ડીકે શિવકુમાર: ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યોને રિસોર્ટમાં રાખી અહમદ પટેલને રાજ્યસભાની ચૂંટણી જીતાડનારા નેતા બનશે કર્ણાટકના મુખ્ય મંત્રી

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બૅંગ્લુરુથી બીબીસી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

કર્ણાટકના આગામી મુખ્ય મંત્રી બનવા જઈ રહેલા ડીકે શિવકુમાર પોતાનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટેના દૃઢ નિશ્ચયથી કોઈને પણ આશ્ચર્યમાં મૂકી શકે છે.

આ વાત તેમના માર્ગદર્શક અને સ્વર્ગસ્થ મુખ્ય મંત્રી એસએમ કૃષ્ણાને પણ એક રાતે સમજાઈ ગઈ હતી.

શિવકુમારે 1999માં શપથ લેવા જઈ રહેલી કૉંગ્રેસ સરકારના મંત્રીઓની યાદીમાં પોતાનું નામ સામેલ કરાવવા માટે સૂતેલા એસએમ કૃષ્ણાને મધરાતે ઉઠાવ્યા હતા.

આ કિસ્સો ખુદ શિવકુમારે ડિસેમ્બર 2024માં કર્ણાટક વિધાનસભામાં કૃષ્ણાને શ્રદ્ધાંજલિ આપતી વખતે જણાવ્યો હતો.

તેમણે આ વિશે કહ્યું, "મંત્રીઓની યાદી તેમણે (કૃષ્ણા) અને મેં મળીને તૈયાર કરી હતી અને તેને હાઇકમાનને મોકલી હતી. પરંતુ જ્યારે રાત્રે યાદી આવી, ત્યારે તેમાં મારું નામ જ નહોતું."

વિધાનસભામાં તેમણે કહ્યું હતું, "એ જ રાત્રે મેં મારા જ્યોતિષી (રાજગુરુ બેલ્લૂર શંકરનારાયણ દ્વારકાનાથ) પાસે સલાહ લીધી. તેમણે મને કહ્યું કે જ્યાં સુધી હું પોતે દરવાજો ખોલી ને મંત્રીપદની માંગ નહીં કરું ત્યાં સુધી મને તે નહીં મળે. તેમણે કહ્યું હતું કે સત્તા છીનવી પડે છે. મેં તેમની સલાહ માની."

શપથવિધિ માટે મંત્રીઓની યાદી પહેલેથી જ રાજ્યપાલને મોકલી દેવામાં આવી હતી.

શિવકુમારે કહ્યું, "મેં કૃષ્ણાને કહ્યું કે મારા વગર તેઓ મુખ્ય મંત્રી તરીકે શપથ ન લઈ શકે."

શિવકુમારે વિધાનસભાને જણાવ્યું કે તેમના રાજકીય ઉદયમાં તેમના 'જ્યોતિષની મોટી ભૂમિકા' રહી છે અને તેમણે 'ચૂંટણીઓમાં તેમની જીત-હારની આગાહી' પણ કરી હતી.

પાર્ટીના એક નેતાએ સ્મિત સાથે બીબીસી હિંદીને કહ્યું, "અમને ખબર નથી કે આ વખતે તેમણે કોનો દરવાજો ખટખટાવ્યો, પરંતુ એ માનવું પડશે કે તેમને પોતાનાં લક્ષ્યો હાંસલ કરવાનું સારી રીતે આવડે છે."

'પહેલાં રોકાણ કરો, પછી લાભ લો'ની નીતિ

કૃષ્ણા સરકારની કૅબિનેટમાં સામેલ થવા માટે શિવકુમારે ઘણું 'રોકાણ' કર્યું હતું.

તેમણે કૃષ્ણાને રાજ્યસભાની ચૂંટણી જીતવામાં મદદ કરી હતી. જ્યારે કૃષ્ણા કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે શિવકુમાર તેમના સૌથી વિશ્વાસપાત્ર સહયોગી ગણાતા હતા.

રાજકારણમાં રોકાણ કરવાની સલાહ આપવા ઉપરાંત, શિવકુમાર પોતાના મિત્રોને જમીનમાં રોકાણ કરવાનું પણ કહેતા હતા. તેમનું માનવું હતું કે જમીન 'આર્થિક સ્થિરતા' આપે છે.

આ વાત તેમણે ત્યારે કહી હતી જ્યારે ડૉ. મનમોહનસિંહના નવા આર્થિક સુધારાઓને કારણે બૅંગ્લુરુ અને આસપાસના વિસ્તારમાં જમીનની કિંમતોમાં તેજી આવવાની હતી.

તેમણે સથાનૂરથી બનાવેલી કનકપુરા સીટ પર એચડી દેવેગૌડા જેવા નેતા સામે ચૂંટણી લડવા માટે પોતાની જમીન વેચી દીધી હતી.

તેમણે પોતાની જ સલાહ માની અને રિયલ ઍસ્ટેટ, ગ્રેનાઇટ અને શિક્ષણ ક્ષેત્રમાં પોતાનો વ્યાપ વધાર્યો અને રાજ્યના સૌથી ધનિક નેતાઓમાં સ્થાન મેળવ્યું.

કૉંગ્રેસના 'સંકટમોચક'

કર્ણાટકની બહાર પણ ડીકે શિવકુમારે કૉંગ્રેસને ઘણીવાર મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. એટલા માટે કેટલાક લોકો તેમને પાર્ટીના 'સંકટમોચક' કહે છે.

વર્ષો દરમિયાન તેમની સંગઠનાત્મક ક્ષમતાથી 2003માં તેમણે મહારાષ્ટ્રના 40 કૉંગ્રેસ ધારાસભ્યોની યજમાની કરી, જેથી વિલાસરાવ દેશમુખની સરકાર બચી રહી.

આ જ અનુભવને કારણે 2017માં સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલે રાજ્યસભાની ચૂંટણી વખતે ગુજરાતના કૉંગ્રેસના 44 ધારાસભ્યોને શિવકુમારની પાસે સારસંભાળ લેવા માટે મોકલ્યા હતા.

અહેમદ પટેલે કઠિન મુકાબલામાં રાજ્યસભાની એ ચૂંટણી જીતેલી અને અમિત શાહના તેમને હરાવવાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.

પરંતુ ત્યારબાદ શિવકુમારના ઘરે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ના દરોડા પડ્યા અને 2019માં તેમને 50 દિવસ માટે દિલ્હીની તિહાડ જેલમાં રાખવામાં આવ્યા.

આ દરમ્યાન સોનિયા ગાંધી તેમને મળવા તિહાડ જેલ ગયા અને શિવકુમારે તેમને કર્ણાટક પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.

તેમણે વચન આપ્યું કે તેઓ રાજ્યમાં કૉંગ્રેસને ફરી સત્તામાં લાવશે — અને 2023માં સિદ્ધારમૈયા સાથે મળીને તેમણે આ લક્ષ્યાંક હાંસલ કર્યું.

સોનિયા ગાંધીની ભૂમિકા

શિવકુમારે 2024માં બૅંગ્લુરુમાં એક સમારોહમાં કહ્યું, "સોનિયા ગાંધીજી તિહાડ જેલમાં મારી મુલાકાતે આવ્યા હતા અને તેમણે મને કેપીસીસીની જવાબદારી સંભાળવા કહ્યું હતું. સિદ્ધારમૈયા અને મેં મળીને પાર્ટીને મજબૂત બનાવી અને ફરી સત્તામાં લઈ આવ્યા."

આ જ કાર્યક્રમમાં સિદ્ધારમૈયાએ કહ્યું, "તમે શિવકુમાર વિશે કંઈપણ કહો, પરંતુ તેઓ ખૂબ સારા સંગઠનકર્તા છે તેનાથી કોઈ ઇન્કાર થઈ ન શકે."

સંગઠનાત્મક પ્રયાસોમાં કરેલું એવું જ 'રોકાણ' 26 મેના રોજ તેમના કામ આવ્યું.

રાહુલ ગાંધીએ પહેલા સિદ્ધારમૈયા સાથે લાંબી બેઠક કરી અને તેમને પદ છોડવા માટે રાજી કર્યા.

પછી તેમણે શિવકુમાર સાથે ટૂંકી મુલાકાત કરી અને પોતાની માતાની સલાહ લેવા ચાલ્યા ગયા.

ત્યારબાદ એઆઈસીસી ઑફિસમાં ફરી બેઠક થઈ, જ્યાં અંતે નક્કી થયું કે શિવકુમાર કર્ણાટકના આગામી મુખ્ય મંત્રી બનશે.

વિશ્લેષકો શું કહે છે?

રાજકીય વિશ્લેષક પ્રોફેસર સંદીપ શાસ્ત્રીએ શિવકુમારના ઉદયને "પાર્ટી પ્રત્યેની નિષ્ઠાનું ઇનામ" ગણાવ્યું.

તેમણે કહ્યું, "કૉંગ્રેસ હાઇકમાન માટે આ નિર્ણય વધુ સમય સુધી ટાળવો શક્ય નહોતો. રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં મોડું કરવાનાં પરિણામો જોઈ ચૂક્યાં હતાં. તેથી કર્ણાટકમાં તેઓ કોઈ જોખમ લેવા માગતા નહોતા."

પાર્ટીના અંદર પણ એવું માનવામાં આવે છે કે કામગીરીની દૃષ્ટિએ સિદ્ધારમૈયા પાર્ટીના અંદર બે સમાનાંતર શક્તિ કેન્દ્રો વચ્ચે ફસાયેલા હતા. પોતાના બીજા કાર્યકાળ દરમિયાન સિદ્ધારમૈયા એક તરફ શિવકુમાર અને બીજી તરફ AICC અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પ્રભાવ સાથે સંઘર્ષ કરતા હતા.

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના પ્રોફેસર એ. નારાયણે કહ્યું, "પાર્ટીએ હવે નિર્ણય લઈ લીધો તે સારી બાબત છે પરંતુ હવે સૌથી મોટી પડકાર એ રહેશે કે શિવકુમાર લોકો ને સાથે લઈને કેવી રીતે ચાલશે, ખાસ કરીને લિંગાયત સમુદાયને."

પાર્ટીની અંદર આ બાબતે મતભેદ પણ છે કે સિદ્ધારમૈયાના કુરૂબા સમુદાયનું સમર્થન યથાવત્ રહેશે કે નહીં.

નારાયણે કહ્યું, "શક્ય છે કે શિવકુમાર અન્ય ઓબીસી સમુદાયોને સાથે લાવી શકે, પરંતુ એ સરળ કામ નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન