FIFA World Cup 2026 : મેસ્સીના હાથમાં રમેલો નાનો છોકરો, જે આજે તેમનો જ પ્રતિસ્પર્ધી બની ગયો છે

લામિન યમાલ અને લિયોનેલ મેસ્સીનો પ્રસિદ્ધ ફોટો ફિફા ફૂટબૉલ વિશ્વકપ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Joan Monfort/AP

ઇમેજ કૅપ્શન, લામિન યમાલ અને લિયોનેલ મેસ્સીનો પ્રસિદ્ધ ફોટો
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ફૂટબૉલમાં રમતની મશાલ એક પેઢીના ખેલાડીના હાથમાંથી બીજી પેઢીના ખેલાડીને સોંપવાની ચર્ચા અનેક વખત થાય છે, પણ એ બે પેઢીઓના ખેલાડીઓ મેદાન પર એકમેકના પ્રતિસ્પર્ધી બને તેવું ભાગ્યે જ બને છે.

19 વર્ષીય સ્પેનિશ સ્ટાર લામિન યમાલ અને આર્જેન્ટિનાના મહાન ફૂટબૉલર લિયોનેલ મેસ્સી વિશે હાલ આવી જ ચર્ચા ચાલી રહી છે.

બાર્સેલોનામાં લગભગ બે દાયકા પહેલાં યોજાયેલા એક સખાવતી કાર્યક્રમમાં 20 વર્ષીય મેસીએ છ મહિનાના બાળકને હાથમાં તેડ્યું હોય તેવો ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યો હતો. એ સમયે કોઈને ખ્યાલ પણ નહોતો કે તે બાળક ભવિષ્યમાં વિશ્વના સૌથી ચર્ચિત ફૂટબૉલર્સ પૈકીનો એક બનશે.

એ બાળક લામિન યમાલ આજે સ્પેનના એક અગ્રણી ખેલાડી તરીકે ઊભરી આવ્યો છે અને મેસ્સીના સંભવિત પ્રતિસ્પર્ધી તરીકે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે.

લામિનના પિતા મોરોક્કોના છે, જ્યારે તેમનાં માતા ઇક્વેટોરિયલ ગિનીના ઈમિગ્રન્ટ છે. યમાલનો ઉછેર બાર્સેલોના નજીકના રોકાફોન્ડા વિસ્તારમાં થયો હતો.

રોકાફોન્ડાથી બાર્સેલોનાની 'લા મેસિયા' ઍકેડમી અને પછી યુરો 2024માં ઐતિહાસિક ગોલ કરવા સુધીની તેની સફર આશ્ચર્યજનક છે.

શ્રેણીબદ્ધ રેકૉર્ડ્સના સર્જક યમાલને હવે ફૂટબોલના ભવિષ્યના સૌથી મોટા ચહેરાઓ પૈકીનો એક માનવામાં આવે છે.

સ્થળાંતરિત પરિવારથી વિશ્વ ફૂટબૉલ સુધી

લામિન યમાલ લામિન યમાલ અને લિયોનેલ મેસ્સીનો પ્રસિદ્ધ ફોટો ફિફા ફૂટબૉલ વિશ્વકપ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લામિન યમાલ

લામિન યમાલની કથા એક પ્રતિભાશાળી ફૂટબૉલરની જ નથી, પરંતુ એક સ્થળાંતરિત પરિવારના સંઘર્ષ અને સફળતાની કહાણી પણ છે.

યમાલના પિતા મોનીર નસરાઉઈનો જન્મ મોરોક્કોમાં થયો હતો, જ્યારે માતા શીલા એબાના ઇક્વેટોરિયલ ગિનીનાં છે. પરિવાર વધુ સારા જીવનની શોધમાં સ્પેન ગયો હતો. યમાલનું બાળપણ બાર્સેલોના નજીકના માટારો વિસ્તારના રોકાફોન્ડા નામના સાધારણ ગામમાં પસાર થયું હતું.

યુરો 2024 દરમિયાન યમાલ વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો ત્યારે તેના પિતાએ ગૌરવભેર કહ્યું હતું કે "તેનો જન્મ થયો ત્યારે જ અમને ખબર હતી કે આ છોકરો કંઈક મોટું કરશે."

યમાલની કથાને તેનો અને લિયોનેલ મેસ્સીનો વિખ્યાત ફોટો વધારે રસપ્રદ બનાવે છે.

મેસ્સી 2007માં યુનિસેફના એક કાર્યક્રમમાં ભાગ લેવા બાર્સેલોના ગયા હતા. એ સમયે માત્ર છ મહિનાના યમલને મેસ્સીના હાથમાં આપવામાં આવ્યો હતો અને તેનો ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો. એ ફોટોગ્રાફને પછી આખી દુનિયામાં પ્રસિદ્ધિ મળી હતી.

આજે ઘણા ચાહકો એ ફોટોગ્રાફને ફૂટબૉલના એક મહાન યુગની મશાલ બીજા યુગના હાથમાં જવાના પ્રતીક તરીકે નિહાળે છે.

'લા મેસિયા'માં ઘડાયેલો હીરો

લામિન યમાલ લામિન યમાલ અને લિયોનેલ મેસ્સીનો પ્રસિદ્ધ ફોટો ફિફા ફૂટબૉલ વિશ્વકપ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લામિન યમાલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યમાલમાં બાળપણથી ફૂટબૉલ ખેલાડીનું કૌશલ્ય જોવા મળતું હતું. તેની ગુણવત્તા ધ્યાનમાં આવ્યા પછી તેને બાર્સેલોનાના પ્રખ્યાત લા મેસિયા ઍકેડમીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ફૂટબૉલ જગતમાં 'લા મેસિયા'ને માત્ર એક ઍકેડમી જ નહીં, પરંતુ પ્રતિભાશાળી ખેલાડીઓ ઉત્પન્ન કરતી વર્કશૉપ માનવામાં આવે છે. લિયોનેલ મેસ્સી, ઝાવી, એન્ડ્રેસ ઇનીએસ્ટા અને બીજા અનેક મહાન ખેલાડીઓનું ઘડતર આ ઍકેડમીમાં જ થયું હતું.

યમાલને આ ઍકેડમીમાં શિક્ષણ, રહેઠાણ, ટ્રેનિંગ અને પ્રોફેશનલ ફૂટબૉલ માટે જરૂરી તમામ વાતાવરણ મળ્યું. કોચને ખાતરી હતી કે યમાલ પાસે અસાધારણ ક્વૉલિટી છે. બૉલ પરની તેની પકડ, રમત પ્રત્યેની સમજ અને મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહેવાની તેની ક્ષમતા તેને અન્ય લોકોથી અલગ પાડે છે.

યમાલે એક પછી એક રેકૉર્ડ તોડવાનું નાની ઉંમરથી જ શરૂ કરી દીધું હતું.

તે બાર્સેલોનાની સિનિયર ટીમ માટે રમનાર સૌથી નાની વયનો ખેલાડી બન્યો એ પછી તેણે સ્પેનિશ નૅશનલ ટીમ માટે રમતી વખતે અને ગોલ કરતી વખતે વય સંબંધી વિક્રમો તોડ્યા હતા.

યુરો 2024માં ફ્રાન્સ સામેની સેમિફાઇનલમાં ફટકારેલા ગોલ વડે તે યુરોપિયન ચૅમ્પિયનશિપમાં ગોલ કરનાર સૌથી નાની વયનો ખેલાડી બન્યો હતો. એ ગોલ પછી વિશ્વભરના ફૂટબૉલ પંડિતોએ તેની સરખામણી આગામી પેઢીની મહાન પ્રતિભાઓ સાથે કરવાનું શરૂ કર્યું હતું.

304નો આંકડો

પ્રસિદ્ધિ, પૈસા અને વૈશ્વિક સ્વીકૃતિ મેળવ્યા પછી ઘણા ખેલાડીઓ તેમના મૂળ સાથેનો સંપર્ક ગુમાવી દેતા હોય છે, પરંતુ યમાલના કિસ્સામાં એવું થયું નથી.

ગોલ કર્યા પછી તે ઘણીવાર તેની આંગળીઓ વડે '304' નંબર દેખાડે છે. આ નંબર તેના બાળપણ સાથે સંકળાયેલો છે. રોકાફોન્ડા વિસ્તારના પોસ્ટલ કોડના છેલ્લા ત્રણ અંક 304 છે.

યમાલ માટે તે માત્ર સેલિબ્રેશન નથી. તે એ જ્યાં ઘડાયો છે એ સમુદાયને આપેલી સલામી છે. તેના પ્રત્યેની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે.

હવે મેસ્સી સામે ટક્કર લેનારો યમાલ

લામિન યમાલ અને લિયોનેલ મેસ્સીનો પ્રસિદ્ધ ફોટો ફિફા ફૂટબૉલ વિશ્વકપ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લામિન યમાલ

થોડાં વર્ષો પહેલાં મેસ્સીના હાથમાં જે બાળક હતું એ હવે વિશ્વ ફૂટબૉલમાં સૌથી વધુ ચર્ચિત નામ બની ગયું છે.

એક તરફ આઠ વખતનો બેલોન ડી'ઓર વિજેતા મહાન ફૂટબૉલર લિયોનેલ મેસ્સી છે, જ્યારે બીજી તરફ કારકિર્દીની શરૂઆત કરી રહેલો, પરંતુ અમર્યાદ ક્ષમતા ધરાવતો લામિન યમાલ છે.

તેથી, આ બે ખેલાડી એક જ મેદાન પર સામસામે આવવાની શક્યતાએ ફૂટબૉલ ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે. એક સમયે જેના હાથમાં તેનો ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યો હતો એ જ દંતકથા સમાન ખેલાડી સામે હવે યમાલ રમશે. આ મૅચને ફક્ત બે ટીમો વચ્ચેની સ્પર્ધા નહીં, પરંતુ ફૂટબૉલની બે પેઢી મિલનના પ્રતિક તરીકે પણ નિહાળવામાં આવે છે.

યમાલ કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં છે. એ મેસ્સી જેટલો સફળ થશે કે કેમ એ તો સમય જ કહેશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે રોકાફોન્ડાની શેરીઓમાં શરૂઆત કરનાર આ છોકરો હવે વિશ્વ ફૂટબૉલના કેન્દ્રમાં પહોંચી ગયો છે અને આગામી ઘણાં વર્ષો સુધી તે વિશ્વના ધ્યાનનું કેન્દ્ર બની રહેશે.

(ગેરી રોઝ, બીબીસી સ્પૉર્ટ્સના અહેવાલ સાથે )

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન