ગૅસ પાસ કરતી વખતે શરીરમાંથી દુર્ગંધ કેમ આવે છે, આ રીતે નિયંત્રિત કરી શકાય

health, હેલ્થ, બીબીસી ગુજરાતી, પેટની બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કે. શુભગુણમ
    • પદ, બીબીસી તમિલ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ગૅસ પાસ કરવો એ શરીરની સૌથી સામાન્ય ક્રિયાઓમાંની એક છે, તેમ છતાં તેના વિશે ઘણી ઓછી ચર્ચા થાય છે.

તમામ લોકો ગૅસ પાસ કરે છે. ઘણા-ખરા લોકો દિવસમાં ઘણી વખત ગૅસ પાસ કરે છે, કેટલાક અભ્યાસો પ્રમાણે, આઠથી 25 વખત.

મોટા ભાગે, અન્ય લોકોનું તે તરફ ધ્યાન નથી જતું, પણ કેટલીક વખત ગૅસ મોટેથી અથવા દુર્ગંધ સાથે પાસ થાય છે, જેના કારણે આજુબાજુના લોકો અસુવિધાજનક સ્થિતિમાં મૂકાય છે.

તો, અમુક વખત શરીર ગૅસ મુક્ત કરે, ત્યારે તીવ્ર દુર્ગંધ શા માટે આવે છે? ખરાબ ગંધ વ્યક્તિના આરોગ્ય વિશે શું સૂચવે છે? શું તેને નિયંત્રિત કરી શકાય?

પેટ ફૂલવું એટલે શું?

health, હેલ્થ, બીબીસી ગુજરાતી, પેટની બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

તબીબી દૃષ્ટિએ, પેટ ફૂલવા કે ગૅસ પાસ કરવા તરીકે ઓળખાતી આ પ્રક્રિયામાં પાચન તંત્રમાંથી ગૅસ મળદ્વાર વાટે બહાર નીકળે છે.

અમેરિકન નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનની મેડલાઇનપ્લસ અને જ્હોન હૉપકિન્સ મેડિસિન અનુસાર, પાચન તંત્રમાં મુખ્ય બે રીતે ગૅસ ઉત્પન્ન થાય છેઃ હવા ગળવાથી અને મોટા આંતરડામાં બૅક્ટેરિયાને કારણે ખોરાકમાં આવતા આથા દ્વારા.

આંતરડામાં બનતો મોટાભાગનો ગૅસ ગંધરહિત હોય છે. તે મુખ્યત્વે નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને અમુક વખત મિથેનનો બનેલો હોય છે. તેનાથી ઊલટું, તે ગંધ આંતરડામાં મોજૂદ બૅક્ટેરિયા દ્વારા બનતા અત્યંત ઓછી માત્રાના સલ્ફરયુક્ત વાયુઓમાંથી આવે છે.

આ સલ્ફરયુક્ત ગૅસ પૈકી હાઇડ્રોજન સલ્ફાઇડ તેની ખરાબ ગંધ માટે જાણીતો છે. આ એ જ સંયોજન છે, જે સડેલાં ઈંડાંની ગંધ માટે જવાબદાર છે.

ગેસ્ટ્રોએન્ટરોલૉજીના અભ્યાસોમાં સંશોધકોએ સૂચવ્યું છે કે, અસ્થિર સલ્ફર સંયોજનો, ખાસ કરીને હાઇડ્રોજન સલ્ફાઇડ (જે આંતરડાના ગૅસમાં ઘણી ઓછી માત્રામાં મોજૂદ હોય છે, તે) મોટાભાગની દુર્ગંધ માટે જવાબદાર હોય છે.

આંતરડાના ગૅસ પરના પ્રારંભિક મહત્ત્વપૂર્ણ અભ્યાસો હાથ ધરનારા ગેસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉક્ટર માઇકલ લેવિટની આગેવાની હેઠળની સંશોધન ટીમ દ્વારા જર્નલ ઑફ ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં પણ તેનો સંકેત આપવામાં આવ્યો હતો.

આંતરડામાં ગૅસ ઉત્પન્ન થવા પર અભ્યાસ કરનારા સંશોધકોને માલૂમ પડ્યું છે કે, એક ટકા કરતાંયે ઓછા આંતરડાના ગૅસમાં ગંધ જન્માવતાં સંયોજનો હોય છે, પણ તેમની ઘણી ઓછી માત્રા પણ તીવ્ર ગંધ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય છે.

આંતરડાના ગૅસમાંથી તીવ્ર ગંધ શા માટે આવે છે?

health, હેલ્થ, બીબીસી ગુજરાતી, પેટની બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉદાહરણ તરીકે, કોબીજ અને ફ્લાવર દુર્ગંધ ફેલાવતા ગૅસ ઉત્પન્ન કરી શકે છે, કારણ કે, આ શાકભાજી પાચન દરમિયાન સલ્ફરનાં સંયોજનો મુક્ત કરે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નિષ્ણાતો કહે છે કે, તેનો જવાબ મોટાભાગે વ્યક્તિ શું ખાય છે અને પેટમાં રહેલાં માઇક્રોબ્ઝ (સૂક્ષ્મજીવો) તે કેવી રીતે પચાવે છે, તેના પર નિર્ભર કરે છે.

કેટલાક ખાદ્ય પદાર્થોમાં સલ્ફરયુક્ત સંયોજનો કે કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તેમને પચાવવાનું કામ નાના આંતરડા માટે મુશ્કેલ હોય છે. જ્યારે આ ન પચેલા કણો મોટા આંતરડામાં પહોંચે છે, ત્યારે બૅક્ટેરિયા તેમાં આથો લાવી દે છે અને ગૅસ છોડે છે.

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડાયાબિટીસ ઍન્ડ ડાઇજેસ્ટિવ ઍન્ડ કિડની ડિસિઝિસની વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે, "કેટલાક કાર્બોહાઇડ્રેટ્સ નાના આંતરડામાં સંપૂર્ણપણે પચતા અને શોષાતા નથી. તેને બદલે તે મોટા આંતરડામાં પસાર થાય છે, જ્યાં બૅક્ટેરિયા તેમને તોડીને ગૅસ ઉત્પન્ન કરે છે. કઠોળ, અમુક શાકભાજી તથા આખું અનાજ ગૅસનાં સામાન્ય કારણો છે."

ઈંડાં, માંસ, બ્રોકોલી, કોબીજ અને ફ્લાવર જેવા ઊંચી માત્રામાં સલ્ફર ધરાવતા ખાદ્ય પદાર્થો દુર્ગંધયુક્ત ગૅસ ઉત્પન્ન કરી શકે છે, કારણ કે, આ ખાદ્ય પદાર્થો પાચનક્રિયા દરમિયાન સલ્ફરનાં સંયોજનો મુક્ત કરે છે, એમ બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસમાં જણાવવામાં આવ્યું હતું.

વધુમાં, "લેક્ટોસ પ્રત્યે અસહિષ્ણુ હોય, તેવા લોકોને દૂધ અને તેની બનાવટોને કારણે પેટ ફૂલવા કે ગૅસની સમસ્યા થઈ શકે છે."

આંતરડાના ગૅસના અભ્યાસમાં પાયાની કામગીરી કરનારા ડૉક્ટર માઇકલ લેવિટ જર્નલ ઑફ ગેસ્ટ્રોએન્ટરોલૉજીમાં સમજાવે છે કે, સલ્ફર ધરાવતા ખાદ્ય પદાર્થો હાઇડ્રોજન સલ્ફાઇડ તથા સંબંધિત સંયોજનો ઉત્પન્ન કરનારા બૅક્ટેરિયાને ઊર્જા પૂરી પાડે છે. સાથે જ તેમણે નોંધ્યું હતું કે, આ ગૅસની માત્રા નહીં, બલ્કે ગૅસ સ્વયં જ દુર્ગંધ માટે જવાબદાર છે.

નિષ્ણાતો નોંધે છે કે, વ્યક્તિ ગંધ વિના પણ ગૅસ પાસ કરી શકે છે અને ગૅસની સાવ ઓછી માત્રા પણ અત્યંત દુર્ગંધ ફેલાવી શકે છે. આ તફાવતનો આધાર આંતરડામાં રહેતા અબજો સૂક્ષ્મજીવો, અર્થાત્ ગટ માઇક્રોબાયોટાની સંરચના પર રહેલો છે.

જાન્યુઆરી, 2023માં 'ઇન્ટેસ્ટાઇનલ ગૅસ પ્રોડક્શન બાય ગટ માઇક્રોઑર્ગેનિઝમ્સ - અ રિવ્યૂ) શીર્ષક ધરાવતો સંશોધન લેખ જર્નલ ઑફ ફંક્શનલ ફૂડ્ઝમાં પ્રકાશિત થયો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, "બૅક્ટરોઇડ્ઝ, ક્લોસ્ટ્રીડિયમ, ડેસલ્ફોવિબ્રિયો અને મિથેનોબ્રેવિબેક્ટર જેવા બૅક્ટેરિયા આંતરડામાં ગૅસ પેદા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે."

આંતરડાના માઇક્રોબાયોમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

health, હેલ્થ, બીબીસી ગુજરાતી, પેટની બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લાં દસ વર્ષોમાં, વિજ્ઞાનીઓ સમજી ગયા છે કે, ગૅસને કેવળ આહાર સાથે જ સંબંધ નથી, બલ્કે તેને પાચન તંત્રમાં મોજૂદ બૅક્ટેરિયાના સંતુલન સાથે પણ સંબંધ છે.

મોટા આંતરડામાં માઇક્રોઑર્ગેનિઝમ્સ (સૂક્ષ્મજીવો)નો મોટો સમુદાય રહેલો હોય છે, જે શરીર સ્વયં પચાવી ન શકે, તેવા કાર્બોહાઇડ્રેટ્સને પચાવવામાં મદદ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ગૅસ કુદરતી રીતે મુક્ત થાય છે.

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડાયાબિટીસ ઍન્ડ ડાઇજેસ્ટિવ ઍન્ડ કિડની ડિસીઝિસના જણાવ્યા પ્રમાણે, ખાંડ, સ્ટાર્ચ, ફાઇબર જેવા ન પચી શકેલા કાર્બોહાઇડ્રેટ્સ મોટા આંતરડામાં જાય છે, જ્યાં બૅક્ટેરિયા તેમનામાં આથો લાવે છે અને ગૅસ ઉત્પન્ન કરે છે.

કેટલાક લોકોના પેટમાં મોજૂદ બૅક્ટેરિયા મિથેન ગૅસ વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરે છે, તો અન્ય લોકોના બૅક્ટેરિયા સલ્ફર ગૅસ વધુ ઉત્પન્ન કરે છે.

કેટલાક બૅક્ટેરિયા હાઇડ્રોજન જેવા ગૅસ ઉત્પન્ન કરે છે, જ્યારે અન્ય સૂક્ષ્મજીવો તેનો ઉપયોગ કરે છે. સંશોધન દર્શાવે છે કે, સૂક્ષ્મજીવો વચ્ચેનું આ સંતુલન દુર્ગંધની તીવ્રતામાં યોગદાન આપે છે.

જર્નલ નેચર રિવ્યૂઝ ગેસ્ટ્રોએન્ટરોલૉજી ઍન્ડ હિપેટોલૉજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે, આંતરડામાં હાઇડ્રોજન ઉત્પન્ન કરનારા બૅક્ટેરિયા તથા હાઇડ્રોજનનો વપરાશ કરનારા સૂક્ષ્મજીવો (જેમકે, મિથેનોજેન અને સલ્ફેટ ઘટાડતા બૅક્ટેરિયા) વચ્ચેની પ્રતિક્રિયાના પરિણામ સ્વરૂપે આંતરડામાં ગૅસ ઉત્પન્ન થતો હોય છે.

વિજ્ઞાનીઓ હજુ પણ એ અભ્યાસ કરી રહ્યા છે કે, આંતરડાના સૂક્ષ્મજીવોની સંરચના દરેક વ્યક્તિમાં જુદી-જુદી શા માટે હોય છે.

સંશોધકો માને છે કે, આનુવંશિકતા, આહાર, સંક્રમણ, સૂક્ષ્મજીવો તથા ખાણી-પીણીની લાંબા ગાળાની આદતો સહિતનાં ઘણાં કારણો વ્યક્તિના આંતરડાના સૂક્ષ્મજીવોની સંરચનાને પ્રભાવિત કરે છે.

શું હવા ગળી જવાથી ગૅસ થાય?

health, હેલ્થ, બીબીસી ગુજરાતી, પેટની બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

તમામ પ્રકારનો ગૅસ બેક્ટેરિયાના આથો આવવાની પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થતો નથી. કેટલીક વખત, લોકો ખાતી વખતે કે પછી પ્રવાહી પીતી વખતે થોડી હવા ગળી જતા હોય છે.

તેની સાથે જ, ઝડપથી ખાવું, ચ્યૂઇંગ ગમ ચાવવી, ધૂમ્રપાન અને સૉફ્ટ ડ્રિંક પીવાની આદતને લીધે પણ ગળવામાં આવતી હવાનું પ્રમાણ વધી શકે છે.

જ્હોન હૉપકિન્સ મેડિસિન અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડાયાબિટીસ, ડાઇજેસ્ટિવ ઍન્ડ કિડની ડિસિઝિસના જણાવ્યા પ્રમાણે, આ વધારાની હવા પાચન તંત્ર વાટે થઈને પસાર થઈ શકે છે અને આખરે ગૅસના સ્વરૂપમાં બહાર નીકળી શકે છે.

તણાવ અને ચિંતા પણ તેમાં યોગદાન આપી શકે છે. ક્લિવલૅન્ડ ક્લિનિકનો ડેટા સૂચવે છે કે, ચિંતાગ્રસ્ત લોકો અજાણપણે વધુ હવા ગળી જાય છે, જેના કારણે ગૅસની સમસ્યાનાં લક્ષણો વકરી શકે છે.

શું આંતરડામાંથી આવતા ગૅસની ગંધ સ્વાસ્થ્યની સૂચક હોય છે?

નિષ્ણાતો ભારપૂર્વક કહે છે કે, ગૅસ પાસ થવો એ તદ્દન સામાન્ય જૈવિક પ્રક્રિયા છે.

ડૉક્ટરો પણ નોંધે છે કે, ક્યારેક દુર્ગંધયુક્ત ગૅસ નીકળવા પાછળ સામાન્યતઃ બીમારીને બદલે આહારલક્ષી ટેવો જવાબદાર હોય છે.

જોકે, બ્રિટનની નૅશનલ હૅલ્થ સર્વિસ સલાહ આપે છે કે, ગૅસ પાસ થવામાં સતત ફેરફારો થવા અને ખાસ કરીને તેની સાથે પેટમાં દુખાવો, ઝાડા, પેટ સાફ થવાને લગતી તકલીફો, વજન ઘટવું, વગેરે જેવી સમસ્યાઓ પાચન સંબંધિત ગરબડનો સંકેત હોઈ શકે છે.

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડાયાબિટીસ, ડાઇજેસ્ટિવ ઍન્ડ કિડની ડિસિઝિસ સમજાવે છે કે, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (આઇબીએસ), લેક્ટૉસ ઇન્ટૉલરન્સ, સીલિએક ડિસીઝ અને ચોક્કસ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સંક્રમણ જેવી સ્થિતિ ગૅસ ઉત્પાદન કે આંતરડાની ગૅસ પ્રત્યેની સંવેદનશીલતા વધારી શકે છે.

લેક્ટૉસ ઇન્ટૉલરન્સ સામાન્ય છે. જ્યારે ડેરી પ્રોડક્ટ્સમાં મળી આવતી ખાંડ - લેક્ટૉસ યોગ્ય રીતે પચે નહીં, ત્યારે મોટા આંતરડામાં રહેલા બૅક્ટેરિયા તેમાં આથો લાવે છે, જેના કારણે ગૅસ, પેટ ફૂલવું અને ઝાડા જેવી સમસ્યા સર્જાય છે.

વધુમાં, જો અતિશય ગૅસની સાથે મળમાં લોહી, પેટમાં સતત દુખાવો રહેવો, અચાનક જ વગર કારણે વજન ઘટવા માંડે, લાંબો સમય સુધી ઝાડા રહેવા, ઊલટી અને પેટમાં ગંભીર સોજા જેવાં લક્ષણો પણ હોય, તો નૅશનલ હૅલ્થ સર્વિસ ડૉક્ટરની સલાહ લેવાની ભલામણ કરે છે.

શું આહારમાં ફેરફાર કરવાથી મદદ મળી શકે?

health, હેલ્થ, બીબીસી ગુજરાતી, પેટની બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૅલ્થ અતિશય કે પછી દુર્ગંધયુક્ત ગૅસની સમસ્યા ઓછી કરવા માટે ઘણાં વ્યવહારુ અભિગમોની ભલામણ કરે છે.

તેમાં "થોડું-થોડું ભોજન ખાવું, ભોજન ધીમે-ધીમે ખાવું, નિયમિતપણે કસરત કરવી અને આવાં લક્ષણો ઉત્પન્ન કરતા આહારથી દૂર રહેવાનો સમાવેશ થાય છે."

તેની સાથે જ, શરીરમાં પાણી ઘટી ન જાય, તે પણ જરૂરી છે. પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીવાથી પાચનક્રિયામાં મદદ મળે છે અને પેટ નિયમિતપણે સાફ થાય છે.

અભ્યાસો અનુસાર, કેટલાક લોકોને કાર્બોનેટેડ સૉફ્ટ ડ્રિંક્સ, કૃત્રિમ મીઠાશ અને વધુ પડતા પ્રોસેસ્ડ ફૂડ્ઝનું સેવન ઘટાડવાથી લાભ થાય છે.

જોકે, નિષ્ણાતો વ્યાવસાયિક માર્ગદર્શન વિના આહારમાં પોતાની મેળે ફેરફારો નહીં કરવાની ચેતવણી ઉચ્ચારે છે, કારણ કે, ઘણાં પ્રકારના ખાદ્ય પદાર્થો ટાળવાથી પોષક તત્ત્વોની ઊણપ સર્જાઈ શકે છે.

આથી, તેઓ ભારપૂર્વક કહે છે કે, આહાર સુનિશ્ચિત કરીને તેને અનુસરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ યોગ્યતા ધરાવતા ન્યૂટ્રિશનિસ્ટની સલાહ લેવાનો છે.

મૂળભૂત રીતે, નિષ્ણાતો ગૅસ પાસ થવાની ક્રિયાને પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યું હોવાના સામાન્ય સંકેત તરીકે જુએ છે.

ખાસ કરીને, તેઓ ચેતવણી આપે છે કે, સામાજિક પરિસ્થિતિ ઘણી વખત લોકોને તેમનો ગૅસ અટકાવી રાખવા પ્રેરે છે, પણ ગૅસ અટકાવી રાખવાથી પેટ ફૂલવાની કે બેચેનીની સમસ્યા સર્જાઈ શકે છે.

આંતરડામાં ભરાઈ ગયેલો ગૅસ બ્લોટિંગ, સ્નાયુના ખેંચાણ તથા પેટ પર દબાણ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન