You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં ચોમાસું ક્યાં સુધી પહોંચ્યું, ગુજરાત આવતા કેટલો સમય થશે?
ચોમાસું હાલ અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે અને ત્રણ દિવસ બાદ હવે ફરીથી ચોમાસાએ પ્રગતિ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું અરબી સમુદ્ર, લક્ષદ્વીપ તથા બંગાળની ખાડીના કેટલાક વધારે વિસ્તારો સુધી પહોંચી ગયું છે.
જોકે, જ્યાં સુધી કેરળમાં ચોમાસાની શરૂઆત ના થાય ત્યાં સુધી ભારતમાં ચોમાસાનું આગમાન થયું ગણાતું નથી. હવામાન વિભાગે આ પહેલાં 26 મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચે તેવું પૂર્વાનુમાન કર્યું હતું. જોકે, જેમાં 4 દિવસની મૉડલ ત્રુટી રાખવામાં આવી હતી.
કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે. એટલે કે ત્યાં સુધીમાં ચોમાસું શરૂ થઈ જાય તો તેને મોડું ગણાતું નથી.
હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે પરંતુ તે કેરળમાં જલદી જ પહોંચી જાય તેવી સ્થિતિ દેખાતી નથી.
જેથી ભારતમાં ચોમાસું શરૂ થવાને હજી કદાચ થોડો સમય લાગી શકે છે, કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ જ કે તેની સાથે જ ચોમાસું બીજાં રાજ્યોમાં પહોંચવાની જાહેરાત કરવામાં આવે છે.
ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારિક તારીખ 15 જૂન છે પરંતુ આ વર્ષે હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં ચોમાસું પહોંચે એ પહેલાં જ વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 30 મેની આસપાસ ગુજરાતમાં હવામાન પલટાશે અને ઉનાળાની ગરમી બાદ હવે ચોમાસાનો માહોલ સર્જાશે. જે બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે.
ચોમાસું હાલ કેરળથી કેટલું દૂર છે?
હવામાન વિભાગના બુલેટિન મુજબ 27 મે 2026ના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રના કેટલાક ભાગો, લક્ષદ્વીપ ક્ષેત્રના કેટલાક ભાગો, દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીના વધુ કેટલાક ભાગો, અંદમાન સમુદ્રના બાકીના ભાગો અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગામી બે-ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રના વધુ કેટલાક ભાગો, લક્ષદ્વીપ ક્ષેત્ર, દક્ષિણ-પશ્ચિમ, પૂર્વ મધ્ય અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગો અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે.
હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું કેરળથી બહુ દૂર નથી પરંતુ તેના માટે નક્કી કરેલા કેટલાક માપદંડો પૂરા થાય તે બાદ જ ચોમાસું શરૂ થયાની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતમાં ચોમાસું પહોંચે એ પહેલાં જ વરસાદ પડશે?
ગુજરાતમાં 30 મેથી 2 જૂન સુધી ગાજવીજ, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી હવા સાથે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ પ્રમાણે 30 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લી તથા મહીસાગર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે.
1 જૂનની આસપાસથી રાજ્યમાં વરસાદનું જોર વધશે પરંતુ તે ચોમાસાનો વરસાદ નહીં હોય. રાજસ્થાનની આસપાસ એક સિસ્ટમ બનવાની શક્યતા છે જેના લીધે વરસાદ પડશે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 7 જૂન સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બે દિવસ બાદ હવામાન પલટાશે અને વાદળો દેખાવાનાં શરૂ થશે.
આ ઉપરાંત 30 મે સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ દેખીતો ફેરફાર થવાની સંભાવના નથી.
તેમજ 31 મેથી 2 જૂન સુધીના સમયગાળામાં રાજ્યમાં મહત્તમ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની સંભાવના છે.
આ સિવાય 27થી 28 મેના રોજ રાજ્યમાં ગરમ અને ભેજવાળા હવામાનની સ્થિતિ જળવાઈ રહે તેવી સંભાવના છે.
ક્યાં પડશે ભારે વરસાદ?
હવામાન વિભાગે માહિતી આપી છે તે મુજબ પૂર્વોત્તર ભારત અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે ગુજરાતનાં પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના છે.
હાલ ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે અને અનેક વિસ્તારો લૂનો સામનો કરી રહ્યા છે. એવામાં 29 મેની આસપાસથી ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જેથી ગરમીથી રાહત મળશે.
આ ઉપરાંત 29મેના રોજ પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ તથા પશ્ચિમ ઉત્તર ભારતના વિસ્તારોમાં આંધી આવવાની શક્યતા છે. જેમાં 80થી 90 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને પવનની ગતિ વધીને 100 કિમી પ્રતિ કલાક સુધી જવાની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન