સુરત : ભાજપના મહામંત્રીએ 645 બૉટલ ઇંગ્લિશ દારૂ સાથે ધરપકડ બાદ કહ્યું - 'હું તો વેપારી છું'

બીબીસી ગુજરાતી સુરત પોલીસે ભાજપના વૉર્ડ નં. 12ના મહામંત્રી વિજય મોદી (જમણે) અને અન્ય એક આરોપીને સોમવારે ઇંગ્લિશ દારૂની 645 બૉટલો સાથે પકડીને કેસ કર્યો હોવાનો દાવો કર્યો હતો. ગુજરાત ન્યૂઝ અપડેટ સુરત બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, સુરત પોલીસે ભાજપના વૉર્ડ નં. 12ના મહામંત્રી વિજય મોદી (જમણે) અને અન્ય એક આરોપીને સોમવારે ઇંગ્લિશ દારૂની 645 બૉટલો સાથે પકડીને કેસ કર્યો હોવાનો દાવો કર્યો હતો.
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગત સોમવારે વહેલી સવારે 'સુરત ભાજપના નેતા અને પદાધિકારી' વિજય મોદીના લાલગેટ વિસ્તારમાં સ્થિત ઘરેથી 645 ઇંગ્લિશ દારૂની નાની-મોટી બૉટલો મળી આવતાં સ્થાનિક પોલીસે વિજય મોદી, તેના દીકરા રાજ મોદી અને અન્ય આરોપી કરણ પાનવાલાની તાત્કાલિક ધરપકડ કરીને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઘટના અંગે મળેલી માહિતી અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે અને દરોડા પહેલાં દારૂના પૅકિંગનું કામ ચાલુ છે.

કેસ અંગે માહિતી ધરાવતા પોલીસ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે, પોલીસે રાજ મોદીને આ ગુના વૉન્ટેડ જાહેર કર્યો છે, જ્યારે 62 વર્ષીય આરોપી વિજય મોદી અને 29 વર્ષીય આરોપી કરણની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. બંને હાલ જામીન પર મુક્ત છે.

પોલીસ આ કેસમાં હજુ રાજ મોદીને શોધી રહી છે.

સુરત ભાજપના એકમ દ્વારા આ ધરપકડના સમાચાર મીડિયામાં પ્રસારિત થયા બાદ વિજય મોદીને 'કારણદર્શક નોટિસ' પાઠવી ખુલાસો માગ્યો છે.

સામેની બાજુએ આરોપી વિજય મોદીએ સમગ્ર કેસને 'રાજકીય અદાવતથી પ્રેરિત કાર્યવાહી' ગણાવી છે

સુરતમાં ભાજપના નેતાની દારૂના કેસમાં ઘરપકડનો શું છે કેસ?

બીબીસી ગુજરાતી સુરત પોલીસે ભાજપના વૉર્ડ નં. 12ના મહામંત્રી વિજય મોદી (જમણે) અને અન્ય એક આરોપીને સોમવારે ઇંગ્લિશ દારૂની 645 બૉટલો સાથે પકડીને કેસ કર્યો હોવાનો દાવો કર્યો હતો. ગુજરાત ન્યૂઝ અપડેટ સુરત બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

પોલીસે આ મામલે 23 નવેમ્બરના રોજ એક પ્રેસ નોટ જાહેર કરીને માહિતી આપી હતી.

આ પ્રેસનોટમાં અપાયેલી વિગતો મુજબ, "સ્થાનિક લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાજ મોદી અને વિજય મોદી નામના ઇસમો પોતાના ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, તેમજ હાલ, પગથિયાં પાસે પૅકિંગનું કામ ચાલી રહ્યું છે."

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રેસ નોટ અનુસાર, પોલીસે આ બાતમી આધારે આ મકાન પર દરોડો પાડીને આરોપી વિજય મોદીના ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશ દારૂની અલગ અલગ બ્રાન્ટની નાની-મોટી મળીને એક કુલ 645 બૉટલો કબજે કરી હતી, જેની કિંમત 2,65,519 રૂપિયા છે.

લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ એચજે સોલંકીએ આ કેસ અંગે માહિતી આપતાં બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "ગત સોમવારે વહેલી સવારે પોલીસે દરોડો પાડીને આ કામગીરી કરી હતી. જેમાં આરોપી વિજય અને અન્ય એક મદદગારની ધરપકડ કરાઈ હતી. વિજય મોદીના દીકરા અને આ કામના મુખ્ય આરોપી રાજ મોદીને આ કેસમાં વૉન્ટેડ બતાવવામાં આવ્યો છે. તેની સામે અગાઉ પણ ઘણા કેસ નોંધાઈ ચૂક્યા છે."

પીઆઇ સોલંકીએ આગળ કહ્યું કે, પોલીસે બંને પકડાયેલા આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી પોતાની કાર્યવાહી કરી હતી, હાલ, બંનેને કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે.

"હાલ, આ કેસની તપાસ આગળ ચાલુ છે, રાજ મોદીને અમે શોધી રહ્યા છીએ, તે પકડાશે ત્યારે આ દારૂનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવેલો એ સંબંધની તપાસ આગળ કરાશે."

પોલીસે આ કેસમાં ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અને ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ 2017ની કલમ 65(એ)(ઇ), 116 (બી), 81 અને 83 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રેસ નોટમાં અપાયેલી વિગતો અનુસાર, આ કેસમાં પકડાયેલા આરોપી વિજય મોદી સામે વર્ષ 2014માં એક ગુનો દાખલ થઈ ચૂક્યો છે.

તેમજ તેના દીકરા રાજ મોદી સામે પ્રોહિબિશનના કુલ 11 કેસો દાખલ થયેલા છે, અને બે વખત પાસાની કાર્યવાહી થઈ ચૂકી છે.

દારૂના કેસમાં પકડાયા બાદ ભાજપના નેતાએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી સુરત પોલીસે ભાજપના વૉર્ડ નં. 12ના મહામંત્રી વિજય મોદી (જમણે) અને અન્ય એક આરોપીને સોમવારે ઇંગ્લિશ દારૂની 645 બૉટલો સાથે પકડીને કેસ કર્યો હોવાનો દાવો કર્યો હતો. ગુજરાત ન્યૂઝ અપડેટ સુરત બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, સ્થાનિક ભાજપ એકમે આ ગુનો દાખલ થયા બાદ વિજય મોદીને 'કારણદર્શક નોટિસ' પાઠવી હતી

ભાજપે પણ વૉર્ડ નંબર 12ના મહામંત્રી એવા વિજય મોદીને દારૂનો આ ગુનો દાખલ થયા બાદ 'કારણદર્શક નોટિસ' પાઠવી છે.

જેમાં લખાયું છે કે, "મીડિયાના માધ્યમથી મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ થયો છે, તે અંગે સાત દિવસમાં લેખિતમાં ખુલાસો કરશો. નહીં તો શિસ્તભંગના પગલાં લેવામાં આવશે."

આ સમગ્ર પ્રકરણ અંગે સુરત શહેર મહામંત્રી દુર્ગાપ્રસાદ પાંડેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "આ કાર્યકર્તાને પાર્ટી લેવલથી નોટિસ અપાઈ ગઈ છે. આગળની કાર્યવાહી કરવામાં આવશે."

પોતાની સામે દાખલ થયેલા ગુના અંગે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાનો પક્ષ મૂકતા વિજય મોદીએ જણાવ્યું હતું કે, "મારો દીકરો દારૂનો ધંધો કરે છે, પણ એ મારી સાથે નથી રહેતો. મારું ઘરની ઇમારતના દાદરેથી માલ મળ્યો હતો. જેની મને ખબરેય નહોતી. પોલીસને કદાચ આ વાતની ખબર પડી હશે, તેથી તેઓ સ્થળ પર પહોંચેલા. રાત્રે ત્રણ-ચાર વાગ્યાના ગાળામાં તેઓ ઉપરના માળે જ્યાં હું રહું છું ત્યાં આવી પહોંચ્યા હતા. એ દરમિયાન હું સૂતો હતો."

તેઓ આગળ કહે છે કે, "મને તો આ દરમિયાન નીચે શું થયું એની કંઈ ખબર નહોતી. પોલીસે મારી પાસેથી આવીને મોબાઇલ લઈ લીધો અને મને જે સ્થિતિમાં હતો એમાં જ પોલીસ સ્ટેશન લઈ જવા લાગ્યા. પોલીસે ત્યારે કહેલું કે પોલીસ સ્ટેશન આવો તમને છોડી મૂકીશું, પણ બાદમાં મારા પર જ કેસ કરી દેવાયો."

"આ રાજકીય અદાવતમાં કરાવાયેલી કાર્યવાહી છે. સ્થાનિક લેવલે પાર્ટીના અન્ય લોકોએ અદાવત રાખીને આ કરાવ્યું છે. સમય આવ્યે હું આનો ખુલાસો કરીશ."

પાર્ટી તરફથી મળેલી 'કારણદર્શક નોટિસ' અંગે પ્રતિક્રિયા આપતાં વિજય મોદી કહે છે કે, "એમાં કંઈ નહીં, રાજીનામું આપી દઈશું."

વિજય મોદી કહે છે કે, "મારી લાલગેટ બજારમાં જ અનાજની દુકાન છે અને હું તો વેપા કરું છું, મારો દીકરો જે દારૂનો ધંધો કરે છે, તે મારી સાથે નથી રહેતો. આ બાબતની નોટિસ પણ હું ન્યૂઝપેપરમાં આપવાનો છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન