ગુજરાત : ચોમાસામાં ડામરના પાક્કા રસ્તામાં ખાડા અને ભૂવા કેમ પડી જાય છે?

ઇમેજ સ્રોત, ani
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ગુજરાતમાં ચોમાસામાં પહેલો વરસાદ પડે એની સાથે જ શહેર હોય ગામ હોય કે હાઈવે હોય, પણ એમાં રસ્તામાં ખાડા પડી જાય છે.
પહેલાં લોકો એવું માનતા હતા કે જ્યાં માટી રેતાળ છે ત્યાં ડામરના પાકા રસ્તાઓમાં ખાડા પડે, પણ હવે તો જ્યાં પથરાળ જમીન હોય અને ડામરના રોડના રસ્તામાં ખાડા પડે છે અને અકસ્માતો થાય છે.
ગુજરાતમાં રસ્તાને કારણે અનેક અકસ્માતો થતા હોય છે અને તેવા સંજોગોમાં આવેલા એક રિપોર્ટને કારણે 'રસ્તાઓની ગુણવત્તા' મામલે સવાલો થયા છે.
નિષ્ણાતોનું માનવું છે કે રસ્તો બનાવવા માટે જે માપદંડો હોય એનું જો યોગ્ય રીતે પાલન થાય તો લોકોને સારા રસ્તા મળી શકે.
ઉલ્લેખનીય છે કે ખરાબ રોડને કારણે અકસ્માતોનું પ્રમાણ પણ વધી જતું હોય છે. ક્યારેક લોકોના જીવ જાય છે, તો ક્યારેક ગંભીર ઈજા પણ થઈ શકે છે.
ખુદ સરકારના રોડ ઍન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ભલામણ કરી છે કે 'રસ્તાના રિપૅરિંગનું કામ કાયમી' થવું જોઈએ અને રસ્તામાં પડતા ખાડાની ફરિયાદનો 'તાત્કાલિક નિકાલ થાય' તો એનું નિવારણ આવી શકે.
આ અહેવાલમાં જાણીએ કે રસ્તા પર ખાડા કે ભૂવા કેમ પડી જાય છે અને નિષ્ણાતો અને સરકારનું આ મામલે શું કહેવું છે?
ખાડા પડવા અંગે થયેલા સંશોધનનો રિપોર્ટ શું કહે છે?

ઇમેજ સ્રોત, NIRAV KANSARA
ગુજરાતમાં 2024માં એક વર્ષમાં 7600 લોકોનાં માર્ગ અકસ્માતમાં મોત થયાં હતાં, એટલે કે રોજના અંદાજે 20 લોકો અકસ્માતમાં માર્યા જાય છે. આ અંગેનો ઍનાલિટિકલ રિપોર્ટ ગુજરાત રોડ ઍન્ડ સેફ્ટી વિભાગે સરકાર સામે રજૂ કર્યો છે અને 2030 સુધીમાં અકસ્માતોમાં 50 ટકા ઘટાડો કરવાનું આયોજન કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ 76 પાનાંના અહેવાલમાં વાંકાચૂકા રસ્તા, હાઈવે પરના અકસ્માત, સલામતીનાં સાધનો (જેમ કે હેલ્મેટ નહીં પહેરવી, કારમાં સીટબેલ્ટ ન બાંધવો) સહિતનાં તમામ પાસાંને આવરી લેવાયાં છે. જેમાં વરસાદમાં રોડમાં પડતા ખાડાને કારણે ચોમાસામાં છ લોકોનાં મોત અને ત્રણ જણાને ગંભીર ઈજા થઈ હોવાની વાત પણ સામેલ છે.
રસ્તામાં પડતા ખાડા અંગે એલ.ડી. ઍન્જિનિયરિંગ અને ગુજરાત ટૅકનિકલ યુનિવર્સિટીએ કરેલા અભ્યાસમાં ચોંકાવનારાં તારણ આવ્યાં છે, જેમાં વાહનોની વધતી સંખ્યાને કારણે રોડ પર થતાં કંપન, યોગ્ય પાણીના નિકાલ અને રસ્તાઓની જાળવણી યોગ્ય રીતે નહીં થતી હોવાનાં કારણો પણ બહાર આવ્યાં છે.
વરસાદ આવતાંની સાથે જ રસ્તામાં ખાડા કેમ પડે છે?

ઇમેજ સ્રોત, ani
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત યુનિવર્સિટીના ભૂસ્તર વિભાગના પ્રોફેસર ડૉ. અજય દાસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "રસ્તા બનાવવા માટે પહેલા કપચી નાખવામાં આવે, રસ્તા પરથી કેવાં અને કેટલાં વાહનો રોજ પસાર થશે અને આવનાર દિવસોમાં કેટલાં વધુ પસાર થશે, એનો અંદાજ મૂકી કપચી અને ડામરનું બૉન્ડિંગ રહે એ માત્રામાં ડામર નાખવાનો હોય છે."
"ત્યાર બાદ એની ઉપર રોલર ફેરવવી સપાટ રોડ બનાવવાનો હોય છે. ડામરની માત્રા ઓછી હોય તો પણ રોલર ફેરવી સપાટ રોડ બનાવાય ત્યારે તકલીફ ઊભી થાય, કારણ કે ડામર એટલે નાખવામાં આવે છે કે એના કારણે કપચીના ખૂણા એકબીજા સાથે જોડાયેલા રહે અને એ છૂટા ના પડે એના માટે ડામર ઇલાસ્ટિસિટી આપે છે."
તેમનું માનવું છે કે પણ યોગ્ય માત્રામાં ડામર ન નંખાયો હોય તો રોડ પરથી વાહન પસાર થાય એમ ડામરની ઇલાસ્ટિસિટી ઘટે છે અને એ કપચી સાથેની પક્કડ છોડતો જાય છે, જેના કારણે પહેલો વરસાદ આવે ત્યારે પાણી અંદર જાય છે અને જેવો માત્રામાં પાણી ગયું હોય એવો રોડ પર ખાડો પડે છે, જેમ કે ઘણા રોડ પર તમને ચોમાસામાં ગોળાકાર ખાડો જોવા મળશે, તો કોઈ રોડ પર ઓવલ શેપનો ખાડો જોવા મળે છે. જે રસ્તા પરથી પસાર થયેલાં વાહનોનાં વજનના કંપનને લીધે ડામરની ઇલાસ્ટિસિટી કેટલી ઓછી થઈ છે એ પ્રમાણે ખાડો પડે છે.
તેઓ કહે છે, "ડામરના રસ્તામાં 13થી 19 એમએમની કપચી, 50 ટકા મિનરલ, ફિલર 3 ટકા અને ડામર કુલ વજનના મુજબ 6 ટકા હોય તો ડામરના રસ્તાનું આયુષ્ય પાંચ વર્ષનું રહે, પણ એની માત્રા ઓછી હોય તો એનું આયુષ્ય ઓછું થઈ જાય છે."
દાસ એમ પણ કહે છે કે આ ઉપરાંત ગટર લાઇન અને પાણીના વહેણના કુદરતી સ્રોતનું ધ્યાન રાખવું જોઈએ. જો રસ્તો પાણીના વહેણમાં અવરોધ બને તો પણ એ પાણી પથરાળ જમીન હોય તો પણ પોતાનો રસ્તો કરે છે અને નીચે જવાથી રસ્તામાં ખાડા પડે છે.
ટકાઉ રોડ બનાવવા માટે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ?

ઇમેજ સ્રોત, ani
તો ગુજરાત સરકારના આર ઍન્ડ બી ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયર એમ. એ. પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "માત્ર ડામર જ નહીં એમાં કપચી યોગ્ય ન હોય અથવા રોલર જરૂર કરતાં ઓછી વખત ફેરવીને દબાણ ન અપાયું હોય તો પણ ડામર અને કપચી વચ્ચેનું બૉન્ડિંગ છૂટું પડે છે, જેના કારણે પણ વરસાદનું પાણી નીચે જાય અને રોડમાં પહેલા વરસાદમાં ખાડા પડી જાય છે."
તેઓ વધુમાં સમજાવતા કહે છે, "રસ્તાની એક ડિઝાઇન બનાવવામાં આવે છે જેમાં રોજનાં કેટલાં વાહનો પસાર થાય છે અને વાહનોની સંખ્યા આવનારા દિવસોમાં કેટલી વધી શકે છે, એની ગણતરી કરી રોડ બનાવાય છે, પણ જો એ ગણતરી કર્યા વગર ડિઝાઇન બનાવી દેવામાં આવે તો ભારે વાહન પસાર થાય ત્યારે એના કંપનથી પણ રસ્તાનું બૉન્ડિંગ છૂટું પડે છે."
"એટલું જ નહીં વરસાદની પાણી એમાંથી અંદર ગયાં પછી જો તડકો આવે તો ભેજ જમા થાય અને એ કપચી અને ડામરનું બૉન્ડિંગ છૂટું પાડે છે, જેના કારણે અચાનક રોડમાં મોટો ખાડો પડે છે."
ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં શહેરી વિસ્તારો વધી રહ્યા છે અને એ રીતે પાક્કા રોડ-રસ્તાની સંખ્યા પણ વધી રહી છે.
એમ. એ. પટેલ કહે છે, "શહેરોમાં નવા વિસ્તાર બન્યા છે એમાં ગટર લાઇન ત્રણ ફૂટની ઊંડાઈને બદલે બે કે અઢી ફૂટ કે બે ફૂટની ઊંડાઈએ નાખવામાં આવે ત્યારે એ સહેજ પણ લીકેજ હોય ત્યારે એ પાણી સારા બનેલા ડામરના રસ્તાની નીચેના ભાગમાં પાણી જાય એટલે રોડમાં ખાડા પડી જાય છે."
પટેલ કહે છે કે "નવા બનેલા હાઈવેમાં રસ્તા સારા બન્યા છે. છતાં એમાં પહેલા કે બીજા વરસાદમાં રસ્તા ખરાબ થાય છે, એનું મુખ્ય કારણ એ છે કે જે બ્રિજ પર હાઈવે બનાવાય છે, એના પિલ્લર પાસે માટીકામ બરાબર ન થયું હોય એટલે વરસાદમાં માટી થોડી બેસી જાય એટલે રસ્તામાં તકલીફ ઊભી કરે છે. જેમ કે ગયા વર્ષે ટોલટૅક્સ લેનાર ઘણા રસ્તા ખરાબ થઈ ગયા હતા અને લોકોએ ઊહાપોહ કર્યો હતો અને તાત્કાલિક એ હાઈવે રિપૅર કરવા પડ્યા હતા, એનું મુખ્ય કારણ પિલ્લર પાસે યોગ્ય માટીકામનો અભાવ હતો."
ગુજરાત સરકારનું શું કહેવું છે?
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મ્યુનિસિપલ કૉર્પોરેશનને જરૂરિયાત મુજબ રસ્તાના રિપૅરિંગ માટે જેમ બજેટ ફાળવાય છે એમ નગરપાલિકાઓ માટે પણ ચોમાસા પહેલાં રસ્તાની જાળવણી માટે ખાસ ફંડ ફાળવ્યું છે.
એ પ્રમાણે 'અ' વર્ગની 37 નગરપાલિકા દીઠ એક કરોડ, 'બ' વર્ગની 34 નગરપાલિકા દીઠ 80 લાખ, 'ક' વર્ગની 61 નગરપાલિકા દીઠ 60 લાખ અને 'ડ' વર્ગની 17 નગરપાલિકા દીઠ 40 લાખ ફાળવવાની જોગવાઈ કરી છે.
ગુજરાત સરકારના આર ઍન્ડ બી વિભાગના મંત્રી પ્રવીણ માળીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે 2024ના માર્ગ અકસ્માતનો આખોય રિપોર્ટ ધ્યાનથી વાંચ્યો છે, એમાં કરાયેલાં સૂચનો પર અમે યુદ્ધના ધોરણે અમલ કરી રહ્યા છીએ, એટલે 2030માં ગુજરાતમાં માર્ગ અકસ્માત 50 ટકા ઘટે એવું આયોજન કર્યું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























