'સતલુજ' ફિલ્મ વિવાદે ઓટીટી પર 'અઘોષિત સેન્સરશિપ' સહિત કયા સવાલો ઊભા કર્યા?

દિલજીત દોસાંઝની ફિલ્મ સતલુજને રિલીઝ થયાના 48 કલાક બાદ જ ઓટીટી પરથી હઠાવી દેવાઈ હતી. બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, DILJIT DOSANJH/INSTAGRAM

ઇમેજ કૅપ્શન, દિલજિત દોસાંઝની ફિલ્મ સતલુજને રિલીઝ થયાના 48 કલાક બાદ જ ઓટીટી પરથી હઠાવી દેવાઈ હતી.
    • લેેખક, યાસિર ઉસ્માન
    • પદ, ફિલ્મ ઇતિહાસકાર, બીબીસી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

દિલજિત દોસાંઝની ફિલ્મ 'સતલુજ'ને લઈને ચાલી રહેલા વિવાદ અને રાજકીય ચડસા-ચડસી અટકવાનું નામ નથી લઈ રહી.

ભારે હોબાળો મચ્યો હોવા છતાં, સૌથી નવાઈ ઉપજાવનારી વાત એ છે કે, 'સતલુજ'ને ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ થયાના માત્ર બે જ દિવસ પછી અચાનક જ હટાવી લેવા મામલે આજદિન સુધી ભારત સરકાર દ્વારા કોઈ સત્તાવાર આદેશ કે જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

પરંતુ, નવમી જુલાઈના રોજ ફૉર્બ્ઝ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દિગ્દર્શક હની ત્રેહાને જાહેરમાં પ્રથમ વખત એ જણાવ્યું હતું કે, ઝી-5એ ફિલ્મ હટાવવા અંગે તેમને શું કારણ આપ્યું હતું.

દિગ્દર્શક હની ત્રેહાનને પાંચમી જુલાઈના રોજ રાતે આઠેક વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમને તરત ગંધ આવી ગઈ કે, કશુંક ખોટું થયું છે. તેમની ફિલ્મ 'સતલુજ' હજુ માંડ 48 કલાક પહેલાં જ ઝી-5 પર રિલીઝ થઈ હતી.

ત્રેહાન કહે છે કે, તેમને જણાવવામાં આવ્યું કે, આ ફિલ્મને રાતે નવ વાગ્યે પ્લૅટફૉર્મ પરથી દૂર કરવામાં આવશે.

તેમના જણાવ્યા મુજબ, "ઝી-5એ મને કહ્યું કે, તેમણે સરકારના દબાણને લીધે ફિલ્મ હટાવવી પડી હતી."

જોકે, ઝી-5 એ તેના સત્તાવાર નિવેદનમાં માત્ર એટલું જ કહ્યું હતું કે, 'વર્તમાન સંજોગો'ને ધ્યાનમાં રાખીને ફિલ્મ હટાવવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં આ મામલે સરકાર તરફથી એકમાત્ર નિવેદન માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક અધિકારી તરફથી આવ્યું છે, જેમણે સમાચાર સંસ્થા એએનઆઇને એવું જણાવ્યું હતું કે, આ ફિલ્મની રિલીઝ ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા ઍથિક્સ કોડ) રૂલ્સ, 2021ની જોગવાઈઓનો 'ભંગ' કરે છે.

જોકે, મંત્રાલયે આ નિયમોની કઈ ચોક્કસ જોગવાઈનો ભંગ થયો, તેનો ખુલાસો નહોતો કર્યો.

સતલુજ ફિલ્મ વિવાદ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બેચેની

જસવંતસિંહ ખાલડા અને ફિલ્મના મુખ્ય અભિનેતા દિલજિત દોસાંઝ

ઇમેજ સ્રોત, KHALRA MISSION ORGANISATION/FB

ઇમેજ કૅપ્શન, ફિલ્મમાં જસવંતસિંહ ખાલડાનું પાત્ર અભિનેતા દિલજિત દોસાંઝે ભજવ્યું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી સાથે વાત કરતાં વરિષ્ઠ ફિલ્મ પત્રકાર અને વિવેચક શુભ્રા ગુપ્તાએ કહ્યું હતું, "જ્યારે ફિલ્મ સેન્સર બોર્ડમાં અટવાઈ પડી હતી અને 127 કટ્સ સૂચવવામાં આવ્યા હતા, ત્યારે નિર્માતાઓ હાઇકોર્ટમાં પણ ગયા હતા અને તેમને પોતાની તરફેણમાં ચુકાદો આવવાની આશા હતી."

"પણ તે પછી તેમને તે અપીલ પાછી ખેંચી લેવા માટે જણાવવામાં આવ્યું. નિર્માતાઓએ તેમ કર્યું. ત્રેહાન ઇચ્છતા હતા કે, આ મામલો સેન્સર બોર્ડ સાથે વાટાઘાટો થકી ઉકેલવામાં આવે અને ફિલ્મ રિલીઝ થાય, પણ એવું થયું નહીં."

"સેન્સર બોર્ડને ફિલ્મ સામે ઘણા વિચિત્ર વાંધા હતા, જેમકે, ભારતીય ધ્વજ ન દર્શાવવામાં આવે, 'પંજાબ પોલીસ' શબ્દ ન પ્રયોજવામાં આવે, ગુરબાનીનો અવાજ ન સંભળાવવામાં આવે, પંજાબના જિલ્લાઓનાં નામ ન જણાવવામાં આવે અને પંજાબ 95ને બદલે કોઈ કાલ્પનિક રાજ્યના નામનો ઉપયોગ કરવામાં આવે."

"ત્યાં સુધી કે, જસવંતસિંહ ખાલડાનું નામ પણ ન વાપરવાનું જણાવવામાં આવ્યું હતું. આ બધી માગણીઓ સ્વીકારવાનો નિર્માતાઓએ ઇન્કાર કરી દીધો."

જે રીતે પહેલાં ફિલ્મ સેન્સર બોર્ડમાં અટવાઈ ગઈ અને તે પછી કશું પણ કહ્યા વિના તેને ઓટીટી પરથી હટાવી દેવામાં આવી, તેનાથી ફિલ્મ ઉદ્યોગમાં પણ શંકા-કુશંકાઓ ઉદ્ભવી રહી છે.

અમે મુંબઈમાં ઘણા ફિલ્મસર્જકો, ફિલ્મ ટ્રેડ નિષ્ણાતો તથા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરી હતી.

ઘણા લોકોએ વિવાદમાં ઢસડાઈ જવાના ભયથી મુલાકાત આપવાનું ટાળ્યું હતું. મોટાભાગના લોકોનું માનવું છે કે, આ કેસ દેશના એવા કોઈપણ ફિલ્મસર્જક કે દિગ્દર્શક માટે લાલબત્તી સમાન છે, જેઓ કોઈપણ ઐતિહાસિક કે રાજકીય ઘટના પરની વાર્તા કહેવા માગતા હોય.

એક ફિલ્મ નિર્માતાએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું, "ઓટીટી પર કોઈ સ્પષ્ટ નિયમો નથી. તો સવાલ એ છે કે, અમારે એ ખાતરી કેવી રીતે કરવી કે, જે અમે બતાવીએ છીએ, તે વિવાદાસ્પદ નહીં બને? નિર્માતાઓ માટે આ બાબત ઘણી ચિંતા ઉપજાવનારી છે."

વધુમાં તેમણે જણાવ્યું હતું, "ફિલ્મસર્જકોને પાઠવવામાં આવેલો સંદેશ એકદમ બુલંદ અને સ્પષ્ટ છે કે, તેમણે એવી કોઈ ફિલ્મ ન બનાવવી જોઈએ કે, જેની સામે સરકારને કોઈ વાંધો હોય અથવા તો જે તેમને પસંદ ન હોય."

શું કોઈ સ્પષ્ટ કાનૂની આદેશ વિના જ ફિલ્મનું ઓટીટી પ્લૅટફૉર્મ પરથી અદૃશ્ય થઈ જવું ભારતીય સિનેમામાં 'અઘોષિત સેન્સરશિપ'ના એક નવા યુગના મંડાણ તરફ ઇશારો નથી કરતું?

શુભ્રા ગુપ્તા કહે છે, "બિલકુલ. પણ આ કોઈ નવો સવાલ નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા ફિલ્મનિર્માતાઓએ મને જણાવ્યું છે કે, હાલની સરકારની વિચારધારા સાથે સુસંગત ન હોય, તેવી ફિલ્મો વર્ષોથી આવાં નિયંત્રણોનો સામનો કરી રહી છે."

"ઔપચારિક પ્રતિબંધ લાગુ કર્યા વિના એવી ખાતરી કરવામાં આવી રહી છે કે, 'સતલુજ' લોકો સુધી ન પહોંચે. તેનાથી અન્ય ફિલ્મસર્જકોને એવો સંદેશો પણ પહોંચી રહ્યો છે કે, વર્તમાન શાસનને સ્વીકાર્ય હોય, તેવાં વર્ણનોથી ફંટાતી ફિલ્મોની રિલીઝ અટકી શકે છે."

ઓટીટી પર 'અઘોષિત સેન્સરશિપ'નો ઇતિહાસ

2021માં એમેઝોન પ્રાઇમ વીડિયોની પોલિટિકલ ડ્રામા સિરીઝ તાંડવ પર પણ વિવાદ થયો હતો, જે આ પ્રકારની સેન્સરશિપનો કદાચ પહેલો મામલો હતો (પ્રતીકાત્મક તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2021માં એમેઝોન પ્રાઇમ વીડિયોની પોલિટિકલ ડ્રામા સિરીઝ 'તાંડવ' પર પણ વિવાદ થયો હતો, જે આ પ્રકારની સેન્સરશિપનો કદાચ પહેલો મામલો હતો (પ્રતીકાત્મક તસવીર)

જોકે, કોઈ મોટી ફિલ્મ કે વેબ સિરીઝે વિવાદનો સામનો કરવો પડ્યો હોવાનો ભારતમાં આ પહેલો બનાવ નથી.

આ પહેલાં પણ ઓટીટી પ્લૅટફૉર્મ્સે ઘણી વખત કાનૂની દબાણ, રાજકીય વિરોધ અને લાગમી દુભાઈ હોવાની ફરિયાદોને વશ થઈને કન્ટેન્ટ હટાવવાનો કે બદલવાનો નિર્ણય લેવો પડ્યો છે.

2021માં એમેઝોન પ્રાઇમ વીડિયોની (સૈફ અલી ખાન અને ઝીશાન ઐયૂબને ચમકાવતી) રાજકીય ડ્રામા સિરીઝ 'તાંડવ' અંગે થયેલો વિવાદ કદાચ આવી સેન્સરશિપનો પ્રથમ બનાવ હતો.

'તાંડવ' રિલીઝ થઈ, તે સાથે જ દેશનાં ઘણાં રાજ્યોમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં.

આ દેખાવો એક દૃશ્યમાં હિંદુ દેવી-દેવતાઓના કથિત અપમાન અને જ્ઞાતિવાદી ટિપ્પણીઓ કરવા બદલ થયા હતા. એક તબક્કે વિવાદ એટલો વકર્યો હતો કે, વિવિધ રાજ્યોમાં નિર્માતાઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

પ્રાઇમ વીડિયો ઇન્ડિયાના ટોચના અધિકારીઓએ પોલીસની પૂછપરછનો સામનો કરવો પડ્યો હતો અને અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા તેમની આગોતરા જામીનની અરજી પણ ફગાવી દેવાઈ હતી.

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા વાંધો ઉઠાવાયા બાદ દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર અને સમગ્ર ટીમે "બિનશરતી માફી" માગી હતી. ભારતના ઓટીટી ઈતિહાસમાં બનેલો આ પ્રથમ આવો બનાવ હતો.

સરકારે સિરીઝ ઉપર સીધો જ પ્રતિબંધ ન મૂક્યો હોવા છતાં ચારેકોરથી થઈ રહેલા દબાણને લીધે પ્રાઇમ વીડિયોને તેની પોતાની સિરીઝમાંથી વિવાદાસ્પદ દૃશ્યો દૂર કરવાની ફરજ પડી હતી.

કોઈ ઔપચારિક સેન્સર બોર્ડ વિના પણ ઓટીટી પર 'અદૃશ્ય કાતર' ફરી શકતી હોવાનો આ પ્રથમ સંકેત હતો.

શુભ્રા ગુપ્તા જણાવે છે, "'સતલુજ'નો કેસ એક કદમ આગળ ગયો છે, કારણ કે, 'તાંડવ' કરતાં અલગ, આ વખતે ફિલ્મ વિશે સીધું કે જાહેરમાં કશું કહેવામાં આવ્યું નથી, પણ કોઈપણ કારણ આપ્યા વિના જ ફિલ્મને હટાવી દેવામાં આવી છે."

તામિલ ફિલ્મ 'અન્નપૂર્ણી'ના વિવાદ બાદ નેટફ્લિક્સે કોઈ સત્તાવાર સરકારી પ્રતિબંધ વિના આખી ફિલ્મ જ તેના પ્લૅટફૉર્મ પરથી હટાવી દીધી હતી.

ઇમેજ સ્રોત, Zee Studios

ઇમેજ કૅપ્શન, તામિલ ફિલ્મ 'અન્નપૂર્ણી'ના વિવાદ બાદ નેટફ્લિક્સે કોઈ સત્તાવાર સરકારી પ્રતિબંધ વિના આખી ફિલ્મ જ તેના પ્લૅટફૉર્મ પરથી હટાવી દીધી હતી.

બીજો મોટો મુદ્દો તામિલ ફિલ્મ 'અન્નપૂર્ણી'નો છે, જે 'સતલુજ' વિવાદની ઘણી નજીક છે.

અભિનેત્રી નયતારાની ફિલ્મ 'અન્નપૂર્ણીઃ ધ ગોડેસ ઑફ ફૂડ'માં એક એવી છોકરીની વાર્તા છે, જે એક રૂઢિચુસ્ત હિંદુ બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે અને શૅફ બનવા માગે છે.

સેન્સર બોર્ડમાંથી કોઈપણ પ્રકારના વાંધા વિના પસાર થઈ ગયા પછી 2023માં આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ હતી... પણ 2024માં જ્યારે ફિલ્મ નેટફ્લિક્સ પર આવી, ત્યારે જમણેરી સંગઠનોએ તેનાં કેટલાંક દૃશ્યો 'ધાર્મિક લાગણીઓ દુભાવતાં' હોવાનો તથા 'લવ જિહાદ'ને ઉત્તેજન આપતાં હોવાનો આરોપ લગાવ્યો હતો.

એફઆઇઆર દાખલ થયા પછી તરત જ નેટફ્લિક્સે કોઈ સત્તાવાર સરકારી પ્રતિબંધ વિના આખી ફિલ્મ જ તેના પ્લૅટફૉર્મ પરથી હટાવી દીધી હતી.

તેની સાથે સહ-નિર્માતા ઝી સ્ટુડિયોઝે પણ લેખિત માફી માગી હતી.

નયનતારાએ પણ માફી માગતી એક લાંબી પોસ્ટ શૅર કરી હતી, જેની શરૂઆતમાં તેણે 'જય શ્રીરામ' લખ્યું હતું.

આ સિવાય, 'આઇસી814: ધ કંદહાર હાઇજૅક', 'ધ સૂટેબલ બૉય' જેવી ઘણી સિરીઝ તેમજ ઓટીટી ફિલ્મો વિવાદોથી ઘેરાઈ ચૂકી છે.

મનોજ બાજપાઈની 'ઘૂસખોર પંડિત' મામલે હોબાળો થતાં નિર્માતાઓએ માફી માગી લઈને ફિલ્મનું નામ બદલી નાખ્યું હતું.

એટલું જ નહીં, ઑસ્કર માટેની બ્રિટનની સત્તાવાર એન્ટ્રી એવી હિંદી ફિલ્મ 'સંતોષ' (2024)ને ભારતમાં ઓટીટી પર રિલીઝ થતી અટકાવી દેવાઈ હતી.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)એ ફિલ્મમાં પોલીસની નિર્દયતા, જ્ઞાતિવાદ અને કોમી તણાવોના કથિત ચિત્રણ સામે વાંધો ઉઠાવ્યો હતો.

દિગ્દર્શક સંધ્યા સૂરીએ કહ્યું હતું કે, સીબીએફસીએ સૂચવેલા કટ્સ ફિલ્મના મૂળ હાર્દની વિરુદ્ધ હતા અને તેમને સ્વીકાર્ય નહોતા. તેના કારણે ભારતીય થિયેટરોમાં ફિલ્મની રિલીઝ રદ થઈ ગઈ હતી.

ધારો કે એવું માનવી લેવામાં આવે કે, 'સતલુજ'ના કિસ્સામાં સેન્સર બોર્ડને માત્ર વાસ્તવિક નામો અને પાત્રો સામે જ વાંધો હતો, તો પછી 'તાંડવ', 'ધ સૂટેબલ બૉય' અને 'સંતોષ' જેવી ફિલ્મો કાલ્પનિક કથાવસ્તુ ધરાવતી હોવા છતાં અને પાત્રો તેમજ કથાવસ્તુ સાચાં ન હોવા છતાં તેમણે શા માટે વિવાદોનો અને 'અઘોષિત સેન્સરશિપ'નો સામનો કરવો પડ્યો?

ભારતમાં ફિલ્મો મુખ્યત્વે જાહેર સિનેમાઘરોમાં દર્શાવવામાં આવે છે અને સિનેમેટોગ્રાફ ઍક્ટ હેઠળ સેન્સર બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) દ્વારા તેમનું રિલીઝ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવતું હોય છે.

પણ ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ માટે સેન્સર બોર્ડના સર્ટિફિકેટની જરૂર નથી હોતી.

તે ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી (આઇટી) રૂલ્સ, 2021 હેઠળ આવે છે, જેમાં વય આધારિત વર્ગીકરણ, સ્વ-નિયમન અને આચાર સંહિતા જેવા નિયમો લાગુ પડે છે.

એક લોકપ્રિય ઓટીટી ક્રાઇમ સિરીઝના લેખકે જણાવ્યું હતું, "આ છટકબારીથી નિર્માતાઓને ઘણો ફાયદો થયો છે. જો સેન્સરશિપ ન હોય, તો અપશબ્દો અને બિન્ધાસ્ત દૃશ્યો બેફામ બતાવી શકાય છે. પણ તેનું નુકસાન પણ ભોગવવું પડશે."

અને તે નુકસાન ઘણું મોટું છે. એક ફિલ્મસર્જકે નામ ન જણાવવાની શરતે કહ્યું હતું, "સિનેમા સેન્સરશિપ એક નક્કી થયેલી પ્રક્રિયા છે. તેના નિયમો છે, અપીલ કરવાના રસ્તા છે અને છેવટે, અદાલતમાં જવાનો વિકલ્પ છે. પણ ઓટીટી પ્લૅટફૉર્મ પર પરિસ્થિતિ જુદી હોય છે."

"અહીં 'સ્વ-નિયમન'ના નામે શું ચાલી રહ્યું છે, તે કોઈ સ્પષ્ટપણે જાણતું નથી. આ 'સ્વ-નિયમન' સાવ અંધકારમાં ચાલે છે. કોઈપણ ફિલ્મને સ્પષ્ટ કારણ આપ્યા વિના દબાવી શકાય છે અને આપણે કોર્ટમાં કોને પડકારી શકીએ? કોઈ સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી. તે ભયાનક પરિસ્થિતિ છે."

સિનેમા માત્ર વિચાર નહીં, કારોબાર પણ છે

એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે સરકારે ફિલ્મ હટાવી દીધી હોવા છતાં પંજાબનાં ઘણાં ગામોમાં ફિલ્મ મોટા પડદે દર્શાવાઈ રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે સરકારે ફિલ્મ હટાવી દીધી હોવા છતાં પંજાબનાં ઘણાં ગામોમાં ફિલ્મ મોટા પડદે દર્શાવાઈ રહી છે

એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, સરકારે ફિલ્મ હટાવી દીધી હોવા છતાં વધુને વધુ લોકો હવે પાઇરેટેડ લિંક થકી તે જોઈ રહ્યા છે અને તેને ડાઉનલોડ કર્યા પછી પંજાબમાં સતલુજનાં ઘણાં ગામોમાં મોટા પડદે તે દર્શાવવામાં આવી રહી છે.

આ બાબત તેના વિષયની તાકાતની નિશાની છે, પણ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, સિનેમા કેવળ એક વિચાર નથી, બલ્કે તે વ્યવસાય પણ છે.

નાણાંકીય દૃષ્ટિએ આ ફિલ્મ ખોટનો સોદો નીવડી છે અને તે એવો સંદેશ પણ આપે છે કે, સંવેદનશીલ વિષયો પર જોખમ ઉઠાવવાની આકરી કિંમત ચૂકવવી પડી શકે છે.

વૈશ્વિક ઓટીટી કંપનીઓ માટે આ પ્રકારના વિવાદો માત્ર અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો જ નહીં, બલ્કે વ્યવસાયનો પ્રશ્ન પણ છે.

ભારત જેવા વિશાળ બજારમાં કંપનીઓ મોટાભાગે કાનૂની વિખવાદો અને સરકારી સંઘર્ષોથી દૂર રહેવા માટે સલામત માર્ગ પસંદ કરતી હોય છે.

જો ફિલ્મને લઈને કોઈ વિવાદ થવાની શક્યતા હોય, તો તેને પ્લૅટફૉર્મ પરથી હટાવી દેવી કે રિલીઝ ન કરવી એ તેમના માટે સરળ વિકલ્પ બની જાય છે.

તેની સૌથી મોટી અસર તે ફિલ્મ બનાવવાનું જોખમ ઉઠાવનારા ફિલ્મનિર્માતા પર પડે છે અને તેણે તે ફિલ્મ દર્શકો સુધી પહોંચાડવાની લડાઈ પણ લડવી પડે છે.

ફિલ્મ દિગ્દર્શક વિકાસ રંજન મિશ્રાની હુમા કુરૈશી અભિનિત થ્રિલર ફિલ્મ 'બયાન' ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રશંસા મેળવ્યા પછી આ વર્ષે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

બીબીસી સાથે વાત કરતાં વિકાસ રંજન મિશ્રાએ કહ્યું હતું, "અમે સૌ ફિલ્મનિર્માતાઓ 'સતલુજ' સાથે જે થઈ રહ્યું છે, તે ઝીણવટપૂર્વક જોઈ રહ્યા છીએ. અમે એ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે, ફિલ્મ બનાવનારો સમુદાય, ખાસ કરીને સ્વતંત્ર ફિલ્મસર્જકો કેવી રીતે આ નવી વ્યવસ્થાનો સામનો કરશે?"

"મને લાગે છે કે, આ એક એવી તક છે, જેમાં નિર્માતાઓ અને દિગ્દર્શકોએ સાથે મળીને સરકાર સાથે વાત કરવી જોઈએ અને તેમને અપીલ કરવી જોઈએ કે, ફિલ્મને શા માટે અટકાવવામાં આવી, તેનું કારણ તેઓ જણાવે."

"જો આપણી ફરતે આ પ્રકારનું વર્તુળ (મર્યાદા) બનાવવામાં આવી રહ્યું હોય, તો પછી આપણને ખબર હોવી જોઈએ કે, આપણે કઈ મર્યાદાની અંદર રહીને આપણી વાર્તાઓ કહેવાની છે."

બોલિવૂડ ફિલ્મો અને ટેલિવિઝન સાથે સંકળાયેલી લગભગ તમામ પ્રતિષ્ઠિત કંપનીઓમાં એ મામલે એકમત પ્રવર્તે છે કે, વિવાદાસ્પદ ગણાતા મુદ્દાઓ, ખાસ કરીને રાજકારણ અને ધર્મ જેવા સંવેદનશીલ મુદ્દાઓને સ્પર્શવા નહીં.

એક સ્ક્રીનરાઇટર જણાવે છે, "હવે, એક વાર્તા લખતાં પહેલાં પાત્રોનાં નામ, તેમની જ્ઞાતિ અને તેમના પહેરવેશ સુદ્ધાંની ચર્ચા કરવા માટે દસ મિટિંગો યોજાય છે. દરેક ક્ષણે એ જ ભય સતાવતો હોય છે કે, ક્યાંક કોઈની લાગણી દુભાઈ ન જાય."

ફિલ્મનિર્માતાઓ કહે છે કે, અવિરત વિવાદોએ વાર્તા કહેવાની સ્વતંત્રતાને પ્રભાવિત કરી દીધી છે અને સંભવતઃ નવી વાર્તાઓ, વૈવિધ્યસભર દૃષ્ટિકોણો અને મુશ્કેલ સવાલો પૂછવાના સામર્થ્યને મર્યાદિત કરી દીધાં છે.

'સતલુજ' વિવાદે ફરી એક વખત એ સવાલને સપાટી પર લાવી દીધો છેઃ શું કોઈ વાર્તાને અટકાવી દેવાથી ભૂતકાળ બદલાઈ જાય છે કે પછી શું તે માત્ર વાર્તા કહેવાનું દ્વાર બંધ કરી દે છે? કારણ કે, સિનેમા એ કેવળ મનોરંજન નથી, તે સમાજની સહિયારી સ્મૃતિનો એક ભાગ પણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન