મેદાનમાં દોડ્યા વિના, ચાલીને જ મેસ્સી મૅચમાં કેવી રીતે છવાઈ જાય છે? ઉંમરને વટાવી દેતી સફળતાની કહાણી

ઇમેજ સ્રોત, Koji Watanabe/Getty Images
- લેેખક, કાઇલ પલાગુ
- પદ, બીબીસી સ્પોર્ટ્સ કોલમિસ્ટ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
1962 પછી સળંગ બીજી વખત વર્લ્ડકપનો ખિતાબ જીતનારી પ્રથમ ટીમ બનવાના તથા વર્લ્ડકપના ઇતિહાસમાં આવી સિદ્ધિ મેળવનારી ત્રીજી જ ટીમ બનવાના આર્જેન્ટિનાના પ્રયાસના કેન્દ્રમાં લિયોનેલ મેસ્સી હશે.
39 વર્ષના મેસ્સી તેમનો આ છઠ્ઠો વર્લ્ડકપ રમી રહ્યા છે અને તેમની સાથે જ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તથા મેક્સિકોના ગુઇલેર્મો ઓચોઆ પણ છ વર્લ્ડ કપ રમ્યા છે.
આ સિરીઝમાં ગોલ્ડન બૂટ મેળવવાની હરીફાઈમાં ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે સાથે મેસ્સી સૌથી આગળ છે.
વિશ્વભરના ફૂટબૉલના ચાહકોને આ વિશ્વકપમાં મેસ્સી જુદા જ અવતારમાં જોવા મળ્યા છે, જે 2003માં જ્યારે તેમણે બાર્સેલોનામાં પદાર્પણ કર્યું, તેના કરતાં સાવ અલગ છે.
ગઈકાલે ઇંગ્લૅન્ડ સામેની સેમીફાઇનલ મૅચમાં મેસ્સીએ ગોલ કરવામાં બે વખત સહાય (આસિસ્ટ) કરતાં પાછળ રહી ગયેલી દક્ષિણ અમેરિકન ટીમ આર્જેન્ટિના ફરી આગળ આવી ગઈ હતી અને તેણે 2-1થી મૅચ જીતી લીધી હતી. આ સાથે 2026ના વર્લ્ડકપમાં મેસ્સીના કુલ આઠ ગોલ અને ચાર આસિસ્ટ નોંધાયા છે.
મોટાભાગના ખેલાડીઓએ સફળતા-નિષ્ફળતાનો સામનો કરવો પડતો હોય છે, પણ ઉચ્ચ સ્તરની રમત રમનારા ખેલાડીઓ જ પરિસ્થિતિને અનુકૂળ થઈ શકતા હોય છે. રોનાલ્ડોએ તેમની ગતિ ધીમી થયા બાદ પેનલ્ટી લેનારા ખેલાડી તરીકે સ્વયંને પુનઃ સ્થાપિત કર્યા હતા.
મેસ્સીએ પોતાની કમજોરી સામે હારી જવાને બદલે રમત પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે પોતાની જાતને ઢાળી દીધી, જેથી રમત હંમેશાં તેમની પાછળ દોડતી રહી અને તેઓ આગળ રહ્યા.
આ વર્લ્ડકપમાં તેમણે (ગોલ ફટકારવા માટે) જેટલી તકો ઊભી કરી છે, એટલી અગાઉ કદીયે કરી નહોતી, પણ તેઓ ઓછું દોડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે 33 વખત ગોલ કરવાનો પ્રયત્ન કર્યો અને 21 તકો ઊભી કરી.
રમતમાં આક્રમણનું તેમનું કુલ 54 વખતનું યોગદાન 1986ના વર્લ્ડકપમાં ડિયેગો મેરેડોનાના યોગદાન પછીનું સૌથી વધુ છે.
આ બધાં કારણોસર તેઓ મેદાન પર જેટલું અંતર કાપે છે, તેમાંનું 47 ટકા અંતર તેઓ ચાલીને કાપે છે, જે મેદાનમાં દોડનારા કોઈપણ ખેલાડી (આઉટફિલ્ડર) માટે સૌથી ઊંચી ટકાવારી છે.
મેસ્સીએ દોડવાનું ઓછું કરી નાખ્યું
20 મિનિટ કરતાં વધુ સમય સુધી રમનારા આર્જેન્ટિનાના ખેલાડીઓમાંથી મેસ્સી દરેક મૅચદીઠ સરેરાશ સૌથી ઓછું દોડ્યા છે. દર 90 મિનિટમાં તેઓ ફક્ત 8.2 કિલોમીટર જ દોડ્યા છે.
મેસ્સીના આંકડા આટલેથી જ નથી અટકતા. દરેક મૅચદીઠ તેમની સ્પ્રિન્ટ્સ (ઝડપી દોડ) હવે ઘટીને 2.7 થઈ ગઈ છે, જે ચાર વર્ષ પહેલાં 5.3 હતી.
મેસ્સીએ 16 વર્ષની વયે જોસે મોરિન્હોની પોર્ટો ટીમ સામેની એક ફ્રેન્ડલી મૅચ સાથે પદાર્પણ કર્યું હતું.
તેમાં તેઓ જમણી બાજુ (રાઇટ વિંગ પર) રમ્યા હતા, બૉલ પસાર કરતા હતા અને ઘણી વખત વિરોધી ટીમની અંદર ઊંડે સુધી જતા રહેતા હતા.
તે પછી તેમણે રમવાની પોતાની શૈલી ઓછામાં ઓછી પાંચ વખત બદલીને પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી છે અને હવે તેઓ આર્જેન્ટિના અને ઇન્ટર મિયામી માટે રમતા ખેલાડી તરીકે ઊભરી આવ્યા છે.
મેસ્સીની પ્રથમ સફળતા ક્યારે અને કેવી રીતે મળી હતી?

ઇમેજ સ્રોત, Luis ACOSTA / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક સમયના મહાન અને વિશ્વપ્રસિદ્ધ ખેલાડી રોનાલ્ડિન્હોએ જ્યારે પ્રથમ વખત મેસ્સીને તાલીમ સેશનમાં જોયા, ત્યારે કહ્યું હતું, "તે એક મહાન ખેલાડી બનશે."
બે વર્ષ પછી ઑગસ્ટ, 2005માં મેસ્સીએ જુઆન કૅમ્પ નાઉમાં જુવેન્ટસ સામે પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. અહેવાલ પ્રમાણે, જુવેન્ટસના મેનેજર ફેબિયો કેપેલો 18 વર્ષના મેસ્સીથી ભારે પ્રભાવિત થયા હતા અને તેમણે મેસ્સીને સાઇન કરવાનો પ્રયત્ન કર્યો હતો.
મેસ્સી 21 વર્ષના હતા, એ સમયે રોનાલ્ડિન્હોની કારકિર્દી અસ્તાચળ ભણી હતી. એ સંદર્ભમાં બાર્સેલોનાના તત્કાલીન મૅનેજર ફ્રૅન્ક રીજકાર્ડ એ બાબતે એકદમ સ્પષ્ટ હતા કે, ટીમને મેસ્સી પાસેથી શું જોઈએ છે.
રીજકાર્ડે કહ્યું હતું, "મેસ્સીએ રમતના મધ્યમાં રહેવું જોઈએ. મેસ્સી બૉલને જેટલો વધુ ટચ કરશે, એટલું ટીમ માટે વધુ સારું રહેશે."
એ પછી 2008માં જ્યારે પેપ ગાર્ડિઓલા મૅનેજર બન્યા, ત્યારે પિચની જમણી બાજુ મેસ્સીનું પ્રભુત્વ અંગત ગોલ કરવાનો તેમનો મુખ્ય સ્રોત હતો.
ગાર્ડિઓલા એ પહેલી વખત મેસ્સીને જમણી વખત ખસેડવાનો નિર્ણય કર્યો હતો, એ પાછળનો આશય ગોલ કરવાનો નહીં, બલ્કે ટીમનું ડિફેન્સ મજબૂત કરવાનો હતો.
ટેકલ કરવામાં (બૉલ ઝડપવામાં) મેસ્સીનું ખાસ યોગદાન રહેતું ન હતું. પણ તેમના મૅનેજર જાણતા હતા કે, મેસ્સી હંમેશાં રમતના કેન્દ્રમાં રહેશે.
મોટી મૅચો અને મહત્ત્વની ક્ષણો માટે મેસ્સીની આ નવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમ તૈયાર કરવામાં આવી હતી.
મેસ્સીની રાહ બદલી નાખનારો નિર્ણય

ઇમેજ સ્રોત, LLUIS GENE/AFP via Getty Images
તારીખઃ 2 મે, 2009
સ્થળઃ સેન્ટિયાગો બર્નાબ્યૂસ સ્ટેડિયમ, મેડ્રિડ
ક્ષણઃ લા લીગા સિરીઝની એક મૅચ.
ગાર્ડિઓલાએ એક મહત્ત્વનો નિર્ણય લીધો. તેમણે મેસ્સીને રાઇટ વિંગથી ખસેડીને સેન્ટરમાં લાવી દીધા. પણ તેમણે મેસ્સીને સ્ટ્રાઇકર તરીકે ગોઠવ્યા નહીં, બલ્કે તેમને મેદાનમાં મુક્તપણે રમવાની છૂટ આપી દીધી.
સેમ્યુઅલ ઇટો જમણી બાજુ તરફ ખસી ગયા. થિયરી હેન્રી ડાબી તરફ ખસી ગયા. મેસ્સીને છૂટથી રમવા જણાવવામાં આવ્યું. બાર્સેલોના 6-2થી જીતી ગયું. આ એ જ મૅચ હતી, જેમાં "ફોલ્સ નાઇન" વ્યૂહરચનાએ ફરી એક વખત દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.
આ કોઈ નવી બાબત નથી. 1953માં ગુસ્તાવ સેસ્કની હંગેરીની ટીમે ઇંગ્લૅન્ડને તેના જ મેદાનમાં કચડી નાખી હતી. તે મૅચમાં તેઓ 6-3થી જીત્યા હતા અને નન્દોર હિદેગુદીને મિડફિલ્ડમાં બદલવામાં આવ્યા હતા. ફેરેન્ક પુસ્કાસ અને સેન્ડોર કોક્સિસને જગ્યા આપવા માટે તેમણે મિડફિલ્ડર્સને તેમની જગ્યા પરથી ખસેડ્યા હતા.
નેધરલૅન્ડ્ઝ માટે, શરૂઆતમાં રિનસ મિશેલ્સ હેઠળ જોહાન ક્રુઇફ 'ટોટલ ફૂટબૉલ' ફિલોસોફીના આધારે મેદાનમાં મુક્તપણે રમતા ફૉરવર્ડ તરીકે રમ્યા હતા.
શરૂઆતમાં મેસ્સી એક એવી સમસ્યા હતા, જેનો કોઈ ઉકેલ નહોતો. જ્યારે તેઓ લાઇનની વચ્ચે રમતા, ત્યારે મેડ્રિડના ખેલાડીઓએ એ નક્કી કરવું પડતું હતું કે, તેમની પાછળ જઈને જગ્યા ખાલી કરવી કે પછી ત્યાં જ રહીને મેસ્સીને ભરપૂર જગ્યા પૂરી પાડવી.
આ પૈકીની એક પણ તક કારગત નીવડી નહીં. મેસ્સી કોઈપણ પડકાર વિના ખાલી જગ્યાઓમાંથી પસાર થઈ જતા હતા.
ઝાવી, આન્દ્રેસ ઇનિયેસ્ટા અને યાયા તૌરે તેમની પાછળ રહેતા હતા અને હેન્રી તથા ઇટો વિરોધી ટીમના ડિફેન્સને વિખેરી દેતા હોવાથી વિરોધી ટીમનો દરેક નિર્ણય ખોટો સાબિત થતો હતો.
થોડાં સપ્તાહો પછી ગાર્ડિઓલાએ માન્ચેસ્ટર યુનાઇટેડ સામેની ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં આ જ વ્યૂહરચના અપનાવી. મેસ્સીએ 20મી મિનિટે તેમના હેડરથી ગોલ કર્યો.
2011 અને 2013 વચ્ચેની 69 લા લીગા મૅચોમાં મેસ્સીએ 96 ગોલનો સ્કોર કર્યો હતો.
2009માં તેમને બેલન ડી'ઓર એનાયત કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી તે કાયમી પુરસ્કાર બની ગયો. 2010, 2011, 2012, 2015 અને 2019માં મેસ્સીએ બેલન ડી'ઓર ઍવૉર્ડ મેળવ્યો. મેસ્સી કુલ આઠ બેલન ડી'ઓર ઍવૉર્ડ જીતી ચૂક્યા છે. તેમણે તેમનો પ્રથમ ઍવૉર્ડ 22 વર્ષની વયે અને છેલ્લો 36 વર્ષની વયે જીત્યો હતો.
મેસ્સીએ 2024માં પત્રકાર જુઆન પાબ્લો વાર્સ્કીને જણાવ્યું હતું, "હું વ્યૂહરચનાઓ પર બહુ ધ્યાન આપતો નથી."
"પણ ગાર્ડિઓલા પાસેથી મને ઘણું શીખવા મળ્યું. હું સ્પેસિંગ (જગ્યાના ઉપયોગ), બૉલને જાળવી રાખતાં અને રમતની આંટીઘૂંટીઓ વિશે શીખ્યો."
મેસ્સી પર જ્યારે ટીમનો બોજ ઉપાડવાની જવાબદારી આવી

ઇમેજ સ્રોત, David Ramos/Getty Images
2015માં જ્યારે ઝાવીએ બાર્સેલોના છોડ્યું અને ત્રણ વર્ષ પછી ઇનિયેસ્ટાએ ટીમ છોડી, તે પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. હંમેશાં પ્રભુત્વ ધરાવનારા ખેલાડી રહેલા મેસ્સીને એક સંપૂર્ણ મશીન તરીકે કામ કરવા જણાવાયું.
મિડફિલ્ડ મેસ્સીની ડિફેન્સિવ રિંગ (રક્ષણાત્મક જગ્યા) હતી. બૉલને આગળ પસાર કરવાની અને સ્વયં માટે જગ્યા ઊભી કરવાની તેમની ક્ષમતા ખોવાઈ ગઈ હતી.
એક તબક્કે તો મેસ્સી પાસેથી ઝાવી, ઇનિયેસ્ટા અને ગોલ સ્કોર કરનાર - ત્રણેયનું કામ એકસાથે કરવાની અપેક્ષા સેવવામાં આવતી હતી. કોઈપણ વ્યક્તિ પાસેથી આવી અપેક્ષા રાખવી વધુ પડતી હતી.
મેસ્સીએ સ્વયંનો વિકાસ સાધીને તે પરિસ્થિતિ સંભાળી લીધી. મેસ્સીએ રમતમાં ડીપ પોઝિશન લીધી. તેઓ રમતનું સંકલન કરતા હતા અને રમતને શરૂ અને પૂરી પણ તેઓ જ કરતા હતા.
મેસ્સીના આંકડાઓમાં ગોલ કરતાં આસિસ્ટની સંખ્યા વધારે છે. 2019-20ની સિઝનમાં લા લીગાની 33 મૅચોમાં તેમના આસિસ્ટ 22 અને ગોલ 25 રહ્યા હતા.
પણ પેરિસ સેઇન્ટ-જર્મેન સાથેની તેમની પ્રથમ સિઝનમાં ફેરફાર સ્પષ્ટ દેખાઈ આવતો હતો. 34 મૅચોમાં તેમણે 11 ગોલ અને 15 આસિસ્ટ નોંધાવ્યા હતા. ક્લબની સ્પર્ધામાં આ પહેલી વખત તેમના ગોલ કરતાં આસિસ્ટ વધારે રહ્યા હતા.
આર્જેન્ટિનાના એક ચાહકે આ વિશે ટિપ્પણી કરી હતી, "ગોલ કરનારો ખેલાડી ઇનિયેસ્ટામાં ફેરવાઈ ગયો."
એ સમય, જ્યારે મેસ્સી કૅપ્ટનસીના ભારણમાંથી મુક્ત થયા

ઇમેજ સ્રોત, Getty Images
વિકાસના આ તબક્કે સાથે જ ઊભરી આવેલી અન્ય એક વાર્તા એ હતી કે, મેસ્સી આર્જેન્ટિના માટે શું હતા. આ વાર્તા ઉકેલાતાં લાંબો સમય લાગ્યો.
ઑગસ્ટ, 2011માં તેઓ કૅપ્ટન બન્યા. એ પછી હારનો સિલસિલો ચાલુ રહ્યો.
2014માં મેરાકાના સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઇનલમાં આર્જેન્ટિના ઍક્સ્ટ્રા ટાઇમમાં જર્મની સામે હારી ગયું.
2015માં કોપા અમેરિકાની ફાઇનલમાં આર્જેન્ટિના પેનલ્ટી શૂટઆઉટમાં ચીલી સામે હારી ગયું.
એ પછી 2016માં કોપા અમેરિકાની ફાઇનલમાં આર્જેન્ટિના ફરી પાછું પેનલ્ટી શૂટઆઉટમાં ચીલી સામે હારી ગયું.
ત્રણ વર્ષમાં ત્રણ ફાઇનલ... અને ત્રણેયમાં પરાજયને કારણે જનતાની અપેક્ષાએ મેસ્સી પર ભારે દબાણ ઊભું કર્યું. છેલ્લો વર્લ્ડકપ હારી ગયા પછી તેઓ નિવૃત્ત થયા.
તે પહેલાં તેમણે આ વિશે બે વખત વિચારી જોયું હતું, પણ તેઓ પરત ફર્યા, આ વખતે એક અલગ ખેલાડી તરીકે.
2019ના કોપા અમેરિકામાં બ્રાઝિલ સામે સેમિફાઇનલમાં આર્જેન્ટિનાની વિવાદાસ્પદ હાર પછી મેસ્સીએ એક પત્રકાર પરિષદમાં સાઉથ અમેરિકન ફૂટબૉલ કન્ફેડરેશન (CONMEBOL)ની સખ્ત ઝાટકણી કાઢી હતી.
આ હવે એ ખેલાડી નહોતો, જે આર્જેન્ટિનાની અપેક્ષા બોજ બની જતાં ચૂપચાપ ચાલ્યો જાય.
અહીં આપણે એક એવો આગેવાન જોયો, જેણે એક એવી બાબત સાથે પોતાની ઓળખને જોડવાનું બંધ કર્યું, જેને તે જીતી નહોતો શક્યો.
'ફૂટબૉલની ગેમ હવે બદલાઈ ગઈ છે'
2021ના કોપા અમેરિકામાં મેસ્સીએ પુનરાગમન કર્યું. આર્જેન્ટિનાએ મેરાકાના ખાતે યોજાયેલી ફાઇનલમાં બ્રાઝિલને હરાવી દઈને ટ્રૉફી માટેના 28 વર્ષના ઇંતેજારનો અંત આણ્યો. મેસ્સીની મૅચ પૂર્વેની સ્પીચે ખેલાડીઓને ભાવુક કરી દીધા હતા.
2022ના વર્લ્ડકપમાં મેસ્સી એક અલગ જ વ્યક્તિ હતા. તેઓ ભૂતકાળની તમામ બાબતોના મિશ્રણ તરીકે ઊભરી આવ્યા.
2022ના વર્લ્ડકપની સેમિફાઇનલમાં ક્રોએશિયા સામે આર્જેન્ટિનાની 3-0થી જીત દરમિયાન જોસ્કો ગ્વાર્ડિઓલા સાથે મેસ્સીએ લગાવેલી દોડે 2009ના તરવરાટભર્યા યુવાન મેસ્સીની યાદ તાજી કરાવી દીધી હતી.
ફાઇનલમાં ફ્રાન્સ સામે મેસ્સીના બે અચૂક ગોલે રમતને 3-3 પર લાવવામાં મદદ કરી હતી અને પછી અતિ મહત્ત્વના પેનલ્ટી શૂટઆઉટમાં એક ગોલ સાથે આર્જેન્ટિનાની જીત સુનિશ્ચિત કરી દીધી હતી.
2023માં ઝિનેદિન ઝિદાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "ફૂટબૉલની રમત ઘણી બદલાઈ ગઈ છે."
અને તે ઇન્ટરવ્યૂમાં મેસ્સીએ કહ્યું હતું, "જે રીતે તમે રમો છો, જે રીતે સંગઠન થાય છે."
"આજે ફૂટબૉલ યુક્તિ-પ્રયુક્તિઓથી ભરેલી શારીરિક શક્તિ માગી લેતી રમત બની ગઈ છે. પહેલાં તમારી પાસે ઘણી સ્પેસ રહેતી હતી."
તેમણે આધુનિક ફૂટબૉલના ત્રણ અલગ-અલગ યુગમાં રમી ચૂકેલા એક ખેલાડીના સૂરમાં ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.
આ ઉપરાંત પોર્ટો અને ચેલ્સીના તમામ પડકારોને ખાળવામાં પણ સફળ રહ્યા છે, જેમાં શારીરિક રીતે સક્ષમ મિડફિલ્ડર્સ, બૉલ પાસ કરવાની નિપુણતા અને ગાર્ડિઓલા પછીના સમયના ઝડપી ફેરફારોનો સમાવેશ થાય છે.
'મેસ્સી વિશેની પ્રશંસા એક ચૂકાઈ ગયેલી તક છે'

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ટર મિયામી, 2024 કોપા અમેરિકા
આ સિરીઝમાં મેસ્સી દોડવા કરતાં ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
એક તબક્કે આલોચકો આ બાબતનો તેમના વિરુદ્ધમાં ઉપયોગ કરતા હતા. પણ હવે આ એક કૌશલ્ય હોય, એવું જણાય છે.
મેસ્સી રમતને બારીકાઈથી નિહાળે છે. તેઓ જરૂરના સમયની ક્ષણો માટે પોતાની ઊર્જા બચાવીને રાખે છે.
"અંતિમ મેસ્સી હંમેશાં સર્વશ્રેષ્ઠ મેસ્સી હોય છે," એમ મેસ્સીના બાળપણના હીરો પાબ્લો આઇમારે એક વખત કહ્યું હતું. તેમણે જે કહ્યું હતું, તે આજે પણ એટલું જ સાચું પુરવાર થાય છે.
છેલ્લા બે દાયકામાં મેસ્સીએ જે ઉપલબ્ધિ હાંસલ કરી છે, તે કેવળ ટ્રૉફી અને આંકડાઓ પૂરતી સીમિત નથી.
તેની સાથે જ તેમણે એક ફૂટબૉલર તેની વ્યાવસાયિક કારકિર્દીના દરેક તબક્કે કેવો હોઈ શકે, તેની નવેસરથી વ્યાખ્યા આપી છે.
કેપેલોને આશ્ચર્યમાં ગરકાવ કરી દેનારા યુવાન ખેલાડી મેસ્સી ઘણાં પરિમાણો ધરાવે છે, અને તેમાંનું એક પરિમાણ એ પણ છે કે, તેમણે યુરોપિયન ફૂટબૉલનો નકશો બદલી નાખ્યો.
આખરે તેઓ એવા ખેલાડી બન્યા, જેની તેમના દેશને જરૂર હતી - વર્લ્ડકપ વિજેતા ટીમના મુખ્ય સૂત્રધાર. હાલના દિવસોમાં ભાગ્યે જ દોડતા આ અનુભવી ખેલાડી પહેલાં રમતનો તાગ મેળવે છે.
આ વર્લ્ડકપ મેસ્સી વિશે ઘણી અતિશયોક્તિભરી પ્રશંસા લઈને આવ્યો છે, પણ તેમાંની મોટાભાગની પ્રશંસા મુખ્ય મુદ્દો ચૂકી જાય છે.
મુદ્દો એ નથી કે, મેસ્સી કેટલા કાબેલ ખેલાડી છે, પણ મુદ્દો એ છે કે, તેમણે કેટલી બધી વખત એક સાવ નવી જ વ્યક્તિ બનવું પડ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.



























