અમેરિકા : 'FBI એજન્ટોથી બચવું અને કોડ ભાષામાં વાત કરવી', 1970ના દાયકાના ક્રાંતિકારી પરિવારમાં ઉછરેલા બાળકની કહાણી

બીબીસી ગુજરાતી ભીડમાં એફબીઆઈ એજન્ટોને ઓળખતા શીખ્યો, તપાસ એજન્સીથી નાસતાં-ફરતાં માતાપિતાના પુત્રને કેવા અનુભવો થયા
ઇમેજ કૅપ્શન, 1970ના દાયકાના ઉત્તરાર્ધમાં ઝાયદ પોતાનાં માતાપિતા અને નાના ભાઈ સાથે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

"હું બહુ નાનો હતો ત્યારથી જ મને ક્રાંતિકારી વિચારો શીખવવામાં આવતા હતા. ભીડમાં છુપાયેલા પોલીસ અને એફબીઆઈના એજન્ટોને કેવી રીતે ઓળખવા, એ તેમણે મને શીખવ્યું હતું. ફોન પર કોડ (સાંકેતિક) ભાષામાં વાત કરવાનું પણ શીખવ્યું હતું. મને આ બધું કોઈ રમત જેવું લાગતું હતું."

ઝાયદ એયર્સ ડૉર્નનું બાળપણ સામાન્ય બાળકો જેવું નહોતું.

તેમના બેડરૂમની દીવાલો પર ડિઝનીનાં પાત્રોનાં ચિત્રો નહોતાં. તેના બદલે ક્યુબાના ક્રાંતિકારી ચે ગુવારા અને વિયેતનામના ક્રાંતિકારી હો ચી મિન્હનાં ચિત્રો લટકતાં હતાં. ઘણાં વર્ષો સુધી તેઓ પ્રી-સ્કૂલમાં જઈ શક્યા નહોતા.

પરિવાર સાથે કૅમ્પિંગ પર જવાનો હેતુ માર્શમેલો (એક પ્રકારની મીઠાઈ) શેકવાનો નહોતો. ઓછામાં ઓછા એક પ્રસંગે તો આ પ્રવાસ જેલની તપાસ કરવા માટે કરવામાં આવ્યો હતો, જેથી ત્યાંથી કેદીઓને છોડાવવાની યોજના ઘડી શકાય.

બીબીસી ગુજરાતી એફબીઆઈએ 'વેધર અન્ડરગ્રાઉન્ડ'ને એક સ્થાનિક આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું.
ઇમેજ કૅપ્શન, એફબીઆઈએ 'વેધર અન્ડરગ્રાઉન્ડ'ને એક સ્થાનિક આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું.

ઝાયદનો જન્મ થયો ત્યારે તેમનાં માતા બર્નાડિન ડૉર્ન એફબીઆઈની સૌથી વધુ વૉન્ટેડ ફરાર લોકોની યાદીમાં હતાં. તેઓ 'વેધર અન્ડરગ્રાઉન્ડ' નામના કટ્ટર યુદ્ધવિરોધી સંગઠનનાં નેતા હતાં.

અમેરિકામાં અસમાનતા અને વંશીય અન્યાયને ઉજાગર કરવા માટે આ સંગઠને બૉમ્બવિસ્ફોટોનું અભિયાન ચલાવ્યું હતું. તેના નિશાન પર કૅપિટલ, પૅન્ટાગોન અને વિદેશ મંત્રાલય જેવી મહત્ત્વની સરકારી ઇમારતો હતી.

તેમના પિતા બિલ એયર્સ પણ આ સંગઠનના સહસ્થાપકોમાંના એક હતા. આ કારણે પરિવારને ખોટી ઓળખ સાથે રહેવું પડતું હતું. તેઓ વારંવાર પોતાનું રહેઠાણ બદલતા અને હંમેશાં ધરપકડના જોખમથી સાવચેત રહેતા.

માતાપિતાના જીવનનાં ધ્યેયો અને બાળપણ

બીબીસી ગુજરાતી કેટલીક મહિલાઓ સેક્રેટરી બનીને સરકારી ઇમારતોમાં જતી. ત્યાં તેઓ માહિતી એકત્રિત કરતી અને ઓછા ઉપયોગમાં લેવાતી હોય એવી જગ્યાઓ પર વિસ્ફોટકો મૂકી દેતી.
ઇમેજ કૅપ્શન, કેટલીક મહિલાઓ સેક્રેટરી બનીને સરકારી ઇમારતોમાં જતી. ત્યાં તેઓ માહિતી એકત્રિત કરતી અને ઓછા ઉપયોગમાં લેવાતી હોય એવી જગ્યાઓ પર વિસ્ફોટકો મૂકી દેતી.

પરંતુ ઝાયદ માટે આ બધું સામાન્ય જીવનનો જ એક ભાગ હતો.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ કહે છે, "મને ખબર હતી કે એફબીઆઈ અમારી પાછળ પડી છે. આ બાબતે તેમણે મારી સાથે કદી ખોટું કહ્યું નહોતું. કોઈ બાળક સમજી શકે એ રીતે તેઓ મને સમજાવતા. તેઓ અમારી સરખામણી રૉબિનહૂડ સાથે કરતા. તેઓ કહેતા કે આપણે કાયદાની બહાર રહીને કામ કરતા લોકો છીએ, જે ધનિકો પાસેથી લઈને ગરીબોને આપે છે. તેઓ મને આવી વાતો કહેતા."

તેમનાં માતાપિતા બંને શ્વેત મધ્યમવર્ગીય પરિવારોમાંથી આવતાં હતાં અને તેમની આર્થિક સ્થિતિ સારી હતી. તેમની માતા શિકાગો યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતાં હતાં અને અભ્યાસમાં હંમેશાં આગળ રહેતાં હતાં.

પરંતુ 1966માં ડૉ. માર્ટિન લૂથર કિંગ જુનિયર શિકાગો આવ્યા અને ભાડાં વધારવા સામે ચાલી રહેલા આંદોલનને ટેકો આપ્યો, ત્યારે તેઓ પણ સક્રિય રીતે તેમાં જોડાઈ ગયાં.

ત્યાર પછી તેમને લાગવા માંડ્યું કે અમેરિકામાં ઘણાં મોટા અને પાયાના પરિવર્તનની જરૂર છે.

કિંગની હત્યા અને ત્યાર પછી બ્લૅક પૅન્થર સંગઠનના નેતા ફ્રેડ હૅમ્પ્ટનનું પોલીસની ગોળીબારમાં મૃત્યુ, આ બંને ઘટનાઓએ તેમને વધુ ઉગ્ર માર્ગ તરફ ધકેલી દીધાં.

ઝાયદ કહે છે, "મને લાગે છે કે આ જ કારણસર મારી માતા અને તેમના જેવા બીજા ઘણા લોકો વધુ ને વધુ કટ્ટર બનતા ગયા. મારી માતા બ્લૅક પૅન્થર સંગઠનના ફ્રેડ હૅમ્પ્ટનને માત્ર પોતાના મિત્ર જ નહીં, પોતાના આદર્શ પણ માનતાં હતાં. અને તેમના મતે, તેમની સરકારે જ ફ્રેડ હૅમ્પ્ટનની હત્યા કરી હતી."

તેમના પિતા શરૂઆતમાં વિયેતનામ યુદ્ધ અને ફરજિયાત લશ્કરી ભરતીનો વિરોધ કરવાને કારણે આ સંગઠન તરફ આકર્ષાયા હતા.

"એ સમયે તેમનો એક નારો હતો, 'યુદ્ધને ઘર સુધી લઈ આવો.'"

"એનો અર્થ એ હતો કે વિયેતનામ યુદ્ધમાં જે હિંસા થઈ રહી હતી, તે અમેરિકાની શેરીઓમાં પણ દેખાડવામાં આવે. તેઓ લોકોને જાગૃત કરીને જગાડવા માગતા હતા."

"વિદેશોમાં શું કરવામાં આવી રહ્યું છે અને પોતાના જ દેશમાં અશ્વેત સંગઠનો તથા નેતાઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, એ તેઓ દેખાડવા માગતા હતા."

પર્સમાં બૉમ્બ

બીબીસી ગુજરાતી વિયેતનામ યુદ્ધનો અંત લાવવાની હિમાયત કરનારા ઉગ્રવાદી સંગઠન 'વેધર અન્ડરગ્રાઉન્ડ'નું પોસ્ટર.
ઇમેજ કૅપ્શન, વિયેતનામ યુદ્ધનો અંત લાવવાની હિમાયત કરનારા ઉગ્રવાદી સંગઠન 'વેધર અન્ડરગ્રાઉન્ડ'નું પોસ્ટર.

આજે એ વાત આશ્ચર્યજનક લાગે છે કે, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું એક જૂથ દેશની સૌથી કડક સુરક્ષાવાળી સરકારી ઇમારતોમાં બૉમ્બવિસ્ફોટ કરવામાં સફળ થયું હતું.

પરંતુ ઝાયદનું કહેવું છે કે, તેમણે યુવાન, શ્વેત અને શિક્ષિત હોવા સાથે જોડાયેલી સામાજિક પૂર્વધારણાઓનો લાભ લીધો હતો.

કેટલીક મહિલાઓ સેક્રેટરી બનીને સરકારી ઇમારતોમાં જતી. ત્યાં તેઓ માહિતી એકત્રિત કરતી અને ઓછા ઉપયોગમાં લેવાતી હોય એવી જગ્યાઓ પર વિસ્ફોટકો મૂકી દેતી.

ઘણી વાર આ વિસ્ફોટકો મહિલાઓનાં શૌચાલયોમાં મૂકવામાં આવતા.

ઝાયદ જણાવે છે, "તેમને એક ફાયદો એ હતો કે તેઓ કૉલેજમાં ભણેલા, સારી રીતે વાતચીત કરી શકતા અને આર્થિક રીતે સમૃદ્ધ શ્વેત લોકો હતા. સત્તા સાથે સંકળાયેલાં આ સ્થળોમાં તેઓ ઝાઝું ધ્યાન ખેંચ્યા વિના પ્રવેશી શકતા હતા."

સંગઠનની વંશીય ઓળખને કારણે મળતા વિશેષાધિકારની અસર બ્લૅક લિબરેશન આર્મી સાથેના તેના સંબંધો પર પણ પડી હતી. આ સંગઠન બ્લૅક પૅન્થર પાર્ટીથી અલગ પડીને રચાયું હતું.

શ્વેત કાર્યકરો પોતાની પહોંચ અને તેમના પર પ્રમાણમાં ઓછી શંકા કરવામાં આવતી હોવાના ફાયદાનો ઉપયોગ કરતા. અને અશ્વેત કાર્યકરોની મદદ કરતા હતા. આમાં જેલમાંથી ભાગી છૂટવાની ઘટનાઓ પછી તેમને ત્યાંથી બહાર કાઢીને લઈ જવા જેવાં ગેરકાયદે કામોનો પણ સમાવેશ થતો હતો.

બાળપણમાં કૅમ્પિંગ પર ગયા ત્યારે...

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બાળપણમાં ઝાયદ તેમની માતા સાથે.

ઝાયદ મોટા થતા ગયા, તેમ તેમ ભૂગર્ભ જીવનની વાસ્તવિકતાઓની અસર તેમના બાળપણ પર વધુ ને વધુ પડવા લાગી.

તેમની પાસે સત્તાવાર દસ્તાવેજો નહોતા, તેથી તેઓ શાળાએ જઈ શકતા નહોતા. તેમના મોટા ભાગના મિત્રો પણ બીજા કાર્યકરોનાં બાળકો જ હતાં.

ઘણી બાબતોમાં તેમનું બાળપણ બીજાં અમેરિકન બાળકો જેવું જ હતું. પરિવાર સાથે લાંબી માર્ગયાત્રાઓ, ફરવા જવું અને કૅમ્પિંગની રજાઓ તેમના જીવનનો ભાગ હતાં.

પરંતુ આ પ્રવૃત્તિઓમાં પણ એક અલગ જ પ્રકારનો ક્રાંતિકારી રંગ હતો.

"અમે ક્યારેય ડિઝનીલૅન્ડ, અમેરિકન કૅપિટલ કે એવી બીજી જગ્યાઓએ ગયાં નહોતાં. મારાં માતાપિતા મને એવી જગ્યાઓએ લઈ જતાં, જે ક્રાંતિકારી સંઘર્ષ સાથે સંકળાયેલી હતી. તેઓ મને ત્યાં લઈ જતાં, જ્યાં તેમના નાયકોની હત્યા કરવામાં આવી હતી.

"...જ્યાં પોલીસે ફ્રેડ હૅમ્પ્ટનની હત્યા કરી હતી. જ્યાં જૉન બ્રાઉનને ફાંસી આપવામાં આવી હતી. અને એ સ્થળે પણ, જ્યાં નેટ ટર્નરે ગુલામોનો બળવો શરૂ કર્યો હતો. આમ, એ અમેરિકાનો એવો પ્રવાસ હતો, જેમાં મારાં માતાપિતા દેશને એવા રાષ્ટ્ર તરીકે જોતાં હતાં, જેની સામે તેઓ સંઘર્ષ કરી રહ્યાં હતાં."

ઘણાં વર્ષો પછી તેમને જાણવા મળ્યું કે પરિવારની એક કૅમ્પિંગ યાત્રા પાછળ બીજો હેતુ પણ હતો. તેમનો પડાવ એક સંઘીય જેલથી એક કિલોમીટર કરતાં પણ ઓછા અંતરે હતો, જ્યાં બ્લૅક પૅન્થર સંગઠનનો એક સભ્ય કેદ હતો.

તેમનાં માતાપિતાએ જેલનો અભ્યાસ કરવા માટે આ પ્રવાસનો ઉપયોગ કર્યો હતો, જેથી કેદીને ભાગી છૂટવામાં મદદ કરવાની સંભવિત યોજના માટે જરૂરી માહિતી એકત્રિત કરી શકાય.

બીબીસી ગુજરાતી ફોટોલાઈન: 6 માર્ચ, 1970ના રોજ ગ્રીનવિચ વિલેજમાં એક ટાઉનહાઉસના ભોંયરામાં બૉમ્બ ફાટતાં 'વેધર અન્ડરગ્રાઉન્ડ'ના ત્રણ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં. બૉમ્બ તેઓ જ બનાવી રહ્યા હતા.
ઇમેજ કૅપ્શન, 6 માર્ચ, 1970ના રોજ ગ્રીનવિચ વિલેજમાં એક ટાઉનહાઉસના ભોંયરામાં બૉમ્બ ફાટતાં 'વેધર અન્ડરગ્રાઉન્ડ'ના ત્રણ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં. બૉમ્બ તેઓ જ બનાવી રહ્યા હતા.

મોટા થયા પછી પોતાના બાળપણને કેવી રીતે જોયું?

બીબીસી ગુજરાતી ફોટોલાઈન: 6 માર્ચ, 1970ના રોજ ગ્રીનવિચ વિલેજમાં એક ટાઉનહાઉસના ભોંયરામાં બૉમ્બ ફાટતાં 'વેધર અન્ડરગ્રાઉન્ડ'ના ત્રણ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં. બૉમ્બ તેઓ જ બનાવી રહ્યા હતા.
ઇમેજ કૅપ્શન, 1970માં 'વેધર અન્ડરગ્રાઉન્ડ' દ્વારા કરવામાં આવેલા બૉમ્બવિસ્ફોટ પછી પોલીસ સ્ટેશનમાં કાટમાળનો ઢગલો. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

પુખ્ત વયના થયા પછી અને હવે પોતે પિતા બન્યા બાદ, ઝાયદે પોતાનાં માતાપિતાના નિર્ણયો સમજવાનો પ્રયાસ કરવામાં ઘણાં વર્ષો વિતાવ્યાં છે.

તેઓ તેમના વિચારવાની રીતની સરખામણી એવા લોકો સાથે કરે છે, જેઓ પોતે લશ્કરમાં ભરતી થવાનો નિર્ણય લે છે.

તેમનું કહેવું છે કે તેમનાં માતાપિતા માનતાં હતાં કે તેઓ પોતાની જ સરકાર સામે યુદ્ધ લડી રહ્યાં છે. તેથી તેઓ એનાં વ્યક્તિગત પરિણામો સ્વીકારવા તૈયાર હતાં.

"ઘણી બાબતોમાં મને તેમના પર ગર્વ થાય છે. એ સમયે અમેરિકામાં મોટા ભાગના લોકો, ખાસ કરીને મોટા ભાગના શ્વેત લોકો, પોતાની નજર સામે થઈ રહેલા અન્યાયને માત્ર જોયા કરતા હતા અને તેની સામે કંઈ કરતા નહોતા. પરંતુ મારાં માતાપિતા એવા લોકો હતાં, જેઓ કંઈક કરવા પર ભાર મૂકતાં હતાં."

જોકે, ઝાયદ માટે એવી કલ્પના કરવી મુશ્કેલ છે કે તેઓ પોતે ક્યારેય આવો નિર્ણય લઈ શકે. તેઓ વિચારી પણ શકતા નથી કે પોતાનાં બાળકોને ઘરે મૂકીને બૅન્ક લૂંટવા અથવા કોઈને જેલમાંથી છોડાવવા જેવી કાર્યવાહી કરવા નીકળી પડે.

"પરંતુ મને એવું પણ લાગે છે કે આવું વિચારી શકવું એ પોતે જ એક વિશેષાધિકાર છે. દુનિયામાં ઘણા લોકો એવા છે, જેમની પાસે પોતાના પરિવારને જોખમમાં મૂકવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. દમન અને અન્યાય સામે લડવા માટે તેઓ આવું કરવા મજબૂર બને છે."

સામાન્ય જીવનની આશામાં આત્મસમર્પણ

બીબીસી ગુજરાતી ફોટોલાઈન: 6 માર્ચ, 1970ના રોજ ગ્રીનવિચ વિલેજમાં એક ટાઉનહાઉસના ભોંયરામાં બૉમ્બ ફાટતાં 'વેધર અન્ડરગ્રાઉન્ડ'ના ત્રણ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં. બૉમ્બ તેઓ જ બનાવી રહ્યા હતા.
ઇમેજ કૅપ્શન, ઝાયદ તેમની માતા, તેમના ભાઈ મલિક અને દત્તક ભાઈ ચેસા સાથે.

તેમના નાના ભાઈના જન્મ પછી બર્નાડિને આખરે અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો અને સમાધાન કરવાનો નિર્ણય લીધો.

આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો, જેથી પરિવારને કંઈક અંશે સામાન્ય જીવન મળી શકે.

શરૂઆતમાં એફબીઆઈની તપાસમાં ગેરકાયદે પદ્ધતિઓ અને ભૂલોને કારણે તેમને જેલમાં જવું પડ્યું નહોતું. પરંતુ 'વેધર અન્ડરગ્રાઉન્ડ'ના બીજા સભ્યો વિરુદ્ધ સાક્ષી આપવાનો ઇન્કાર કરવા બદલ તેમને લગભગ એક વર્ષ માટે જેલમાં મોકલવામાં આવ્યાં.

ઝાયદના પિતા પર માત્ર ઝાયદ અને તેમના નાના ભાઈની જવાબદારી જ નહોતી આવી, પરંતુ અન્ય કેદ થયેલા એક કાર્યકરના બાળકની સંભાળ રાખવાની જવાબદારી પણ આવી પડી હતી.

એ સમયે ઝાયદ પાંચ વર્ષના હતા. તેઓ દુઃખી અને ગુસ્સે હતા અને પોતાની માતાને ઘરે પાછાં આવી જવા માટે વિનંતી કરતા હતા. તેમની માતા જેલમાંથી તેમને પત્રો લખીને પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કરતાં હતાં. ઝાયદ આજે પણ એ પત્રો વાંચે છે.

ઝાયદ કહે છે, "તેઓ લખતાં હતાં કે માતા હોવું તેમના માટે દુનિયાની સૌથી મહત્ત્વની બાબત છે. અને ક્રાંતિકારી હોવું પણ તેમના માટે દુનિયાની સૌથી મહત્ત્વની બાબત છે."

"તેઓ પોતાના આદર્શોનું ઉદાહરણ આપતાં હતાં. જેમ કે માર્ટિન લૂથર કિંગ જુનિયર, ફ્રેડ હૅમ્પ્ટન અને માલ્કમ ઍક્સ. તેઓ કહેતાં હતાં કે આ લોકોએ એક હેતુ માટે સંઘર્ષ કર્યો હતો. અને આ બધા લોકોને બાળકો પણ હતાં."

ક્રાંતિકારીમાંથી પ્રોફેસર

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, 2022માં ન્યૂ યૉર્ક સિટીના ટ્રાઇબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઝાયદના પૉડકાસ્ટ 'મધર કન્ટ્રી રૅડિકલ્સ'ના પ્રીમિયર પ્રસંગે ઝાયદ તેમની માતા બર્નાડિન અને પિતા બિલ સાથે.

આજે તેમનાં માતાપિતા બંને એંસી વર્ષની વય વટાવી ચૂક્યાં છે. ઝાયદ તેમને "શાનદાર દાદા-દાદી" ગણાવે છે.

પરંતુ ઉંમર વધવાની સાથે તેમના રાજકીય વિચારો નરમ પડ્યા હશે, એવું સૂચન કરવામાં આવે ત્યારે તેઓ હસી પડે છે.

ભૂગર્ભ જીવન છોડ્યા પછી તેમની માતા કાયદાના પ્રોફેસર બન્યાં. તેમણે ચાર દાયકા સુધી કાનૂની ક્લિનિક ચલાવ્યું.

ત્યાં તેઓ એવા લોકોને મદદ કરતાં હતાં, જેમને લાગતું હતું કે અન્યાયી ફોજદારી ન્યાયવ્યવસ્થાએ તેમને નિરાશ કર્યા છે.

તેમના પિતા પ્રોફેસર બન્યા અને તેમણે જાહેર શિક્ષણવ્યવસ્થામાં સુધારાને પોતાના મુખ્ય કાર્ય તરીકે અપનાવ્યું.

તેમની કામ કરવાની પદ્ધતિઓ બદલાઈ ગઈ હતી, પરંતુ તેમની માન્યતાઓ બદલાઈ નહોતી.

ઝાયદ કહે છે, "કોઈ તેમને ઉદારમતવાદી કે મધ્યમમાર્ગી કહે, તો તેમને એ વાતનું ખરાબ લાગે."

(આ લેખ બીબીસી વર્લ્ડ સર્વિસના કાર્યક્રમ 'આઉટલુક'ના એક ઍપિસોડ પર આધારિત છે. આ ઍપિસોડનું શીર્ષક હતું, "અમેરિકાના સૌથી વધુ વૉન્ટેડ લોકો: ફરાર જીવન જીવતું મારું કુટુંબ.")

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન