અમેરિકન હુમલાના જવાબમાં ઈરાને કાર્યવાહી કરતા કહ્યું: 'અમેરિકાને પસ્તાવું પડશે'

આઇઆરજીસીએ જણાવ્યું છે કે અમેરિકાને આ હુમલા બદલ "પસ્તાવું" પડશે (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, આઈઆરજીસીએ જણાવ્યું છે કે અમેરિકાને આ હુમલા બદલ "પસ્તાવું" પડશે (ફાઇલ ફોટો)
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકી સેનાએ મંગળવારે ઈરાન પર ફરી હુમલા શરૂ કર્યા હોવાનું અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ જણાવ્યું છે.

સેન્ટકૉમના જણાવ્યા મુજબ, આ હુમલા ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી) દ્વારા હોર્મુઝ સામુદ્રધુનીમાં વેપારી જહાજો પર તાજેતરમાં કરવામાં આવેલા "હુમલાના પ્રયાસો" બાદ કરવામાં આવ્યા છે.

ઈરાનની રેડ ક્રેસન્ટના જણાવ્યા અનુસાર, અમેરિકી હુમલામાં ચાર લોકોનાં મોત થયાં છે, જેમાં એક નાના બાળકનો પણ સમાવેશ થાય છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઈરાની રેડ ક્રેસન્ટે જણાવ્યું કે દક્ષિણ ઈરાનના સિરિક વિસ્તારમાં અમેરિકન મિસાઇલ હુમલા બાદ તેના છરા ત્યાં ચાલી રહેલા એક લગ્ન સમારંભ દરમિયાન એક ઘરમાં જઈ પડ્યા હતા. આ ઘટનામાં લોકોનાં મોત થયાં અને અનેક લોકો ઘાયલ થયા.

જવાબમાં ઈરાને ઇરાક અને જૉર્ડનમાં આવેલાં અમેરિકી સૈન્ય મથકો પર હુમલા કર્યા હોવાનું સ્થાનિક સરકારી મીડિયા અને જૉર્ડનનાં સશસ્ત્ર દળોએ જણાવ્યું છે.

આ ઉપરાંત કુવૈત અને બહરીનમાં પણ હુમલાના અહેવાલો સામે આવ્યા છે.

આઇઆરજીસીએ જણાવ્યું છે કે, "અમેરિકાને આ હુમલા બદલ પસ્તાવો કરવો પડશે."

ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી તસ્નીમના જણાવ્યા મુજબ, બુધવારે વહેલી સવારે ઈરાને સિરિક પર થયેલા હુમલાના જવાબમાં જૉર્ડનના અકાબા ખાતે આવેલા અમેરિકી મરીન બેઝ પર બૅલિસ્ટિક મિસાઇલોના હુમલા કર્યા હતા.

જૉર્ડનનાં સશસ્ત્ર દળોએ જણાવ્યું કે તેણે 13 બૅલિસ્ટિક મિસાઇલોને રોકી હતી. તેમાંથી 10 મિસાઇલોને નષ્ટ કરાઈ હતી, જ્યારે ત્રણ મિસાઇલો દૂરના વિસ્તારોમાં પડી હતી.

ઈરાનના આ હુમલામાં કોઈનાં મોત કે ઈજા થયાના અહેવાલ નથી.

આ દરમિયાન કુવૈતની સેનાએ જણાવ્યું છે કે બુધવારે વહેલી સવારે ઈરાન તરફથી કરવામાં .આવેલા મિસાઇલ હુમલાના જવાબમાં તેની ઍર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી.

જર્મનીએ રશિયા પર ઍરપૉર્ટ પર હુમલાનો આરોપ લગાવ્યો, પુતિને આપ્યો આ જવાબ

4 ઑગસ્ટે પૂર્વ જર્મનીમાં આવેલા લીપઝિગ ઍરપૉર્ટ પર ડ્રોન હુમલો થયો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 4 ઑગસ્ટે પૂર્વ જર્મનીમાં આવેલા લીપઝિગ ઍરપૉર્ટ પર ડ્રોન હુમલો થયો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જર્મનીએ દાવો કર્યો છે કે ગયા મહિને લીપઝિગ ઍરપૉર્ટ પર થયેલા ડ્રોન હુમલાની ઘટના પાછળ રશિયાનો હાથ હતો.

4 ઑગસ્ટે પૂર્વ જર્મનીમાં આવેલા લીપઝિગ/હાલે ઍરપૉર્ટ પર એક ડ્રોન મળ્યું હતું. તેમાં વિસ્ફોટક સામગ્રી લગાવાઈ હતી અને તે યુક્રેનના કાર્ગો વિમાનોની નજીક હતું.

ડ્રોનમાં વિસ્ફોટ થયો નહોતો, કારણ કે માનવામાં આવી રહ્યું છે કે તેનું ડેટોનેટર ખરાબ હતું. તપાસકારોને શંકા છે કે બીજું એક ડ્રોન નજીકમાં આવેલા કાર્ગો વિમાન સાથે અથડાયું હતું.

આ ઘટનાના લગભગ 10 દિવસ બાદ ઍરપૉર્ટ નજીક ત્રીજું ડ્રોન પણ મળી આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

જર્મનીના ગૃહમંત્રી ઍલેકઝાન્ડર ડોબ્રિન્ટે જણાવ્યું હતું કે લીપઝિગ ઍરપૉર્ટ પર થયેલો હુમલો યુરોપમાં રશિયાની "હાઇબ્રિડ પ્રવૃત્તિઓની લાંબા સમયથી ચાલતી વ્યૂહરચના"નો એક ભાગ હતો.

તેમણે કહ્યું, "એ માનીને ચાલવું જોઈએ કે જર્મનીને ફરીથી નિશાન બનાવાઈ શકે છે."

બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે આરોપ લગાવ્યો હતો કે જર્મનીએ લીપઝિગ ઍરપૉર્ટ પર થયેલા ડ્રોન હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવવાના હેતુથી પુરાવા ગોઠવ્યા (પ્લાન્ટ કર્યા) છે.

જોકે, પુતિને પોતાના આ આરોપના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા.

દરમિયાન બર્લિનસ્થિત રશિયન દૂતાવાસે પણ હુમલામાં રશિયાની સંડોવણીના આરોપોને "હાસ્યાસ્પદ" ગણાવ્યા હતા.

જર્મન ગૃહમંત્રી ડોબ્રિન્ટે કહ્યું કે ડ્રોનમાં વપરાયેલાં ઉપકરણોની તપાસ અને ગુપ્તચર માહિતી પરથી આ હુમલામાં રશિયાની ભૂમિકા હોવાનું સ્પષ્ટ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન