈ છે.
નીલમ જિલ્લાની ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીના પ્રમુખ અખ્તર અયૂબના જણાવ્યા મુજબ, 23 નવેમ્બરની સવારે આશરે 11 વાગ્યે નીલમ નદીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.
ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીની ટીમે શારદા વિસ્તારની 'કાશ્મીર બોટિંગ ક્લબ', પાકિસ્તાન આર્મીની કેરન યુનિટ અને સ્થાનિક પોલીસની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો.
તેમના જણાવ્યા મુજબ, મૃતકના ખિસ્સામાંથી ભારત સરકારનું એક ઓળખપત્ર મળ્યું, જેના પર તે વ્યક્તિનું નામ અને ઓળખ નોંધાયેલાં હતાં. ત્યારબાદ મૃતદેહ જિલ્લા પ્રશાસનને સોંપી દેવામાં આવ્યો.
ખિસ્સામાંથી મળેલા દસ્તાવેજોના આધારે મૃતકની ઓળખ ભારત પ્રશાસિત કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના રફિયાબાદ ડંગીવચ્છા વિસ્તારના રહેવાસી તરીકે થઈ.
જિલ્લા પ્રશાસને લોકોને માહિતી આપવા માટે ઇરફાન હસન શાહનું ઓળખપત્ર, મૃતદેહની તસવીર અને અન્ય માહિતી સોશિયલ મીડિયા પર શૅર કરી.
ત્યારબાદ મુઝફ્ફરાબાદમાં રહેતાં તેમનાં બાળકો અને પત્ની સુધી આ માહિતી પહોંચી. બાળકોએ અધિકારીઓનો સંપર્ક કર્યો અને મૃતદેહની ઓળખ પોતાના પિતા તરીકે કરી.
ઇરફાનના પરિવાર અને સ્થાનિક અધિકારીઓને શંકા છે કે તેઓ પોતાનાં પત્ની અને બાળકોને મળવા માટે બારામુલ્લાથી નીલમ જિલ્લા સુધી પહોંચ્યા હતા.
શક્ય છે કે તેમને લાગ્યું હોય કે કોઈ રીતે નીલમ નદી પાર કરીને તેઓ પોતાના પરિવાર સુધી પહોંચી શકે છે. આ નદી કેટલીક જગ્યાએ નિયંત્રણ રેખાનું કામ પણ કરે છે.
પરિવારનો દાવો છે કે ઇરફાને થોડા દિવસો પહેલાં કોઈ પણ ભોગે પાકિસ્તાન પહોંચવાની વાત કહી હતી. પરિવાર અને અધિકારીઓને શંકા છે કે નદીની બીજી તરફ પહોંચવાને બદલે તેઓ તેજ પ્રવાહમાં તણાઈ ગયા હશે.
મૃતદેહ સોંપવામાં વિલંબ કેમ થયો?

ઇમેજ સ્રોત, Naseer Chaudhary
ઇરફાન હસન શાહનો મૃતદેહ મળ્યા બાદ તેને પરિવારને સોંપવા અંગે વિવાદ પણ થયો હતો. આ કારણે મૃતદેહ સોંપવામાં અને અંતિમ સંસ્કારમાં વિલંબ થયો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર હેઠળ બંને દેશોના નાગરિકોના મૃતદેહોને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા બાદ બને તેટલી ઝડપથી તેમના દેશ પાછા મોકલવામાં આવે છે.
નીલમના ડેપ્યુટી કમિશનરે બીબીસી ન્યૂઝને જણાવ્યું કે નદીમાંથી મૃતદેહ મળ્યા અને તેની ઓળખ થયા બાદ તેને પ્રશાસન પાસે રાખવામાં આવ્યો હતો.
આ બાબતે નિર્ણય લેવાનો હતો કે ભારત-પાકિસ્તાન કરાર હેઠળ મૃતદેહ ભારત મોકલવામાં આવશે કે પછી મુઝફ્ફરાબાદમાં રહેતાં તેમનાં પત્ની અને બાળકોને સોંપવામાં આવશે.
તેમણે જણાવ્યું કે ઇરફાનના ત્રણ દીકરા અને પત્ની પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં રહે છે.
આસિસ્ટન્ટ કમિશનર અથકમામ ચૌધરી બશારતે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે ભારત પ્રશાસિત કાશ્મીરમાં રહેતા ઇરફાનના ભાઈ અને બહેનોની સંમતિ લેવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી કાનૂની પ્રક્રિયા પૂરી કરીને મૃતદેહ મુઝફ્ફરાબાદમાં રહેતાં તેમનાં પત્ની અને બાળકોને સોંપવામાં આવ્યો.
જોકે, અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રક્રિયામાં ત્રણ દિવસ લાગ્યા હતા. ત્યારબાદ મુઝફ્ફરાબાદમાં ઇરફાનની નમાઝ-એ-જનાઝા અદા કરવામાં આવી.
પીએકેમાં કેવી રીતે થયા ઇરફાન હસન શાહનાં લગ્ન?

ઇમેજ સ્રોત, Maqsood Muntazir
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં રહેતાં ઇરફાન હસન શાહનાં પત્નીના ભાઈ અખ્તરે બીબીસીને જણાવ્યું કે ઇરફાન વર્ષ 1992માં નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર આવ્યા હતા.
"ઇરફાન હસન શાહનો સંબંધ ભારત પ્રશાસિત કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના રફિયાબાદ ડંગીવચ્છા વિસ્તાર સાથે હતો."
અખ્તરના જણાવ્યા મુજબ, ઇરફાને 20 વર્ષની ઉંમરે વર્ષ 1992માં નિયંત્રણ રેખા પાર કરી હતી. અહીં પહોંચ્યા બાદ તેમણે કાશ્મીરના મીરપુર જિલ્લામાં અભ્યાસ કર્યો અને વર્ષ 1998થી 2002ની વચ્ચે તેમણે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી.
"ત્યારબાદ ઇરફાને લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં જ પોતાનું ઘર વસાવ્યું. તેમનાં લગ્ન મુઝફ્ફરાબાદના ચકાર વિસ્તારમાં થયાં હતાં."
પત્નીના ભાઈ અખ્તરના જણાવ્યા મુજબ, ઇરફાન વર્ષ 2008 સુધી પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં રહ્યા. ત્યારબાદ તેઓ પોતાનાં પત્ની અને બાળકો સાથે નેપાળના રસ્તે પાછા ભારત પ્રશાસિત કાશ્મીર ચાલ્યા ગયા અને ત્યાં તેમણે પોતાની જિંદગીની નવી સફર શરૂ કરી.
ઇરફાનનાં પત્નીના એક અન્ય સંબંધી ફારૂક મીરે જણાવ્યું કે ઇરફાને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઘણો સારો સમય વિતાવ્યો હતો.
"લગ્ન બાદ તેમનાં બે બાળકોનો જન્મ પણ અહીં જ થયો હતો." ફારૂકના જણાવ્યા મુજબ, ઇરફાન પોતાના પરિવાર સાથે ખૂબ ખુશ હતા.
ફારૂક મીરે જણાવ્યું કે ઇરફાનનાં માતા-પિતા અને ભાઈ-બહેન હજુ પણ ભારત પ્રશાસિત કાશ્મીરમાં રહેતાં હતાં. આ જ કારણે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં 16 વર્ષ વિતાવ્યા બાદ તેમણે પાછા ફરવાનો નિર્ણય કર્યો.
ફારૂક મીર અને અખ્તરે જણાવ્યું કે માર્ચ 2025માં થયેલા પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો અને તેની અસર ઇરફાન હસન શાહના પરિવાર પર પણ પડી હતી.
ભારતીય સરકારે પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા લોકોને પાછા તેમના દેશ મોકલવાનો નિર્ણય કર્યો હતો.
પરિવારના જણાવ્યા મુજબ, આ નિર્ણય હેઠળ ઇરફાનનાં પત્ની અને તેમના દીકરાઓને પણ પાકિસ્તાન પાછાં ડિપોર્ટ કરી દેવામાં આવ્યાં, જ્યારે ઇરફાન ભારત પ્રશાસિત કાશ્મીરમાં જ રહી ગયા.
ઇરફાનનાં પત્ની હાલ મુઝફ્ફરાબાદમાં પોતાના ભાઈ સાથે રહે છે.
મુઝફ્ફરાબાદમાં રહેતાં તેમનાં પત્નીના સંબંધી મકસૂદ મુંતઝિરે જણાવ્યું કે માતા-પિતાના મૃત્યુ અને પત્ની-બાળકોથી જુદાઈને કારણે ઇરફાન પોતાના પૈતૃક વિસ્તારમાં એકલા પડી ગયા હતા.
"તેઓ અવારનવાર આ એકલતા વિશે પોતાનાં પત્ની અને બાળકો સાથે વાત કરતા હતા."
મુંતઝિરના જણાવ્યા મુજબ, જ્યારે પણ ફોન પર તેમની વાત થતી, ત્યારે બાળકો સાથે વાત કર્યા બાદ ઇરફાન વધુ દુઃખી થઈ જતા. તેઓ સતત પરિવારને મળવાની રીતો વિશે વિચારતા રહેતા.
મુંતઝિરનું કહેવું છે કે કદાચ ઇરફાનને લાગ્યું હશે કે જો તેઓ નીલમ નદી પાર કરી લે, તો ફરીથી પોતાનાં પત્ની અને બાળકોને મળી શકશે.
બાળકો સુધી પહોંચ્યો પિતાનો મૃતદેહ

ઇમેજ સ્રોત, Naseer Chaudhary
જ્યારે ઇરફાનનો મૃતદેહ પત્ની અને બાળકોના ઘરે પહોંચ્યો, ત્યારે પરિવારના લોકો ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા. ત્યારબાદ મુઝફ્ફરાબાદની ઈદગાહમાં તેમની નમાઝ-એ-જનાઝા અદા કરવામાં આવી.
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના અલગ-અલગ કૅમ્પમાં આશરે 48 હજાર કાશ્મીરી શરણાર્થી રહે છે. આ બધા એવા પરિવારો છે, જેમના સભ્યો નિયંત્રણ રેખાની બંને તરફ વહેંચાયેલા છે.
શરણાર્થી નેતા હામિદ કાશ્મીરીએ બીબીસીને જણાવ્યું કે ઇરફાન શાહ તેમના મિત્ર હતા. જ્યારે ઇરફાન પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં રહેતા હતા, ત્યારે બંને સાથે મળીને કારોબાર કરતા હતા.
હામિદ કાશ્મીરીના જણાવ્યા મુજબ, પત્ની અને બાળકોને ડિપોર્ટ કરવામાં આવ્યાં બાદથી ઇરફાન તેમને મળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
જોકે, તેઓ જીવતા પોતાના પરિવાર સુધી ન પહોંચી શક્યા, પરંતુ આખરે તેમનો મૃતદેહ તેમનાં પત્ની અને બાળકો સુધી પહોંચી ગયો.
તેમણે કહ્યું કે શરણાર્થી કૅમ્પમાં ઘણા પરિવારો આ જ પ્રકારની અનિશ્ચિતતામાં જિંદગી ગુજારી રહ્યા છે. તેમને ખબર નથી કે પોતાના વિખૂટા પડેલા પરિવારજનો સાથે ફરી ક્યારે અને કયા સંજોગોમાં મુલાકાત થઈ શકશે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























