42 વરરાજાઓ જાન લઈને આવ્યા પણ દુલ્હનો ગાયબ, ગુજરાતના પાડોશી રાજ્યનું લગ્ન કૌભાંડ શું છે?

    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

24મે રવિવારની સવારે કેટલાક યુવાનો દેવાસના 'માતા ટેકરી મંદિર'માં પીઠી અને અન્ય લગ્નની વિધિની રાહ જોઈ રહ્યા હતા. કેટલાકના ગળામાં ફૂલહાર હતો, કેટલાકના સગા સંબંધીઓ સાથે હતા અને ઘણા ભાડાની કાર સહિત જાન લઈને અહીં પહોંચ્યા હતા.

તેમને કહેવામાં આવ્યું હતું કે તે આગામી 24 કલાકમાં તેમનાં લગ્ન થશે.

રાત થઈ ગઈ, પરંતુ દુલ્હનો ત્યાં પહોંચી જ નહીં અને ન તો આ વરરાજાઓમાંથી કોઈનાં લગ્ન થઈ શક્યાં.

મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાંથી સામે આવેલા આ સમૂહલગ્ન છેતરપિંડીના કેસમાં પોલીસે ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

દેવાસના અધિક પોલીસ અધીક્ષક જયવીરસિંહ ભદોરિયાએ જણાવ્યું હતું કે, "આ કેસમાં, એક વ્યાપક પ્લાનિંગ અંતર્ગત લગ્નના બહાને ઘણા લોકો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. તે મામલે અમે બે લોકોની ધરપકડ કરી છે અને તપાસ હજુ ચાલુ છે."

પોલીસના જણાવ્યા અનુસાર, ઘણા યુવકો સાથે લગ્ન કરાવવાના નામે પૈસા લેવામાં આવ્યા હતા અને તેમને ઇન્દોરના એક અનાથાશ્રમની છોકરીઓ સાથે લગ્ન કરવાનું વચન પણ આપવામાં આવ્યું હતું.

કેવી રીતે ચાલતું હતું આખું નેટવર્ક

પોલીસ અને પીડિતોના જણાવ્યા મુજબ આખું નેટવર્ક એવી રીતે કામ કરતું હતું કે લગ્નની શોધમાં રહેલા યુવકોનો અગાઉ જ સંપર્ક કરી લેવામાં આવતો. તેમને કહેવામાં આવતું કે ઇન્દોરના એક આશ્રમમાં રહેતી છોકરીઓ લગ્ન માટે તૈયાર છે.

ત્યાર બાદ યુવકો પાસેથી રજિસ્ટ્રેશનના નામે પૈસા લેવામાં આવ્યા હતા અને દસ્તાવેજો પણ ઑનલાઇન સબમિટ કરાવવામાં આવ્યા હતા.

આ કેસમાં પણ યુવતીઓની તસવીરો મોબાઇલ ફોન પર વરરાજા અને તેમના પરિવારને મોકલવામાં આવી હતી. બાદમાં કેટલાક પીડિતોએ દાવો કર્યો હતો કે આ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી હતી.

કેટલાક ફરિયાદીઓનો આક્ષેપ છે કે વિશ્વાસ જીતવા માટે મુખ્ય મંત્રીનું નામ પણ લેવામાં આવ્યું હતું.

એક ફરિયાદીએ નામ ન આપવાની શરતે બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે, "અમને સપનાં બતાવવામાં આવ્યાં હતાં કે સારી છોકરીઓ છે, લગ્ન થશે. તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી પોતે આવીને 51,000 રૂપિયાનો ચેક આપશે."

"આ ગૅંગ યુવકના દૂરના સંબંધી દ્વારા ફરિયાદી સુધી પહોંચી હતી."

"મુખ્ય મંત્રીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો, સામૂહિક લગ્નની વાત કરવામાં આવી અને છોકરીઓની તસવીરો પણ બતાવવામાં આવી. તેથી જ અમે આ લોકોના વિશ્વાસમાં આવી ગયા."

22 વર્ષીય યુવકના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે લગ્ન પહેલાં છોકરીઓને મળવાનું કહ્યું ત્યારે તેને કહેવામાં આવ્યું કે છોકરીઓ અનાથાશ્રમની છે અને તેથી તેમને પહેલાં મળવું શક્ય નથી.

અમને કહેવામાં આવ્યું હતું કે 24 તારીખે છોકરાઓ અને છોકરીઓનો પરિચય કરાવવામાં આવશે.

વાતચીત માટે પૂરેપૂરી તક આપવામાં આવશે અને ત્યાર બાદ 25મેના રોજ સમૂહલગ્ન સંમેલનમાં લગ્ન થશે.

કેટલાક પરિવારોને ખાતરી પણ આપવામાં આવી હતી કે લગ્નમાં દહેજની વસ્તુઓ આપવામાં આવશે.

તે જ સમયે, કેટલાક લોકોને કહેવામાં આવ્યું હતું કે લગ્ન પહેલાં પીઠી, મહેંદી જેવી વિધિ ન કરો કારણ કે આખી પ્રક્રિયા દેવાસમાં થશે.

વરરાજા આવ્યા પણ દુલ્હનો ગાયબ, પછી શું થયું?

ફરિયાદીના જણાવ્યા અનુસાર, 'તેઓ નવ લોકો સાથે લગ્નની શોભાયાત્રા સાથે દેવાસ પહોંચ્યા હતા.'

તેમણે જણાવ્યું કે, "અમને માતા ટેકરી મંદિરમાં બોલાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે અમારે 24મી તારીખે સવારે આઠ વાગે પહોંચવાનું હતું."

તેમના જણાવ્યા અનુસાર, ત્યાં ઓછામાં ઓછા 42 વરરાજાઓ હાજર હતા.

"તેમાંના મોટા ભાગના 40 ના દાયકામાં હતા. ત્યાં લગભગ 60 વર્ષના વરરાજાઓ પણ હતા. ત્યારે જ અમને થોડી શંકા થઈ."

વિકાસ મીના દેવાસના હરણિયાકલાન ગામના હતા. લગ્ન કરવાના વચન સાથે તેમને અહીં બોલાવવામાં આવ્યા હતા. વિકાસે આ લગ્ન માટે 25,000 રૂપિયા ચૂકવ્યા હતા.

તેમણે કહ્યું કે, "રજિસ્ટ્રેશનના નામે અમારી પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવતું હતું કે ઇન્દોરના એક અનાથાશ્રમની છોકરીઓનાં લગ્ન કરવામાં આવશે."

"ફોટા માંગવામાં આવતાં યુવતીઓની તસવીરો મોબાઇલ પર મોકલવામાં આવી હતી. બાદમાં જાણવા મળ્યું કે તે ફોટો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવ્યા હતા."

વિકાસના જણાવ્યા અનુસાર, આયોજકોએ તેમને જાણ કરી હતી કે તે 24 મેના રોજ દેવાસ પહોંચશે અને બીજા દિવસે સામૂહિક લગ્ન થશે.

લગ્નના આ પ્રકરણમાં લોકો એટલા ફસાઈ ગયા હતા કે તેઓ રાજધાની ભોપાલથી 150 કિલોમીટર દૂર દેવાસ પહોંચ્યા હતા.

આવા જ એક વરરાજા ઓમપ્રકાશ પ્રજાપતિએ કહ્યું કે મોબાઇલ પર મોકલવામાં આવેલી તસવીરોથી તેમને દુલ્હન ગમી ગઈ હતી.

તેમણે કહ્યું હતું કે, "અમને કહેવામાં આવ્યું હતું કે દેવાસ માતા ટેકરીમાં લગ્ન કરશે. અમે પરિવાર સાથે અહીં આવ્યા હતા."

ઓમપ્રકાશે કહ્યું કે તેમની પાસેથી 12,000 રૂપિયા લેવામાં આવ્યા હતા.

તેમણે ઉમેર્યું હતું કે, "અમને સાદાં કપડાંમાં આવવાનું કહેવામાં આવ્યું હતું. વરરાજાનાં કપડાં અને બાકીની વિધિઓ અહીં હશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે હળદર અને મહેંદી અગાઉથી લગાવવી જોઈએ નહીં."

રાત સુધી વરરાજા અને તેમના પરિવારો રાહ જોતા રહ્યા

પરિવારજનોના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ રવિવારે સવારે આઠ વાગ્યે લગ્નના સ્થળે પહોંચ્યા ત્યારે તેમને મુકેશ બૈરાગી અને તેનાં પત્ની સુનીતાને મળ્યા, જે સંગઠનનું કામ સંભાળી રહ્યાં હતાં.

મુકેશ બૈરાગી અને સુનીતાએ આમાંના ઘણા વરરાજા અને તેમના પરિવારો સાથે સીધી વાત કરી હતી. આ લોકોએ લગ્ન માટે પણ નોંધણી કરાવી હતી અને તેના બદલામાં પૈસા લીધાં હતાં.

રવિવારે સવારે મુકેશ અને સુનીતા પરિવારજનોને કહેતા રહ્યાં હતાં કે દુલ્હનો ઇન્દોર છોડીને નીકળી ગઈ છે અને ટૂંક સમયમાં આવી જશે.

પીડિતોના જણાવ્યા અનુસાર, આખો દિવસ જુદા જુદા બહાના બનાવવામાં આવ્યાં હતાં. ક્યારેક એવું કહેવામાં આવતું હતું કે વાહનો રસ્તામાં છે, કેટલીકવાર એવું કહેવામાં આવતું હતું કે બાકીના લોકો આવવાના છે.

પરંતુ રાત સુધી કોઈ આવ્યું ન હતું. આ પછી ત્યાં હાજર લોકોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોતાના ભાઈ રોહિતનાં લગ્ન માટે ત્યાં આવેલી રાજકુમારી નામનાં મહિલાએ જણાવ્યું હતું કે, "અમે ઑનલાઇન દસ્તાવેજો સબમિટ કર્યા હતા. ત્યાં પહોંચ્યા પછી અમને કહેવામાં આવ્યું કે એક મૅડમ આવવાનાં છે. પરંતુ રાત્રે 12 વાગ્યા સુધી કોઈ આવ્યું નહીં."

જો કે રવિવારે સાંજે જ્યારે વરરાજા અને તેમના પરિવારોએ છેતરપિંડી થયાની શંકાથી હંગામો શરૂ કર્યો ત્યારે મુકેશે કહ્યું કે આ સમગ્ર મામલે તેમની સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે.

મુકેશે કહ્યું કે, "અમારા મોટા ભાઈ દિનેશ બૈરાગી છે. તેમણે અમને કહ્યું હતું કે અનાથાશ્રમની છોકરીઓનાં લગ્ન કરવાં જોઈએ."

"તેથી અમે બધાને મળ્યા અને પૈસા લીધા. મારી પાસે જે પણ પૈસા આવતા હું તેમને મોકલી દેતો. મારી સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે."

તે જ સમયે, રાજકુમારીએ કહ્યું, "આ ઘટનાને કારણે સમાજમાં અમારું નામ પણ કલંકિત થયું છે. લોકો પણ હસે છે."

ચાર લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ, બેની ધરપકડ

દેવાસના અધિક પોલીસ અધીક્ષક જયવીરસિંહ ભદોરિયાએ પત્રકારોને જણાવ્યું કે, "અમને સૂચના મળી હતી કે કેટલાક લોકો લગ્ન કરાવવાનાં નામ પર ભેગા થયા હતા અને ત્યાં છેતરપિંડીની આશંકા છે."

"પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને ત્યાં લોકો સાથે વાત કરી હતી. તેમની ફરિયાદના આધારે છેતરપિંડી સહિત અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધી લેવાયો છે."

પોલીસ અનુસાર આ કેસમાં મુકેશ બૈરાગી, સુનીતા બૈરાગી, દિનેશ બૈરાગી અને એક અન્ય વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધાયો છે.

અધિક પોલીસ અધીક્ષકે કહ્યું કે, "પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે લોકોને લગ્નની લાલચ આપીને તેમની પાસેથી પૈસા લેવાયા. તસવીરો બતાવીને અને ભરોસો અપાવીને તેમને બોલાવવામાં આવ્યા. મુખ્ય આરોપી મુકેશની ધરપકડ કરી લેવાઈ છે અને બીજા આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે."

તેમણે કહ્યું કે, "મુકેશે અત્યાર સુધી જણાવ્યું છે કે તેનો મોટો ભાઈ દિનેશ બૈરાગી બધું જણાવી રહ્યો છે. તેણે કહ્યું હતું કે દિનેશ બૈરાગીએ જ વર પક્ષના લોકોના ફોન નંબર આપ્યા હતા અને તે જ સમગ્ર કાર્યક્રમના સમન્વયમાં સામેલ હતો."

22 વર્ષના ફરિયાદ કરતા બીજા વરરાજની જેમ ઘટના પછી પોતાના ઘરે જતા રહ્યા છે.

તેઓ કહે છે કે, "મેં તો જેમને આ મામલે જાણકારી હતી તેમને હાથ જોડીને વિનંતી કરી છે કે વાત બહાર ન આવે. જો ક્યાંય ખબર પડી જશે તો મારા માટે આગળનું જીવન મુશ્કેલ થઈ જશે. "

તેઓ આગળ કહે છે કે, "જોકે હું આ લોકોને છોડીશ પણ નહીં. મેં ફરિયાદ કરી હતી અને તેમને સજા મળે તે માટે કાયદાકીય લડાઈ પણ લડીશ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન