"શિક્ષણ પર પ્રતિબંધ, લગ્નનું દબાણ અને સ્વપ્નોનું મોત" - તાલિબાન શાસનમાં મહિલાઓની કેવી સ્થિતિ છે?

    • લેેખક, યોગિતા લિમયે
    • પદ, બીબીસી સંવાદદાતા, અફઘાનિસ્તાનથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનાં લગભગ પાંચ વર્ષ પૂર્ણ થવામાં છે.

આ દરમિયાન, મહિલાઓનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. 12 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ માટે શાળાઓ અને કૉલેજોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.

લાંબા અંતરની મુસાફરી માટે, પરિવારના પુરુષ સભ્યનો સાથ જરૂરી બની ગયો છે.

નોકરીના વિકલ્પો ખતમ થઈ ગયા છે અથવા તો મર્યાદિત થઈ ગયા છે. વધુમાં, તેમને બગીચાઓમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. બ્યુટી પાર્લર પણ બંધ થઈ ગયાં છે.

આવી સ્થિતિમાં, અફઘાનિસ્તાનની મહિલાઓને એવું લાગે છે કે જીવનમાં ફક્ત એક જ વિકલ્પ બચ્યો છે, અને તે છે લગ્ન.

પરંતુ જીવનમાં કંઈક કરીને જવાની આશા ભલે તૂટી જાય, પણ સ્વપ્નો હંમેશાં હિંમત એકઠી કરી જ લે છે.

આવું જ કંઈક 19 વર્ષની આલિયા (સુરક્ષાના કારણોસર નામ બદલ્યું છે) સાથે બન્યું, જેણે લગ્નથી બચવા અને અભ્યાસ કરવા માટે પોતાના ગામથી કાબુલ સુધી સેંકડો કિલોમીટરની મુસાફરી કરી.

ટૅક્સી લઈને કાબુલ પહોંચ્યા

ગયા વર્ષે, આલિયા તેના પિતરાઈ ભાઈ સાથે ટૅક્સી દ્વારા અસામાન્ય અને જોખમી મુસાફરી પર નીકળ્યાં હતાં.

તેઓ કોઈપણ પુરુષ સંબંધીઓ વિના લાંબા અંતરની મુસાફરી કરી રહ્યાં હોવાથી, તાલિબાન નિરીક્ષકો તેમને ગમે ત્યારે પકડી શક્યા હોત.

જોકે, તાલિબાનના કાયદા મુજબ, બંનેએ પોતાનું આખું શરીર ઢાંકેલું હતું અને ફક્ત તેમની આંખો જ દેખાતી હતી.

સદનસીબે, તેમને કોઈપણ તાલિબાન ચોકી પર રોકવામાં આવ્યાં ન હતાં અને તેઓ રાજધાની કાબુલ પહોંચી ગયાં.

આલિયાએ કહ્યું, "મેં મારા પરિવારને કહ્યું હતું કે હું મારા મિત્રો અને સહપાઠીઓને મળવા જઈ રહી છું, પરંતુ તે સાચું નહોતું."

અફઘાનિસ્તાનના 34 પ્રાંતોમાંથી એક એવા દાયકુંડીનાં રહેવાસી આલિયાએ કહ્યું કે, "જો હું દાયકુંડીમાં રહી હોત, તો મને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોત."

હું એક યોજના સાથે કાબુલ આવી હતી અને એ હતી અંગ્રેજી કોર્સમાં પ્રવેશ મેળવવો.

છેલ્લાં પાંચ વર્ષથી, 12 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ માટે પ્રાથમિક શિક્ષણ પછી કોઈ ઔપચારિક શિક્ષણના વિકલ્પો નથી.

તેઓ અંગ્રેજી શીખવા જેવા ટૂંકા ગાળાના ખાનગી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે છે, પરંતુ જો તેઓ તેનો ખર્ચ ઉઠાવી શકે તો જ. તેઓ મદરેસામાં મર્યાદિત ધાર્મિક શિક્ષણ પણ મેળવી શકે છે.

પ્રતિબંધો વચ્ચે અભ્યાસ, પરંતુ...

વર્ષોથી, આલિયા જેવી છોકરીઓ જરૂરી શિક્ષણ વિના મોટી થઈ છે. તેમના કારકિર્દીના રસ્તા લગભગ બંધ થઈ ગયા છે.

આલિયા કહે છે, "જ્યારે હું મારી ઉંમરના પુરુષોને જોઉં છું જેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને યુનિવર્સિટી જઈ રહ્યા છે, ત્યારે મને ખૂબ જ ખરાબ લાગે છે. મને એવું લાગે છે કે હું નરકમાં બળી રહી છું."

આવી સ્થિતિમાં, આલિયા કોઈને કોઈ રીતે અભ્યાસ માટે કાબુલ પહોંચે છે અને આ એક સાહસની કહાણી તો છે જ, પરંતુ તેમનો પરિવાર પણ તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

હકીકતમાં, તેમના પરિવારની આર્થિક સ્થિતિ બીજા ઘણા પરિવારો કરતાં થોડી સારી છે.

બીજી તરફ, યુનાઇટેડ નેશન્સના મતે, અફઘાનિસ્તાનમાં ચારમાંથી ત્રણ લોકો પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકતા નથી.

આલિયા તેમના પરિવારના સમર્થન વિશે વાત કરે છે, "શિક્ષણ પર પ્રતિબંધ પહેલાં, મારામ માતાપિતાએ મને શાળાએ જવા માટે પ્રોત્સાહિત કરી હતી."

"તેમણે કહ્યું કે હું ચોક્કસપણે પાઇલટ બનવાનું મારું સ્વપ્ન પૂર્ણ કરી શકીશ."

"તેમણે કાબુલમાં રહેવાના મારા નિર્ણયને પણ સ્વીકારી લીધો છે અને અંગ્રેજી અભ્યાસક્રમોનો ખર્ચ ઉઠાવી રહ્યા છે."

તેઓ એમ પણ કહે છે, "મારાં માતાપિતા અફઘાનિસ્તાનની વાસ્તવિકતાઓથી બંધાયેલાં છે. હવે તેઓ મારાં માટે લગ્નને શ્રેષ્ઠ વિકલ્પ માને છે કારણ કે હું ન તો શાળાએ કે યુનિવર્સિટીમાં જઈ શકું છું કે ન તો કામ કરી શકું છું. "

આલિયાને લગ્નના અનેક પ્રસ્તાવો મળી રહ્યા છે.

તેમને એ વાતનો ડર છે કે તેમને કદાચ કોઈ એક માટે હા કહેવી પડશે. જોકે, તેમને ડર છે કે લગ્ન તેમના નવા પરિવારમાં તેમની સ્વતંત્રતા છીનવી લેશે.

તેઓ કહે છે કે કેટલાક પરિવારો ખૂબ રૂઢિચુસ્ત હોય છે અને તેમને તેમનાં સ્વપ્નો ભૂલી જવા માટે પણ કહી શકે છે. આથી, તેઓ આ બાબતે હકારાત્મક રહી શકતાં નથી.

પરંતુ તેઓ મક્કમ છે. તેઓ કહે છે કે જો તેમનો પરિવાર તેમને દબાણ નહીં કરે તો તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી લગ્નનો વિરોધ કરશે.

વિધવા માતાએ ભણાવ્યું, પછી પ્રતિબંધને કારણે ભણવાનું બંધ કર્યું

જોકે, અફઘાનિસ્તાનમાં લગ્નનો વિરોધ કરવો સરળ નથી.

કાબુલની પશ્ચિમે એક નાના ઘરમાં, અમે શમા (નામ બદલ્યું છે) ને મળ્યા, જે ડૉક્ટર બનવા માગતાં હતાં પરંતુ હવે તે બે છોકરીઓનાં માતા છે.

તેમણે કહ્યું કે તેમના પિતા છ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા, અને તેમનાં માતાએ સફાઈ કામદાર તરીકે નોકરી સ્વીકારી જેથી તે અને તેની બહેનો શાળાએ જઈ શકે.

પરંતુ તાલિબાન શાસન દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે, તેમણે પોતાનો અભ્યાસ છોડવો પડ્યો.

શમાનાં માતા કામિલા (નામ બદલ્યું છે) હવે માને છે કે તેમની પાસે તેમની દીકરીઓના શિક્ષણ માટે કોઈ વિકલ્પ બચ્યો નથી.

તેઓ કહે છે, "મને ડર છે કે મારી દીકરી લગ્ન કરવા યોગ્ય ઉંમરની છે. જો તે લગ્ન નહીં કરે તો તેનાથી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે."

"મને ડર છે કે તેઓ (તાલિબાન સરકારી સૈનિકો) મને પ્રશ્ન કરશે કે હું તેનાં લગ્ન કેમ નથી કરાવી રહી."

તેઓ કહે છે, "હું ઇચ્છતી હતી કે મારી દીકરી ભણે, કામ કરે અને સમાજમાં યોગદાન આપે. હું અભણ છું, એ તો અંધ હોવા જેવું છે."

"મારી દીકરી (શમા) નાં ઘણા સપનાં હતાં, પણ હવે મને નથી લાગતું કે તે પૂરા થશે."

શમાએ કહ્યું, "જો પ્રતિબંધ ન હોત, તો મેં અત્યાર સુધીમાં મારું શાળાકીય શિક્ષણ પૂર્ણ કરી લીધું હોત અને ડૉક્ટર બનવાની નજીક હોત. હું આ જ કરવા માંગતી હતી."

પરંતુ તેમનાં માતાના દબાણ હેઠળ, શમાએ ચાર વર્ષ પહેલાં લગ્ન કરી લીધાં. હવે તેમનાં પર બે નાનાં બાળકોની જવાબદારી છે, જેમાંથી એક નવજાત બાળક છે.

તેઓ કહે છે કે તાલિબાન શાસન આવ્યું તે પહેલાં તેમનાં સ્વપ્નો માટે ઘણા લગ્નપ્રસ્તાવોને નકારી કાઢ્યા હતા.

તેઓ કહે છે કે જ્યારે તે મહિલાઓને ફિલ્મોમાં ભણતી કે કામ કરતી જુએ છે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે.

જોકે, તેઓ એમ પણ કહે છે કે તેમના પતિનું વર્તન સારું છે, પરંતુ તેઓ હંમેશાં પોતાના સપના પૂરા ન કરી શકવાનું દુઃખ અનુભવે છે.

તેમને ઘરમાં બધું સીમિત થઈ ગયું હોય તેવું લાગે છે અને માત્ર તેમનાં બાળકો માટે જ જીવે છે.

પ્રતિબંધ હઠે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ

શમાનાં નાનાં બહેન નોરા (નામ બદલ્યું છે) 18 વર્ષનાં છે. તેમને ડર છે કે તેમનું પણ આવું જ ભાવિ થશે.

તેઓ કહે છે, "હું હજુ લગ્ન કરવા માટે ખૂબ નાની છું અને મારો અભ્યાસ ચાલુ રાખવા માગું છું. એવું લાગે છે કે હું જેલમાં છું."

"પણ મને બહાર જવાનો ડર લાગે છે અને ઘરે મારાં માતા મારા પર લગ્ન કરવા માટે દબાણ કરે છે."

છોકરીઓના શિક્ષણ પરના પ્રતિબંધ અંગે તેઓ કહે છે, "મને નથી લાગતું કે તાલિબાન સરકાર હેઠળ શાળાઓ ક્યારેય ફરી ખૂલશે. હું ચાર વર્ષથી વધુ સમયથી શાળાઓ ફરી ખૂલશે તેની જાહેરાતની રાહ જોઈ રહી છું."

તાજેતરમાં કાબુલ ભણવા આવેલાં આલિયા, તાલિબાન સરકારે શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો હતો તે ક્ષણનું વર્ણન કરે છે. એ ક્ષણ તેમના જેવી અનેક મહિલાઓ ભૂલી શકતી નથી.

આલિયા કહે છે, "હું આખો દિવસ અને રાત રડતી રહી. હું એક અઠવાડિયા સુધી સૂઈ શકી નહીં, મને એવું લાગતું હતું કે હું જીવતા મૃતદેહની જેમ ભટકતી રહી છું."

અહીં ઉલ્લેખનીય છે કે મહિલાઓ તાલિબાનના સર્વોચ્ચ નેતા દ્વારા લાદવામાં આવેલા ઘણા વધુ પ્રતિબંધોનો સામનો કરી રહી છે.

કેટલીક જગ્યાએ આનો અમલ ખૂબ જ કડક રીતે કરવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ થોડી છૂટછાટ આપવામાં આવે છે.

અભ્યાસ પરનો પ્રતિબંધ હટાવવા અંગે તાલિબાને શું કહ્યું?

2021 થી, તાલિબાન સરકાર આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપી શકી નથી: છોકરીઓ માટે શાળાઓ ક્યારે ખૂલશે?

સત્તા સંભાળ્યા પછી, સપ્ટેમ્બર 2021 માં, તાલિબાનના પ્રવક્તાએ બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે છોકરીઓ માટે શાળાઓ ખૂલશે.

તેમણે એમ પણ કહ્યું કે તેઓ "સુરક્ષાની સ્થિતિ સુધારવા પર કામ કરી રહ્યા છે."

પરંતુ એક વર્ષ પછી, 2022 માં તાલિબાન સરકારે જવાબ આપ્યો કે "ધાર્મિક વિદ્વાનો શાળામાં જતી છોકરીઓની સલામતી અંગે ચિંતિત છે." અને કહ્યું કે તેઓ આ મુદ્દા પર કામ કરી રહ્યા છે.

2024 માં, તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે કહ્યું, "અમે નેતૃત્વના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ."

આ મહિને, જ્યારે અમે સરકારના પ્રવક્તા ફિતરતને ફરીથી મળ્યા, ત્યારે તેઓ અમારી સાથે ફોટો પડાવવા માગતા ન હતા કે અમારી સાથે બેસીને વાત કરવા પણ માગતા ન હતા કારણ કે અમે મહિલાઓ હતાં.

ત્યાર બાદ તેમને પૂછવામાં આવ્યું કે તેઓ માધ્યમિક શાળા અને યુનિવર્સિટીમાં છોકરીઓના શિક્ષણ પરના પ્રતિબંધને કેવી રીતે યોગ્ય ઠેરવી શકે છે.

આના જવાબમાં તેમણે કહ્યું, "હાલમાં લગભગ 70 લાખ છોકરાઓ અને 50 લાખ છોકરીઓ અભ્યાસ કરી રહ્યા છે. અને ધોરણ 6 પછી શિક્ષણ પર પ્રતિબંધ એક અલગ મુદ્દો છે."

ત્યાર બાદ પ્રવક્તાએ બીબીસીને સંતોષકારક જવાબ માટે શિક્ષણ મંત્રાલયનો સંપર્ક કરવા કહ્યું.

બીબીસીએ ફરીથી પ્રવક્તાને પૂછ્યું, "અફઘાનિસ્તાનમાં મહિલાઓ માને છે કે તેમના માટે શૈક્ષણિક તકો ફરી ક્યારેય નહીં ખૂલે, કદાચ આ પ્રતિબંધ ક્યારેય નહીં ઉઠાવી શકાય."

તેમણે શિક્ષણ મંત્રાલય પાસેથી પણ જવાબ માંગ્યો. ત્યાર બાદ બીબીસીએ શિક્ષણ મંત્રાલયને પણ આ જ પ્રશ્ન પૂછ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

અનેક પ્રસંગોએ એ સ્પષ્ટ થયું છે કે મહિલા શિક્ષણ અંગે તાલિબાન સરકારમાં મતભેદો છે. જોકે, છેલ્લાં પાંચ વર્ષોમાં, આ મુદ્દા પર સુપ્રીમ લીડરનું વલણ વધુ કઠોર બન્યું છે.

(ઍડિશનલ રિપોર્ટિંગ: ઇમોજેન ઍન્ડરસન, મહફૂઝ ઝુબૈર અને સંજય ગાંગુલી)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન