ચિમ્પાન્ઝીઓનું 'યુદ્ધ': વર્ષોથી એકબીજાની સાથે રહેતાં આ પ્રાણીઓ એકબીજાના લોહીતરસ્યાં કેવી રીતે બન્યાં?

ઇમેજ સ્રોત, Aaron Sandel via Reuters
- લેેખક, હફસા ખલીલ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
વિશ્વનો સૌથી મોટો જંગલી ચિમ્પાન્ઝીનો સમૂહ, જે સંપીને રહેતો હોવાનું મનાતો, તે હવે અલગ તૂટી ગયો છે. સંશોધકો પ્રમાણે ચિમ્પાન્ઝી આઠ વર્ષથી એકબીજા સાથે લડી રહ્યાં છે.
યુગાન્ડાના કિબાલે રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક સમયે સંપીને રહેતા કિન્ટ સમુદાયના ન્ગોગો ચિમ્પાન્ઝી હવે એકબીજાથી કેમ અલગ થઈ ગયાં છે, તેનું કારણ સ્પષ્ટ નથી.
વૈજ્ઞાનિકોએ 2018થી કુલ 24 ચિમ્પાન્ઝીનાં મૃત્યુ નોંધ્યાં છે, જેમાં 17 બચ્ચાં સામેલ છે.
લેખના મુખ્ય લેખક એરોન સેન્ડેલે જણાવ્યું, "જે ચિમ્પાન્ઝી પહેલાં હાથ પકડતા હતા તેઓ હવે એકબીજાને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે."
સાયન્સ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ સૂચવે છે કે આ હિંસાની તીવ્રતા અને તે કેટલા સમયથી ચાલી રહી છે તે માનવ ઇતિહાસના શરૂઆતના દિવસોમાં સમસ્યા પેદા થવાનું કેવી રીતે શરૂ થયું એ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપી શકે છે.
ચિમ્પાન્ઝીઓ વચ્ચેનું અંતર કેમ વધ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીના માનવશાસ્ત્રી સેન્ડેલે જણાવ્યું હતું કે, ચિમ્પાન્ઝીઓમાં પ્રાદેશિક અધિકારની ભાવના મજબૂત હોય છે અને તે અન્ય જૂથોનાં ચિમ્પાન્ઝી પ્રત્યે દુશ્મન જેવું વર્તન કરે છે.
તેમણે એક સાયન્સ પૉડકાસ્ટ પર કહ્યું, "આ નવા લોકોથી ડરવા જેવું છે."
સેન્ડેલે કહ્યું કે લગભગ 200 ન્ગોગો ચિમ્પાન્ઝી ઘણા દાયકાથી સંપીને અને શાંતિપૂર્વક સાથે રહેતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ચિમ્પાન્ઝીઓને બે જૂથમાં વહેંચવામાં આવ્યાં હતાં. સંશોધકો તેમને પશ્ચિમી અને સેન્ટ્રલ કહે છે. પરંતુ એકંદરે, તેઓ એક જૂથ તરીકે સાથે રહેતાં હતાં.
સેન્ડેલે કહ્યું કે તેમણે જૂન 2015માં જોયું કે ચિમ્પાન્ઝી અલગ થઈ રહ્યાં છે. સેન્ટ્રલ ચિમ્પાન્ઝી પશ્ચિમી ચિમ્પાન્ઝી દોડતાં હોય ત્યારે તેમનો પીછો કરતાં.
'સંઘર્ષ થયો અને બાદમાં એકબીજા સાથે ભળી ગયાં'

ઇમેજ સ્રોત, Getty Images
"ચિમ્પાન્ઝીઓમાં થોડો મેલોડ્રામા (નાટકીય) હોય છે. દલીલો પછી, તે ચીસો પાડે છે અને એકબીજાનો પીછો કરે છે. એ બાદ તેઓ એકબીજાને સાફ કરીને સહકાર બતાવે છે."
સંશોધકોએ જણાવ્યું હતું કે 2015ના મતભેદો પછી, બંને જૂથો છ અઠવાડિયાં માટે અલગ રહ્યાં હતાં, અને એ બાદ તેમની મુલાકાતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
સેન્ડેલે કહ્યું કે જ્યારે એ મળ્યા ત્યારે વધુ આક્રમક અને ગુસ્સે ભરાયેલાં હતાં.
જ્યારે 2018માં બંને જૂથોને સાથે લાવવામાં આવ્યાં ત્યારે ચિમ્પાન્ઝીના પશ્ચિમી જૂથે સેન્ટ્રલ ચિમ્પાન્ઝીઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અલગ થયા બાદથી 24 હુમલા થયા છે, અને સેન્ટ્રલ જૂથના સાત નર ચિમ્પાન્ઝી અને 17 બચ્ચાં મૃત્યુ પામ્યાં છે. સંશોધકો માનવું છે કે માર્યા ગયેલાં ચિમ્પાન્ઝીઓની વાસ્તવિક સંખ્યા કદાચ વધુ હશે.
સંશોધકો માને છે કે જૂથનું કદ, સંસાધનો માટેની સ્પર્ધા અને પ્રજનન માટે નર ચિમ્પાન્ઝી વચ્ચેની સ્પર્ધા આની પાછળનાં કારણો હોઈ શકે છે.
ચિમ્પાન્ઝીને સાથે રાખવા પ્રેરિત કરવા માટે કોઈ નથી

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકો માને છે કે આ પરિસ્થિતિ માટે ત્રણ મુખ્ય કારણો છે. પહેલું એ છે કે 2014માં એક માદા ચિમ્પાન્ઝી અને પાંચ નર ચિમ્પાન્ઝી મૃત્યુ પામ્યાં હતાં. તેમનાં મૃત્યુનું કારણ અજ્ઞાત છે. આના કારણે નાનાં ચિમ્પાન્ઝી જૂથો વચ્ચેના સામાજિક સંબંધોમાં વિક્ષેપ પડ્યો હશે.
બીજા વર્ષે, આલ્ફા મેલ (પ્રાથમિક નેતા) બદલાઈ ગયા. અભ્યાસ સૂચવે છે કે આ ફેરફાર પશ્ચિમી અને સેન્ટ્રલ જૂથો વચ્ચે પ્રથમ વિભાજન શરૂ થયું તે સમયની આસપાસ થયો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું કે જ્યારે જૂથમાં નેતૃત્વના વર્ચસ્વમાં ફેરફાર થયો, ત્યારે ચિમ્પાન્ઝી વધુ આક્રમક અને એકબીજાથી વધુ દૂર થઈ ગયાં.
2017માં અંતિમ વિભાજન પહેલાં શ્વસન રોગથી 25 ચિમ્પાન્ઝીઓ મૃત્યુ પામ્યાં. સંશોધનપત્ર પ્રમાણે જૂથોને એક કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર એક નર ચિમ્પાન્ઝીનું ત્યારે મૃત્યુ થયું.
'માણસોમાં સમસ્યાનાં કારણોને સમજવાની તક'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સેન્ડેલ અને તેમના સાથીદારો કહે છે કે ચિમ્પાન્ઝી વિશે આપણે જે જાણીએ છીએ તે માનવ સંઘર્ષ અને યુદ્ધ વિશે આપણી અત્યાર સુધીની સમજ અંગે પુનર્વિચાર કરવામાં મદદ કરી શકે છે.
વર્ષોથી સાથે રહેતાં, ઘાસચારો શોધતાં અને પેટ્રોલિંગ કરતાં ચિમ્પાન્ઝી, જ્યારે ન્ગોગો જૂથ અલગ થઈ ગયું અને ચિમ્પાન્ઝીઓ એકબીજાના ઘાતક હુમલાનું ટાર્ગેટ બન્યાં ત્યારે નવા રચાયેલાં જૂથો સાથે જોડાયાં.
તેમણે કહ્યું, "ચિમ્પાન્ઝી એ એવી પ્રજાતિઓમાંની એક છે જેનો આનુવંશિક રીતે મનુષ્યો સાથે સૌથી વધુ નિકટથી સંબંધિત છે. જો તે ધર્મ, રાજકીય માન્યતાઓ અને નૈતિકતા જેવાં માનવસર્જિત પરિબળોની ગેરહાજરીમાં સંઘર્ષમાં પડે, તો તેનો અર્થ એ છે કે સંબંધોમાં પરિવર્તન માનવસંકટ સમયે આપણે વિચાર્યું હોય તેના કરતાં વધુ મોટી ભૂમિકા ભજવી શકે છે."
જર્મનીના જર્મન પ્રાઇમેટ સેન્ટરના સંશોધક જેમ્સ બ્રૂક્સે જણાવ્યું, આ વાત બતાવે છે કે માનવ સમાજ માટે જૂથોનું વિભાજન કેટલું ખતરનાક છે.
જેમ્સ બ્રૂક્સે આ અભ્યાસ અંગે જવાબ આપતાં કહ્યું કે તેમનો ઉત્ક્રાંતિ ઇતિહાસ તેમનું ભવિષ્ય નક્કી કરતું નથી એ વાત સ્વીકારીને, માણસોએ અન્ય પ્રજાતિઓના જૂથ આધારિત વલણમાંથી ઘણું શીખવાનું છે, પછી ભલે એ યુદ્ધકાળમાં હોય કે શાંતિ દરમિયાન.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































