You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસા પહેલાં જ હવામાન પલટાશે, આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભયંકર ગરમી અનુભવાય છે ત્યારે કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી છે.
સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસવાને હજુ વાર છે, પરંતુ તે અગાઉ કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે એવું હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે.
અમદાવાદસ્થિત હવામાન વિભાગની કચેરી મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં સૂકું હવામાન રહ્યું છે.
રાજ્યમાં કોઈ પણ જગ્યાએ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા થોડું વધારે રહ્યું છે, જ્યારે કચ્છમાં સામાન્ય કરતા થોડું ઓછું છે.
હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે અનુકુળ વાતાવરણ છે અને તે અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને અંદમાન નિકોબારના સમુદ્રમાં આગામી બેથી ત્રણ દિવસમાં આગળ વધશે.
28 મેના રોજ ઉત્તરપશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાય તેવી આગાહી છે. આ વિસ્તારમાં હાલમાં પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે.
ગુજરાતમાં વરસાદની આગાહી પ્રમાણે વરસાદ ક્યારે પડશે?
હવામાન વિભાગ મુજબ હજુ બે દિવસ સુધી ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની આગાહી છે, પરંતુ 30 મેએ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન સૌરાષ્ટ- કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં સૂકું હવામાન રહેવાની આગાહી છે.
પહેલી અને બીજી જૂને છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયાં સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાયના ભાગોમાં હવામાન સૂકું રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે.
27 મેથી 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં અત્યંત ગરમ અને ભેજવાળું હવામાન અનુભવાઈ શકે છે. ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહેશે.
30 મેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે. આ ઉપરાંત પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદ પડવાની આગાહી છે.
બીજી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે, જે દરમિયાન પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેશે.
ગુજરાતમાં હિટવેવમાં રાહત ક્યારે મળશે?
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 27 મે, બુધવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હવામાન સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે.
ગુજરાત ઉપરાંત દેશના બીજા ભાગો પણ હાલમાં હિટવેવમાં શેકાઈ રહ્યા છે. ચાલુ સપ્તાહના અંત સુધી આવી જ રીતે ગરમી પડશે, પરંતુ તેની સાથે સાથે ચોમાસા માટે પણ અનુકૂળ સ્થિતિ સર્જાશે.
ભારતની ખેતી હજુ પણ ચોમાસા પર 70 ટકા સુધી આધારિત છે. ડાંગર, મકાઈ, કપાસ, સોયાબીન અને તેલીબિયાંનો ખરીફ પાક લેવા માટે સમયસર ચોમાસું આવે તે અત્યંત જરૂરી છે.
હવામાન વિભાગ મુજબ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં બુધવારે અને ગુરુવારે આકરી ગરમી અનુભવાશે. પશ્ચિમ રાજસ્થાન, વિદર્ભ અને મધ્ય પ્રદેશમાં 29 મે સુધી તીવ્ર હિટવેવનો અનુભવ થશે.
27 મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થાય.
ત્યાર પછી તે બે દિવસમાં 6થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટે તેવી આગાહી છે. મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં 29 મે પછી ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના છે.
કેરળ અને તમિલનાડુમાં 26 મેએ ભારે વરસાદ પડવાની આગાહી છે. પૂર્વ ભારતમાં આગામી બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડી શકે છે.
મહારાષ્ટ્રમાં પ્રિમોન્સૂન ઍક્ટિવિટી શરૂ થઈ ગઈ છે જેના કારણે છૂટીછવાઈ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે એવું હવામાન વિભાગે જણાવ્યું છે.
28 મે સુધીમાં કોંકણ અને ગોવાના પ્રદેશમાં કેટલીક જગ્યાએ વરસાદ પડશે.
મહારાષ્ટ્રના મધ્ય ભાગમાં પણ 27 અને 28 મેએ આવી સ્થિતિ જોવા મળશે. આમ છતાં હવામાં ભેજનું પ્રમાણ ઊંચું હોવાના કારણે મુંબઈમાં હજુ 33થી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની આગાહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન