'રસ્તો બતાવે એને શ્રાપ લાગે', 400 વર્ષ જૂનું રહસ્ય અને જંગલમાં સંતાયેલું એક ગુપ્ત શહેર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફિયોના મૅક્ડોનાલ્ડ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
અમેરિકાના એક પ્રોફેસરે 1911માં દાવો કર્યો હતો કે પેરુવિયન ઍન્ડીઝના ઊંડાણમાં પોતે છેલ્લા ઇન્કા રાજાનો પ્રાચીન પર્વતીય ગઢ શોધી કાઢ્યો છે. જોકે, 53 વર્ષ પછી બીજા એક સંશોધકે એ માન્યતા ખોટી હોવાનું સાબિત કર્યું અને થોડા જ સમય પછી બીબીસીની એક ટુકડીએ તેમના પગલે પગલે પ્રવાસ કર્યો.
"હવે કોઈને શંકા નથી કે આ જ પ્રાચીન વિલ્કાબામ્બાનું સ્થળ છે." 1911માં યેલ યુનિવર્સિટીના વિદ્વાન હિરામ બિંગહામ ત્રીજાએ આમ લખ્યું હતું.
તેમણે જ પેરુમાં આવેલા માચુ-પિચ્ચુનાં ખંડેરોને દુનિયાભરમાં જાણીતા બનાવ્યાં હતાં. સ્થાનિક લોકોએ તેમને એક એવા ખોવાયેલા ઇન્કા શહેરની શોધ કરવા કહ્યું હતું, જેના છુપાયેલા ખજાનાની દંતકથાઓ પ્રચલિત હતી. બિંગહામને પૂરેપૂરો વિશ્વાસ હતો કે પોતે એ જ શહેર શોધી કાઢ્યું હતું.
પરંતુ 50 વર્ષ પછી, અમેરિકાના બીજા એક સંશોધકે બિંગહામના દાવાને પડકાર્યો. તેમને "અસલી ઇન્ડિયાના જૉન્સ" તરીકે ઓળખવામાં આવતા હતા. ઓગસ્ટ 1964માં જીન સેવોયે દાવો કર્યો કે તેમણે એ જ ખોવાયેલું શહેર શોધી કાઢ્યું છે, જે માચુ-પિચ્ચુથી લગભગ 60 કિમી (37 માઇલ) ઉત્તર-પશ્ચિમમાં હતું. તેમનું માનવું હતું કે તેમની શોધખોળની ટુકડીએ છેલ્લા ઇન્કા રાજાના પર્વતીય ગઢને શોધી કાઢ્યો હતો. આ સ્થળ એસ્પિરિતુ પામ્પા ("આત્માઓનું મેદાન" અથવા વિલ્કાબામ્બા) તરીકે ઓળખાતું હતું. આ સ્થળ ઍમેઝોનની એક ઉપનદી(શાખા)થી ઉપર આવેલા, દૂરનાં ગાઢ વાદળછાયાં જંગલોમાં હતું.
સેવોયની શોધનાં માત્ર છ અઠવાડિયાં પછી બીબીસીની એક ટુકડી તેમના પગલે પગલે ત્યાં પહોંચી. તેમણે રબરની નાની હોડીમાં મુસાફરી કરી (અને હોડી પલટી પણ ગઈ), ખચ્ચરો સાથે ઊંડી ખીણોના ખડકાળ ઢોળાવો ચઢ્યા અને ગાઢ જંગલને વટાવતાં આ સ્થળ સુધી પહોંચ્યા. કાર્યક્રમના પ્રસ્તુતકર્તાએ જણાવ્યું હતું કે, "રસ્તામાં મળેલી કેટલીક માહિતીને કારણે તેમને સેવોયના કેટલાક દાવાઓ અંગે શંકા થવા લાગી હતી. પરંતુ આટલે દૂર આવ્યા પછી હવે જાતે ત્યાં જઈને ખાતરી કર્યા વિના પાછા ફરવું શક્ય નહોતું."
આ શોધનું મહત્ત્વ ઘણું હતું. કદાચ તેમને "કોઈ અજાણ્યા શહેરનું કેન્દ્ર મળી આવે, જ્યાં છેલ્લા ઇન્કા સમ્રાટે પોતાના બચી ગયેલા લોકોને એકઠા કર્યા હોવાની શક્યતા હતી."
20મી સદીના આરંભ સુધીમાં વિલ્કાબામ્બા એક રહસ્યમય શહેર બની ગયું હતું. તેનું અસ્તિત્વ જેટલું ઇતિહાસમાં હતું, એટલું જ દંતકથાઓમાં પણ હતું. વિલ્કાબામ્બા ક્વેચુઆ નામની પ્રાચીન સ્વદેશી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ "પવિત્ર મેદાન" થાય છે.
1536માં સ્પેનિશ વિજેતાઓએ ઇન્કાઓની રાજધાની કુસ્કો કબજે કરી લીધી. તેમને રોકવામાં નિષ્ફળ ગયા પછી, ઇન્કા રાજા માન્કો પોતાના પરાજિત લોકોને લઈને પર્વતોની પેલે પારના વિસ્તારમાં ચાલ્યા ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કહેવાય છે કે ત્યાં માન્કોના થોડા હજાર અનુયાયીઓએ તેમની નવી રાજધાનીમાં મહેલો અને મંદિરો બાંધ્યાં હતાં. માન્કો પોતાની સાથે સોનાનાં ખજાના, ચમકદાર મૂર્તિઓ અને પોતાના પૂર્વજોનાં મમીઓને પણ ત્યાં લઈ ગયો હતો.
16મી સદીના ધર્મગુરુ માર્ટિન-દ-મુરૃઆએ પેરુ પર સ્પેનિશ વિજયની ઘટનાઓને આલેખી હતી. તેમના જણાવ્યા મુજબ, "આ દૂરના, દેશવટાના પ્રદેશમાં પણ ઇન્કાઓ કુસ્કો જેવી જ સુખસગવડો અને ભવ્યતા માણતા હતા."
વિલ્કાબામ્બા માત્ર દેશવટાનું સ્થળ નહોતું. તે ઇન્કાઓના પ્રતિકારનું પણ કેન્દ્ર હતું. અહીંથી તેઓ સ્પેનિશો સામે ગેરિલા યુદ્ધની યોજનાઓ બનાવતા હતા. તેઓ દૂરના વિસ્તારોમાં પણ બળવો કરાવતા હતા. પરંતુ 1572માં સ્પેનિશોએ વિલ્કાબામ્બા પર આક્રમણ કર્યું. ત્યારે ઇન્કાઓએ શહેરને આગ ચાંપી દીધી અને ત્યાંથી ભાગી ગયા.
છેલ્લી ઇન્કા રાજધાની જંગલમાં ક્યાંક અદૃશ્ય થઈ ગઈ. સદીઓ સુધી આ શહેર ક્યાં હતું, એ કોઈ જાણી શક્યું નહીં.
દંતકથામાં ખોવાયેલા શહેરની શોધમાં
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1909માં પેરુના કેટલાક જમીનમાલિકોએ બિંગહામને ચોકેકિરાઓ ("સોનાનું પારણું") નામના સ્થળની તપાસ કરવા મોકલ્યા હતા. તેઓ જાણવા માગતા હતા કે દંતકથામાં ખોવાયેલું શહેર આ જ છે કે કેમ. ત્યારે બિંગહામ 34 વર્ષના હતા. તેઓ પછી અમેરિકાના સેનેટર બન્યા. એ સમયે તેઓ લેટિન અમેરિકન ઇતિહાસના સહાયક પ્રોફેસર હતા અને સંયોગવશ આ વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા હતા. તેઓ પુરાતત્ત્વવિદ્ નહોતા અને ઇન્કાઓનાં ખંડેરો શોધવા પણ નીકળ્યા નહોતા.
પરંતુ અપુરિમાકના પ્રીફેક્ટ(સરકારી અધિકારી) જુઆન જૉસે નુનેઝે બિંગહામને આ કામ કરવા માટે આગ્રહ કર્યો.
બિંગહામે લખ્યું હતું, "નુનેઝે આગ્રહ કર્યો કે હું ડૉક્ટર છું, પીએચડી છું, એટલે પુરાતત્ત્વ વિશે મને બધી જ ખબર હોવી જોઈએ. તેમનું માનવું હતું કે ચોકેકિરાઓમાં દાટેલો ખજાનો મળી શકે છે કે કેમ અને આ સ્થળ કેટલું મૂલ્યવાન છે, એ પણ હું કહી શકું. મેં તેમને કહ્યું કે પુરાતત્ત્વ વિશેની મારી જાણકારી અંગે તેમનો અંદાજ ખોટો છે. પરંતુ તેમણે મારી વાતને મારી વિનમ્રતા ગણી લીધી."
બિંગહામે આગળ લખ્યું હતું, "ઇન્કાઓ વિશે મને બહુ ઓછી જાણકારી હતી." તેથી તેમણે બ્રિટિશ રૉયલ જિયૉગ્રાફિકલ સોસાયટીનું 'હિન્ટ્સ ટુ ટ્રાવેલર્સ' નામનું પુસ્તક જોયું. તેમાં કોઈ પુરાતત્ત્વીય સ્થળ મળે ત્યારે શું કરવું તેની કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Alamy
ચોકેકિરાઓમાં સોનું હોવાની કે તે દંતકથામાં કહેવાતું ખોવાયેલું શહેર હોવાની બિંગહામને શંકા હતી. તેમ છતાં, આ પ્રવાસથી તેમને એટલી પ્રેરણા મળી કે 1911માં તેમણે છેલ્લા ઇન્કા આશ્રયસ્થળની શોધ માટે યેલની એક શોધખોળ ટુકડીનું નેતૃત્વ કર્યું.
તેમણે કહ્યું હતું, "પર્વતમાળાની પેલે પાર કોઈ અજાણ્યો પ્રદેશ હોવાનું લાગતું હતું. ત્યાં કંઈક મહત્ત્વનું મળી આવે એવી શક્યતા હતી. કદાચ માન્કોની રાજધાની ત્યાં છુપાયેલી હોય."
હકીકતમાં, માર્ગદર્શકો બિંગહામને એ જ સ્થળે લઈ ગયા હતા, જેને 50 વર્ષ પછી સેવોયે શોધી કાઢ્યું હતું. આ સ્થળ કુસ્કોથી 150 કિમી (93 માઈલ) ઉત્તર-પૂર્વમાં હતું. પરંતુ ખરાબ હવામાન હતું, ખોરાક પણ ખૂટી રહ્યો હતો અને તેમની સાથે આવેલા મજૂરો તેમને છોડીને જવાની ધમકી આપી રહ્યા હતા. તેથી બિંગહામ ત્યાં વધારે રોકાયા નહીં અને આગળ નીકળી ગયા. થોડા સમય પછી તેમણે માચુ-પિચ્ચુમાં ખોવાયેલું શહેર શોધી કાઢ્યું હોવાનો દાવો કર્યો.
બીજા એક સાહસિક સંશોધકે શોધખોળ શરૂ કરી
ઑરેગોનના પૉર્ટલૅન્ડ શહેરથી 1964માં, 37 વર્ષના સંશોધક સેવોય અહીં આવ્યા હતા. તેમની સાથે પેરુના સંશોધક ઍન્ટોનિયો સાન્તાન્દેર કાસેલી પણ હતા. તેઓ એસ્પિરિતુ પામ્પા નજીકના વિસ્તારમાં પહોંચ્યા હતા.
શરૂઆતમાં સ્થાનિક લોકોએ તેમને આ સ્થળ સુધી લઈ જવાની ના પાડી. કારણ કે ત્યાં એક દંતકથા પ્રચલિત હતી. કહેવાતું કે જે કોઈ આ સ્થળનું સ્થાન બીજાને બતાવે છે, તેને દેવતાઓ મારી નાખે છે. ઘણી સમજાવટ પછી પેરુવાસીઓ સેવોય અને સાન્તાન્દેરને શેવાળથી ઢંકાયેલાં વિલ્કાબામ્બાનાં ખંડેરો સુધી લઈ ગયા.
"અમે તો અમારી આંખો પર વિશ્વાસ જ કરી શકતા નહોતા," સેવોયે કહ્યું. "દિવસે દિવસે આ સ્થળ વધુ ને વધુ અદ્ભુત લાગતું જતું હતું."
સેવોય અને સાન્તાન્દેરે ત્રણ પર્વતીય ઉચ્ચપ્રદેશોમાં ફેલાયેલાં ખંડેરો શોધી કાઢ્યાં. તેમાં એક મહેલ, ગ્રેનાઇટ અને ચૂનાના પથ્થરથી બનેલી ઇમારતો અને ફુવારાઓ હતાં. માત્ર પહેલો ઉચ્ચપ્રદેશ જ માચુ-પિચ્ચુ કરતાં લગભગ ચાર ગણો મોટો હતો.
આ વિસ્તારની શોધખોળ કર્યા પછી સેવોયને લાગ્યું કે "નવા વિજેતાઓ સામેના અંતિમ સંઘર્ષ દરમિયાન છેલ્લા ઇન્કાઓએ આ સ્થળે આશ્રય લીધો હતો."
પરંતુ બે અઠવાડિયાંમાં જ તેમના માર્ગદર્શકો સ્થાનિક અંધશ્રદ્ધાના ડરથી તેમને છોડીને જવા લાગ્યા. સેવોયે કહ્યું, "સામાન્ય રીતે તેઓ અમારી સાથે ખૂબ પ્રેમથી અને હસતાં મુખે વર્તતા. પરંતુ અમે તેમને એ જંગલમાં લઈ ગયા ત્યારે તેમનું વર્તન બદલાઈ ગયું." તેથી તેમણે ત્યાંથી પાછા ફરવાનું અને પછી ફરી વાર આવીને વધુ તપાસ કરવાનું નક્કી કર્યું.
તેમની શોધખોળના માત્ર છ અઠવાડિયાં પછી બીબીસીની એક ટુકડી પણ એ જ સ્થળે જવા નીકળી. ડૅવિડ ઍટનબરોની બીબીસી ઍડવેન્ચર શ્રેણી માટે આ ફિલ્મ બનાવનારા દિગ્દર્શક ટૉની મૉરિસને લખ્યું હતું, "400 વર્ષમાં બહુ ઓછા યુરોપિયનો આ તરફ આવ્યા હતા. ફિલ્મ કૅમેરા લઈને કોઈ આવ્યું જ નહોતું. અમે એક અઠવાડિયા સુધી પગપાળા મુશ્કેલ મુસાફરી કરી. પછી સતત વરસાદથી ભીંજાયેલા ગાઢ પર્વતીય જંગલમાંથી નીચે ઊતર્યા. અંતે અમે ઇન્કાઓની વસાહતનાં ખંડેરો સુધી પહોંચ્યા."
સદીઓથી ગાઢ જંગલે આ શહેરને ઢાંકી રાખ્યું હતું. ત્યાં પહોંચવા માટે સંશોધકોએ કપોકનાં વૃક્ષો, વેલીઓ અને ફર્નનાં ઝાડઝાંખરાં કાપીને રસ્તો બનાવવો પડતો હતો. એક અહેવાલમાં લખ્યું હતું, "વિશાળ વૃક્ષોનાં મૂળ દીવાલો અને અગાશીની આસપાસ એવી રીતે ફેલાઈ ગયાં હતાં કે જાણે તેમને જકડી લીધાં હોય. જાડી અને મજબૂત વેલીઓથી તેમની ડાળીઓ એવી રીતે ગૂંથાઈ ગઈ હતી કે જાણે ટેલિફોનના કૅબલ એકબીજામાં ગૂંથાઈ ગયા હોય."
"મને કમબખ્ત આ જંગલ જરાય ગમતું નથી," સેવોયે કહ્યું હતું. છતાં તેમણે ઉમેર્યું, "પણ શોધખોળ કર્યા વિના રહેવું એના કરતાં હું ત્યાં જઈને મરી જવાનું પસંદ કરીશ."
સેવોય અને સાન્તાન્દેરે આ સ્થળ શોધ્યું હતું ખરું, પરંતુ એ જ છેલ્લા ઇન્કા રાજાની રાજધાની હતી એવું તેઓ સાબિત કરી શક્યા નહોતા. જો કે, તેમને ત્યાં એક મહત્ત્વની વસ્તુ મળી—નળિયાં. પછી આ ટાઇલ્સના આધારે સાબિત થયું કે આ જ સ્થળ વિલ્કાબામ્બા હતું.
બીબીસીના પ્રસ્તુતકર્તાએ 1964માં કહ્યું હતું, "આ નળિયાં અત્યાર સુધીનો સૌથી મજબૂત પુરાવો છે. તેની બનાવટ સ્પેનિશ ઢબની છે, પરંતુ તેના રંગ અને તેના પરનાં નિશાનોમાં ઇન્કાની આગવી છાપ જોવા મળે છે."
પછી આ નળિયાંનું મહત્ત્વ જ્હૉન હૅમિંગે પણ ઓળખ્યું. તેઓ 1975થી 1996 સુધી લંડનની રૉયલ જિયૉગ્રાફિકલ સોસાયટીના ડિરેક્ટર હતા અને ઇન્કા સંસ્કૃતિના નિષ્ણાત હતા. તેમણે વિલ્કાબામ્બા વિશે તે સમયે ત્યાં હાજર લોકોનાં વર્ણન અને આ સ્થળની વિગતોની સરખામણી કરી. તેમાં ધર્મગુરુ માર્ટિન-દ-મુરૃઆનાં લખાણો પણ સામેલ હતાં.
ઇન્કાઓ સામાન્ય રીતે છત બનાવવા માટે ઘાસનો ઉપયોગ કરતા હતા. તેથી નળિયાં મળવાં એક અસામાન્ય વાત હતી. પરંતુ મુરૃઆએ દેશવટામાં આવેલી ઇન્કાઓની રાજધાની વિશે લખેલા વર્ણનમાં એક મહત્ત્વની કડી મળી: "ઇન્કાઓનો મહેલ જુદા જુદા સ્તરોમાં હતો અને તેની છત ટાઇલ્સથી ઢંકાયેલી હતી.".
ઇન્કાઓ સામાન્ય રીતે છત બનાવવા માટે ઘાસનો ઉપયોગ કરતા હતા, તેથી આ નળિયાંની શોધ અસામાન્ય હતી. પરંતુ દેશવટામાં આવેલી ઇન્કાઓની રાજધાનીનું મુરૃઆએ કરેલું વર્ણન એક મહત્ત્વની કડી પૂરું પાડતું હતું: "ઇન્કાઓનો મહેલ જુદા જુદા ઊંચા-નીચા ભાગોમાં બનેલો હતો અને તેની છત નળિયાંથી ઢંકાયેલી હતી."
સેવોયે પાછળથી કહ્યું હતું: "આ શહેર અસ્તિત્વમાં છે એવી વાત એટલા લાંબા સમયથી ચાલતી આવી હતી કે ધીમે ધીમે તે ઇતિહાસમાંથી દંતકથામાં ફેરવાઈ ગયું હતું. હવે અમે તેને ફરી ઇતિહાસમાં લાવી મૂક્યું છે."
આથી એમ લાગે છે કે 1911માં બિંગહામ જે સ્થળની શોધ કરી રહ્યા હતા, ત્યાંથી તેઓ માત્ર થોડા જ ફીટના અંતરેથી પસાર થયા હતા. એ જ સ્થળ ઇન્કા સામ્રાજ્યનું છેલ્લું આશ્રયસ્થાન હતું.
પરંતુ સેવોય માટે હજુ પણ એક રહસ્ય અકબંધ હતું. તેમણે 1967માં 'ઍસ્ક્વાયર'ને કહ્યું હતું, "ઇન્કાઓનાં સોના અને ઝવેરાતમાંથી માત્ર થોડો જ હિસ્સો મળ્યો હતો. મને લાગે છે કે સ્પેનિશોના હાથમાં બાકીનો ખજાનો ન આવે તે માટે ઇન્કાઓએ તેને તળાવો અને ગુફાઓમાં છુપાવી દીધો હતો. અગાઉની શોધખોળ દરમિયાન મને એવાં તળાવો મળ્યાં હતાં, જે કોઈ નકશામાં દર્શાવાયાં નહોતાં. નકશામાં ન દર્શાવેલી અને દીવાલોથી બંધ કરાયેલી સુરંગો પણ મને મળી હતી."
છેલ્લું ઇન્કા શહેર હોવાનું જણાતું આ સ્થળ મળ્યા પછી પણ અનેક સવાલો ઊભા થયા છે. આજે પણ આ શહેરનો મોટો ભાગ જંગલમાં દટાયેલો છે. તેની પથ્થરની ઇમારતો વેલા અને ઝાડનાં મૂળથી ઢંકાયેલી છે, જાણે તેઓ તેના પ્રવેશદ્વારોની રખેવાળી કરતા હોય.
"આ વિસ્તાર ખૂબ જ આકર્ષક છે, કારણ કે અહીં હજી સુધી કોઈએ છેડછાડ કરી નથી કે લૂંટફાટ કરી નથી. " પેરુના સંસ્કૃતિ મંત્રાલયના પુરાતત્ત્વવિદ્ જાવિયર ફૉન્સેકાએ 2018માં 'ધ ગાર્ડિયન'ને કહ્યું હતું. જંગલની અંદર વધુ ઊંડે બીજું કોઈ શહેર હોવાના અહેવાલો પણ મળ્યા છે.
"આપણે જાણીએ છીએ કે જેને 'ખોવાયેલો ઇન્કા ખજાનો' કહેવામાં આવે છે, તે હજુ મળ્યો નથી." સેવોયે 1967માં કહ્યું હતું. "આ ખજાનો ખરેખર છે, તો તે ક્યાં હશે એ વિશે આપણે માત્ર અનુમાન જ કરી શકીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















