"હું દિવસના 14 કલાક ફોન વાપરવાની લત માટે થૅરપી લઈ રહ્યો છું", 'મોબાઇલનું વ્યસન' દૂર કરવા ગયેલા માણસને કેવો અનુભવ થયો?

- લેેખક, રૂથ ક્લેગ
- પદ, હેલ્થ અને વેલબિઇંગ રિપોર્ટર
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 9 મિનિટ
મારિયોસનો ફોન અચાનક રણક્યો, સ્ક્રીન ઝબકી ઊઠી. આ સ્ટોરી અંગે પ્રાથમિક વાતચીત કરવા માટે મેં તેમને વૉટ્સઍપ પર સંદેશ મોકલ્યો હતો.
તેમને તરત જ જવાબ આપવાની ઇચ્છા થાય છે. બાદમાં તેમણે મને કહ્યું કે ઉત્તર આપવાની ઇચ્છા એટલી તીવ્ર હોય છે કે તેને રોકવી ખૂબ મુશ્કેલ લાગે છે.
જોકે તેઓ હાલમાં ફોનના વ્યસન માટેના થેરાપી સત્રમાં હતા. તેથી તરત જવાબ આપી શકતા નહોતા.
તેઓ પોતાની ઇચ્છા પર કાબૂ રાખે છે. પરંતુ સત્ર પૂરું થતાંની સાથે જ ફરી ફોન હાથમાં લઈ લે છે. લગભગ એકાદ કલાક પછી અમારી વિડિયો કૉલ પર વાત થઈ.
"મને માફ કરજો," મેં કહ્યું, "મારો હેતુ તમારા થેરાપી સત્રમાં વિક્ષેપ પાડવાનો નહોતો."
મારિયોસે ઊંડો શ્વાસ લઈને કહ્યું, "ચિંતા ન કરો. ઘણાં વર્ષોથી મારી સાથે આવું થઈ રહ્યું છે. ફોન હાથમાં લેવાની આ અનિયંત્રિત તલપથી હું પરેશાન છું."
તે તમારા પોતાના ડ્રગ ડીલરને સાથે લઈને ફરવા જેવું છે.
"મારો નશો હંમેશાં મારા ખિસ્સામાં જ હોય છે, એ ઝબકતો હોય છે, બીપ વગાડતો રહે છે અને મને ડોઝ લેવાનું યાદ અપાવતો રહે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું મને ખરેખર ફોનની લત છે?

ઇમેજ સ્રોત, BBC/Marios
ખરાબ દિવસ હોય ત્યારે ઉત્તર લંડનમાં રહેતા પર્સનલ ટ્રેનર મારિયોસ દિવસના 14 કલાકથી પણ વધુ સમય ફોનની સ્ક્રીન સામે જોઈને પસાર કરે છે.
તેમના કહ્યા મુજબ, તેમની સૌથી મોટી મુશ્કેલી ઇન્સ્ટાગ્રામ છે. હવે તેઓ આ અનિયંત્રિત ટેવ પર કાબૂ મેળવવા માટે ખાનગી થેરાપીનાં 12 સત્રોનો કોર્સ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ લત પાછળનું મુખ્ય કારણ એકલતા છે.
મારા સ્ક્રીન ટાઇમના આંકડાઓ પર એક નજર કરું છું તો ખબર પડે છે કે ગઈકાલે મેં 116 વખત ફોન તપાસ્યો હતો. એટલું જ નહીં, ત્રણ કલાકથી વધુ સમય તો હું ફોનની સ્ક્રીન સામે જ જોઈ રહ્યો હતો.
શું મારિયોસને તેનું વ્યસન થઈ ગયું છે? શું મને તેની લત લાગી ગઈ છે?
તે જાણવું મુશ્કેલ છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફોનનું વ્યસન હજુ સુધી સત્તાવાર માન્યતા ધરાવતી તબીબી સ્થિતિ નથી.
પરંતુ ડેલોઇટ દ્વારા 1,000 પુખ્ત વયના લોકો પર તાજેતરમાં કરાયેલાં સર્વેક્ષણમાં 70 ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે તેઓ ફોન પર જરૂર કરતાં વધુ સમય વિતાવે છે.
સ્માર્ટફોન આપણા મગજની કાર્યપદ્ધતિ અને રસાયણિક પ્રક્રિયાઓમાં ફેરફાર લાવી રહ્યા હોવાની ચેતવણી સંશોધકો આપી રહ્યા છે.
વ્યસનના નિષ્ણાતોનું પણ કહેવું છે કે તેઓ એવા વધુને વધુ લોકોને સારવાર આપી રહ્યા છે, જેઓ પોતાના ફોન પર સંપૂર્ણપણે નિર્ભર બની ગયા હોય.
દર વર્ષે આશરે 3,500 લોકોને વ્યસનમુક્તિ માટે મદદ કરતી યુકે ઍડિક્શન ટ્રીટમેન્ટ સેન્ટર્સ (UKAT)ના જણાવ્યા મુજબ, ગયા વર્ષે નશાના વ્યસનની સારવાર લેતા દર ત્રણમાંથી એક વ્યક્તિને ફોનનું વ્યસન પણ હતું. જ્યારે 2019માં આ પ્રમાણ માત્ર દર 10માંથી એક વ્યક્તિ જેટલું હતું.
UKATના જણાવ્યા મુજબ, કેટલાક લોકો તો પોતાના મૂળ વ્યસનની સારવાર પણ અધવચ્ચે છોડી દે છે, કારણ કે ક્લિનિકમાં દાખલ થતી વખતે તેઓ પોતાનો ફોન જમા કરાવવા તૈયાર થતા નથી.
પરંતુ કોઈ વ્યક્તિ ક્યારે હદથી વધારે મેસેજ કરવાની ટેવથી પણ આગળ વધીને વ્યાવસાયિક સારવારની જરૂર પડે એટલી હદે ગંભીર સ્થિતિમાં પહોંચી જાય?
જ્યારે વૃક્ષોથી ઘેરાયેલા રસ્તે થઈને હું રેઇનફોર્ડ હોલ પહોંચ્યો ત્યારે જેકોબિયન યુગની ભવ્ય, મોટી અને રંગીન કાચની બારીઓએ મારું સ્વાગત કર્યું, જેમાંથી સુંદર સુસજ્જિત હરિયાળા બગીચા દેખાતા હતા.
ડિજિટલ વ્યસનની સારવાર માટે આ સ્થળ પ્રથમ નજરે તો બિલકુલ અનોખું અને અણધાર્યું લાગે છે.
'કોઈને પણ લાગી શકે છે મોબાઇલનું વ્યસન'

મર્સીસાઇડના સેન્ટ હેલેન્સમાં આવેલા આ સ્ટેપ્સ ટુગેધર પુનર્વસન કેન્દ્રમાં ડ્રગ્સ, દારૂ અને જુગાર સહિતનાં અન્ય વ્યસનોથી પીડાતા લોકોની પણ સારવાર થાય છે.
જોકે અહીંના થેરાપિસ્ટો કહે છે કે પોતાના ફોનથી એક ક્ષણ પણ દૂર રહી શકતા ન હોય એવા લોકોની સંખ્યા હવે ઝડપથી વધી રહી છે.
મુખ્ય થેરાપિસ્ટ કેલી વૉટસન કહે છે, "આ સમસ્યા કોઈપણ વ્યક્તિને થઈ શકે છે, પછી ભલે તે કોઈપણ પૃષ્ઠભૂમિની હોય."
"આપણા બધા પાસે ફોન છે, બધાના મગજની કાર્યપ્રણાલી લગભગ એકસરખી છે, તેથી કોઈ પણ વ્યક્તિ ફોનના વ્યસનની શિકાર થઈ શકે છે."
તેઓ સમજાવે છે કે આપણા મગજનો એક ભાગ 'પુરસ્કાર પ્રણાલી' પર કામ કરે છે.
જ્યારે આપણને કોઈ મૅસેજ મળે, સોશિયલ મીડિયા પર 'લાઇક' મળે અથવા કોઈ વેબસાઇટ પર નવી માહિતી વાંચવા મળે, ત્યારે મગજમાં ડોપામિન નામનું રસાયણ મુક્ત થાય છે. ડોપામિન આનંદની લાગણી અને પ્રેરણાને નિયંત્રિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
તેમણે જણાવ્યું કે, "ધીમે ધીમે કેટલાક લોકોમાં આ ડોપામિનની લાગણી મેળવવાની તલપ એટલી વધી જાય છે કે તેના પર કાબૂ રાખવો મુશ્કેલ બની જાય છે."
"પછી આ લત તેમના પર હાવી થઈ જાય છે અને કલાકો, ક્યારેક તો આખા દિવસો પણ ઑનલાઇન દુનિયામાં ક્યાં વીતી જાય છે તેની ખબર જ રહેતી નથી."
લેસ્ટરમાં આવેલા સ્ટેપ્સ ટુગેધરના બીજા એક કેન્દ્રમાં સારવાર લઈ રહેલા જેમ્સ આ અનુભવને ખૂબ સારી રીતે સમજે છે.
48 વર્ષીય જેમ્સે શરૂઆતમાં દારૂના વ્યસન માટે મદદ માંગી હતી પરંતુ ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ ગયું કે તેમની ડિજિટલ નિર્ભરતા પણ નિયંત્રણ બહાર છે.
નોકરી ગુમાવ્યા પછી તેમનો મોટાભાગનો દિવસ સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવામાં, સમાચાર વેબસાઇટો તપાસવામાં અને દુનિયાના જુદા જુદા ખૂણામાં શું ચાલી રહ્યું છે તેની સતત ચિંતા કરવામાં પસાર થવા લાગ્યો.
જો તેઓ સોશિયલ મીડિયા પર કંઈ પોસ્ટ કરતા, તો રાત્રે ઊંઘમાંથી જાગીને વારંવાર તપાસતા કે કેટલી 'લાઇક' અને કૉમેન્ટ્સ આવી. તેઓ કહે છે કે જાણે ડિજિટલ દુનિયાએ તેમને બાનમાં લઈ લીધા હોય એવી લાગણી થતી હતી.
ફોનનો ઉપયોગ કરવાનો આનંદ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો.
જેમ્સ યાદ કરતાં કહે છે, "મને તો ફોન હાથમાં લેવાનો પણ ડર લાગવા માંડ્યો હતો. એવું લાગતું હતું કે જાણે મારામાંથી કંઈક ખૂબ કિંમતી છીનવાઈ રહ્યું છે, છતાં હું પોતાને રોકી શકતો નહોતો."
'અહીં આવતા પહેલાં તો લોકો ફોનથી અલગ થવા નથી માગતા'

વૉટસન કહે છે કે જ્યારે લોકો પહેલી વાર રેઇનફોર્ડ હોલમાં આવે છે, ત્યારે તેઓ ચિંતિત, મૂંઝવણમાં હોય છે. તેઓ પોતાનો ફોન છોડવા તૈયાર થતા નથી.
"તેઓ કહે છે, 'પણ મારે કામ માટે ફોન જોઈએ. પરિવારના લોકોના સંપર્કમાં રહેવા માટે પણ ફોન જરૂરી છે.'
"તેમના અવાજમાં રહેલો ડર હું સાંભળી શકું છું. તેમના માટે ફોન જ તેમની સૌથી સુરક્ષિત જગ્યા બની ગયો છે."
અહીં ઘણા લોકો ઓછામાં ઓછા 28 દિવસ સુધી રહેણાક સારવાર કેન્દ્રમાં રહે છે.
આ દરમિયાન તેમને સમૂહમાં તેમજ વ્યક્તિગત રીતે થેરાપી આપવામાં આવે છે, જેથી તેમના વ્યસન પાછળનાં મૂળ કારણોને સમજીને ધીમે ધીમે ફોન પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે.
વૉટસન તેમની સાથે મળીને ધીમે ધીમે સ્ક્રીન ટાઇમ ઘટાડવાનો પ્રયાસ કરે છે.
સાથે જ, જ્યારે તેઓ ફોનથી દૂર રહે ત્યારે તેમના મનમાં કયા વિચારો અને કઈ લાગણીઓ જન્મે છે, તે સમજવામાં પણ મદદ કરે છે.
"મોટે ભાગે એ જ સમસ્યા હોય છે, જીવન ક્યારેક ક્યારેક ખૂબ જ ભારેખમ લાગવા લાગે છે. અને ફોન પર સ્ક્રોલ કરીને તેઓ વાસ્તવિક દુનિયાથી છેડો ફાડવાનો પ્રયત્ન કરે છે."
રેઇનફોર્ડ હોલની ભવ્યતાથી દૂર, વિશ્વભરના લોકો ડિજિટલ વ્યસનનો સામનો કરવામાં એકબીજાને ટેકો આપવા માટે ભેગા થઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
2017માં ટેકનૉલૉજી અને ઇન્ટરનેટના વધતા ઉપયોગથી ચિંતિત કેટલાક લોકો એકત્ર થયા અને ઇન્ટરનેટ ઍન્ડ ટેકનૉલૉજી ઍડિક્ટ્સ એનૉનિમસ (આઈટીએએ)ની સ્થાપના કરી. આ વૈશ્વિક સહયોગી સંસ્થા આલ્કોહૉલિક એનૉનિમસ (એએ)ના મૉડેલથી પ્રેરિત છે.
જેની આ સંસ્થાના સભ્યોમાંની એક છે.
ફોનના વ્યસનની ચરમસીમાએ પહોંચેલાં જેની ક્યારેક દિવસો સુધી ઊંઘી શકતાં નહોતાં.
તેમની નિર્ભરતા એટલી વધી ગઈ હતી કે તે બરાબર ખાવા-પીવાનું પણ ભૂલી જતાં હતાં.
પોતાનું સાચું નામ જાહેર કરવા ઇચ્છતાં ન હોવાથી બીબીસી માટે બદલાયેલા નામથી વાત કરતાં 30 વર્ષીય જેની કહે છે, "મારા જીવનનો મોટા ભાગનો સમય તેમાં જ જતો રહેતો હતો."
ફોનની સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે, તેનાથી તેમને કોઈ ફરક પડતો નહોતો. ફિલ્મ હોય, વેબ સિરીઝ હોય કે ટૂંકો વીડિયો... તેઓ કંઈક ને કંઈક સતત જોતી રહેતાં હતાં.
જેની યાદ કરતાં કહે છે, "મને એ વાતનો અહેસાસ જ નહોતો કે હું કેટલી હદ સુધી વ્યસની બની ગઈ હતી."
"પરંતુ જ્યારે ફોનથી દૂર રહેવાના કારણે મને તીવ્ર બેચેની થવા લાગી, ત્યારે મારા મિત્રો અને પરિવારજનોને મારાં બધાં ઉપકરણોને તાળાબંધ રાખવા વિનંતી કરવી પડી."
"પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે મને લાગતું હતું કે જો હું કંઈક નહીં જોઉં તો મરી જઈશ."
જો ક્યારેક તે ફરી વ્યસનની ઝપેટમાં આવી જાય તો પરિવારના સભ્યોનું લેપટૉપ કે સ્માર્ટફોન તેમની પરવાનગી વગર કે 'ઉધાર' લઈ લેતી.
ત્યારબાદ તેને ભારે અપરાધબોધ અને શરમ અનુભવાતાં. આ લાગણીઓથી બચવા માટે તે ફરી વધુને વધુ વીડિયો અને અન્ય સામગ્રી જોવાનું શરૂ કરી દેતી.
વર્ષો સુધી મદદની શોધ કર્યા પછી તેને આઈટીએએ વિશે જાણ થઈ. તેણે આ સંસ્થાના 12 પગલાંઓનું પાલન કર્યું. તે હવે સ્વસ્થ થઈ ગઈ છે અને પાંચ વર્ષથી તેણે કંઈપણ સ્ટ્રીમ કર્યું નથી કે જોયું નથી.
જેની કહે છે કે હવે તે સામાન્ય સુવિધાઓ ધરાવતો સાદો ફોન વાપરવામાં સંપૂર્ણપણે આરામદાયક અનુભવ કરે છે અને કામની જરૂરિયાત મુજબ જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. તે કહે છે, "હવે પરિસ્થિતિ મારા નિયંત્રણમાં છે."
ITAAના અન્ય સભ્ય, ટૉમ કહે છે કે વ્યસનને કારણે તેઓ અંધારમાં ધકેલાઈ ગયા હતા. ફોન અને અન્ય સ્ક્રીનોના કારણે તેમના જીવનના આખેઆખા મહિનાઓ હાથમાંથી સરકી જતા હતા.
તેઓ જણાવે છે, "હું સતત 10 કલાક સુધી એક પછી એક ડિજિટલ પ્રવૃત્તિઓમાં ડૂબેલો રહેતો. સંગીત સાંભળતો, યુટ્યુબ પર કંઈક જોતો, સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતો અને વીડિયો ગેમ પણ રમતો. બધું જ એક જ સમયે કરતો."
"ત્યારબાદ બે કલાક ચાલવા જતો અને પાછો આવીને ફરી એ જ રીતે કલાકો સુધી સ્ક્રીન સામે બેસી જતો. આવું મહિનાઓ સુધી ચાલતું રહ્યું."
ટૉમનું વ્યસન એટલું ગંભીર બની ગયું હતું કે તેના કારણે તેઓ પોતાનો વ્યવસાય અને જીવનનો હેતુ બંને ગુમાવી બેઠા.
તેમણે કહ્યું, "મને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા."
"હવે ધીમે ધીમે મને ફરી જીવનમાં સાચો આનંદ મળવા લાગ્યો છે. હું નિયમિત રીતે પિકલબૉલ રમું છું, ખુલ્લી હવામાં સમય વિતાવું છું અને જિમમાં પણ જાઉં છું."
ફોનની સ્ક્રીન સામે જરૂર કરતાં વધુ સમય પસાર કરો છો એ કેવી રીતે નક્કી કરશો?

બ્રિટિશ ઍસોસિયેશન ઑફ કાઉન્સેલિંગ ઍન્ડ સાયકોથેરાપી (BACP) દ્વારા માન્યતા પ્રાપ્ત મનોચિકિત્સક હિલ્ડા બર્કે તાજેતરમાં તેમની પાસે આવતા ગ્રાહકોમાં ડિજિટલ વ્યસન ધરાવતા લોકોની સંખ્યા વધતી જોઈને તેમણે 'ફોન ઍડિક્શન વર્કબુક' નામની એક સપોર્ટ બુક લખી હતી.
જો તમને લાગે કે તમે ફોનની સ્ક્રીન સામે જરૂર કરતાં વધુ સમય પસાર કરો છો, તો તેઓ સૌથી પહેલાં તમારા પોતાના વર્તનનું વિશ્લેષણ કરવાની અને તેની પાછળનાં કારણો વિશે વિચારવાની સલાહ આપે છે.
તેઓ કહે છે, "તમારી જાતને આવા સવાલો પૂછો: 'એ દિવસે એવું શું બન્યું હતું? શું હું કોઈના જવાબની રાહ જોઈ રહ્યો હતો?'"
બર્ક જણાવે છે કે ઘણી વખત કોઈના સંદેશાના જવાબની રાહ જોતી વખતે આપણામાં અસ્વસ્થતાની લાગણી જન્મે છે. પછી એ અસ્વસ્થતાથી બચવા માટે આપણે ફોનમાં જ વધુ સમય વિતાવવા લાગી જઈએ છીએ.
તેઓ સલાહ આપે છે, "ફોનમાં વ્યસ્ત થઈ જવાને બદલે મનને બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડવાનો પ્રયાસ કરો. કોઈ મિત્રને ફોન કરો, દોડવા જાઓ અથવા કોઈ પુસ્તક વાંચો."
"તેના માટે કોઈ અપરાધ કે શરમ અનુભવવાની જરૂર નથી. તેના બદલે આગલી વખતે તમે તેને કેવી રીતે મૅનેજ કરી શકશો તે વિશે વિચારો."
લોકો ફોનના વ્યસનના ચક્રમાંથી બહાર આવી શકે તે માટે હવે ઘણી સ્માર્ટફોન કંપનીઓએ પણ સ્ક્રીન ટાઇમ માપવાની અને કેટલીક એપ્સના ઉપયોગ પર મર્યાદા મૂકી શકાય તેવી સુવિધાઓ ઉમેરી છે.
ઉત્તર લંડનમાં રહેતા મારિયોસને આશા છે કે થેરાપીનો આ કોર્સ તેમને ફોન પરની નિર્ભરતામાંથી મુક્ત થવામાં મદદ કરશે. રસપ્રદ વાત એ છે કે તેઓ પોતાના ફોનમાં રહેલી વિવિધ ઍપ્સની મદદથી હવે સ્પેનિશ ભાષા પણ સારી રીતે શીખી રહ્યા છે.
"બધું ખરાબ નથી," તેઓ કહે છે.
આ શબ્દો બોલ્યાની થોડી જ વારમાં તે સહજ આવેગથી ફોન તરફ હાથ લંબાવે છે. જોકે ફોનને સ્પર્શતાં જ તેમને પોતાનો સંકલ્પ યાદ આવી જાય છે અને દૃઢ નિશ્ચય સાથે ફોનને પાછો બાજુએ મૂકી દે છે.
મારિયોસ કહે છે, "હું દરરોજ સવારે મારી જાતને એક સંકલ્પ કરાવું છું કે આજે ગઈકાલ કરતાં ફોનનો ઓછો ઉપયોગ કરીશ."
"અને ખરેખર તેનાથી ફરક પડી રહ્યો છે. દરેક દિવસ સાથે મને જીવનની નાની-નાની બાબતોમાં ફરી આનંદ મળવા લાગ્યો છે."
"મને પૂરો વિશ્વાસ છે કે આ વ્યસનમાંથી બહાર આવવું શક્ય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























