'સેક્સ, વ્યૂહરચના અને સત્તાની કથા', 2800 વર્ષ જૂનું મહાકાવ્ય હવે સિનેમાના પડદે આવશે, આમાં શું ખાસ છે?

ઇમેજ સ્રોત, Alamy
- લેેખક, ડેઝી ડન
- પદ, બીબીસી કલ્ચર
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
2,800 વર્ષ પહેલાં રચાયેલું આ મહાકાવ્ય હવે રૂપેરી પડદે ફિલ્મમાં ઢાળવામાં આવ્યું છે. જોકે, આ કૃતિ વીરપુરુષની પરાક્રમગાથા નથી; તેનાથી અનેકગણી વિશાળ અને ઊંડી છે.
તેનો મુખ્ય નાયક ઓડિસિયસ એક વીર યોદ્ધા છે, પરંતુ સમગ્ર કથાને વળાંક આપવાનું કામ તેના માર્ગમાં આવતી મહિલાઓ, અપ્સરાઓ, જાદુગરણીઓ અને દેવીઓ યુક્તિઓ, છળકપટ અને પ્રણયજાળ કરે છે. આ જ બાબત ઓડિસિયસને માનવ બનાવે છે.
'ધ ઓડિસી' નામનું આ મહાકાવ્ય ગ્રીક દંતકથાના યોદ્ધા ઓડિસિયસની પોતાના રાજ્ય ઇથાકા પાછા ફરવાની સંઘર્ષમય સફર વર્ણવે છે.
ટ્રૉજન યુદ્ધમાં વર્ષો સુધી લડ્યા બાદ તે વતન પરત ફરવા નીકળે છે. ઘર સુધી પહોંચવાની તેની દસ વર્ષ લાંબી અને જોખમોથી ભરેલી દરિયાઈ સફરમાં તેને અનેક કપરા પડકારો અને જીવલેણ સંકટોનો સામનો કરવો પડે છે.
આ જ રોમાંચક સફર આ મહિને ક્રિસ્ટોફર નોલાન દિગ્દર્શિત ફિલ્મમાં રૂપેરી પડદા પર જીવંત થવાની છે. આ ફિલ્મમાં મેટ ડેમન સહિત અનેક જાણીતા કલાકારો અભિનય કરી રહ્યા છે.
આ મહાકાવ્યનો મુખ્ય નાયક ભલે પુરુષ હોય, પરંતુ 'ધ ઓડિસી'ની કથામાં મહિલાઓનું વર્ચસ્વ છે.
પોતાના રાજ્યમાં પાછા ફરવાની નાયકની યાત્રા દરમિયાન તેના માર્ગમાં આવતી મહિલાઓ, અપ્સરાઓ અને દેવીઓની યોજનાઓ તથા મોહિનીઓ દરેક વળાંકે કથાની દિશા નક્કી કરે છે.
તેથી 'ધ ઓડિસી' માત્ર વીરતાની સીધીસાદી ગાથા નથી. એ કામવાસના, વ્યૂહરચના અને સત્તાની એવી કથા છે, જેનો પડઘો આજે પણ એટલો જ પ્રસ્તુત લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કાવ્યનો આરંભ 'ઇન મીડિયાસ રેસ' પદ્ધતિથી, એટલે કે ઘટનાઓની વચ્ચેથી થાય છે. શરૂઆતમાં ઓડિસિયસ ઓગિગિયા ટાપુના સમુદ્રકિનારે રડતો જોવા મળે છે. જ્યાં તે છેલ્લાં સાત વર્ષથી અપ્સરા કેલિપ્સો સાથે રહેતો હોય છે.
ટ્રૉજન યુદ્ધના મેદાનમાં તેણે પોતાની જાતને એક મહાન વીર તરીકે પુરવાર કર્યો હોવા છતાં અહીં તે સંપૂર્ણપણે લાચાર અને નિઃસહાય દેખાય છે.
ટાપુ પરથી તેને મુક્ત કરાવવા માટે દેવતાઓની સભા બોલાવવી પડે છે, જે તેની આ લાચારીની છાપને વધુ ઘેરી બનાવે છે.
'સત્તા ભલે પુરુષોના હાથમાં હોય, વળાંક તો મહિલાઓ જ આપે છે'

ઇમેજ સ્રોત, Alamy
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ ઓડિસિયસ કેલિપ્સોનો કેદી હોવા કરતાં પોતાની જ માનસિક સ્થિતિનો કેદી વધુ છે.
આજનો વાચક કદાચ તેની આ નિષ્ક્રિયતાને—આગળ વધીને વતન પરત ફરવાની પોતાની ઇચ્છા પૂરી ન કરી શકવાની તેની અસમર્થતાને—માનસિક આઘાત પછી સર્જાતી તણાવની સમસ્યા, એટલે કે પીટીએસડીનું લક્ષણ માની શકે.
જોકે, તેનો અર્થ એવો નથી કે ઓડિસિયસ પર કેલિપ્સોની પકડ ઓછી છે.
ઓડિસિયસ પોતે જ કેલિપ્સો સમક્ષ સ્વીકારે છે કે તેની પત્ની પેનેલોપી સુંદરતામાં તેની બરાબરી કરી શકે તેમ નથી, કારણ કે તે એક સામાન્ય મનુષ્ય છે.
પતિની આટલી લાંબી ગેરહાજરી દરમિયાન ઓડિસિયસની પત્ની પેનેલોપી નિષ્ક્રિય બેસી રહી નહોતી.
તેની સાથે લગ્ન કરીને ઇથાકાના નવા રાજા બનવા આતુર એવા 108 મૂરતિયાઓએ રાજમહેલમાં ધામા નાખ્યા હતા.
પેનેલોપીએ બહાદુરી અને બુદ્ધિપૂર્વક તેમના લગ્નપ્રસ્તાવોનો સતત પ્રતિકાર કર્યો હતો.
પોતાના સસરા લાએર્તીસ માટે કફનનું વસ્ત્ર વણવાની અને રાત્રે એ જ વણાટને ઉકેલી નાખવાની તેની યુક્તિ આ મહાકાવ્યના સૌથી યાદગાર પ્રસંગોમાંની એક છે.
એક રીતે કહીએ તો પેનેલોપી એવું લક્ષ્ય છે, જે સતત સરકતું રહે છે.
મૂરતિયાઓને દૂર રાખવામાં તેને મળતી સફળતાનો સીધો આધાર ઓડિસિયસ ફરી પોતાનું રાજપદ મેળવી શકશે કે નહીં તેની પર રહેલો છે.
એથેના સારી રીતે જાણે છે કે ધરતી પર સત્તા ભલે પુરુષોના હાથમાં હોય, પરંતુ છૂપી યુક્તિઓ દ્વારા ઘટનાઓને ઇચ્છિત વળાંક આપવાનું કામ મહિલાઓ કરે છે.
દેવતાઓમાં ઓડિસિયસને સૌથી વધુ ટેકો આપનાર એક દેવી છે, એ બાબત પણ ખૂબ સૂચક છે.
વ્યૂહરચનામાં પારંગત એથેનાએ ટ્રૉયના યુદ્ધમાં તેની મદદ કરી હતી અને તેને વતન પરત ફરવામાં પણ સૌપ્રથમ પહેલ કરી હતી.
ત્યારબાદ જ્યારે ઓડિસિયસ અત્યંત દયનીય અને લાચાર સ્થિતિમાં ફેએશિયનોની ભૂમિ પર આવી ચડે છે, ત્યારે એથેના ખૂબ ચતુરાઈથી તેના બચાવની યોજના ઘડે છે.
તે તેની લાચારીને ઢાંકી દે છે અને તેના દેખાવને એવો આકર્ષક બનાવે છે કે તે દેવ જેવો તેજસ્વી અને ફેએશિયનોના સુપ્રસિદ્ધ આતિથ્યને લાયક લાગે.
આ કારણે ઓડિસિયસ દરિયાઈ સફરમાં નિપુણ ફેએશિયનોનો વિશ્વાસ જીતી લે છે. ત્યારબાદ તેઓ તેને આશરો અને ખજાનો આપે છે, તેમજ ઇથાકા સુધી સલામત પહોંચવાનો માર્ગ પણ બતાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
નોંધપાત્ર બાબત એ છે કે એથેના જ્યારે પણ ઓડિસિયસ અને તેના પુત્ર ટેલેમૅકસ સમક્ષ પ્રગટ થાય છે, ત્યારે પુરુષનો વેશ ધારણ કરે છે. દાખલા તરીકે, ક્યારેક તે ઇથાકાના મિત્ર રાજા મેન્ટીસનું રૂપ ધારણ કરે છે, તો ક્યારેક ફેએશિયનોના પુરુષ સંદેશવાહક તરીકે તેમની સામે આવે છે.
એથેના સારી રીતે જાણે છે કે ધરતી પર સત્તા ભલે પુરુષોના હાથમાં હોય, પરંતુ છૂપી યુક્તિઓ દ્વારા ઘટનાઓને ઇચ્છિત વળાંક આપવાનું કામ મહિલાઓ કરે છે.
ઓડિસિયસ તેની સફર દરમિયાન જે પાત્રોને મળે છે, તેની પર નજર નાખો.
ફેએશિયનોની ભૂમિ પર પહોંચ્યા પછી તે પોતાના યજમાનોને અત્યાર સુધીના અનુભવો સંભળાવે છે—કમળ ખાનારા લોકો સાથેની મુલાકાતથી માંડીને એક આંખવાળા રાક્ષસ સાઇક્લોપ્સ સાથેના સામના સુધીની કથા કહે છે.
જોકે, દંતકથાઓમાં આવતી મહિલાઓ વિશેના ઓડિસિયસ જે પ્રસંગો વર્ણવે છે, એ ઘણી વાર સૌથી વધુ ભયાવહ સાબિત થાય છે.
કારણ કે તેમનો દેખાવ જોતાં તેઓ જરાય જોખમી લાગતી નથી.
પુરુષોને ગીતથી મોહપાશમાં ફસાવી મોત સુધી ખેંચી જવાની શક્તિ
દાખલા તરીકે, ઓડિસિયસ પોતાના યજમાનો સમક્ષ સહજતાથી કબૂલે છે કે પશ્ચિમના સમુદ્રમાં આવેલા એક નિર્જન અને અત્યંત જોખમી ખડકાળ ટાપુ પર વસતી સાયરન્સનું ગીત સાંભળવા માટે તે ખૂબ જ આતુર હતો.
પાછળથી પ્રચલિત થયેલી પરંપરાઓ અને ગ્રીક કલામાં સાયરન્સને પક્ષી જેવું શરીર ધરાવતી મહિલાઓ અથવા જળપરીઓ સ્વરૂપે દર્શાવવામાં આવી છે.
પરંતુ ઓડિસિયસ તેમનું મધ જેવું મીઠું અને મનને વશ કરી લેતું ગીત વર્ણવવામાં વધારે ધ્યાન આપે છે.
એ ગીતમાં પુરુષોને પોતાના મોહપાશમાં ફસાવીને છેક મોત સુધી ખેંચી જવાની શક્તિ છે.
સાયરન્સની સામે એક વિશાળ મેદાન પથરાયેલું છે, જેમાં ભૂતકાળમાં તેમનું ગીત સાંભળવા માટે રોકાયેલા અનેક પુરુષોનાં હાડકાં વેરાયેલાં પડ્યાં છે.
છતાં ઓડિસિયસ આ જોખમ ખેડવા તૈયાર થાય છે. તે પોતાના સાથીઓને કહે છે કે તેને વહાણના કૂવાથંભ સાથે મજબૂત રીતે બાંધી દો, જેથી મોહક અને માદક સંગીતની પાછળ ખેંચાઈને તે સમુદ્રમાં કૂદી ન પડે. સાયરન્સ સાંભળવામાં ભલે ગમે તેટલી મધુર હોય, પરંતુ તે જીવલેણ છે.
બીજી મહિલાઓ અને અજાણી દુનિયાઓના મોહમાં સહેલાઈથી ખેંચાઈ જવાની ઓડિસિયસની નબળાઈ જ એક તરફ તેની શક્તિ છે અને બીજી તરફ તેના વિનાશનું કારણ પણ બને છે.

ઇમેજ સ્રોત, Alamy
સર્સી પણ એવી જ એક જોખમી સૌંદર્યવતી મહિલા હતી.
તેને પહેલી વાર જોનારને ભાગ્યે જ તે ખતરનાક લાગતી. પરંતુ સાયરન્સની જેમ તેના મીઠા અને નિર્દોષ દેખાવ પાછળ જાદુઈ શક્તિઓ છુપાયેલી હતી.
હોમરે તેને જાદુગરણી તરીકે રજૂ કરી છે. તેની પાસે એવી જડીબુટ્ટીઓ અને જાદુઈ ઔષધિઓ હતી, જેની મદદથી તેણે ઓડિસિયસના સાથીઓને ડુક્કરમાં ફેરવી નાખ્યા હતા.
જોકે, પોતાની સફર દરમિયાન ઓડિસિયસને મળતાં બીજાં અનેક રહસ્યમય પાત્રોની જેમ સર્સી પણ માત્ર તેના માર્ગમાં અડચણ ઊભી કરવા માટે નથી આવતી; તે તેની મદદ પણ કરે છે.
તે ઓડિસિયસને પોતાનો પ્રેમી બનાવે છે, પરંતુ સાથે સાથે તેને પાતાળલોકમાં જવાનો માર્ગ પણ બતાવે છે. ત્યાં ઓડિસિયસની મુલાકાત ભવિષ્યવેત્તા ટાયરેસિયસ સાથે થાય છે, જે તેને ઇથાકા પરત ફરવા માટે મહત્ત્વની સલાહ આપે છે.
આ સમગ્ર કથાનો કાયમી સંદેશ એ છે કે ભયાનક સ્ત્રીરૂપો અને મોહક અપ્સરાઓને અવગણી શકાય નહીં.
વિજય મેળવવા માટે ઓડિસિયસે અમુક હદ સુધી તેમને સમર્પિત થવું પડે છે. પરંતુ એટલું પણ નહીં કે તે સંપૂર્ણપણે તેમના વશમાં થઈ જાય.
સફરમાં મળતાં પાત્રો વારંવાર તેના સંકલ્પ અને સંયમની કસોટી કરે છે. સંયમના ગુણને પ્રાચીન ગ્રીકો ખૂબ મહત્ત્વ આપતા હતા.
મહાકાવ્યનો જાદુ

ઇમેજ સ્રોત, Getty Images
જે વાચકો ઓડિસિયસના સાહસોને શંકાની નજરે જોતા હોય અને એમ માનતા હોય કે આ બધી વાતો તેણે કાલ્પનિક રીતે ઉપજાવેલી હતી—ફેએશિયનોને પ્રભાવિત કરીને પોતાને વતન પહોંચાડવામાં મદદ કરવા માટે તેણે આ કથાઓ ઘડી કાઢી હતી—તેઓ જ આવા રૂપકાત્મક અર્થઘટનને સૌથી પહેલાં સ્વીકારશે. કદાચ ઓડિસિયસની લડાઈ ખરેખર કોઈ ભૌતિક રાક્ષસો સામે નહોતી, પરંતુ પોતાના મનમાં છુપાયેલા દાનવો સામે હતી. ઘણા દાનવો દેખાય તેના કરતાં ક્યાંય વધારે ખતરનાક હોય છે.
ઓડિસિયસની કથાઓનું લપસણાપણું—એની ભવ્યતા, રંગીનતા અને માનવા-ન માનવાની હદને પડકારવાની એની શક્તિ—આ મહાકાવ્યના જાદુનો એક મોટો હિસ્સો છે.
આ જ લાક્ષણિકતા ઓડિસિયસને નાયક તરીકે વ્યાખ્યાયિત કરે છે. એમિલી વિલ્સને પોતાના અનુવાદમાં કહ્યું છે તેમ, તે "એક જટિલ માણસ" છે. તે પકડમાં ન આવે એવો લપસણો અને જટિલ એટલા માટે છે, કેમકે તે છળકપટમાં ઉસ્તાદ છે; પોતાની જરૂરિયાત પ્રમાણે તે પોતાની કથા અને ઓળખ બંને બદલતો રહે છે.
બુદ્ધિશાળી, કલ્પનાશીલ અને ખામીઓથી ભરેલો ઓડિસિયસ પ્રાચીન ગ્રીક જગતનો સૌથી વધુ માનવીય નાયક છે. સ્ત્રીઓના મોહમાં તેમજ ફેએશિયનોની ભવ્ય દુનિયા જેવી અજાણી અને વૈભવી સૃષ્ટિઓના આકર્ષણમાં સહેલાઈથી ખેંચાઈ જવાની તેની વૃત્તિ એક તરફ તેની શક્તિ બને છે, તો બીજી તરફ તેના પતનનું કારણ પણ બને છે. એટલે જ આજે પણ તેની કથા આપણને સ્પર્શે તો તેમાં કોઈ આશ્ચર્ય નથી.
ડેઝી ડન એક ઍવૉર્ડ વિજેતા પ્રાચીન ગ્રીક-રોમન સાહિત્યનાં વિદ્વાન અને લેખિકા છે. તેમનાં પુસ્તકોમાં 'ધ મિસિંગ થ્રેડ' અને 'લેડીબર્ડ ઍક્સપર્ટ બુક ઑન હોમર'નો સમાવેશ થાય છે.
'ધ ઓડિસી' આજે અમેરિકા અને બ્રિટનનાં સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























