ભૂખ હડતાળ પર બેસેલા અભિજિતે શાહી ફેંકાયા બાદ કહ્યું- 'વાદળી મારો રંગ છે, જય ભીમ' - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, PTI
દિલ્હીમાં નીટ પેપર લીક મુદ્દે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે ધરણા પર બેસેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને હૉસ્પિટલ લઈ જવાયા બાદ, અનશન પર બેઠા કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે પર શાહી ફેંકવામાં આવી છે. સમાચાર સંસ્થા પીટીઆઈએ આ માહિતી આપી છે.
સમાચાર સંસ્થા પીટીઆઈએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં અભિજિત દીપકે સ્ટેજ પર કંઈક બોલતા નજરે પડે છે, ત્યારે એક મહિલા આવીને તેમના પર શાહી ફેંકે છે.
શાહી ફેંકાયા બાદ દીપકેના સમર્થનમાં ભીડ સ્ટેજ પર ઊમટી પડી હતી અને અફરાતફરી મચી ગઈ હતી.
શાહી કોણે અને કેમ ફેંકી એ માહિતી હજુ સુધી બહાર આવી નથી. જોકે અનેક મીડિયા રિપોર્ટમાં એવી માહિતી સામે આવી છે કે એક મહિલાએ શાહી ફેંકી હતી.
શાહી ફેંક્યા બાદ અભિજિત દીપકેએ ઍક્સ પર લખ્યું, "વાદળી મારો રંગ છે, જય ભીમ."
અભિજિત પર જે શાહી ફેંકાઈ તે વાદળી રંગની હતી.
સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર સફદરજંગ હૉસ્પિટલે શું કહ્યું

ઇમેજ સ્રોત, Vipin Kumar/Hindustan Times via Getty Images
દિલ્હીના જંતર-મંતર પર અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેસેલા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને શનિવાર સવારે પોલીસ સફદરજંગ હૉસ્પિટલ લઈ ગઈ હતી.
હૉસ્પિટલ પ્રશાસન અનુસાર, લાંબા સમય સુધી ઉપવાસના કારણે તેમને થોડી નબળાઈ અને શરીરમાં પાણીની ઊણપ (ડિહાઇડ્રેશન)ની ફરિયાદ છે. હાલ તેઓ સ્થિર પરિસ્થિતિમાં છે. અને બાકી બધા સ્વાસ્થ્ય માનક સામાન્ય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ ચારુ બંબાએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે, "સોનમ વાંગચુક આજે સવારે લગભગ 7.40 વાગ્યે હૉસ્પિટલ પહોંચ્યા. લાંબા સમયથી ઉપવાસ કરવાને કારણે તેમને થોડી નબળાઈ છે અને શરીરમાં પાણીની ઊણપ છે."
ડૉ ચારુ અનુસાર, "વાંગચુકના બધા વાઇટલ પેરામીટર સામાન્ય છે. તેઓ સતત દેખરેખમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેઓ પૂર્ણ રીતે સભાન છે અને તેમની પરિસ્થિતિ સ્થિર છે."
"હૉસ્પિટલ પહોંચવા પર સૌથી પહેલાં ઇમર્જન્સી મેડિસિન વિભાગે તેમની સારવાર કરી. ત્યાર બાદ તેમને મેડિસિન વિભાગમાં દાખલ કરાયા છે."
હૉસ્પિટલ તંત્રે જણાવ્યું કે, "વાંગચુકના શરીરમાં પાણીની કમીના કારણે તેમને ઇલેક્ટ્રોલાઇટ સ્તર પર અસરના સંકેત મળ્યા છે. તેના કારણે તેમને થોડા સમય માટે હૉસ્પિટલમાં દેખરેખમાં રાખવામાં આવ્યા છે. પહેલાં આને ઠીક કરવામાં આવશે અને પછી તેમની હાલતની ફરી તપાસ કરાશે."
ડીસીપી નવી દિલ્હીએ આ મામલે જાણકારી આપતા ઍક્સ પર લખ્યું કે દિલ્હી હાઇકોર્ટના આદેશ અને ડૉક્ટરોની સલાહ પછી સોનમ વાંગચુકની બગડતી તબિયતને જોતાં તેમને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયા છે.
ઈરાન પર સળંગ સાતમી રાતે અમેરિકાના હવાઈ હુમલા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન સૈન્યએ જણાવ્યું છે કે તેમણે સળંગ સાતમી રાતે ઈરાન પર હુમલા કર્યા છે. અમેરિકન પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની કામચલાઉ સંઘર્ષવિરામ સંધિ સમાપ્ત થયાની જાહેરાત થઈ, ત્યારથી અમેરિકાના હુમલા ચાલુ છે.
યુએસ મિલિટરી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ જણાવ્યું કે કમાન્ડર ઇન ચીફના આદેશ મુજબ ઈરાનની સૈન્ય ક્ષમતા સતત ઘટાડવા આ હુમલા કરવામાં આવ્યા હતા.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઈઆરજીસી)એ જણાવ્યું કે હોર્મુઝની સામુદ્રધુનીમાં સુરંગો બિછાવેલા વિસ્તારમાંથી પસાર થતી વખતે બે ઑઇલ ટૅન્કરોમાં વિસ્ફોટ થયા હતા. જોકે, અમેરિકાએ આ દાવાને રદિયો આપ્યો છે.
ઈરાનના મીડિયા પ્રમાણે યઝદ શહેર અને કાશમ ટાપુ સુધી વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો હતો.
અમેરિકા અને ઈરાનની સેના એકબીજા પર હુમલા કરી રહી હોવાથી હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોનું આવનજાવન ફરીથી અટકી ગયું છે. સામાન્ય રીતે આ રૂટ પરથી દુનિયાનો પાંચમા ભાગનો ઑઇલ અને ગૅસ પુરવઠો પસાર થતો હોય છે.
સોનમ વાંગચુકને પોલીસ હૉસ્પિટલે લઈ ગઈ, જંતરમંતરને ખાલી કરાવવાનું શરૂ

ઇમેજ સ્રોત, @abhijeet_dipke
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હીમાં જંતરમંતર ખાતે ચાલી રહેલા પ્રદર્શન મામલે મોટો વળાંક આવ્યો છે. 20 દિવસથી અહીં ભૂખ હડતાલ પર બેસેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને પોલીસ હૉસ્પિટલે લઈ ગઈ છે. ત્યાર પછી તરત જંતરમંતર પરથી પ્રદર્શનકારીઓને હટાવવાનું શરૂ થઈ ગયું છે.
એએનઆઈના અહેવાલ પ્રમાણે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અહીંથી લોકોને હટાવી રહ્યા છે. મહિલાઓને હટાવવા માટે મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મચારીઓ આવ્યા છે.
પીટીઆઈ મુજબ સોનમ વાંગચુકને સફદરજંગ હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા છે અને કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકેને પણ હિરાસતમાં લેવામાં આવ્યા છે.
દીપકેએ ઍક્સ પર લખ્યું છે કે "દિલ્હી પોલીસે મારી સાથે મારપીટ કરી છે અને મને અટકાયતમાં લીધો છે."
દરમિયાન દિલ્હી પોલીસે ઍક્સ પર પોસ્ટ કરી છે કે, "હાઈકોર્ટના આદેશ અને સોમન વાંગચુકની કથળતી હાલત વિશે તબીબી નિષ્ણાતોની સલાહના પગલે તેમને જરૂરી તબીબી સારસંભાળ માટે હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા છે."
પોસ્ટમાં જણાવાયું છે કે "પ્રદર્શનકારીઓએ અવરોધ સર્જવા પ્રયાસ કર્યો હતો, જેથી થોડો સમય હંગામો થયો હતો. જોકે, પોલીસે મહત્તમ સુરક્ષા સાથે કાર્યવાહી પૂરી કરી હતી."
કૉકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસે 'X' પર લખ્યું છે કે, "દિલ્હી પોલીસે અભિજિત દીપકેને તેમના રોકાણના સ્થળેથી અટકાયતમાં લીધા છે."
"લોકો મને જણાવી રહ્યા છે કે સોનમ વાંગચુકને વિરોધ પ્રદર્શનના સ્થળેથી ઉઠાવી લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે."
મતદારયાદીમાંથી નામ નીકળી જાય તેનો અર્થ નાગરિકત્વ ગુમાવ્યું એવો નથીઃ સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન લાખો લોકોના નામ મતદારયાદીમાંથી નીકળી ગયા છે જેના કારણે તેમને કેટલીક કલ્યાણ યોજનાઓના લાભ મળી શકતા નથી.
આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈનું નામ મતદારયાદીમાં ન હોય તેનો અર્થ એવો નથી કે તેઓ આપોઆપ ભારતનું નાગરિકત્વ ગુમાવી દે છે.
લાઇવ લૉના અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે "ચૂંટણીપંચ એ નાગરિકત્વ નક્કી કરવા માટેની સર્વોચ્ચ ઑથોરિટી નથી, તથા મતદારયાદીમાંથી નામ કમી થઈ જાય તેથી વ્યક્તિ નાગરિકત્વ ગુમાવતી નથી."
પ્રસેનજીત બોઝ નામના અરજકર્તા દ્વારા કરવામાં આવેલી પિટિશન પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આમ કહ્યું હતું.
અરજકર્તાની દલીલ હતી કે "એસઆઈઆર પછી 19 એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ 34 લાખ અરજીઓ હજુ પેન્ડિંગ છે. હજુ સુધીમાં લગભગ 38 હજાર અરજીઓનો નિકાલ થયો છે. તેનો અર્થ એવો થયો કે ઓછામાં ઓછી 70 ટકા અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવે છે."
મૅક્સિકોમાં 7.3ની તીવ્રતાના ભૂકંપ પછી સુનામીની ચેતવણી

ઇમેજ સ્રોત, Reuters
મૅક્સિકોમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને હવે તેના કારણે સુનામી આવે તેવી શક્યતા છે. સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મૅક્સિકોના સમુદ્રકિનારે શુક્રવારે સાંજે 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમ મુજબ મૅક્સિકો અને ગ્વાટેમાલાના સમુદ્રકિનારે 0.3થી એક મીટર ઊંચી સુનામીની લહેરો ઉઠી શકે છે.
સાઉથ મૅક્સિકોના ઓઆક્સાકા રાજ્યના ગવર્નર સલોમોન જારા ક્રૂઝે જણાવ્યું કે ભૂકંપના આંચકા મધ્યમ તીવ્રતાના હતા. હજુ સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.
ભૂકંપના કારણે ગ્વાટેમાલા શહેરના લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ ભૂકંપનું કેન્દ્ર મૅક્સિકો શહેરના પ્યૂર્ટો માદેરો નજીક અને 15.2 કિલોમીટરની ઉંડાઈએ હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















