You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પૈસા માટે હુમલો થયો,' કૅનેડામાં ગુજરાતી યુવતીની હત્યા બાદ પરિવારે શું કહ્યું?
ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદનાં રહેવાસી એવાં 22 વર્ષીય વિધિ મેઘાની 15 મેના રોજ કૅનેડાના નાયગ્રા ખાતે છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હોવાના સમાચાર મળ્યા છે.
બીબીસી ગુજરાતીના આણંદસ્થિત સહયોગી નચિકેત મહેતાએ વિધિના પરિવારજનો અને બોરસદના ધારાસભ્ય સાથે વાતચીત કરીને આ ઘટનાની પુષ્ટિ કરી છે.
તાજેતરમાં અમેરિકામાં ગુજરાતી મહિલા મેઘનાબહેન પટેલની તેઓ જ્યાં કામ કરતાં એ સ્ટોરમાં એક બુકાનીધારી હુમલાખોરે ગોળી મારીને હત્યા કરી નાખી હોવાના સમાચાર માધ્યમોમાં જોવા મળ્યા હતા.
હવે કૅનેડામાં વિધિની હત્યાના સમાચારથી વિદેશમાં ભારતીયો પર થયેલા ઘાતક હુમલાની આ કડીમાં વધુ એક ઉમેરો થયો છે.
વિધિ અંગે મળી રહેલી માહિતી અનુસાર તેઓ ચાર વર્ષ પહેલાં ભણવા માટે કૅનેડા પહોંચ્યાં હતાં અને ભણતરની સાથોસાથ પાર્ટ ટાઇમ જૉબ કરીને પગભર બની રહ્યાં હતાં.
કૅનેડાની સ્થાનિક પોલીસે આ મામલામાં હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ ગુજરાતમાં વિધિના પરિવારે દીકરીના મૃતદેહને વહેલી તકે ભારત લાવવા માટે સરકાર સમક્ષ વિનંતી કરી છે.
ગુજરાત સરકારના મંત્રી અને બોરસદના ધારાસભ્ય રમણ સોલંકીએ વિધિનો મૃતદેહ વહેલી તકે ભારત લાવવાના તમામ શક્ય પ્રયાસો સરકારી સ્તરે કરાઈ રહ્યા હોવાની વાત કરી હતી.
બીબીસી ગુજરાતીએ આ સમાચાર સામે આવ્યા બાદ ઘટના અંગે પરિવારજનો સાથે વિગતવાર વાતચીત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'દીકરીએ હુમલાખોર સામે વળતી લડત આપી'
વિધિના પિતા કલ્પેશ મેઘાએ જણાવ્યું કે તેમને પોતાની દીકરીની હત્યાના બનાવ અંગે 27 મેના રોજ બોરસદ પોલીસ મારફતે ખબર પડી હતી.
તેમણે કહ્યું કે, "મારી મારી દીકરી સાથે છેલ્લે 14 મેના રોજ વાત થઈ હતી. તેણે મને કહ્યું કે મારે વર્ક પરમિટ માટે અરજી કરવાનો સમય આવી ગયો છે, તો હું એ કરીશ. તો મેં એને કહ્યું - 'સારું.' તેનું ભણવાનું પતી ગયું હતું. એ બાદ 15મી તારીખે તેની હત્યાનો બનાવ બન્યો."
"મને ગઈ કાલે ખબર પડી કે ઘટનાસ્થળે મારી દીકરી પર પૈસા માટે અચાનક હુમલો થયો હતો. એણે આ હુમલા સામે વળતી લડત આપી. તેણે સામેવાળાને પણ ઈજા પહોંચાડી, હુમલામાં મારી દીકરીનું મૃત્યુ થઈ ગયું."
કલ્પેશભાઈએ ભારે હૈયે પોતાની દીકરીની હત્યાના બનાવ અંગે વધુ માહિતી આપતાં કહ્યું, "આરોપી ડ્રગ્સનો વ્યસની છે, તેણે અગાઉ એક હત્યા પણ કરી છે. એ હવે પકડાઈ ગયો છે. એ હાલ કસ્ટડીમાં છે."
કલ્પેશભાઈએ જણાવ્યા પ્રમાણે વિધિ નાયગ્રા ખાતે રહેતાં હતાં.
"15 દિવસ પહેલાં વિધિએ પોતાનું ઘર બદલ્યું હતું. આ પહેલાં એ હેમિલ્ટન વિસ્તારમાં હતી."
કલ્પેશભાઈ સરકાર સામે પોતાની વાત મૂકતાં આગળ કહે છે, "સરકારને મારે એટલું જ કહેવું કે આવી રીતે વારંવાર ગુજરાતી અને ભારતીય છોકરા-છોકરી પર વારંવાર હુમલા થાય છે, ત્યારે સરકાર તેમને સંરક્ષણ અપાવડાવે. "
'દીકરીનો મૃતદેહ લાવવામાં ઝડપ કરે સરકાર'
ભીની આંખો અને રડમસ અવાજ સાથે વિધિનાં માસી સ્નેહલ દીકરીની હત્યાના સમાચાર સાંભળી બેભાન થઈ ગયેલાં વિધિનાં માતાને સાચવતાં જોવા મળ્યાં હતાં.
તેઓ પોતાની બહેનને બતાવતાં કહે છે, "આમની હાલત જુઓ, અમે 15 દિવસથી વિધિનો ચહેરો નથી જોયો. અમારી સરકારને માત્ર એટલી જ અપીલ છે કે જે થવાનું હતું એ બધું થઈ ચૂક્યું છે, પણ હવે આગળની કાર્યવાહીમાં જે વિલંબ થઈ રહ્યો છે, એના માટે થોડી ઝડપ કરવામાં આવે. અમારી વિધિને અમને સોંપી દેવાય."
"એની મમ્મી એનું મોઢું જોવા માટે તરસી ગઈ છે. ખાલી એક વાર અમને એનું મોં બતાવી દે. એનો મૃતદેહ અમને જલદીથી જલદી સુપ્રત કરી દેવામાં આવે, અમારે બીજું કશું નથી જોઈતું."
બોરસદના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મંત્રી રમણભાઈ સોલંકીએ કહ્યું કે, "સરકાર પાસેથી પરિવારજનોની જે નાની-મોટી જરૂરિયાત છે, એ અંગે અમે વાત કરી છે. પરિવારે દીકરીનો મૃતદેહ શક્ય તેટલો જલદી મળે તેવી લાગણી વ્યક્ત કરી છે. મેં તાત્કાલિક આ વાતની મુખ્ય મંત્રી કાર્યાલયમાં (સીએમઓ) જાણ કરી છે. સીએમઓ દ્વારા પણ આ માટેની પ્રક્રિયા ઝડપી બનાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. કૅનેડામાં પણ ભારત સરકાર સ્થિતિને સતત મૉનિટરિંગ કરી રહી છે. સરકારની મદદ માટે અમે તત્પર છીએ, દીકરીનો મૃતદેહ શક્ય તેટલો જલદી પરિવારજનોને મળે એ દિશામાં અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન