ભવિષ્યમાં આપણે એ નક્કી કરી શકીશું કે આપણાં બાળકો કેવા દેખાશે અને તેમાં કયા-કયા ગુણ હશે?

ઇમેજ સ્રોત, 3quarks/Stocktrek Images via Getty Images
- લેેખક, કૅથરીન હીથવૂડ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
માનવી હજુ પણ વિકાસ પામી રહ્યો છે? ભવિષ્યમાં પણ આપણાં સ્વરૂપો અલગ-અલગ હશે? આપણે ઠીંગુજી થઈ જઈશું કે લંબુજી?
માનવનાં શારીરિક લક્ષણો ચોક્કસ વિશિષ્ટતા અનુસાર બદલાઈ શકે છે અથવા તેને સંપૂર્ણપણે આનુવંશિક રીતે નિશ્ચિત સ્વરૂપ અનુસાર ડિઝાઇન કરી શકાય છે.
સંસ્કૃતિના વિકાસની સાથે આપણે બદલાતા રહ્યા છીએ.
આપણી ઉત્ક્રાંતિ પર પહેલાં રોગ, ભૂખમરો અને હવામાનની આત્યંતિક પરિસ્થિતિની અસર થતી હતી.
સંસ્કૃતિના વિકાસની સાથે આપણી ઉત્ક્રાંતિ પર આ પરિબળોનો પ્રભાવ ઘટતો રહ્યો છે.
જોકે, યુનાઇટેડ કિંગ્ડમની ઍંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીના માનવશાસ્ત્રી અને ઇવૉલ્યુશનરી જેનેટિકિસ્ટ ડૉ. જોસન હોજસન જણાવે છે કે ઉત્ક્રાંતિ તો આજે પણ નિઃશંક ચાલુ છે. તેથી આપણે તેના વિશે જાણીએ છીએ, કારણ કે ચોક્કસ વસ્તીમાં ચોક્કસ જનીનો વધુ સામાન્ય બની રહ્યાં છે, પરંતુ આ પરિવર્તન ઘણી પેઢીઓથી થઈ રહ્યું છે. તેથી કોઈ પણ વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન ઉત્ક્રાંતિમાં થતા આ પરિવર્તનને જોઈ શકતી નથી.
માનવ વૈવિધ્ય

ઇમેજ સ્રોત, Andriy Onufriyenko/Jackyenjoyphotography via Getty Images
અમેરિકાના સ્મિથસોનિયન નૅશનલ મ્યૂઝિયમ ઑફ નૅચરલ હિસ્ટ્રીના પેલિયોઍન્થ્રોપોલૉજિસ્ટ બ્રિઆના પોબિનર જણાવે છે કે આપણી તાજેતરની ઉત્ક્રાંતિમાં આપણા આહારે મોટી ભૂમિકા ભજવી છે.
તેમના કહેવા મુજબ, આજે વિશ્વની લગભગ 33 ટકા વસ્તી પુખ્ત વયે પણ દૂધ પચાવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
5,000થી 10,000 વર્ષ પહેલાં લગભગ કોઈ આવું કરી શકતું ન હતું. આ બહુ ઝડપથી થયેલું વિકાસવાદી પરિવર્તન છે.
પોબિનરે જણાવ્યું હતું કે માણસોએ દૂધાળાં જાનવરોને પાળવાનું શરૂ કર્યું ત્યારે આની શરૂઆત થઈ હતી.
તેમણે કહ્યું કે દૂધમાં ચરબી તથા પ્રોટીન હોય છે. તેથી દુષ્કાળના સમયમાં જે લોકો દૂધ પચાવી શકતા હતા તેમના જીવતા રહેવાની શક્યતા વધારે હતી અને તેઓ તેમના જનીનોને આગળ વધારી શક્યા હતા.
તેમણે કહ્યું કે આ રીતે જનીનો બહુ ઝડપથી ફેલાયા હતા.
અન્ય પર્યાવરણીય પરિબળોનો પ્રભાવ પણ માનવ ઉત્ક્રાંતિ પર પહેલાંથી પડતો રહ્યો છે.
હજારો વર્ષો પહેલાં આપણી પ્રજાતિઓ આફ્રિકાથી વિશ્વના વિવિધ ભાગોમાં ફેલાઈ ત્યારે તેમણે વિવિધ આબોહવાનો સામનો કરવો પડ્યો હતો અને તેમણે શારીરિક અનુકૂલન વિકસાવ્યું હતું.
દાખલા તરીકે, જ્યાં અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ ઓછો હતો ત્યાં રૂપાળી ત્વચાનો વિકાસ થયો, જેથી શરીર વિટામીન ડી વધુ સારી રીતે બનાવી શકે.

ઇમેજ સ્રોત, Sabrina Bracher via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હોજસનના મતાનુસાર, લોકો એકમેકથી અલગ થઈને જુદા-જુદા પ્રદેશોમાં સ્થાયી થયા ત્યારે સ્થાનિક વૈવિધ્યનો વિકાસ થયો હતો.
સ્થળાંતર અને વૈશ્વિકરણ જેવાં વિવિધ માધ્યમોથી હવે આપણે બધા ફરીથી ભેગા થઈ ગયા છીએ.
જૈવિક વૈવિધ્ય ઘટ્યું હોવા શક્યતા તરફ આ વૈશ્વિકરણ આંગળી ચીંધી શકે, પરંતુ વસ્તુઓ આટલી સરળ નથી.
હોજસન 'એસોર્ટેટિવ મેટિંગ' વિશે સંશોધન કરી રહ્યા છે. સજીવો પોતાના જેવા જ સાથીને પસંદ કરે તેને એસોર્ટેટિવ મેટિંગ કહેવામાં આવે છે.
હોજસનના કહેવા મુજબ, એસોર્ટેટિવ મેટિંગ કોઈ પણ કુદરતી પસંદગીને વેગ આપી શકે છે. તે પહેલાંથી જ થઈ રહ્યું છે અને તેનાથી વસ્તીમાં કેટલાક ખાસ ગુણોમાં વૃદ્ધિ થઈ શકે છે.
તમે જેટલા ઊંચા હો, તેટલી જ ઊંચાઈ તમારા જીવનસાથીની હોય તેવી શક્યતા વધારે છે, એવું સંશોધકોના ધ્યાનમાં આવ્યું છે.
સંશોધકોના જણાવ્યા મુજબ, બધામાં નહીં, પરંતુ કેટલાંક જૂથોમાં ઊંચાઈ, વજન અને ચહેરાની રચના જેવી ઘણી બાબતો એસોર્ટેટિવ હોવાનું જાણવા મળ્યું છે. આખરે તેની અસર જનીન આવર્તન પર થાય છે.
આ પૈકીનો કેટલોક હિસ્સો સામાજિક તથા સાંસ્કૃતિક પાસાં સાથે જોડાયેલો હોય છે.
જેમ કે, લોકો મોટાભાગે તેમનાં વંશીય જૂથોમાં જ લગ્ન કરતાં હોય છે. કેટલીક વસ્તીમાં આ પરિબળો બદલાઈ પણ રહ્યાં છે.
હોજસન જણાવે છે કે આવાં ઘણાં પરિબળો માનવ ઉત્ક્રાંતિને સતત પ્રભાવિત કરી રહ્યાં છે.
વૈજ્ઞાનિકો કેમ માને છે કે 'બધું જ માણસના હાથમાં છે'?

ઇમેજ સ્રોત, imaginima via Getty Images
કેટલાક વિકલ્પો એવા પણ છે, જેનો પ્રભાવ વિકાસ પર પડતો નથી.
ઉદાહરણ આપતાં પોબિનર જણાવે છે કે તમે જિમમાં જઈ, કસરત કરી અને સ્નાયુઓ સુદૃઢ બનાવ્યા હોય તેનો અર્થ એ નથી કે તમારાં સંતાનોને સારા સ્નાયુઓ માટેના જીન્સ વારસામાં મળશે.
ઑર્થોડોન્ટિક્સથી માંડીને કૉસ્મેટિક્સ પ્રોસિજર્સ સુધી, ઘણા શારીરિક ગુણો હવે એક જ જીવનકાળમાં બદલી શકાય છે અને આ ફેરફારો પર ઘણીવાર કુદરતી પસંદગીને બદલે સામાજિક પસંદનો પ્રભાવ હોય છે.
ઇન્ટરનૅશનલ સોસાયટી ઑફ ઍસ્થેટિક પ્લાસ્ટિક સર્જરીના જણાવ્યા અનુસાર, 2024માં વિશ્વમાં આશરે 40 મિલિયન સર્જિકલ અને નૉન-સર્જિકલ બ્યૂટી પ્રોસિજર્સ કરવામાં આવી હતી. 2020ની સરખામણીએ તે 40 ટકાનો વધારો દર્શાવે છે. આનો અર્થ એ થાય કે લોકો તેમના જન્મથી જેવા દેખાતા હતા તેનાથી અલગ દેખાવાની ઇચ્છા વધી છે.
ડૅન્માર્કની આરહસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઍસોસિયેટ પ્રોફેસર અને બાયૉઇન્ફોર્મેટિક્સ નિષ્ણાત થૉમસ મેલુંડ જણાવે છે કે તબીબી વિજ્ઞાન મારફત આપણા દેખાવમાં ફેરફાર કરવાની વધતી જતી ક્ષમતાનો અર્થ એ છે કે તમારે કેવા દેખાવવું જોઈએ એ તમારા જનીનો જ નક્કી કરે એવું હવે નથી રહ્યું.
ભવિષ્યમાં આપણે ફક્ત આપણો બાહ્ય દેખાવ જ નહીં બદલી શકીએ. વિજ્ઞાનીઓ ક્રિસ્પર (CRISPR) નામની એક ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને માનવ જનીનોને ઍડિટ કરી રહ્યા છે.
આ ટૅક્નૉલૉજીમાં એક હિસ્સો ટાર્ગેટ ડીએનએ શોધે છે અને બીજો હિસ્સો તેને બદલી નાખે છે.
આ ટૅક્નૉલૉજીમાં સતત સુધારો થઈ રહ્યો છે. રક્તની ચોક્કસ વિકૃતિઓ જેવા કેટલાક મર્યાદિત આનુવંશિક રોગોની સારવારમાં તેનો ઉપયોગ શરૂ પણ થઈ ગયો છે.
આ ટૅક્નૉલૉજી આગળ વધે અને વ્યાપકપણે ઉપલબ્ધ થાય તો એક દિવસ આનુવંશિક સ્તરે વધુ માનવીય લક્ષણોમાં ફેરફાર કરવાનું સૈદ્ધાંતિક રીતે શક્ય બની શકે.
ફેરફાર અનેક પેઢીઓમાં નહીં, પરંતુ એક જ પગલામાં થઈ શકે.
આનો અર્થ એ છે કે આપણને આપણાં સંતાનોમાં મનવાંચ્છિત ગુણો વિકસાવવાની ક્ષમતા મળી શકશે.
ઇચ્છા પ્રમાણે જન્મનાર બાળકના ડીએનએમાં ફેરફાર શક્ય છે?

ઇમેજ સ્રોત, GMint via Getty Images
શુક્રાણુ અને અંડાણુથી બનતા જર્મલાઇન કોષોમાં આ કરવામાં આવે તો જનીનમાં કરવામાં આવેલા ફેરફાર પછીની પેઢીને વારસામાં મળી શકે છે.
જોકે, આ કામ સલામત રીતે અને સંપૂર્ણ ગૅરંટી સાથે કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવાથી આપણે હજુ ઘણા દૂર છીએ.
માનવોમાં આવું કરવું યોગ્ય નથી અને તે સંપૂર્ણપણે અનૈતિક હશે, એ વાત હવે વ્યાપક રીતે સ્વીકાર કરવામાં આવે છે, એવું હોજસન કહે છે, પરંતુ ભવિષ્યમાં તે બદલાઈ શકે છે, એવી આગાહી પણ કરે છે.
તેમના કહેવા મુજબ, 5,000 વર્ષ પછી પરિસ્થિતિ પલટાઈ શકે છે. એટલે કે જીનોમ ઍડિટિંગને અનૈતિક નહીં, પરંતુ તે ન કરવું તેને જ અનૈતિક ગણવામાં આવે એવો સમય આવી શકે છે, કારણ કે એ રીતે આપણે વારસાગત રોગોને ખતમ કરવાની ક્ષમતા મેળવી શકીએ.
આ ટૅક્નૉલૉજી વ્યાપકપણે ઉપલબ્ધ થશે તો પોતાનાં સંતાનોના દેખાવ તથા અન્ય ગુણોની પસંદગી જીન ઍડિટિંગ મારફત કરાવવાનો વિકલ્પ ભાવિ માતા-પિતાને મળી શકે છે.
હોજસનના જણાવ્યા મુજબ, માનવ ઉત્ક્રાંતિનું ભવિષ્ય, વ્યાપક અર્થમાં ખરેખર માનવોના હાથમાં હશે, પરંતુ અત્યારે આપણે એ સ્થિતિથી ઘણા દૂર છીએ. આ ટૅક્નૉલૉજી વિશે હજુ ઘણુબધું સમજવાનું બાકી છે.
તેમને આશા છે કે તેમને તેમના જીવનકાળમાં આવું જોવા મળશે નહીં.
માનવની નવી પ્રજાતિઓઓ વિકસી શકશે ખરી?

ઇમેજ સ્રોત, Just_Super via Getty Images
મેલુન્ડ જણાવે છે કે આપણું પર્યાવરણ કેવી રીતે બદલાશે એ આપણે જાણતા નથી ત્યારે ભવિષ્યમાં માનવો કેવા દેખાશે તેની આગાહી કરવી અશક્ય છે.
ખૂબ જ દૂરના ભવિષ્યની વાત કરીએ તો આપણે એક નવી પ્રજાતિ બની જઈએ તે શક્ય છે.
લગભગ 10 લાખ વર્ષ પહેલાં હોમો ઇરેક્ટસ જેવી માનવ પ્રજાતિઓ પૃથ્વી પર અસ્તિત્વમાં હતી. આપણી પોતાના પ્રજાતિ, હોમો સેપિયન્સ, લગભગ ત્રણ લાખ વર્ષ પહેલાં ઊભરી આવી હતી.
મેલુન્ડ કહે છે કે આપણે બીજાં 10 લાખ વર્ષ સુધી રાહ જોઈશું તો, હોમો ઇરેક્ટસ આપણાથી જેટલા અલગ હતા તેટલા જ અલગ આપણાં વશંજો આપણાંથી હશે.
છતાં તેઓ ચેતવણી આપે છે કે પ્રજાતિઓ વચ્ચેના તફાવતો, આપણે વિચારીએ છીએ તેટલા સ્પષ્ટ ન પણ હોય.
તેમના કહેવા મુજબ, આપણે કોઈ હોમો ઇરેક્ટસને જોઈને એ જાણી શકીએ કે તેઓ આપણાથી બહુ અલગ છે, તેની તેમને ખાતરી નથી.
આપણી પ્રજાતિ બે ભાગમાં વિભાજિત થઈ જાય તે પણ શક્ય છે.
દાખલા તરીકે, આપણા પૈકીના કેટલાક લોકો અંતરિક્ષ જેવા નવા વાતાવરણમાં વસવાટ કરતા થાય તે શક્ય છે.
મેલુન્ડ કહે છે કે તમે ચંદ્ર પર રહેતા હો તો ત્યાં ગુરુત્વાકર્ષણ ઓછું હશે અને મંગળ પર તો તેનાથી પણ ઓછું હશે. તેથી એ વાતાવરણ મુજબ અનુકૂલન સાધવું પડશે.
વાસ્તવમાં એક નવી પ્રજાતિના વિકાસ માટે આ વસ્તીઓએ અનેક પેઢીઓ સુધી પૃથ્વી પરના લોકોથી સંપૂર્ણપણે અલગ રહેવું પડશે.
સવાલ એ છે કે આપણે ઉત્ક્રાંતિને સંપૂર્ણપણે ભાગ્યને ભરોસે ન છોડીએ તો શું થાય?
જીન ટૅક્નૉલૉજી દ્વારા આપણા જનીનોમાં ફેરફાર કરવાની શક્યતા સાથે મેલુન્ડ માને છે કે સવાલ એ નથી કે જીવવિજ્ઞાન આપણા માટે શું કરશે? મુદ્દો એ છે કે આપણે શું પસંદ કરીશું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























