એ મહિલાઓ, જેમણે વરસો પહેલાં પુરુષોની જેમ પૅન્ટ પહેરીને દમનકારી પ્રતિબંધ સામે બંડ પોકાર્યો, 10 ચિત્રમાં જુઓ આખી કહાણી

બીબીસી ગુજરાતી
    • લેેખક, કૅથ પાઉન્ડ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

પેરિસમાં 1800માં મહિલાઓને પૅન્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 19મી સદી અને 20મી સદીના શરૂઆતના દાયકાઓમાં અનેક મહિલાઓએ આ કાયદાનો ભંગ કર્યો અથવા તેમાંથી બચવાનો રસ્તો શોધી કાઢ્યો હતો.

પોતાની પસંદગીનાં કપડાં પહેરવાની કે કેટલાક કિસ્સાઓમાં પુરુષની જેમ જીવન જીવવાની સ્વતંત્રતા મેળવવા માટે તેમણે દમનકારી પ્રતિબંધો સામે બળવો કર્યો. તેમની આગવી પહેરવેશ શૈલી અને હિંમતને દર્શાવતાં 10 ચિત્રો અહીં રજૂ કર્યાં છે.

ફ્રેન્ચ ક્રાંતિ (1789-1799) દરમિયાન પેરિસની અનેક મહિલાઓએ પુરુષ પ્રદર્શનકારીઓ સાથે મોરચે જોડાવા માટે પૅન્ટ પહેર્યાં હતાં.

પુરુષોની સમકક્ષ સ્વતંત્રતા અને સમાનતા મેળવવાની તેમની આશા 'મહિલાઓના અધિકારોની ઘોષણા'માં વ્યક્ત થઈ હતી. જોકે, આ ઘોષણાનાં લેખિકા ઓલિમ્પ દ ગૂઝને 1793માં ગિલોટિનથી મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. તેમને 'કુદરતના નિયમોથી વિરુદ્ધ' વર્તન કરતી મહિલા ગણાવીને દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં.

પેરિસની પૅલે ગૅલિયેરા ખાતે યોજાયેલા નવા પ્રદર્શન 'A Wardrobe of One's Own: Dissident Femininities in the 19th Century'નાં ક્યુરેટર મરીન કિઝિયેલ કહે છે કે, 1800માં મહિલાઓ માટે પૅન્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેનો હેતુ "એવા સમયગાળાનો અંત લાવવાનો હતો, જ્યારે મહિલાઓ અધિકારોની માગણી કરી રહી હતી અને પોતાના સમાજના રાજકીય જીવનમાં ભાગ લેવા ઇચ્છતી હતી."

19મી સદીમાં ફ્રેન્ચ મહિલાઓ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેઓ પત્ની અને માતાની ભૂમિકામાં સંતુષ્ટ રહે. ચિત્રકારો અને કવિઓએ તેમની પ્રશંસા કરવાની હતી અને તેમની ઓળખ મહિલાઓને શોભે તેવાં વસ્ત્રોથી થતી હતી. પરંતુ ઘણી ફ્રેન્ચ મહિલાઓએ આ નિયંત્રણો સામે બળવો કર્યો હતો.

ખાસ કરીને 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આવું વધુ જોવા મળ્યું. એ સમયે નારીવાદની પ્રથમ લહેર અને પેરિસમાં લેસ્બિયન મહિલાઓની વિકસતી પેટાસંસ્કૃતિ એકસાથે આગળ વધી રહી હતી.

પુરુષોનાં કપડાં પહેરવાના અધિકાર માટેનો સંઘર્ષ મહિલાઓના અધિકારોના ઇતિહાસનું એક એવું પ્રકરણ છે, જેની પૂરતી નોંધ લેવાઈ નથી. ફ્રાન્સના કિસ્સામાં તો ખાસ આવું જોવા મળે છે. પુરુષોના પહેરવેશે મહિલાઓને પોતાની ઇચ્છા મુજબ જીવન જીવવાની અને નિર્ણયો લેવાની સ્વતંત્રતાનો અહેસાસ કરાવ્યો હતો. આ પહેરવેશને કારણે તેઓ અગાઉ તેમના માટે બંધ રહેલી યુનિવર્સિટીઓ અને વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટેના અવરોધો તોડી શકતી હતી. કેટલીક મહિલાઓ તેનો ઉપયોગ પોતાની જાતીય અભિવ્યક્તિ મુક્તપણે કરવા માટે પણ કરતી હતી.

પ્રેસ તેમની મજાક ઉડાવતું, સત્તાવાળાઓ તેમની સામે કડક કાર્યવાહી કરતા અને તબીબી જગત તેમને 'વિકૃત જાતીય વૃત્તિ ધરાવતી' ગણાવતું.

તેમ છતાં, મહિલાઓએ પોતાને મનગમતાં કપડાં પહેરવાની સ્વતંત્રતા માટેનો સંઘર્ષ ચાલુ રાખ્યો. આ લેખમાં 10 ચિત્રો દ્વારા એ ઇતિહાસને જાણીએ છીએ.

ઘોડેસવારીનાં વસ્ત્રોથી કેવી રીતે બદલાઈ મહિલાઓની પહેરવેશ શૈલી?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઘોડા પર સવાર મહિલા (1799)

ફ્રાન્સમાં મહિલાઓ માટેની પુરુષોના પહેરવેશ જેવી શૈલીનો પ્રારંભ 18મી સદીના અંતમાં ઘોડેસવારી માટેનાં વસ્ત્રોથી થયો હતો.

આ શૈલી ઇંગ્લૅન્ડથી આવી હતી. આવાં વસ્ત્રોમાં પહેરાતાં જૅકેટ અને તે પહેરતી મહિલાઓ, બંનેને 'ઍમેઝોન' કહેવામાં આવતાં હતાં. ગ્રીક દંતકથાઓની મહિલા યોદ્ધાઓના નામ પરથી આ નામ પડ્યું હતું.

તે સૂચવે છે કે ચપળ અને રમતગમતમાં રસ ધરાવતી આ મહિલાઓ પ્રત્યે લોકોને આકર્ષણની સાથે ભય પણ અનુભવાતો હતો.

સદી આગળ વધતી ગઈ તેમ, મહિલાઓના પહેરવેશમાં શરીરના માપ પ્રમાણે સીવેલાં જૅકેટ અને કોટનું મહત્ત્વ વધતું ગયું.

જ્યૉર્જ સેન્ડ: 19મી સદીનાં ક્રાંતિકારી લેખિકા, જેમણે સામાજિક ધોરણો તોડી પુરુષોનો પોશાક અપનાવ્યો

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, યુજેન ડેલાક્રોઆનું ચિત્ર : પુરુષના વેશમાં જ્યૉર્જ સૅન્ડ (1834)

મહિલાઓ માટે અનુકૂળ બનાવેલી પુરુષોના પહેરવેશની શૈલી સમાજમાં સ્વીકાર્ય હતી, પરંતુ પુરુષોનાં કપડાં પહેરવાની તેમને છૂટ નહોતી.

જોકે, આ નિયમો જ્યૉર્જ સૅન્ડને રોકી શક્યા નહોતા. તેઓ એક ક્રાંતિકારી લેખિકા અને પત્રકાર હતાં.

તેમણે મહિલા-પુરુષ માટેના પરંપરાગત સામાજિક ધોરણોને ફગાવી દીધાં હતાં અને પોતાની ઇચ્છા મુજબ જીવન જીવ્યું હતું તથા પ્રેમ કર્યો હતો.

સૅન્ડ માટે પુરુષોનાં કપડાં પહેરવાનો હેતુ લોકોને ઉશ્કેરવાનો નહોતો. તેમના માટે એ વધુ વ્યવહારુ હતું.

મરીન કિઝિયેલ બીબીસીને કહે છે, "પુરુષો માટે અનામત રાખવામાં આવેલી જગ્યાઓએ પ્રવેશ મેળવવા માટે જ્યૉર્જ સૅન્ડ પુરુષોનાં કપડાં પહેરતાં હતાં. દાખલા તરીકે, તેમને થિયેટરની નીચેની બેઠકહરોળમાં બેસવું હોય ત્યારે આ પહેરવેશ ઉપયોગી થતો હતો. પુરુષોનાં કપડાં મહિલાઓનાં કપડાં કરતાં સસ્તાં પણ હતાં. વળી, તેઓ મુક્તપણે હરીફરી શકે અને કામ કરી શકે એવું ઇચ્છતાં હતાં."

જ્યારે ફ્રેન્ચ મહિલાઓએ હથિયાર ઉઠાવ્યાં, સેના પર પ્રતિબંધ છતાં રણમેદાનમાં દર્શાવી વીરતા

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, લેફ્ટનન્ટ મેરી-ઍન્ટોનેટ લિક્સ (1870-71)

19મી સદીના ફ્રેન્ચ સમાજમાં પુરુષોનું વર્ચસ્વ હતું. એ જોતાં કેટલીક મહિલાઓએ હથિયાર ઉઠાવ્યાં હતાં એ જાણીને આશ્ચર્ય થઈ શકે.

મરીન કિઝિયેલ કહે છે, "આવી મહિલાઓ વિશેનાં અનેક વર્ણનો અને તસવીરોના સંગ્રહો ઉપલબ્ધ છે. આ કોઈ નાનીસૂની ઘટના નહોતી, એ આપણે જાણીએ છીએ."

મહિલાઓને નિયમિત રીતે સેનામાં જોડાવાની છૂટ નહોતી, પરંતુ તેઓ અનિયમિત સ્વયંસેવક ટુકડીઓમાં જોડાઈ શકતી હતી.

ફ્રાન્સ અને પ્રશિયા વચ્ચેના યુદ્ધ દરમિયાન મેરી-ઍન્ટોનેટ લિક્સે આમ જ કર્યું હતું.

તેમણે વોઝ્જ વિભાગના બચાવમાં ભાગ લીધો હતો અને નોમપાતેલિઝના યુદ્ધ દરમિયાન પોતાની બહાદુરીથી આગવી ઓળખ ઊભી કરી હતી.

ફ્રાન્સનાં અગ્રણી વર્તુળોમાં પુરુષોના સૂટ પહેરીને સ્થાન બનાવનાર સાહસિક મહિલા કોણ હતાં?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, જેન ડિયુલાફોય (આશરે 1890ના દાયકામાં)

જેન અથવા ઝાન ડિયુલાફોયે પણ યુદ્ધ દરમિયાન પોતાના પતિ માર્સેલની સાથે લડાઈમાં ભાગ લીધો હતો.

ત્યાર પછી જ્યારે આ દંપતીએ પર્શિયા (હાલનું ઈરાન)માં પુરાતત્ત્વીય સ્થળોની મુલાકાત લેવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે ફરી પુરુષો જેવાં કપડાં પહેરવાનું શરૂ કર્યું.

પછી ડિયુલાફોયે સુઘડ અને આકર્ષક પુરુષોના સૂટ પહેરવાનું પસંદ કર્યું.

આ માટે તેમણે પરવાનગી પણ મેળવી હતી, જોકે કયા આધારે તેમને આ પરવાનગી મળી હતી તે સ્પષ્ટ નથી. આમ છતાં, તેઓ સમાજનાં અગ્રણી વર્તુળોમાં મહત્ત્વનું સ્થાન મેળવવામાં સફળ રહ્યાં હતાં. આ દંપતી પોતાના નિવાસસ્થાને વિશિષ્ટ મહેમાનો માટે મેળાવડા યોજતું હતું અને ફ્રાન્સના વડા પ્રધાન તથા રાષ્ટ્રપતિ સાથે પણ નિયમિત હળતુંમળતું હતું.

સામાજિક નિયંત્રણોને કારણે બળવાખોર મહિલાઓનો કેવો વિરોધ થતો હતો?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, વ્યંગચિત્ર (19મી સદીનો ઉત્તરાર્ધ)

19મી સદીના અંત તરફ મહિલાઓ પુરુષોનાં કપડાં પહેરતી હતી એ બાબતે ચિંતા વધવા લાગી હતી. આ વિરોધનો સૌથી વધુ ભોગ પુરુષો જેવો પહેરવેશ અપનાવતી લેસ્બિયન મહિલાઓ બની હતી.

કળા ઇતિહાસકાર લોલા શાર્ને બીબીસીને કહે છે, "પોતાની જાતીય ઓળખની અભિવ્યક્તિ અને જાતીય વલણ, બંનેને કારણે તેઓ પુરુષપ્રધાન સામાજિક વ્યવસ્થાના નિયંત્રણમાંથી છટકી જતી હતી."

પ્રેસમાં વારંવાર તેમનાં વ્યંગચિત્રો પ્રકાશિત કરવામાં આવતાં હતાં. શાર્ને કહે છે કે પ્રેસે આવી મહિલાઓને "સમાજની સામૂહિક કલ્પનામાં બલિનો બકરો બનાવી દીધી હતી. સામાજિક ધોરણો તોડીને મુક્ત થનારી મહિલાઓ પ્રત્યે એક તરફ આકર્ષણ હતું, તો બીજી તરફ તેમના બળવખોર વલણને કાબૂમાં રાખીને સામાજિક નિયંત્રણ જાળવી રાખવાની જરૂરિયાત અનુભવાતી હતી."

જ્યારે ફ્રાન્સમાં સાયકલ ચલાવવા માટે મહિલાઓને મળી પૅન્ટ પહેરવાની છૂટ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, જ્યાં ઝાડની છાયામાં સાયકલ ચલાવાય છે : જ્યૉન બેરોનું ચિત્ર, બોઆ દ બુલોન (આશરે 1900)

એ સમયે મહિલાઓ પૅન્ટ પહેરે એની સામેના નિયમોનો ચુસ્ત અમલ થતો હતો. જોકે, સાઇકલ ચલાવવી એ એક માત્ર પ્રવૃત્તિ હતી, જેમાં મહિલાઓને પૅન્ટ પહેરવાની છૂટ હતી. (પછી આ છૂટ ઘોડેસવારી માટે પણ આપવામાં આવી.) પરંતુ આ પ્રવૃત્તિમાં પણ મહિલાઓના જીવનની દરેક બાબતમાં દખલ કરવાની પુરુષપ્રધાન વ્યવસ્થાની ઇચ્છા આડે આવી હતી.

શરૂઆતમાં ડૉક્ટરોએ સાઇકલ ચલાવવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, પછી તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે સાઇકલ ચલાવવી મહિલાઓના સ્વાસ્થ્ય માટે સારી છે અને તેનાથી ફ્રાન્સને જરૂરી એવા તંદુરસ્ત અને સશક્ત બાળકોને જન્મ આપનારી માતાઓ તૈયાર થશે.

તેનાથી વિપરીત, મહિલાઓ સાઇકલને સ્વતંત્રતા મેળવવાનો માર્ગ માનતી હતી. બેલ એપોક (સુંદર યુગ) તરીકે ઓળખાતા સમયગાળામાં સાઇકલ મહિલાઓની મુક્તિનું એક શક્તિશાળી પ્રતીક બની ગઈ હતી.

19મી સદીમાં લેસ્બિયન સંસ્કૃતિનો ઉદય થયો અને મહિલાઓનો પહેરવેશ બદલાયો

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રોઝા બોન્યોર (1899)

અહીં જમણી બાજુએ દેખાતાં ચિત્રકાર રોઝા બોન્યોર એ ગણતરીની મહિલાઓ પૈકીનાં એક હતાં, જેમને અન્ય કારણસર પૅન્ટ પહેરવાની પરવાનગી મળી હતી.

શરૂઆતમાં પોતાના જીવનસાથી સાથે પિરેનીઝ પર્વતમાળાની સફરે ગયાં ત્યારે સ્વાસ્થ્યના કારણસર તેમને આ પરવાનગી આપવામાં આવી હતી. ત્યાર પછી કતલખાનાંની મુલાકાતો લેવા માટે પણ તેમને પરવાનગી મળી. આ મુલાકાતો દ્વારા તેઓ પ્રાણીઓનાં ચિત્રો દોરવા માટે જરૂરી અભ્યાસ કરી શકતાં હતાં.

તેમનાં જીવનચરિત્રકાર કૅથરીન હેવિટ કહે છે, "ધીમે ધીમે આ પહેરવેશ તેમની જાહેર ઓળખનો એક હિસ્સો બની ગયો અને તેમણે પણ તેનો થોડો લાભ લેવાનું શરૂ કર્યું."

ડ્યુકની પુત્રીથી નવલકથાનું પાત્ર બનવા સુધી: જાણો 19મી સદીની બળવાખોર મહિલા 'મિસી'નો ઇતિહાસ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મૅથિલ્ડ દ મોર્ની (1890નો દાયકો)

સમાજના મોટા ભાગના લોકોના વિચારો અને વલણથી વિપરીત, 19મી સદીના અંતમાં પેરિસમાં લેસ્બિયન મહિલાઓની એક સક્રિય પેટાસંસ્કૃતિ વિકસી હતી. મૅથિલ્ડ દ મોર્ની, જેઓ મિસી તરીકે વધુ જાણીતાં હતાં, આ વર્તુળનાં અગ્રણી વ્યક્તિઓમાંનાં એક હતાં.

તેઓ ડ્યુક દ મોર્નીની પુત્રી હતાં. મિસીએ માર્કિસ દ બેલબેફ સાથે સગવડ ખાતર લગ્ન કર્યાં હતાં. તેમના પતિ પણ સમલૈંગિક હતા. જોકે, 1903માં બંનેએ છૂટાછેડા લીધા હતા. મિસીએ જાહેરમાં પોતાની લેસ્બિયન ઓળખ સ્વીકારી હતી.

તેમણે ભડકાઉ અને આકર્ષક પુરુષ પહેરવેશ અપનાવ્યો હતો. લેખિકા કોલેટ સાથે તેમને પ્રેમસંબંધ હતો. કોલેટે પોતાની નવલકથા *The Pure and the Impure*માં મિસી પર આધારિત એક કાલ્પનિક પાત્ર પણ રજૂ કર્યું હતું.

1920ના દાયકામાં પુરુષોના પોશાક વડે મહિલાએ કેવી રીતે વિરોધ નોંધાવ્યો?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રોમેન બ્રુક્સનું સ્વચિત્ર (1923)

અમેરિકાનાં સમૃદ્ધ માતાપિતાનાં સંતાન અને ચિત્રકાર રોમેન બ્રુક્સે પોતાના જીવનનો મોટો ભાગ પેરિસમાં વિતાવ્યો હતો.

તેમના લાંબા સમયનાં જીવનસાથી નૅથલી ક્લિફર્ડ બાર્ની પણ ત્યાં જ રહેતાં હતાં.

ટૂંકા વાળ અને સુઘડ રીતે સીવેલાં પુરુષનાં કપડાં પહેરતાં બ્રુક્સ સમૃદ્ધ, રૂઢિચુસ્ત સામાજિક ધોરણોને પડકારતાં યુરોપિયન અને અમેરિકન લોકોના વર્તુળમાં ઊઠતાંબેસતાં હતાં.

આ વર્તુળના ઘણા લોકો સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા હતા અને લેસ્બિયન પણ હતાં.

1920ના દાયકામાં દોરાયેલું આ સ્વચિત્ર (સેલ્ફ પોર્ટ્રેટ) બ્રુક્સની સંસ્કારી અને સ્ત્રી-પુરુષ બંનેનાં લક્ષણો ધરાવતી પહેરવેશ શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મહિલાઓનું એક યુગલ (આશરે 1910)

જોકે, પુરુષોનાં કપડાં અપનાવતી મોટા ભાગની લેસ્બિયન મહિલાઓ ન તો શ્રીમંત હતી, ન તો જાણીતી. તેઓ સામાન્ય મહિલાઓ હતી, જે પોતાની ઓળખ વ્યક્ત કરવા માગતી હતી.

મરીન કિઝિયેલ કહે છે, "તેઓ પોતાની પસંદગીનાં કપડાં ક્યાં અને કેવી રીતે પહેરી શકતી હતી, એ તેમણે અપનાવેલી રીતો, પુરુષ તરીકે ઓળખાઈ શકવાની તેમની ક્ષમતા અને તેમના સામાજિક સંજોગો પર આધાર રાખતું હતું. સામાન્ય મહિલાઓમાંની ઘણી વિશે આજે કોઈ માહિતી ઉપલબ્ધ નથી, કારણ કે તેમના વિશેના દસ્તાવેજી રેકૉર્ડ્સ જળવાયા નથી. જોકે, તસવીરો પરથી જણાય છે કે આવી મહિલાઓની સંખ્યા ઘણી મોટી હતી."

મહિલાઓના પૅન્ટ પહેરવા પરનો પ્રતિબંધ કાયદાના ચોપડે 200 વર્ષથી વધુ સમય સુધી રહ્યો હતો. 2013માં તેને ઔપચારિક રીતે રદ કરવામાં આવ્યો હતો. જોકે, દાયકાઓથી તેનો મોટા ભાગે અમલ થતો નહોતો.

આજે પેરિસની કોઈ પણ મહિલા સહજતાથી પૅન્ટ પહેરે છે, ત્યારે તેણે આઝાદી માટે મક્કમપણે લડનારી મહિલાઓ પ્રત્યે કૃતજ્ઞતા અનુભવવી જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન