You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'SIR ચૂંટણીપંચનો અધિકાર', મતદાર યાદી સુધારણાની વૈધતા પર સુપ્રીમ કોર્ટની મહોર, વિપક્ષે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે બુધવારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઇઆરને યોગ્ય ઠેરવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ચૂંટણીપંચ દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના બંધારણીય સિદ્ધાંતને લાગુ કરવા માટે કરાયેલ યોગ્ય અભ્યાસ છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાલી બેન્ચે અરજદારોની એ દલીલને ફગાવી દીધી, જેમાં કહેવાયું હતું કે એસઆઇઆર ખરેખર 'ઘૂસણખોરો'ને હઠાવવાના નામે પાછલા બારણે નાગરિકતાની તપાસ માટેની રીત છે.
અરજીમાં આરોપ લગાવાયો હતો કે ચૂંટણીપંચ મનમાનીપૂર્વક નાગરિકતા નક્કી કરવાની શક્તિઓ પોતાના હાથમાં લઈ રહ્યું છે અને સંસદમાં બનાવાયેલા કાયદા, નિયમો સાથે પોતાના જ મૅનુઅલમાં નક્કી કરાયેલી સીમાઓને ખોટી રીતે પાર કરી રહ્યું છે.
બિહારમાં એસઆઇઆરની બંધારણીય માન્યતાને બરકરાર રાખનારા આ નિર્ણયની અસર આગળ થનારાં અન્ય એસઆઇઆર પર પણ પડશે.
સુપ્રીમ કોર્ટમાં બિહાર મામલાની સુનાવણી ચાલુ હતી એ દરમિયાન જ એસઆઇઆરનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો હતો, જેમાં પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને આસામ સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 51 કરોડ મતદાર સામેલ છે.
જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે આને ન્યાયતંત્ર માટે 'કાળો દિવસ' ગણાવ્યો છે, તો આ મામલે અરજદાર યોગેન્દ્ર યાદવે કહ્યું કે તેમને આ નિર્ણયથી કોઈ અચરજ નથી થયું.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
નાગરિકતા મામલે અંતિમ નિર્ણય નહીં મનાય
ચીફ જસ્ટિસે ખુલ્લી અદાલતમાં નિર્ણય સંભળાવતા કહ્યું કે ચૂંટણીપંચને બંધારણના અનુચ્છેદ 324 અંતર્ગત આ અધિકાર છે કે તે મતદારયાદીમાં નામ સામેલ કરવા માટે નાગરિકતાની તપાસ કરે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ તપાસ કોઈ વ્યક્તિની નાગરિકતા અંગે અંતિમ નિર્ણય નહીં મનાય.
જો ચૂંટણીપંચને એવું લાગે કે કોઈ વ્યક્તિ પાસે જરૂરી દસ્તાવેજ નથી કે એ તપાસમાં સફળ નથી થઈ, તો એ આ મામલો નાગરિકતા કાયદા અંતર્ગત અંતિમ નિર્ણય માટે કેન્દ્ર સરકારની સક્ષમ ઑથૉરિટી પાસે મોકલી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જોકે, સરકારે રિપ્રેઝેન્ટેશન ઑફ ધ પીપલ ઍક્ટ અને રજિસ્ટ્રેશન ઑફ ઇલેક્ટર્સ રૂલ્સ અંતર્ગત મતદારયાદી સંશોધનની સામાન્ય પ્રક્રિયાની મર્યાદાઓને કેટલીક હદ સુધી વિસ્તારી, પરંતુ માત્ર આ જ આધારે તેને ગેરબંધારણીય જાહેર ન કરી શકાય.
કોર્ટે માન્યું કે આ પ્રક્રિયા એક અસાધારણ પરિસ્થિતિમાં કરાઈ હતી, પરંતુ તેને અધિકાર ક્ષેત્રની બહાર ન કહી શકાય. કોર્ટે કહ્યું કે મતદારયાદી સંશોધન સાથે સંકળાયેલા પ્રક્રિયાત્મક સુરક્ષા ઉપાયોનું પાલન કરાયું.
આ મામલામાં ઍસોસિયેશન ફૉર ડેમૉક્રૅટિક રિફૉર્મ્સ પણ અરજદાર હતો. તેની તરફથી પ્રશાંત ભૂષણ અને નેહા રાઠી હાજર રહ્યાં હતાં. સુપ્રીમ કોર્ટે તેમની એ દલીલને પણ ફગાવી દીધી કે એસઆઇઆરે નાગરિકતા સાબિત કરવાનો બોજો મતદારો પર નાખી દીધો.
જોકે, કોર્ટે ફરી વાર એવું કહ્યું કે એસઆઇઆરમાં સ્વીકાર કરાતા તમામ દસ્તાવેજોની પસંદગીમાં સંતુલન જાળવી રાખવું એ જરૂરી હશે.
'ન્યાયતંત્ર માટે કાળો દિવસ'
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. પ્રશાંત ભૂષણે આ નિર્ણયને ભારતના ન્યાયતંત્ર માટે કાળો દિવસ કહ્યો છે.
પ્રશાંત ભૂષણે ઍક્સ પર લખ્યું, "સુપ્રીમ કોર્ટે અંતે એસઆઇઆરની પ્રક્રિયાને યોગ્ય ઠેરવવાનો નિર્ણય સંભળાવી દીધો. ઘણાં રાજ્યોમાં ચૂંટણી થયાના ઘણા મહિના બાદ આ નિર્ણય સંભળાવાયો છે. આ જ એસઆઇઆરના આધારે ચૂંટણીઓ કરાવાઈ હતી. સમગ્ર પ્રક્રિયા એક પક્ષપાતી ચૂંટણીપંચે ચલાવી, જેમાં દસ ટકાથી વધુ મતદારોનાં નામ હઠાવાયાં અને એ પણ અત્યંત અપારદર્શી રીતે. આ નિર્ણય ભારતીય ન્યાયતંત્ર માટે એક કાળો દિવસ છે."
જાણીતા રાજકીય કૉમેન્ટેટર અને એસઆઇઆરનો વિરોધ કરનારા યોગેન્દ્ર યાદવે ઍક્સ પર લખ્યું, "હું આજે એસઆઇઆર મામલામાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય સાંભળવા ન ગયો. આ મામલામાં એક અરજદાર હોવાને કારણે કોર્ટમાં દલીલ કરવાની તક મળવા છતાં, મારામાં આશા, બેચેની કે ઓછામાં ઓછી જિજ્ઞાસા હોવી જોઈતી હતી. પરંતુ એવું કંઈ જ નહોતું, આ મામલો ખૂબ પહેલાં નક્કી થઈ ગયો હતો. હવે માત્ર નિર્ણયની ભાષા અને તેની બારીકાઈઓનો ઇંતેજાર હતો."
યાદવે લખ્યું છે, "મારા અનુસાર, આ મામલાની દિશા ગત વર્ષે ઑગસ્ટમાં નક્કી થઈ ગઈ હતી. ત્રણ દિવસ સુધી એસઆઇઆર વિરુદ્ધ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેની બંધારણીય માન્યતાની તપાસ પરથી ધ્યાન હઠાવીને પોતાની જાતને લગભગ એક ગ્રાહક ફોરમમાં બદલી દીધું, જ્યાં બંધારણીય સિદ્ધાંતોને સ્થાને ફરિયાદ નિવારણ અને વહીવટી મધ્યસ્થી પર ભાર હતો."
"ખરેખર તો આ મામલો એ જ દિવસે નક્કી થઈ ગયો હતો, જ્યારે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને બિહાર ચૂંટણી આગળ વધારવાની પરવાનગી આપી દીધી. આ મામલા અંગે નિર્ણય સંભળાવ્યા વગર, એસઆઇઆર બાદ મતદારયાદીમાં આવેલી ગંભીર ખામીઓને સુધારવાનું સુનિશ્ચિત કર્યા વગર. એ બાદ જ્યારે ચૂંટણીપંચે એસઆઇઆરનો બીજો અને ત્રીજો તબક્કો શરૂ કરી દીધો ત્યારે કોર્ટ આરામથી તેની બંધારણીયતા પર દલીલ સાંભળતી રહી. ત્યારે એસઆઇઆર એક અપરિવર્તનીય વાસ્તવિકતા બની ચૂક્યું હતું."
યોગેન્દ્ર યાદવે લખ્યું છે, "ભારતની સુપ્રીમ કોર્ટે હવે લાખો નાગરિકને મતાધિકારથી વંચિત કરાયાની વાતને માન્યતા આપી દીધી છે. અત્યાર સુધી ઓછામાં ઓછા 5.9 કરોડ લોકો અસરગ્રસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે અને આ સંખ્યા આગળ દસ કરોડ સુધી પહોંચી શકે છે. એસઆઇઆરને કોર્ટ ગેરબંધારણીય જાહેર કરી દે અને એ બાદ ચૂંટણી રદ કરી દે એ વાત કલ્પના બહાર હતી."
'મૂળ સવાલનો હજુ પણ જવાબ નથી મળ્યો'
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ લખ્યું છે, "સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચની એસઆઇઆર કરાવવાની શક્તિને ચાલુ રાખી છે, પરંતુ એક પાયાના સવાલનો જવાબ નથી મળ્યો. એ લાખો માન્ય ભારતીય નાગરિકોનું શું થશે, જેઓ એસઆઇઆર પ્રક્રિયાથી બહાર રહી ગયા? શું તેઓ માત્ર એસઆઇઆર ઉતાવળે કરાયું એના કારણે અને તેમાં કથિત તાર્કિક વિસંગતિ એલ્ગોરિધમનો ઉપયોગ કરાયો તેના કારણસર પોતાના બંધારણીય એવા મતદાનના અધિકાર અને કલ્યાણકારી યોજનાઓના લાભ ગુમાવી દેશે?"
ટીએમસી નેતા અને વકીલ કલ્યાણ બેનરજીએ કોર્ટના નિર્ણય બાદ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "સુપ્રીમ કોર્ટનો નિર્ણય માત્ર બિહાર મામલા સુધી સીમિત હતો, સુનાવણી દરમિયાન અદાલતે વારંવાર કહ્યું કે તેની ટિપ્પણીઓ માત્ર બિહાર એસઆઇઆરના સંદર્ભમાં છે, બિહાર મામલામાં ઉઠાવાયેલી પ્રક્રિયા સંબંધિત અનિયમિતતાઓની વાતને સુપ્રીમ કોર્ટે ન સ્વીકારી."
"આ મામલે કોર્ટની સૌથી મહત્ત્વપૂર્ણ ટિપ્પણી એ હતી કે જો કોઈ વ્યક્તિનું નામ એ આધારે હઠાવાય કે તેમને નાગરિક નથી માનવામાં આવ્યા, તો ચૂંટણીપંચ પાસે આ નક્કી કરવાનો અધિકાર નથી કે કોઈ વ્યક્તિ નાગરિક છે કે નહીં. એટલે કે ચૂંટણીપંચ માત્ર મતદારયાદીના સીમિત હેતુની તપાસ કરી શકે છે, પરંતુ નાગરિકતા અંગે અંતિમ નિર્ણય આપવાનો અધિકાર તેની પાસે નથી."
ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ ઍક્સ પર લખ્યું, "આજે સુપ્રીમ કોર્ટનો બિહાર એસઆઇઆર પરનો નિર્ણય ચૂંટણીપંચની અવ્યવહારિક, ઉતાવળમાં કરાયેલી અને ભેદભાવપૂર્ણ પ્રક્રિયાને મંજૂર આપવા જેવો છે. આના કારણે પશ્ચિમ બંગાળ એસઆઇઆર બાદ 27 લાખ માન્ય મતદાર મતદાન કરવાથી વંચિત રહી ગયા અને તેમનું ભવિષ્ય હજુ પણ અનિશ્ચિત છે. ન્યાય થવો જોઈએ અને ન્યાય થઈ રહ્યો છે એવું દેખાવું પણ જોઈએ."
'નિષ્પક્ષ ચૂંટણી માટે આ પ્રક્રિયા જરૂર હતી'
ભાજપે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલો કર્યો હતો. પાર્ટીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી શરૂઆતથી જ એસઆઇઆરનો એટલા માટે વિરોધ કરી રહ્યા હતા કારણ કે તેઓ ઘૂસણખોરો અને નકલી મતદારોના પક્ષમાં ઊભા હતા.
ભાજપનું કહેવું છે કે મતદારયાદીને ગરબડથી બચાવવા માટે એસઆઇઆર જરૂરી હતું અને સુપ્રીમ કોર્ટના નિર્ણયે ચૂંટણીપંચની પ્રક્રિયાને બંધારણીય માન્યતા આપી દીધી છે.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આ નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું, "કોર્ટે આગળ એવું પણ કહ્યું કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે આ પ્રક્રિયા બિલકુલ જરૂરી હતી... હાલનાં વર્ષોમાં શહેરીકરણ, પલાયન, ડુપ્લિકેશન અને નવા નિવાસીઓના સામેલ થવા જેવાં કારણોને લીધે મતદારયાદીમાં મોટા પાયે નામ દાખલ કરાયાં અને હઠાવાયાં છે."
"સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયાને બંધારણીય રીતે માન્ય ગણી છે, તેને ચૂંટણીપંચના અધિકારક્ષેત્રમાં ગણાવી છે અને સ્વતંત્ર અને પારદર્શી ચૂંટણી કરાવવા માટે અનિવાર્ય માની છે. ઇન્ડિયા ગઠબંધનનું વાસ્તવિક ચરિત્ર, જે સનાતન ધર્મને નુકસાન પહોંચાડનારું અને ઘૂસણખોરોનું રક્ષણ કરનારું છે, એ આજે સંપૂર્ણપણે બહાર આવી ગયું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન