You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ, કૉંગોથી વડોદરા આવેલા વેપારી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ, સરકારે કહ્યું, 'ગભરાવાની જરૂર નથી'
ગુજરાતમાં પણ ઇબોલાનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. જોકે, સરકાર દ્વારા તેની પુષ્ટિ કરવામાં નથી આવી. ગુજરાત સરકારનું કહેવું છે કે શંકાસ્પદ દર્દીના લોહીનાં સૅમ્પલ પુણે ખાતે મોકલવામાં આવ્યાં છે, તેનો રિપોર્ટ આવશે પછી ખબર પડશે કે તેને ઇબોલા છે કે નહીં. હાલ, માત્ર અગમચેતીના ભાગરૂપે તેમને અમદાવાદ ખાતેની સિવિલ હૉસ્પિટલમાં ઇબોલાના સંક્રમણની સારવાર માટે બનેલા ખાસ વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મીડિયાને જણાવ્યું કે "કૉંગોથી મુંબઈ થઈ વડોદરા આવેલા એક વેપારીને તાવ આવ્યો હતો તેથી તેમને વડોદરાની બૅન્કર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમનાં લક્ષણો શંકાસ્પદ ઇબોલાનાં જણાતા તેમને અમદાવાદ ખાતેની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમના બ્લડનાં સૅમ્પલો લઈને વિવિધ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે."
પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે તેમના સંપર્કમાં આવેલા એક ડૉક્ટર અને બે અન્ય મિત્રો સહિત ત્રણને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.
જોકે, પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે કે "હજુ તેમને ઇબોલા વાઇરસનો ચેપ લાગ્યો હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી એટલે લોકોએ ગભરાટમાં આવી જવાની જરૂર નથી."
તેમણે કહ્યું કે અગાઉ પણ આ જ પ્રકારે એક વ્યક્તિને શંકાસ્પદ સંક્રમણ જણાતા તેમને ક્વૉરન્ટાઇન કરવામાં આવી હતી પંરતુ તેમનો રિપોર્ટ પણ નૅગેટિવ આવ્યો છે.
તેમના કહેવા પ્રમાણે માત્ર અગમચેતીનાં પગલાંને ધ્યાને રાખીને આફ્રિકાથી આવેલા આ વેપારીને પણ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં બનેલા ખાસ ઇબોલા વૉર્ડમાં દાખલ કરવામાં આવી છે.
પ્રફુલ પાનસેરિયાના મત અનુસાર ગુજરાતમાં હાલ એક પણ ઇબોલા વાઇરસના ચેપનો કેસ નોંધાયો નથી.
પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આ દર્દીને હાલ કોઈ જોખમ જણાતું નથી. તેમનું તાપમાન પણ કાબૂમાં છે અને જે અન્ય ત્રણ લોકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે તેમને તો કોઈ જોખમ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું કે હાલ દુનિયાના દેશોમાં આ વાઇરસના સંક્રમણને લઈને જે ગાઇડલાઇન આપવામાં આવી છે તે અંતર્ગત ગુજરાતમાં વિવિધ હૉસ્પિટલોમાં ખાસ આઇસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
સુરતની નવી સિવિલ હૉસ્પિટલ ખાતે 10 બેડના એક આઇસોલેશન વૉર્ડને તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ઇબોલા વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા શંકાસ્પદ લોકોને સારવાર આપવામાં આવશે.
ગુજરાતમાં સુરત ઉપરાંત અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં પણ આવો અલાયદો વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હજુ સુધી ઇબોલાના કોઈ દર્દી હોવાનું બહાર આવ્યું નથી, ત્યારે આફ્રિકાના કેટલાક દેશોમાં ઝડપથી ફેલાઇ રહેલી આ બીમારીને ધ્યાનમાં રાખીને આગમચેતીના પગલાં તરીકે આ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે એવું સત્તાવાળાઓનું કહેવું છે.
ભારતમાં હજુ સુધી ઇબોલાનો કોઈ કન્ફર્મ કેસ નોંધાયો નથી. બૅંગ્લુરુમાં યુગાન્ડાથી આવેલાં એક મહિલાને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યાં છે, પરંતુ તેમનો ઇબોલા ટેસ્ટ નૅગેટિવ આવ્યો છે એવું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.
સુરતના ઇબોલા વૉર્ડમાં કેવી વ્યવસ્થા છે?
ઇબોલા એ કોવિડની જેમ જ ચેપી રોગ છે પરંતુ તે વધારે જીવલેણ છે. આ વાઇરસ સંપર્કથી ફેલાય છે. આ ઉપરાંત ઇબોલાના દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે ઊંચું છે.
સુરતની નવી સિવિલ હૉસ્પિટલનાં ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પારુલ વડગામાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "સુરતના આઇસોલેશન વૉર્ડમાં વૅન્ટિલેટરની સુવિધા સાથે 10 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. અહીં લાવવામાં આવતા શંકાસ્પદ દર્દીઓ માટે પ્રવેશની વ્યવસ્થા અલગ છે. આ ઉપરાંત તેમની લિફ્ટ પણ અલગ રાખવામાં આવી છે. દર્દીઓ માટે ઍમ્બ્યુલન્સ પણ અલગ રાખવામાં આવશે."
વૉર્ડમાં દર્દીઓ માટે મૉનિટર્સ, નર્સિંગ સ્ટેશન અને દવાઓ પણ રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે "હાલમાં કોઈએ ગભરાવાની જરૂર નથી, પરંતુ વિદેશ પ્રવાસનો રેકૉર્ડ હોય તેવી કોઈ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણો જોવાં મળે તો અગમચેતીના પગલાં તરીકે આ વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે."
અહીં દર્દીઓનાં સૅમ્પલો લેવામાં આવશે અને તેને ટેસ્ટ માટે પુણે મોકલવામાં આવશે.
તેમણે કહ્યું કે "ડિપાર્ટમેન્ટ ઑફ મેડિસિન, માઇક્રોબાયૉલૉજી અને એનેસ્થેશિયાના 75 ડૉક્ટરોને ઇબોલાની સારવાર માટે ખાસ તાલીમ આપવામાં આવી છે. આગામી દિવસોમાં નર્સિંગ સ્ટાફ અને બીજા કામદારોને પણ તાલીમ અપાશે."
ડૉ. વડગામાએ જણાવ્યું કે "વિદેશ પ્રવાસથી પરત આવ્યા હોય તેવા લોકોમાં અચાનક તીવ્ર તાવ આવે, અત્યંત થાક અનુભવાય, સાંધા અને સ્નાયુમાં દુ:ખાવો થાય, માથું દુ:ખે વગેરે લક્ષણો હોય તો તેને હળવાશથી લીધા વગર ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. ઇબોલાના દર્દીઓને આગળના સ્ટેજમાં ઊલટી અથવા મળ દ્વારા લોહી પડી શકે છે જે વધારે ગંભીર લક્ષણ છે."
તેમણે કહ્યું કે હાલમાં ભારતમાં ઇબોલાના શંકાસ્પદ કેસની સારવાર સરકારી હૉસ્પિટલોમાં જ કરવામાં આવે છે.
ઇબોલા વાઇરસ કેટલો ખતરનાક છે?
આફ્રિકામાં સૌથી પહેલાં 1976માં ઇબોલા નદી નજીક આ વાઇરસને ઓળખવામાં આવ્યો હતો. તે શરીરના પ્રવાહીના સંસર્ગ મારફત ફેલાય છે.
આફ્રિકાના કેટલાક દેશોમાં ઇબોલા વાઈરસ વારંવાર ત્રાટકે છે અને આ વર્ષે પણ તેના સેંકડો કેસ નોંધાયા છે. ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઇબોલાના કેસ નોંધાયા છે.
યુનાઇટેડ નૅશન્સની વેબસાઇટ મુજબ મે 2026 સુધીના આંકડા પ્રમાણે ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો (ડીઆરસી)માં લગભગ 220 લોકો ઇબોલા વાઇરસના ચેપના કારણે માર્યા ગયા હોવાની શંકા છે. ગયા અઠવાડિયે ડીઆરસીમાં 24 કલાકની અંદર 26 લોકો શંકાસ્પદ ઇબોલાથી માર્યા ગયા હોવાના અહેવાલ મળ્યા હતા.
વેસ્ટ આફ્રિકામાં 2014થી 2016ના ગાળામાં ઇબોલાનો સૌથી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે 11,300થી વધુ લોકો માર્યા ગયા હતા.
ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો (ડીઆરસી)માં 2018થી 2020ના ગાળા દરમિયાન પણ 2,300 લોકો ઇબોલાના કારણે માર્યા ગયા હતા.
વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ને ટાંકીને રૉયટર્સનો અહેવાલ જણાવે છે કે ચેપી લોકો અથવા પ્રાણીઓના શરીરના પ્રવાહીના સંસર્ગમાં આવવાથી ઇબોલા ફેલાય છે અને તેમાં મૃત્યુનો દર સરેરાશ 50 ટકા છે.
ઇબોલાની સારવારમાં દર્દીને હૉસ્પિટલમાં દાખલ કર્યા પછી તેમને આઇવી ફ્લુઇડ્સ આપવા, બ્લડ પ્રેશર જાળવી રાખવું, ઑક્સિજન સપોર્ટ આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંક્રમિત વ્યક્તિના લોહી, પરસેવા, લાળ, ઊલટીના સંપર્કમાં ન આવવાની સલાહ અપાય છે.
ગુજરાતમાં પણ આફ્રિકાથી આવતા પ્રવાસીઓનું સ્ક્રિનિંગ વધારી દેવાયું છે. ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે યુગાન્ડા, કૉંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ પ્રવાસીઓનું અમદાવાદ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર સ્ક્રિનિંગ કરવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન