GT VS RCB : એ ચાર કારણો જેના લીધે ગુજરાત ટાઇટન્સની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ સામે હારી ગઈ

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

IPL 2026ની પહેલી ક્વૉલિફાયર મૅચમાં ગુજરાત ટાઇટન્સનો રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ સામે પરાજય થયો હતો. રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુની ટીમે પહેલી બૅટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટે 254 રન બનાવ્યા હતા.

બેંગલુરુની ટીમ વતી રજત પાટીદાર 33 બૉલમાં 281ના સ્ટ્રાઇક રેટથી 93 રન બનાવીને નૉટઆઉટ રહ્યા હતા. કૃણાલ પંડ્યા અને વિરાટ કોહલીએ 43-43 રન બનાવ્યા હતા.

બીજી તરફ ગુજરાત ટાઇટન્સના જેસન હૉલ્ડરે 4 ઓવરમાં 39 રન આપીને બે વિકેટ લીધી હતી.

ગુજરાત ટાઇટન્સની ટીમ 19.3 ઓવરમાં 162 રન બનાવીને ઑલઆઉટ થઈ હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધારે રન રાહુલ તેવટિયાએ બનાવ્યા હતા. તેમણે 68 રન 43 બૉલમાં બનાવ્યા હતા.

બેંગ્લુરુના જેકબ ડફીએ 4 ઓવરમાં 39 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર, રાસિખ સલામે બે-બે વિકેટ લીધી હતી.

ગુજરાત ટાઇટન્સની ટીમે IPLની આખી સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. ગુજરાતના ચાહકોને પણ આવી આશા નહીં હોય કે ગુજરાત ટાઇટન્સની ટીમ આ રીતે હારશે!

ત્યારે ગુજરાત ટાઇટન્સની હાર પાછળ જવાબદાર કયાં ચાર કારણો હતાં?

રજત પાટીદારની આક્રમક બૅટિંગને રોકવામાં નિષ્ફળ ગુજરાતના બૉલરો

રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુની જીતનો શ્રેય તેમના કૅપ્ટન રજત પાટીદારને આપવો જોઈએ. મૅચની નવમી ઓવરમાં વિરાટ કોહલી અને દેવદત્ત પડ્ડિકલ આઉટ થયા હતા.

આ પછી રજત પાટીદાર મેદાનમાં આવ્યા હતા.

બે મોટા ખેલાડીઓની વિકેટ બાદ રજત પાટીદારે ટીમને યોગ્ય સ્ટેન્ડ આપ્યું હતું.

તેમણે પહેલા દસ બૉલમાં માત્ર 14 રન બનાવ્યા, આ પછી ઇનિંગ પૂર્ણ થાય ત્યાં સુધીમાં કુલ 33 બૉલમાં 281ના સ્ટ્રાઇક રેટથી 93 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 9 સિક્સ અને પાંચ બાઉન્ડ્રી ફટકારી હતી.

રજત પાટીદારની આ ઇનિંગ્સને રોકવામાં ગુજરાત ટાઇટન્સના બૉલરો નિષ્ફળ ગયા હતા. આમ રજત પાટીદાર નૉટઆઉટ રહીને મેદાનમાં પરત ફર્યા હતા.

રજત પાટીદારના બે ડ્રૉપ કૅચ ભારે પડ્યા

રજત પાટીદારના 14મી ઓવરમાં બે વખત કૅચ ડ્રૉપ થયા હતા. રજત પાટીદાર ત્યારે 10 બૉલમાં 14 રન પર હતા. પ્રસિદ્ધ ક્રિષ્નાની 14મી ઓવરના પહેલા બૉલે રજત પાટીદારના બૅટની એજ લઈને બૉલ વિકેટ કીપરની પાછળ ઊડ્યો હતો.

વિકેટ કીપર જોસ બટલર અને થર્ડ મૅન પર ઊભેલા કુલવંત ખેજરોલિયા દોડીને પકડવાનો પ્રયાસ કર્યો હતો.

બાઉન્ડ્રી પાસે બૉલ બંને ખેલાડીઓની વચ્ચે પડ્યો અને ખેજરોલિયાએ કૅચનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ આ કૅચ પકડી શક્યા ન હતા.

આ જ ઓવરના ત્રીજા બૉલે રજત પાટીદારે પુલ શૉટ ફટકાર્યો પરંતુ કાગિસો રબાડાએ કૅચ છોડી દીધો. રજત પાટીદાર ત્યારે 20 રને હતા.

શુભમન ગિલે મૅચ પૂર્ણ થયા પછી પ્રેઝન્ટેશનમાં જણાવ્યું, "મને નથી લાગતું કે અમારી ફિલ્ડિંગ બરાબર હતી."

"અમે બે કૅચ છોડ્યા અને અમારી ગ્રાઉન્ડ ફિલ્ડિંગ પણ બરાબર ન હતી. દબાણની પરિસ્થિતિમાં અમે યોગ્ય રીતે પ્રદર્શન કર્યું નથી."

ગુજરાત ટાઇટન્સના બૉલરોનું નબળું પ્રદર્શન

ગુજરાત ટાઇટન્સના બૉલરોએ છેલ્લી 6 ઓવરમાં 114 રન આપ્યા હતા.

આઈપીએલ 2026માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓમાં ગુજરાત ટાઇટન્સના કાગિસો રબાડા બીજા ક્રમે છે, રાશિદ ખાન પાંચમા અને મોહમ્મદ સિરાજ આઠમા ક્રમે છે.

કાગિસો રબાડાએ આ IPLમાં 9.48ના ઇકોનૉમી રેટથી રન આપ્યા છે, જ્યારે તેમણે આ મૅચમાં 13.50 ના ઇકોનૉમી રેટથી રન આપ્યા હતા.

બેંગલુરુની સામેની પ્લે ઑફ મૅચમાં કાગિસો રબાડાએ 4 ઓવરમાં 54 રન આપીને બે વિકેટ લીધી હતી.

મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં 15.33ના ઇકોનૉમી રેટથી 46 રન આપ્યા હતા. તેમણે આઈપીએલ 2026માં 8.96ના ઇકોનૉમી રેટથી રન આપ્યા છે.

રાશિદ ખાને 3 ઓવરમાં 9.66ના ઇકોનૉમી રેટથી 29 રન આપ્યા હતા પરંતુ એક પણ વિકેટ લેવામાં સફળ થયા ન હતા. રાશિદ ખાને પહેલી બે ઓવરમાં માત્ર 8 રન આપ્યા હતા. જ્યારે ત્રીજી ઓવરમાં તેમણે 21 રન આપી દીધા હતા. રાશિદ ખાનને બીજા બૉલરોનો સપોર્ટ મળ્યો ન હતો.

કુલવંત ખેજરોલિયાએ 2 ઓવરમાં 31 રન આપ્યા અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 ઓવરમાં 53 રન આપીને એક વિકેટ લીધી હતી.

રબાડા અને પ્રસિદ્ધ ક્રિષ્ના અંતની ઓવરોમાં યૉર્કર બૉલ નાખવામાં નિષ્ફળ ગયા હતા.

ના બૉલરે બોલ્ડ કર્યો, ના ફિલ્ડરે કૅચ કર્યો, ચોગ્ગો મારીને સાઈ સુદર્શન કેવી રીતે આઉટ થયા?

ગુજરાત ટાઇટન્સની ટીમની બૅટિંગનો આધાર તેમના ટોચના ત્રણ ખેલાડીઓ સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલર પર રહેલો છે.

સાઈ સુદર્શન અને શુભમન ગિલ IPL 2026માં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે.

ગુજરાત ટાઇટન્સની ટીમે બેંગલુરુ સામે પાવરપ્લેમાં જ 51 રન બનાવીને પાંચ વિકેટ ગુમાવી હતી.

ગુજરાત ટાઇટન્સના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હતું કે પાવરપ્લેમાં પાંચ વિકેટ ગુમાવી હતી.

ત્યારે આ મૅચ અગાઉ પણ નિષ્ણાતો દ્વારા સાઈ સુદર્શનના પ્રદર્શન અંગે ઘણી સારી અપેક્ષાઓ રખાઈ રહી હતી.

ત્યારે બેંગલુરુ સામે સાઈ સુદર્શન એ રીતે આઉટ થયા જે માનવું થોડું અઘરું છે.

જ્યારે તેઓ ત્રણ ચોગા સાથે 9 બૉલમાં 14 રન પર હતા, ત્યારે તેમણે ફરીથી એક બાઉન્ડ્રી ફટકારવાનો પ્રયત્ન કર્યો.

જે બાઉન્ડ્રી દરમિયાન બૅટ તેમના હાથમાંથી છટકીને સ્ટમ્પ પર અથડાઈ ગયું હતું.

અને સાઈ સુદર્શન 14 રન બનાવીને હિટ વિકેટ આઉટ થયા હતા અને ગુજરાત ટાઇટન્સના ચાહકોમાં તેમની આશાઓ નિરાશા બદલાઈ ગઈ હતી.

શુભમન ગિલે 7 બૉલમાં માત્ર બે રન બનાવ્યા હતા. શુભમન ગિલને ભુવનેશ્વર કુમારે લેન્થ બૉલ નાખીને બોલ્ડ કર્યા હતા.

જોસ બટલરે આક્રમક બૅટિંગ કરી રહ્યા હતા પરંતુ 11 બૉલમાં 29 રન બનાવીને આઉટ થયા હતા.

ગુજરાત ટાઇટન્સનો મિડલ ઑર્ડર પણ નિષ્ફળ ગયો હતો.

ગુજરાત ટાઇટન્સના રાહુલ તેવટિયાએ 43 બૉલમાં 68 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સના સાત ખેલાડી 10થી ઓછા રન બનાવીને આઉટ થયા હતા.

ગુજરાત ટાઇટન્સ હવે કેવી રીતે ફાઇનલમાં પહોંચી શકશે?

રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુની ટીમે ગુજરાત ટાઇટન્સની ટીમને હરાવીને અમદાવાદ ખાતે રમાનારી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

ગુજરાત ટાઇટન્સે ફાઇનલ IPL 2026ની ફાઇનલ મૅચ રમવા માટે ક્વૉલિફાયર-2 રમવી પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે જે એલિમિનેટર મૅચ બુધવારે રમાશે.

તેમાં જે ટીમ જીતશે તેની સામે ચંદીગઢ ખાતે ગુજરાતની ટીમ ક્વૉલિફાયર 2 રમશે.

ગુજરાત આ મૅચ જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન