અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે જાપાનના પૂર્વ મંત્રીના આરોપ પર ભારતના વિદેશ મંત્રાલયે શું જવાબ આપ્યો? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોડું થવા બદલ જાપાનના પૂર્વ મંત્રીએ ભારતને જવાબદાર ઠેરવ્યું હતું.
હિદેકી માકિહારાએ લગાવેલા આ આરોપ પર ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે.
અમદાવાદ-મુંબઈ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમદાવાદ-મુંબઈ હાઇ-સ્પીડ ટ્રેનને લઈને ભારત અને જાપાન વચ્ચે વાતચીત સારી રીતે આગળ વધી રહી છે. જાપાન ઈ-20 ટ્રેન સિરીઝ આપશે. પરંતુ તે 2030ના દશકની શરૂઆતમાં જ મળી શકશે."
"જે ટ્રેનની વાત થઈ રહી છે, તે હજુ બની રહી છે. આ વચ્ચે, નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. પહેલું ચરણ 2027માં જ શરૂ થઈ જશે, તેથી બંને પક્ષ ભારતીય હાઈ-સ્પીડ ટ્રેન સાથે ઑપરેશન શરૂ કરવા પર સહમત થયા."
હિદેકી માકિહારાએ જાપાનને સિગ્નલ સિસ્ટમથી બહાર રાખવા પર પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું તે સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ હતું.
તેના જવાબમાં રણધીર જયસ્વાલે કહ્યું, "તેના માટે સિગ્નલિંગ ઉપકરણનો ઑર્ડર આપ્યો છે અને તે આંતરરાષ્ટ્રીય માનકો અનુસાર છે. તે મામલે જાપાન તરફથી કોઈ પ્રસ્તાવ નહોતો મળ્યો. પ્રોજેક્ટને લાગુ કરવાનું કામ હાઈ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટને જલદી શરૂ કરવાના સહિયારા લક્ષ્યાંકને અનુરૂપ છે."
સુરત : સુમુલ ડેરીની ચૂંટણીમાં 16માંથી 15 બેઠક પર ભાજપની જીત

ઇમેજ સ્રોત, SUMUL/SOCIAL MEDIA
સુરતમાં સુમુલ ડેરીની પ્રતિષ્ઠિત ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. મતદાન અગાઉ જ 16માંથી સાત બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી હતી. ત્યાર પછી 15 જુલાઈએ બાકીની નવ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાંથી આઠ બેઠક પર ભાજપના ઉમેદવારો જીતી ગયા છે.
બીબીસી સંવાદદાતા અજિત ગઢવીના જણાવ્યા પ્રમાણે, એકમાત્ર મહુવાની બેઠક પર મૂળ ભાજપના, પરંતુ પછી બળવાખોર બનેલા અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલનો વિજય થયો છે. વિરોધ પક્ષ કૉંગ્રેસના એક પણ ઉમેદવારને જીત મળી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ચૂંટણીમાં ઓલપાડ બેઠક પર ધનસુખ પટેલ, નિઝરમાં યોગેશ રાજપુત, ઉમરપાડા બેઠક પર અમિત વસાવા, માંડવીમાં રેસા ચૌધરી, સોનગઢમાં કાંતિ ગામિત, ડોલવણમાં શૈલેષ પટેલ, વ્યારામાં હસમુખ ગામીત અને કુકરમુંડામાં સંજય સૂર્યવંશીની જીત થઈ છે.
સુમુલ ડેરીમાં કુલ 16 બેઠકો માટે 1,003 રજિસ્ટર્ડ મતદારો છે અને તેઓ સુરત અને તાપીના 16 તાલુકાની દૂધ મંડળીના પ્રમુખો હોય છે. ગયા વખતની ચૂંટણીમાં કૉંગ્રેસને ત્રણ બેઠકો મળી હતી.
વાર્ષિક 6500 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરી સાથે સુરત અને તાપીના 2.5 લાખથી વધારે ખેડૂતો જોડાયેલા છે.
ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોડું થવા બદલ જાપાનના પૂર્વ મંત્રીએ કોને જવાબદાર ઠેરવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોડું થઈ રહ્યું છે, તેના પર જાપાનના પૂર્વ કાયદા મંત્રી હિદેકી માકિહારાએ ભારતને જવાબદાર ગણાવ્યું છે.
હિદેકી મારિહારાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કહ્યું, "ભારતમાં શિંકાંસેન પ્રોજેક્ટ (મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ)થી હું પોતે જોડાયેલો હતો પરંતુ ઇન્ટરનૅશનલ મિટિંગ્સ અને વાતચીત દરમિયાન સૌથી વધુ વાત ખટકી હોય તો એ છે કે ભારતીય પક્ષ તરફ દેખાડાતી વારંવારની લાપરવાહી."
તેમણે કહ્યું, "કંઈ પણ થાય તેઓ ક્યારેય પોતાનો વાયદો નહોતા નિભાવતા. જો તેઓ કોઈ વાયદા કરતા પણ હતા તો તેઓ ફરી જતા હતા. તેઓ માત્ર પોતાના ફાયદા માટે જ વિચારતા હતા. પ્રોજેક્ટ માટે જવાબદાર મંત્રીનો વ્યવહાર તો તેનાથી પણ ખરાબ હતો."
"મને આમ કહેવું યોગ્ય રહેશે કે તેનાથી આગળ ન વધી શકવાનું કારણ ભારતીય પક્ષ તરફથી હતું."
હિદેકી માકિહારાએ કહ્યું, "વડાં પ્રધાન તાકાઇચીની યાત્રાથી પણ કોઈ પરિણામ ન આવ્યું. જાપાનને સિગ્નલ સિસ્ટમથી બહાર રાખવામાં આવ્યું જે સુરક્ષા માટે સૌથી જરૂરી છે."
તેના પર કૉંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું, "વડા પ્રધાન મોદીના રેલવે મંત્રીની વધુ એક ઉપલબ્ધિ. ભારત-જાપાન શિંકાંસેન પ્રોજેક્ટથી વ્યક્તિગત રીતે જોડાયેલા જાપાનના એક પૂર્વ મંત્રીએ દાવો કર્યો છે કે વડાં પ્રધાન તાકાઇચીના પ્રવાસ છતાં આ પ્રોજેક્ટ વિફળ રહ્યો અને જાપાનને સિગ્નલિંગ સિસ્ટમમાંથી બહાર રાખવામાં આવ્યું, જે રેલવે સુરક્ષા માટે મહત્ત્વનો હિસ્સો હતું."
તેમણે કહ્યું, "કેટલી શરમની વાત છે કે ભારત તરફથી સૌથી મહત્ત્વની રણનીતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારીમાંથી એકને આટલી શરમજનક રીતે સંભાળવામાં આવી કે સરકારની અસફળતાની વાત વિદેશી અધિકારીઓ પણ કરી રહ્યા છે."
ગુજરાતમાં વીજપોલ સામે ખેડૂતોનું આંદોલન, હવે રાજકોટ જિલ્લામાં ખેડૂતઓ શરૂ કર્યા પ્રતીક ઉપવાસ

ઇમેજ સ્રોત, Bipin Tankaria
રાજકોટ જિલ્લાના પડધરીમાં ખેતરોમાં ખાનગી કંપનીઓ અને સરકાર દ્વારા ઊભા કરવામાં આવતા હેવી વીજપોલના વિવાદ મામલે ખેડૂતઓએ પ્રતીક ધરણા અને ઉપવાસ શરૂ કર્યા છે.
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર બિપિન ટંકારિયાએ જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર ન મળવા અને બળજબરીથી ફળદ્રુપ જમીનોમાં વીજલાઇન પસાર કરવાના વિરોધમાં "ખેડૂત હિતરક્ષક સમિતિ, પડધરી"એ ત્રણ દિવસના ધરણા અને ઉપવાસનું આયોજન કર્યું છે.
સરકાર અને કંપનીઓ સામે વિરોધ નોંધાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો એક દિવસ માટે, જ્યારે અન્ય ઘણા ખેડૂતો સળંગ ત્રણ દિવસ સુધી પ્રતીક ઉપવાસ પર બેસશે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria
અ ધરણામાં ખેડૂતો હેવી વીજપોલને કારણે ખેડૂતોને થતા નુકસાન અને વર્તમાન આર્થિક પરિસ્થિતિ પર ચર્ચા થશે.
ખેડૂત આગેવાન મનોજ પનારા કહે છે કે, "ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી મનસ્વી રીતે વીજપોલ ઊભા કરી દેવામાં આવે છે. અમારી જમીનો બગડી રહી છે અને સરકાર કે ખાનગી કંપનીઓ દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી. આ લડત ખેડૂતોના અસ્તિત્વ અને અધિકારની છે. જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે પીછેહઠ નહીં કરીએ."
સોનમ વાંગચુકે કહ્યું, 'હું કોઈ પણ રીતે 20 જુલાઈ સુધી તો જીવિત રહીશ જ'

ઇમેજ સ્રોત, Sanjeev Verma/Hindustan Times via Getty Images
દિલ્હીના જંતર-મેતર પર અનશન પર બેસેલા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે પોતાના અનશનના 20મા દિવસે લોકોને સંબોધિત કર્યા હતા.
સોનમ વાંગચુકે કહ્યું કે, "હું બહારથી ભલે નબળો છું પણ અંદરથી બહુ મજબૂત છું. મને આશા છે કે તમે લોકો પણ અંદર બહાર બંને તરફથી મજબૂત હશો. આપણે 20 જુલાઈ સુધી આ મજબૂતી જોઈએ છે.જ્યારે બહુ શાંતિપૂર્ણ રીતે સંસદ સુધી માર્ચ કાઢીશું."
તેમણે કહ્યું કે, "હું કોઈ પણ રીતે 20 જુલાઈ સુધી જીવિત રહીશ. જો તમે લોકો નહીં આવો અને 20 જુલાઈ સફળ ન રહી તો હું ભૂત બનીને પાછો આવીશ."
કૉંગ્રેસ નેતા પવન ખેરાએ સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, "સોનમ વાંગચુકજીના સ્વાસ્થ્યને લઈને અમે ચિંતિત છીએ. એક બહુત અસંવેદનશીલ સરકાર ઉપર બેઠી છે. જે લોકતાંત્રિક વિરોધની ભાષા નથી સમજતી."
તેમણે કહ્યું કે, "આવી સરકાર સામે વિરોધની રીત બદલતા રહેવું પડે. અમને તેમના સ્વાસ્થ્યની ચિંતા છે, જે બાળકો બેઠાં છે તેમના સ્વાસ્થ્યની પણ ચિંતા છે. તમે તમારો જીવ જોખમમાં નાખીને આ સરકાર પાસેથી કંઈ હાંસલ નહીં કરી શકો."
ઈરાન પર અમેરિકાના ફરીથી હુમલા, પુલ અને ન્યુક્લિયર પ્લાન્ટને નિશાન બનાવ્યા

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકન સેનાએ જણાવ્યું છે કે તેણે સળંગ છઠ્ઠી રાતે ઈરાન પર હુમલા કર્યા છે. હોર્મુઝ સ્ટ્રેટના નિયંત્રણને લઈને બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલે છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ જણાવ્યું કે "આ હુમલાનો હેતુ ઈરાનની સૈન્ય ક્ષમતાને વધુ ઘટાડવાનો હતો."
"સાથે સાથે કમાન્ડે જણાવ્યું કે સ્ટ્રેટની નાકાબંધી હેઠળ તેમણે એક જહાજ પર નિયંત્રણ કર્યું છે."
ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે અમેરિકન મિસાઇલો હોર્મુઝ સ્ટ્રેટ પાસે આવેલા કેશમ ટાપુની નજીક પડી છે. સાથે સાથે ન્યુક્લિયર પ્લાન્ટ વાળી જગ્યા બંદર અબ્બાસ અને બુશહરમાં મિસાઇલો પડી છે.
હોર્મોઝનગન પ્રાંતમાં બે પુલ પર હુમલા થયા છે. બીબીસીએ હોર્મોઝગન પ્રાંતમાં બંદર અબ્બાસની પશ્ચિમે સ્થિત એક પુલ પર હુમલાની પુષ્ટિ કરી છે.
આ અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે ઈરાન વાતચીત માટે પાછું નહીં આવે, તો તે ઈરાનના પુલ અને વીજ મથકો પર હુમલા કરશે.
NEET-2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો ક્વૉલિફાઇ થયા

ઇમેજ સ્રોત, ANI
મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાતી NEETની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે 11.21 લાખ ઉમેદવારો ક્વૉલિફાઇ થયા છે, જેમાં પંજાબના આર્યન ગુપ્તા અને હરિયાણાના પંશુલ બંસલ ટોપ પર રહ્યા છે.
નૅશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દર વર્ષે લેવામાં આવતી NEET પરીક્ષામાં આ વખતે પેપર ફૂટી જવાના કારણે ભારે વિવાદ થયો હતો, જે મામલે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે દિલ્હીમાં પ્રદર્શનો પણ ચાલે છે.
NEETનું પેપર લીક થયા પછી આ પરીક્ષા ફરીથી લેવામાં આવી હતી.
ટૉપર રહેલા આર્યન ગુપ્તાને 720માંથી 715 ગુણ મળ્યા છે, જે 2025ના ટૉપર કરતા 29 ગુણ વધારે છે.
2025માં NEETનું પ્રશ્નપત્ર ઘણું વધારે અઘરું હતું અને કોઈ ઉમેદવાર 700નો આંકડો પાર કરી શક્યા ન હતા.
આ વખતે 19 ઉમેદવારોને 700થી વધુ, 138ને 690થી વધુ ગુણ મળ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























