એક સેન્ટિમીટરની નાની ગાંઠને કારણે 16 વર્ષના છોકરાનું વજન છ મહિનામાં 40 કિલો કેવી રીતે વધ્યું?

ઇમેજ સ્રોત, Arquivo pessoal
- લેેખક, આન્દ્રે બિઅરનથ
- પદ, બીબીસી બ્રાઝિલ, લંડન
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
એથલેટિકો-પીઆર ફૂટબૉલ ટીમના 16 વર્ષીય પ્રશંસક અને મુઆય થાય (એક પ્રકારની માર્શલ આર્ટ)ના અભ્યાસુ ગુસ્તાવો ડી ઓલિવિરાના શરીરમાં ઝડપથી નાટકીય ફેરફાર થવા લાગ્યા હતા. વયની સાથે વજન વધે એ સામાન્ય બાબત છે, પરંતુ ગુસ્તાવોની પરિસ્થિતિ અલગ હતી.
2025ની શરૂઆતમાં તેમનું વજન 70 કિલોથી ઓછું હતું, પરંતુ એ જ વર્ષના અંત સુધીમાં તેમનું વજન વધીને 113 કિલો થઈ ગયુ હતું.
આ અચાનક થયેલા ફેરફારનું કારણ તેમની ખોપરીના તળિયામાંની એક નાની, સૌમ્ય ગાંઠ ( બેનાઇન ટ્યૂમર) હતી.
એ ટ્યૂમરે શરીર માટે મહત્ત્વપૂર્ણ હોર્મોન કોર્ટિસોલનું સંતુલન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું હતું અને એ ગાંઠ હોવાની ખબર લગભગ આકસ્મિક રીતે પડી હતી.
પગની ઘૂંટી પર કાળા-વાદળી રંગનું નિશાન
ગુસ્તાવોનાં માતા સિલ્મારા ડી ઓલિવિરા રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે. જૂન 2025માં તેમણે જોયું હતું કે તેમના પુત્રના શરીરમાં કંઈક ગડબડ છે.
ગુસ્તાવો થોડા દિવસથી માથાના દુખાવાથી પીડાતા હતા. તેથી માતાએ ઘરમાંના મશીનના ઉપયોગ વડે દીકરાનું બ્લડ પ્રેશર તપાસવાનો નિર્ણય કર્યો હતો.
ગુસ્તાવોનું બ્લડ પ્રેશર અસામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું.
સિલ્મારા કહે છે, "પહેલાં અમને એવું લાગ્યું હતું કે કદાચ મશીન બગડી ગયું હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પણ ગુસ્તાવોનું વજન સતત વધી રહ્યું હતું. તેની ભૂખમાં ખૂબ વધારો થયો હતો. એ દિવસમાં ત્રણ વખત ખાતો હતો."
ડૉક્ટર અને ડાયેટિશિયનની સલાહ લીધા પછી પરિવારે ગુસ્તાવોના આહારમાં કેટલાક ફેરફાર કર્યા હતા. ગુસ્તાવો કસરત તો પહેલેથી જ નિયમિત રીતે કરતો હતો અને સપ્તાહમાં ત્રણ વખત મુઆય થાયના ક્લાસમાં પણ જતો હતો.
સિલ્મારા કહે છે, "અમે તેના આહાર પર નિયંત્રણના જેટલા પ્રયાસ કર્યા તેટલા જ પ્રમાણમાં તેના વજનમાં વધારો થતો રહ્યો હતો."
ગુસ્તાવોની હાલત બગડતી રહી. અંતે એક અણધારી ઘટનાને કારણે તેણે ફરીથી ડૉક્ટર પાસે જવું પડ્યું. સપ્ટેમ્બર 2025માં મુઆય થાઈનો અભ્યાસ કરતી વખતે તેની ઘૂંટીમાં ઈજા થઈ હતી.
ગુસ્તાવોની ત્વચા પર કાળા-વાદળી ડાઘ જોવા મળ્યા એટલે સિલ્મારા દીકરાને તત્કાળ ઉપચાર માટે લઈ ગયાં હતાં.
સિલ્મારા કહે છે, "તેનો ઍક્સ-રે કર્યો હતો, પરંતુ તેને ફ્રૅક્ચર થયાનું જાણવા મળ્યું નહીં."
જોકે, ગુસ્તાવોની એકંદર શારીરિક સ્થિતિ જોયા પછી ત્યાંના ડૉક્ટર્સે વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે તેમને અને તેમનાં માતાને બીજા દિવસે પાછા આવવા જણાવ્યું હતું.
દર વર્ષે 10 લાખ બાળકોમાં થતો દુર્લભ રોગ

ઇમેજ સ્રોત, (Publicity/Hospital Pequeno Príncipe)
એ પછી મા-દીકરાને પરાના રાજ્યની બાળકોની વિખ્યાત પેકવેના પ્રિન્સિપે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં.
એ સમયની પોતાની સ્થિતિને યાદ કરતાં ગુસ્તાવો કહે છે, "હું રસ્તા પર ચાલી શકતો ન હતો. હું કંઈ કરી શકતો ન હતો. મને સતત એવું લાગતું હતું કે હું મરી જઈશ. મને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી."
હૉસ્પિટલમાં તેમના પર ઘણા પરીક્ષણ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરો વિવિધ શક્યતાઓનો વિચાર કરીને તેમની તબીબી તપાસ કરતા રહ્યા હતા.
લગભગ એક મહિના પછી એટલે કે ઑક્ટોબર 2025ની મધ્યમાં આરોગ્ય નિષ્ણાતોએ આ રહસ્યમય રોગનું ખરું કારણ શોધી કાઢ્યું હતું.
ગુસ્તાવોને કુશિંગ્સ ડિસીઝ (Cushing's Disease) નામનો દુર્લભ રોગ હતો.
આંતરરાષ્ટ્રીય અંદાજ અનુસાર, દર વર્ષે લગભગ 10 લાખ બાળકોમાં આ રોગનું નિદાન થાય છે.
સિલ્મારા કહે છે, "ડૉક્ટરે નિદાન જણાવ્યું પછી, જાણે કે એક રહસ્ય સંપૂર્ણપણે ઉકેલાઈ ગયું હોય તેમ, બધું સ્પષ્ટ થઈ ગયું હતું."
કુશિંગ્સ ડિસીઝ એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સરળ શબ્દોમાં કહીએ તો કુશિંગ્સ ડિસીઝ પિટ્યૂટરી ગ્રંથિમાં બનતા ટ્યૂમરને કારણે થાય છે.
પિટ્યૂટરી ગ્રંથિ મગજના તળમાં હોય છે અને તે એસીટીએચ નામનું હોર્મોન તૈયાર કરે છે.
આ હોર્મોન કિડનીની ઉપર સ્થિત એડ્રિનલ ગ્રંથિઓને કોર્ટિસોલ હોર્મોનનું ઉત્પાદન કરવા ઉત્તેજિત કરે છે.
કુશિંગ્સ ડિસીઝના દર્દીઓમાં કોર્ટિસોલનું ઉત્પાદન ખૂબ જ વધારે પ્રમાણમાં થતું હોય છે.
પેક્વેના પ્રિન્સેપ હૉસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. કાર્લોસ માટોજો કહે છે, "કોર્ટિસોલનું આ વધારાનું પ્રમાણ શરીરમાં ઘણા ફેરફારોનું કારણ બને છે."
"ગુસ્તાવોના કેસમાં અમે જોયું હતું કે તેનું વજન ખૂબ વધી ગયું હતું. શરીર ફૂલી ગયું હતું. તેનો ચહેરો ગોળાકાર થઈ ગયો હતો અને છાતીના ભાગમાં ચરબી જમા થઈ ગઈ હતી."
ડૉ. માટોજોના જણાવ્યા અનુસાર, તેમણે તેમની 30 વર્ષની કારકિર્દીમાં આ રોગના માત્ર ચાર દર્દીઓ જ જોયા છે.
આવા કિસ્સામાં પિટ્યૂટરી ગ્રંથિમાંના ટ્યૂમરને કાઢી નાખવું એ મુખ્ય ઉપચાર હોય છે.
ગુસ્તાવોના કહેવા મુજબ, સર્જરી કરવી પડશે, એવી ખબર તેમને પડી ત્યારે તેઓ ગભરાઈ ગયા હતા.
તેઓ કહે છે, "સર્જરી એટલે ખોપરી ખોલવી પડશે અને પછી ટ્યૂમર હટાવવામાં આવશે, એવું હું સમજતો હતો."
અલબત, આ સારવારની સારી વાત એ છે કે ગુસ્તાવોના માથા પર કોઈ છેદ કરવો પડ્યો ન હતો.
સમગ્ર સર્જરી ફાઇબર ઑપ્ટિક કૅમેરા અને માઇક્રોસ્કોપિક સાધનોની મદદથી નાક મારફતે કરવામાં આવે છે.
ડૉ. માટોજો સમજાવે છે કે, "નાકની પાછળ એક પોકળ હાડકું હોય છે. તેને સ્ફેનૉઇડ કહેવામાં આવે છે. તેમાંથી પ્રવેશ કરીને સીધા પિટ્યૂટરી ગ્રંથિ સુધી પહોંચી શકાય છે."
ગાંઠ કાઢવાની સર્જરી નાક વડે કેવી રીતે કરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, (Publicity/Hospital Pequeno Príncipe)
ગુસ્તાવો પર ડિસેમ્બર 2025માં સર્જરી કરવામાં આવી હતી. તે લગભગ બે કલાક સુધી ચાલી હતી અને સફળ રહી હતી.
ગુસ્તાવોની સારવાર કરનારા ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, તેની સ્થિતિમાં સંતોષજનક સુધારો થયો છે, પરંતુ આવા કિસ્સામાં કેટલીક અપેક્ષિત આડઅસરો પણ જોવા મળે છે. તેમાં થાક, માથાનો હળવો દુખાવો અને કોર્ટિસોલના સ્તરમાં અસંતુલનનો સમાવેશ થાય છે.
ડૉ. માટોજો કહે છે, "સર્જરી પહેલાં તેમની એડ્રિનલ ગ્રંથિ અસામાન્ય નિયંત્રણ હેઠળ હતી. તેના કારણે કોર્ટિસોલનું વધુ પડતું ઉત્પાદન થતું હતું."
"ટ્યૂમર કાઢી નાખ્યા પછી તે ઉત્તેજક ઘટક નહીંવત થઈ ગયું હતું અને શરીરમાં થોડા સમય માટે ગૂંચવાડો સર્જાયો હતો. પરિણામે કોર્ટિસોલનું ઉત્પાદન અચાનક ઘટી ગયુ હતું."
ગુસ્તાવોની હાલ નિયમિત રીતે તપાસ કરવામાં આવી રહી છે. તેઓ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પણ કરાવી રહ્યા છે, જેથી પિટ્યૂટરી અને એડ્રિનલ ગ્રંથિ વચ્ચેનું સંતુલન પુનઃસ્થાપિત કરી શકાય.
વધેલા વજન અને કોર્ટિસોલને કારણે ગુસ્તાવોના લીવર, આંખો, હૃદય અને બ્લડ પ્રેશર પર માઠી અસર થઈ હતી.
2026ના પહેલા છ મહિનામાં ગુસ્તાવોના વજનમાં લગભગ 15 કિલો ઘટાડો થયો છે.
તેઓ હાલ કુશિંગ્સ ડિસીઝથી મુક્તિ મેળવવાની પ્રક્રિયામાં છે.
ટ્યૂમર ફરીથી આકાર લઈ રહ્યું છે કે કેમ તે ચકાસવા માટે તેમણે વર્ષમાં એકવાર ફૉલો-અપ તપાસ કરાવવી પડશે.
આ દુર્લભ રોગના નિદાનમાં વિલંબ કેમ થતો હોય છે?
ડૉ. માટોજોના કહેવા મુજબ, ગુસ્તાવો જેવા કેસીસમાં ડૉક્ટરો દર્દીને વધારે કાળજીપૂર્વક તપાસે એ જરૂરી છે.
તેઓ કહે છે, "હું યુનિવર્સિટીમાં પ્રોફેસર છું. કોઈપણ લક્ષણ પાછળ બહુવિધ રોગ હોઈ શકે છે, એ વાત હું સતત ધ્યાનમાં રાખું છું અને મારા વિદ્યાર્થીઓને પણ તેવી સલાહ આપું છું."
તેઓ ઉમેરે છે કે,"કુશિંગ્સ ડિસીઝના કિસ્સામાં દર્દીનું યોગ્ય નિદાન થતાં સરેરાશ બે વર્ષ થાય છે. ત્યાં સુધી તેમના પર જે ઉપચાર ચાલી રહ્યા હોય એ અસરકારક સાબિત થતા નથી."
સિલ્વારાના મતાનુસાર, ગુસ્તાવો સાથે પણ આવું જ કંઈ બન્યું હોત.
તેઓ કહે છે, "તેને ઘૂંટીમાં ઈજા ન થઈ હોત તો કદાચ આજે પણ આપણને ખબર ન હોત કે તેને આ રોગ થયો છે."
સિલ્વારા ઉમેરે છે કે, "આ બધું સર્વાંગી અભિગમ અપનાવનારા આરોગ્ય કર્મચારીઓને કારણે શક્ય બન્યું."
"તેઓ ફક્ત પગની સારવાર કરીને ટ્યૂમરની અવગણના કરી શક્યા હોત, પરંતુ તેમણે એવું ન કર્યું."
કેટલાક દર્દીઓ માટે આ લક્ષણનો, શરૂઆત અને યોગ્ય નિદાન થાય એ વચ્ચેનો સમય જીવલેણ સાબિત થઈ શકે છે.
વજનમાં વધારો, બ્લડ પ્રેશરમાં ફેરફાર અને લીવર જેવા મહત્ત્વપૂર્ણ અંગો પર થતી અસરનું હૃદયરોગ જેવું ગંભીર પરિણામ આવી શકે છે.
તેથી ગુસ્તાવોએ તેમની બીમારી વિશે મોકળાશથી વાત કરવાનું નક્કી કર્યું છે.
તેઓ કહે છે, "મારી ઇચ્છા છે કે મારા જેવી પીડા બીજાઓએ ભોગવવી ન પડે."
"વજનમાં વધારો અને હાઈ બ્લડ પ્રેશર જેવાં લક્ષણો ગંભીર બને તે પહેલાં જ તેની સારવાર કરાવી શકાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























