નેપાળ: 10 km લાંબી સુરંગની અંદર 40 ભારતીયો, ફસાયેલા કુલ 1000 લોકોનું શું થયું?

ઇમેજ સ્રોત, Prime Minister's Secretariat
- લેેખક, અશોક દહલ
- પદ, બીબીસી નેપાળી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ચીનની સરહદને અડીને આવેલા નેપાળના રસુવાગઢી વિસ્તારમાં આવેલા પૂરને કારણે ત્યાંના વિવિધ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સમાં કામ કરતા આશરે 1,000 લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
નેપાળના ઊર્જામંત્રાલયની માહિતી મુજબ, વિવિધ જળવિદ્યુત પ્રોજેક્ટ્સની સુરંગોની અંદર 400થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. તેમને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમૅન્ટ ઑથોરિટી (NDRRA) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જળવિદ્યુત પ્રોજેક્ટ્સમાં કામ કરતા 933 લોકોનો સંપર્ક થઈ શક્યો નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે.
ઊર્જામંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પૂરના કારણે આ વિસ્તારના વિવિધ જળવિદ્યુત પ્રોજેક્ટ્સમાં કામ કરતા આશરે 1,000 લોકો સાથે સંપર્ક થઈ શક્યો નથી.
વિવિધ જળવિદ્યુત પ્રોજેક્ટ્સ ચલાવતી કંપનીઓ સાથે સમીક્ષા કર્યા પછી, સંપર્કવિહોણા થયેલા અને સુરંગમાં ફસાયેલા લોકોની વિગતો સતત અપડેટ કરવામાં આવી રહી છે, તેમ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું.
હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કેટલા લોકો ફસાયેલા છે?
મંત્રાલયના પ્રવક્તા મોહન શાક્યએ જણાવ્યું હતું કે કોરિયન રોકાણથી બની રહેલા અપર ત્રિશૂલી-1 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની સુરંગમાં 400થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
"જળવિદ્યુત પ્રોજેક્ટ્સમાં કામ કરતા 1,000થી વધુ લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો હોવાની માહિતી મળી છે."
તેમણે ઉમેર્યું, "જે લોકો સાથે સંપર્ક નથી થઈ રહ્યો તેમાં સૌથી વધુ સંખ્યા અપર ત્રિશૂલી-1 પ્રોજેક્ટના લોકોની છે. સુરંગની બહાર રહેલા અન્ય 176 લોકો સાથે પણ સંપર્ક થઈ શક્યો નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખોરાક અને પાણીની અછત અને ખૂટી રહેલો વખત

ઇમેજ સ્રોત, Prime Minister's Secretariat
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રોજેક્ટના કોઓર્ડિનેશન ઓફિસરના જણાવ્યા મુજબ, 10 કિમી લાંબી પ્રોજેક્ટની આ સુરંગમાં માટી અને કાટમાળ ભરાઈ જવાના કારણે બચાવ કામગીરી પર અસર પહોંચી છે.
તેમણે જણાવ્યું, "આ સુરંગમાં તિરાડ પડી છે. ઈમરજન્સી ઍક્ઝિટ તરીકે વપરાતી સબ-ટનલ બંધ નથી થઈ. તેથી અમને આશા છે કે અંદર ઑક્સિજનની અછત નહીં હોય. પરંતુ ખોરાક અને પીવાના પાણીની ભારે અછત છે. જો સમયસર બચાવ કામગીરી હાથ ધરવામાં આવે, તો અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાશે."
તેમણે માહિતી આપી હતી કે ગુરુવારે 4 કામદારો જાતે જ સુરંગમાંથી બહાર આવ્યા હતા. તેમણે પણ જણાવ્યું હતું કે સુરંગની અંદર આશરે 400 લોકો હતા.
પ્રોજેક્ટના સંકલન અધિકારીએ બીબીસી નેપાળીને જણાવ્યું હતું કે સુરંગ સુધી પહોંચવાના તમામ રસ્તાઓ પૂરમાં ધોવાઈ ગયા હોવાથી, હાલમાં ટેકરીની ધાર પર હેલિકૉપ્ટરમાંથી દોરડા વડે નીચે ઊતરવું એ સુરંગ સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો છે.
આ પ્રોજેક્ટ, જે નેપાળી શ્રમિકોને રોજગારી આપે છે, તે કોરિયા, ચીન અને ભારતના શ્રમિકો દ્વારા પણ બનાવવામાં આવી રહ્યો છે. તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 126 મેગાવોટ છે.
તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ પર લગભગ 100 ચીની શ્રમિકો પણ કામ કરી રહ્યા હતા, જેમાંથી કેટલાકને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે 40 ભારતીય કામદારો અને આઠ કોરિયન કામદારો હજુ પણ ગુમ છે.
તેમણે જણાવ્યું કે લગભગ 80 ટકા કામ પૂર્ણ થઈ ગયેલા આ પ્રોજેક્ટમાં પૂર આવ્યા પહેલાં દૈનિક હાજરી મુજબ 1350 લોકો કામ કરી રહ્યા હતા.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 254 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા લોકોમાંથી મોટાભાગના એવા હતા જે સુરંગની બહાર હતા.
પ્રોજેક્ટ અધિકારીઓએ જણાવ્યું કે સુરંગની બહાર રહેલા આશરે 200 લોકો સાથે પણ સંપર્ક થઈ શક્યો નથી.
તેમણે કહ્યું કે સંપર્કવિહોણા થયેલા કેટલાક કર્મચારીઓ પ્રોજેક્ટ વિસ્તારની ઉપર આવેલાં ગામડાંમાં ગયા હોઈ શકે છે, જેના કારણે તેમનો સંપર્ક થઈ શક્યો ન હોય તેવું પણ બની શકે છે.
કયા પ્રોજેક્ટ્સમાં કેટલા લોકોનો સંપર્ક થઈ શક્યો નહીં?

ઇમેજ સ્રોત, Prime Minister's Secretariat
કયા પ્રોજેક્ટ્સમાં કેટલા લોકોનો સંપર્ક થઈ શક્યો નથી?
નેપાળના ઊર્જામંત્રી બિરાજ ભગત શ્રેષ્ઠના સલાહકાર ગણેશ કાર્કીએ જણાવ્યું હતું કે રસુવા અને નુવાકોટ સહિતના વિસ્તારોમાં ચાલી રહેલા નવ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સમાં કામ કરતા શ્રમિકો સાથે સંપર્ક થઈ શક્યો નથી.
શાક્યએ જણાવ્યું છે કે રસુવાગઢી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાંથી 93 કામદારો ગુમ થયા છે.
તેવી જ રીતે, અપર ત્રિશૂલી 3A પ્રોજેક્ટમાં 43 લોકો ગુમ છે. એવી આશંકા છે કે તેમાંથી 30 લોકો સુરંગની અંદર હોઈ શકે છે.
નેપાળ વિદ્યુત પ્રાધિકરણના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટમાં હાલ 11 લોકો સાથે સંપર્ક સ્થાપિત થઈ ચૂક્યો છે.
મળતા અહેવાલો અનુસાર, મૅન્ટેનન્સના કામ અર્થે કામદારો સુરંગના રસ્તે પાવર હાઉસ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક પૂરનું પાણી અંદર ઘૂસી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાધિકરણના જણાવ્યા મુજબ, "નેપાળી સેના અને કુશળ શ્રમિકોની મદદથી, કાટમાળ અને માટીથી ઢંકાયેલા પાવર સ્ટેશન તરફ જતી ભૂગર્ભ કેબલ ટનલના પ્રવેશદ્વારને ખોલવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે."
ત્રાલયે એમ પણ કહ્યું કે અપર ત્રિશૂલી ૩B પ્રોજેક્ટમાં કામ કરતાં 158 લોકોનો સંપર્ક થઈ શક્યો નથી. વિદ્યુત પ્રાધિકરણે જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે આ પ્રોજેક્ટનો કૅમ્પ જ્યાં સ્થિત હતો તે સમગ્ર વિસ્તાર કાદવ અને કાટમાળ નીચે દટાઈ ગયો હતો.
"બચાવ અને રાહતની કામગીરી અત્યંત મુશ્કેલ અને જોખમી પરિસ્થિતિઓમાં ચાલુ છે. પ્રોજેક્ટ વિસ્તારનું હેલિકૉપ્ટર દ્વારા સતત સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ખોદકામ માટે મશીનરી સહિત જરૂરી સાધનોનું હેલિકૉપ્ટર દ્વારા પરિવહન કરવામાં આવી રહ્યું છે" એવું ઑથોરિટીએ જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, BBC/Ashok Dahal/File
ચિલીમે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ કરતા 8 લોકો લાપતા છે અને તેઓ સુરંગની અંદર હોવાનું માનવામાં આવે છે, તેમ ઊર્જા મંત્રાલયે જણાવ્યું છે.
ખાનગી વીજ ઉત્પાદકોના સંગઠન IPPANના પ્રમુખ મોહન ડાંગીની માહિતી મુજબ, લાંગટાંગ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગમાં ફસાયેલા 62 લોકોમાંથી 18 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પ્રોજેક્ટમાંથી ઘણા લોકોને બચાવવામાં આવે તેવી અપેક્ષા છે.
નેપાળ વિદ્યુત પ્રાધિકરણે અહેવાલ આપ્યો છે કે ભોટેકોશી-ત્રિશૂલી વિસ્તારમાં બાંધકામ હેઠળના અને કાર્યરત એવા 11 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સને પૂરના કારણે નુકસાન થયું છે.
મદદ માટે કેવો પોકાર થયો?

ઇમેજ સ્રોત, Prime Minister's Secretariat
અધિકારી ચંદ્રશેખર રાણાએ જણાવ્યું હતું કે સુરંગના પ્રવેશદ્વાર પર ફસાયેલા લોકોએ વડા પ્રધાન કાર્યાલય હેઠળ ચાલતા 'હેલો સરકાર' નામના હેલ્પલાઇન સેન્ટરનો સંપર્ક કરીને મદદ માટે અપીલ કરી હતી.
રાણાએ જણાવ્યું હતું કે 216 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટમાં ફસાયેલા લોકોએ તેમને બચાવવા માટે મદદ માગી હતી.
"અમે ટનલના પ્રવેશદ્વાર પર છીએ. અમે હાથ ઊંચા કરીને સિગ્નલ આપી રહ્યા છીએ. હેલિકૉપ્ટર મોકલવું ખૂબ જરૂરી છે," એવો કૉલ અમને મળ્યો હતો. ત્યાર પછી અમે સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં અમને માહિતી મળી કે તેમને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે.
'હેલો સરકાર' કંટ્રોલ રૂમ અનુસાર, બુધવાર સવારે 11 વાગ્યાથી શુક્રવાર સવાર સુધીમાં હેલ્પલાઇન પર 6,600થી વધુ ફોન કૉલ્સ આવ્યા હતા.
"ઘણા લોકોએ પોતાના સગાં-સંબંધિઓને શોધી આપવા વિનંતી કરી છે. તો કેટલાક લોકોએ તેમને રેસ્ક્યૂ કરવા અને રાહત સામગ્રી પહોંચાડવા માટે કોલ કર્યા છે," એવું રાણાએ ઉમેર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























