નેપાળ પૂર : ચીન તિબેટમાં થયેલી તારાજીની વાસ્તવિકતાને બહાર આવતાં રોકી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Reuters
ગયા બુધવારે નેપાળ-તિબેટ સરહદ પર અચાનક આવેલા પૂરને કારણે નેપાળમાં મૃત્યુઆંક 1,000ને વટાવી ગયો છે, જ્યારે લગભગ 4,000 લોકો ગુમ છે.
26 ઑગસ્ટની સવારે એટલે કે બુધવાર, અચાનક આવેલા આ પૂરે સૌપ્રથમ તિબેટના વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો.
દરમિયાન, નેપાળ સરહદની તિબેટિયન બાજુએ આવેલા બૉર્ડર ચેકપૉઇન્ટ, ગ્યિરોન્ગ બંદર પર મોટા પાયે થયેલા વિનાશનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં હતાં, જ્યાં લોકોને નાસભાગ કરતા જોઈ શકાય છે.
આ બધા છતાં, ચીની વહીવટી તંત્રે તિબેટમાં આ પૂરને કારણે માત્ર 16 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.
તેમણે એમ પણ કહ્યું કે આ કુદરતી આફતમાં 546 લોકો ગુમ થયા છે, જેમાં 261 વિદેશી નાગરિકો પણ સામેલ છે.
એ જ સમયે, ભારતના વિદેશ મંત્રાલયે 30 ઑગસ્ટ, 2026ના રોજ રાત્રે 9:30 વાગ્યા સુધીની પરિસ્થિતિના આધારે જાહેર કરેલી અપડેટમાં કહ્યું હતું કે હાલ લગભગ 500 ભારતીય નાગરિકો ચીન તરફ મોજૂદ છે અને તમામ સુરક્ષિત છે.
જોકે, ઇન્ટરનૅશનલ કૅમ્પેન ફૉર તિબેટ દાવો કરે છે કે તેમનાં સૂત્રોનું માનવું છે કે મૃત્યુઆંક ખૂબ વધારે છે, કારણ કે આ ઘટનામાં ઓછાંમાં ઓછાં 300 ઘર નાશ પામ્યાં હતાં.
તિબેટમાં સ્વતંત્ર રીતે આંકડાની ચકાસણી કરવી મુશ્કેલ છે, કારણ કે ત્યાં વિદેશી પત્રકારોને કડક પ્રતિબંધોનો સામનો કરવો પડે છે અને સરકારી પરવાનગી વિના મુલાકાત લેવાની મનાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનની ચેતવણી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તિબેટના ગ્યિરોન્ગ બંદરનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પૂરના પાણીમાં આખી ઇમારત ધોવાઈ જતી દેખાય છે.
બીબીસીએ શનિવારે પોતાના અહેવાલમાં પુષ્ટિ કરી હતી કે ચીનમાં એ ફૂટેજને સેન્સર કરવામાં આવી રહ્યું છે.
તિબેટના વીડિયો અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો વચ્ચે, ચીને દાવો કર્યો હતો કે આપત્તિ સંબંધિત માહિતી પારદર્શક રીતે શૅર કરાઈ રહી છે.
સોમવારે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુનને સેન્સરશિપ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો.
આ અંગે તેમણે કહ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે અને તે વ્યવસ્થિત રીતે આગળ ધપાવાઈ રહી છે.
ગુઓ જિયાકુને કહ્યું , "આપત્તિનો ઉપયોગ કરીને ચીનને જાણીજોઈને બદનામ કરવાના અથવા પરિસ્થિતિ અંગે અતિશયોક્તિ કરવાના પ્રયાસોને જાહેર સમર્થન નહીં મળે."
જોકે, તેમ છતાં, ચીન દ્વારા ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં લોકો સામે કાર્યવાહી કરાઈ છે.
ચીનના જાહેર સુરક્ષા મંત્રાલય હેઠળના સાઇબર સુરક્ષા સુરક્ષા બ્યૂરોએ સોમવારે જણાવ્યું હતું કે તેણે 'ખોટી આપત્તિ માહિતી' બદલ દસ લોકો સામે કાર્યવાહી કરી છે.
બ્યૂરોએ એવી ચેતવણી પણ આપી હતી કે તે "આપત્તિ વિશે" જનતા ગેરમાર્ગે દોરાઈ શકે એવી "ખોટી માહિતી" આપનારા સામે કાર્યવાહી કરશે.
બ્યૂરોએ જણાવ્યું હતું કે આ કેસોમાં મોટા ભાગે તિબેટમાં મૃત્યુ વિશે સોશિયલ મીડિયા પોસ્ટનો સમાવેશ થાય છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હજારો લોકો માર્યા ગયા છે અથવા સત્તાવાર રીતે નોંધાયેલા કરતાં વધુ લોકો ગુમ થયા છે.
સિંગાપોર ન્યૂઝ વેબસાઇટ સીએનએ અનુસાર , બ્યૂરોએ જણાવ્યું હતું કે તમામ દસ લોકોને "વહીવટી દંડ"ની સજા કરાઈ છે, પરંતુ દરેક કેસમાં લાદવામાં આવેલી સજા કે જે-તે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મની ઓળખ જાહેર નહોતી કરાઈ.
વાસ્તવિક પરિસ્થિતિ શું છે?

ઇમેજ સ્રોત, Reuters
તિબેટમાં પૂરના વિનાશની હદનો ચોક્કસ આકલન હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, જોકે, ઘણાં તિબેટી સંગઠનો મોટા પાયે વિનાશ થયાનો દાવો કરી રહ્યાં છે.
ઇન્ટરનૅશનલ કૅમ્પેન ફૉર તિબેટનો દાવો છે કે અચાનક પૂરમાં ઓછાંમાં ઓછાં 300 ઘરોનો નાશ થયો છે.
સંગઠનના પ્રમુખ ટેન્કો ગ્યાત્સોએ ધ ગાર્ડિયન ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું, "નેપાળમાં જે જોવા મળી રહ્યું છે તે જ તિબેટમાં દબાવવામાં આવી રહ્યું છે."
"ચાર ગામો - સેલ, સેરચુંગ, લાબી અને રિઝી - સૌથી વધુ પ્રભાવિત થયાં છે, જેમાં લગભગ 300 ઘરો નાશ પામ્યાં છે અને ઘણા લોકો હજુ પણ ગુમ છે."
તેમણે ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે, "અમારી પાસે ગ્રાઉન્ડ પરથી જે થોડી માહિતી છે," તે સૂચવે છે કે અસરગ્રસ્ત લોકોની સંખ્યા ચીની અધિકારીઓએ અહેવાલમાં રજૂ કરેલી સંખ્યા કરતાં "ઘણી વધારે" છે.
ઇન્ટરનૅશનલ કૅમ્પેન ફૉર તિબેટ ગ્રૂપે ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે ઘણાં સૂત્રોએ જણાવ્યું હતું કે બચી ગયેલા લોકોને પૂરથી અસરગ્રસ્ત સરહદ ક્રોસિંગથી લગભગ 30 કિલોમીટર દૂર ગ્યિરૉન્ગ લઈ જવામાં આવ્યા હતા.
આ જૂથનો દાવો છે કે આ લોકો પર કડક દેખરેખ રાખવામાં આવી છે અને તેમની સાથે ખૂલીને વાત કરવાની મનાઈ છે.
શું ચીન જાણકારી છુપાવી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Gongga Laisong/China News Service/VCG via Getty Images
આ પહેલી વાર નથી જ્યારે ચીનમાંથી માહિતી ફિલ્ટર થઈને સામે આવી હોય.
વર્ષ 2020 માં કોવિડ-19 વાઇરસ મહામારી બાદ પણ જોવા મળેલું કે જ્યારે ચીને ખૂબ મર્યાદિત જાણકારી જ દેશની બહાર જવા દીધી હતી.
નેપાળ-તિબેટ સરહદ પર અચાનક આવેલા પૂર અંગે, ગ્યાત્સો કહે છે, "ચીન સરકાર તેને એવી રીતે રજૂ કરે છે કે જાણે તે ફક્ત નેપાળમાં જ થઈ રહ્યું છે અને બૉર્ડરની આ બાજુ કંઈ નથી થયું. ચીન કોઈ પણ પ્રકારની કટોકટીને એવી રીતે સંભાળે છે, જાણે કોઈ સંકટ હોય જ નહીં."
બીજિંગમાં બીબીસી ચીનનાં સંવાદદાતા લૌરા બિકર કહે છે કે ગ્યિરૉન્ગ બંદરનાં સીસીટીવી ફૂટેજ વિશ્વભરમાં વાઇરલ થયાં હતાં, પરંતુ ચીનની સરકારી ટીવી ચૅનલો પર તેની માત્ર એક જ તસવીર બતાવવામાં આવી હતી.
તેઓ કહે છે, "ચીનના ભારે સેન્સર્ડ ઇન્ટરનેટ પર આખો વીડિયો શોધવો મુશ્કેલ છે."
"જોકે, ચીનમાં આ દુર્ઘટનાનાં વિવિધ પાસાં પર ઓનલાઇન ચર્ચા થઈ રહી છે."
"પરંતુ તેનાથી પણ વધુ મુશ્કેલી એ છે એ જીવિત બચી ગેયલા લોકો અંગે કોઈ વિગત મેળવવી જેઓ અચાનક આવેલા પૂર અંગે વાત કરે."

ઇમેજ સ્રોત, Reuters
લૌરા બિકર કહે છે કે પૂર પછી ચીનના વલણનો અર્થ એ નથી કે તે બેફિકર છે, ઊલટાનું તે ખૂબ જ ચિંતિત છે.
બિકર કહે છે, "ચીનના વડા પ્રધાન લી કેકિયાંગને તાત્કાલિક આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. ફૂટેજમાં તેઓ કાટમાળ દૂર કરવાના કામનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા. મોટી દુર્ઘટના પછી દેશના બીજા ક્રમના નેતાએ આટલા ટૂંક સમયમાં લીધેલી આ એક અત્યંત દુર્લભ મુલાકાત હતી."
"દુનિયા જે શાંત પ્રતિક્રિયા જોઈ શકે છે તે એટલા માટે છે, કારણ કે શી જિનપિંગ હંમેશાં તેમના દેશ માટે સ્થિરતા જાળવવા માંગે છે."
"કૉમ્યુનિસ્ટ પાર્ટીને ડર હોઈ શકે છે કે આ આપત્તિ સમયે પ્રતિક્રિયા ન આપવા અથવા તેને રોકી શકવામાં તેની નિષ્ફળતાથી નારાજગી વધી શકે છે. આ સિવાય, આ દુ:ખદ ઘટનાની અસરનું એક મોટા કારણમાં બદલવાનો ડર પણ લાગી શકે છે, ખાસ કરીને એવા સમુદાયોમાં જ્યાં આસ્થા લાંબા સમયથી કેન્દ્રીય ભૂમિકા ભજવે છે."
"જોકે આ પ્રદેશમાં લાંબા સમયથી કોઈ વિરોધપ્રદર્શન થયાં નથી, વિદેશમાં તિબેટી જૂથોએ નવા શિક્ષણ કાયદા જેવા વધતા ચીની નિયંત્રણ અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેનો હેતુ તેમના મતે મઠો અને બૌદ્ધ ધર્મની ભૂમિકાને નબળી પાડવાનો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























