You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનો બીજા નંબરનો પક્ષ કૉંગ્રેસ કે આમ આદમી પાર્ટી, આંકડાઓથી શું સાબિત થાય છે?
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 6 મિનિટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં અંતિમ પરિણામો જાહેર થઈ ગયાં છે.
આ પરિણામો પછી ભાજપ તેની 'સૌથી ભવ્ય' જીતનો દાવો કરી રહ્યો છે, તો બીજી તરફ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતે ગુજરાતનો વિકલ્પ કે બીજા નંબરનો પક્ષ હોય તેવા દાવાઓ કરી રહ્યાં છે.
ચૂંટણીનું પરિણામ આવ્યું એ દિવસે બપોરે ત્રણ વાગ્યે યોજેલી પ્રેસ કૉન્ફરન્સમાં તો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ કહ્યું હતું કે, " અત્યાર સુધીનાં પરિણામોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ બીજા નંબરની પાર્ટી છે અને આપ જ ગુજરાતની જનતાને મળેલો વિકલ્પ છે."
આ પછી પણ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ ગુજરાતને નવો વિકલ્પ મળી ગયો હોવાના દાવા કર્યા હતા.
પરંતુ શું ખરેખર એવું છે? ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખરેખર બીજા નંબરનો પક્ષ છે?
જીતેલી બેઠકો અને પક્ષોને મળેલા મતની ટકાવારીના આંકડા જોઈએ તો શું તારણ નીકળે છે? આ અહેવાલમાં આપણે એ સમજવાની કોશિશ કરીશું.
મહાનગરપાલિકામાં બીજા નંબરનો પક્ષ કયો છે?
છ જૂની મહાનગરપાલિકાઓની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને સુરતમાં ચાર અને જામનગરમાં બે બેઠકો મળી છે. આ સિવાય તેને મહાનગરપાલિકામાં ક્યાંય સફળતા મળી નથી.
બીજી તરફ કૉંગ્રેસે અમદાવાદમાં 32 બેઠકો, રાજકોટમાં સાત બેઠકો, વડોદરામાં છ બેઠકો, ભાવનગરમાં આઠ બેઠકો, જામનગરમાં બે અને સુરતમાં એક બેઠક જીતી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2021ની ચૂંટણી સાથે સરખામણી કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં કૉંગ્રેસની બેઠકોની સંખ્યા વધી છે.
નવી બનેલી નવ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ તેમાં કૉંગ્રેસને મોટી સફળતા મળી નથી, પરંતુ તેણે કુલ 39 બેઠકો જીતી છે. જ્યારે આપ આ નવ મહાનગરપાલિકાઓમાં એક પણ બેઠક જીતી શકી નથી.
15 મહાનગરપાલિકામાં આ પક્ષોને મળેલા મતની ટકાવારી જોઈએ તો કૉંગ્રેસને 26.46 ટકા મત મળ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીને 10.27 ટકા મત મળ્યા છે.
આમ, મહાનગરપાલિકામાં બેઠકો અને મળેલા મતની ટકાવારી અનુસાર કૉંગ્રેસ બીજા નંબરની પાર્ટી છે.
નગરપાલિકાઓમાં કોણ બીજા નંબરનો પક્ષ?
84 નગરપાલિકાઓની 2624 બેઠકોની સ્થિતિ જોઈએ તો કૉંગ્રેસને 459 બેઠકો મળી છે. કૉંગ્રેસે છ નગરપાલિકામાં સત્તા હાંસલ કરી છે.
આમ આદમી પાર્ટી માત્ર 18 બેઠકો જીતવામાં સફળ રહી છે. જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોને ફાળે 159 બેઠકો મળી છે.
નગરપાલિકાઓમાં પક્ષોને મળેલા મતની ટકાવારી જોઈએ તો કૉંગ્રેસને 30.68 ટકા મત મળ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 4.89 ટકા મત મળ્યા છે.
અન્ય પક્ષો કે અપક્ષોને ભાગે 11.92 ટકા મત ગયા છે.
આમ, નગરપાલિકાઓમાં પણ મળેલા મતની ટકાવારી અને બેઠકોને આધારે કૉંગ્રેસ બીજા નંબરનો પક્ષ બન્યો છે.
જિલ્લા પંચાયતોમાં કયો પક્ષ સૌથી મોટો?
34 જિલ્લા પંચાયતોની વાત કરીએ તો કુલ 1090 બેઠકોમાંથી કૉંગ્રેસને ફાળે 136 બેઠકો ગઈ છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 58 બેઠકો જીતી છે.
મતોની ટકાવારી જોઈએ તો કૉંગ્રેસને 33.7 ટકા મત મળ્યા છે અને આપને 12.4 ટકા મત મળ્યા છે.
આમ, મતોની ટકાવારી અને બેઠકોની દૃષ્ટિએ અહીં પણ કૉંગ્રેસ મોટો પક્ષ છે.
પરંતુ અહીં એ પણ નોંધવું જોઈએ કે આમ આદમી પાર્ટીએ એક જિલ્લા પંચાયત જીતી છે. નર્મદા જિલ્લા પંચાયત આપે કબજે કરી છે. કૉંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી.
તાલુકા પંચાયતોમાં કયો પક્ષ સૌથી મોટો?
260 તાલુકા પંચાયતોની 5228 બેઠકોમાંથી કૉંગ્રેસે 1050 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીને ફાળે 407 બેઠકો ગઈ છે.
મતોની ટકાવારી જોઈએ તો કૉંગ્રેસને 32.89 ટકા મત મળ્યા છે અને આપને 12.67 ટકા મત મળ્યા છે.
આમ, તાલુકા પંચાયતોમાં પણ કૉંગ્રેસનું પ્રદર્શન આમ આદમી પાર્ટી કરતાં ઘણું સારું છે.
જોકે, અહીં એ નોંધવું જોઈએ કે 260માંથી કુલ 12 તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટી શાસન કરશે, કારણ કે તેણે બહુમતી કરતાં વધુ બેઠકો મેળવી છે. ગુજરાતમાં કોઈ ત્રીજા પક્ષ માટે આ 'રેકૉર્ડ' છે.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીને 2021ની સરખામણીએ બેઠકોની સંખ્યામાં પણ ઘણો ફાયદો થયો છે.
ગુજરાતમાં કૉંગ્રેસ જ મુખ્ય વિપક્ષી પાર્ટી?
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નરેશ વરિયાની દૃષ્ટિએ કૉંગ્રેસ જ હજુ ગુજરાતની મુખ્ય વિપક્ષી પાર્ટી છે.
તેઓ કહે છે, "આમ આદમી પાર્ટીને જેટલા મતો મળ્યા છે એ એટલા માટે વધારે દેખાય છે કારણ કે તેમના કુલ ઉમેદવારોની સંખ્યા ઓછી હતી. કૉંગ્રેસે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી લડી હતી અને આપ કરતાં તેના ઉમેદવારો વધારે હતા."
નરેશ વરિયા કહે છે, "પક્ષોની સ્થિતિનો નિષ્કર્ષ કાઢતી વખતે સંગઠનથી માંડીને કાર્યકર્તાઓની શક્તિ, ચહેરો, નેતૃત્વ બધું જ જોવું પડે છે. કૉંગ્રેસનું સંગઠન શહેરોમાં ઘણું નબળું છે પરંતુ તેની પાસે કાર્યકર્તાઓ છે. ચૂંટણી પરિણામોથી એ સ્પષ્ટ દેખાય છે કે કોઈ ખાસ પ્રચાર-પ્રસાર વગર અમદાવાદ, રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં પણ તેની બેઠકો વધી છે. જ્યારે તમામ શક્તિ લગાડવા છતાં આપ સુરતમાં 27થી ઘટીને ચાર બેઠક પર આવી ગઈ છે. ફર્ક એટલો જ છે કે કૉંગ્રેસ પાસે લડાયક નેતૃત્વ નથી."
વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યનું તો કહેવું છે કે ગુજરાતની મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસ જ હતી, અત્યારે પણ છે અને રહેશે.
તેઓ કહે છે, "એક વાર આપે સારું પ્રદર્શન કર્યું તેનો અર્થ એવો નથી કે તેણે કૉંગ્રેસનું સ્થાન લઈ લીધું. આ કરવા માટે ગુજરાતના ખૂણે ખૂણે કાર્યકર્તાઓ, ઑફિસો, સંગઠન જોઈએ, જે આપ પાસે નથી. આંકડાઓ પરથી પણ સ્પષ્ટ છે કે કૉંગ્રેસને આપ કરતાં ત્રણ ગણી વધુ બેઠતો મળી છે. કૉંગ્રેસનું પ્રદર્શન સાર્વત્રિક છે, જ્યારે આપને અમુક પૉકેટ્સમાં જ મત મળ્યા છે. કૉંગ્રેસ આખા ગુજરાતમાં સ્થાપિત થયેલી પાર્ટી છે."
નરેશ વરિયા કહે છે, "આપને જ્યાં સફળતા મળી છે તેનું વિશ્લેષણ કરીએ તો તેને આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાને કારણે સફળતા મળી છે. 2021માં સુરતમાં પાટીદાર મતદારોને કારણે જીત મળી હતી. એટલે કે ચોક્કસ પૉકેટ્સમાં નિશ્ચિત વૉટબૅન્ક અને ચહેરા પર તેનો આધાર છે. જ્યારે કૉંગ્રેસ સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ જીતી છે. કૉંગ્રેસે આ વખતે પ્રમાણમાં યુવા ઉમેદવારો ઉતાર્યા હતા પરંતુ ફર્ક એટલો જ પડે છે કે તે આસાનીથી મતદારોને રિઝવી શકતી નથી."
"મારી દૃષ્ટિએ બંને પક્ષોનું ઑવરઓલ પ્રદર્શન સારું છે. બંને માટે પડકારો છે. ગોપાલ ઇટાલિયા સુરતમાં જીત અપાવી શક્યા ન હોવાથી તેમની ક્ષમતા પર પણ હવે સવાલો ઊઠશે."
જગદીશ આચાર્ય માને છે કે આ પરિણામો કૉંગ્રેસ માટે પણ કોઈ પોઝિટિવ સંકેત લઈને નથી આવ્યાં. તેની સ્થિતિ આપની સરખામણીમાં સારી છે પરંતુ સમગ્ર રીતે જોઈએ તો દયનીય સ્થિતિ છે.
તેઓ કહે છે, "કૉંગ્રેસ પાસે આખા રાજ્યને અપીલ કરી શકે તેવો કોઈ ચહેરો નથી. આપમાં પણ ઇસુદાન ગઢવીમાં સમગ્ર રાજ્યને નેતૃત્વ પૂરું પાડવાની ક્ષમતા નથી. ગોપાલ ઇટાલિયામાં એ ક્ષમતા છે, પણ તેમની સામે પણ હવે પડકારો વધવાના."
શું આપ-કૉંગ્રેસનું ગઠબંધન ફાયદો કરાવી શકે?
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં બંને પક્ષોમાંથી કોઈને જ્વલંત સફળતા મળી નથી કે તેઓ પ્રથમ દૃષ્ટીએ ભાજપને કોઈ મોટું નુકસાન પહોંચાડી શક્યા નથી. આ ચૂંટણીને 2027 પહેલાંની 'સેમીફાઇનલ' ગણવામાં આવી છે.
એવામાં આ પરિણામો પછી એ પણ ચર્ચા થઈ રહી છે કે શું બંને વિપક્ષી દળોનું ગઠબંધન ભાજપને વધુ નુકસાન પહોંચાડી શક્યું હોત?
વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા કહે છે, "2024ની લોકસભાની ચૂંટણીમાં આપ-કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું તો તેનો ફાયદો થયો હતો. હું માનું છું કે ભલે બંને પક્ષોને મળેલા મતનો સરવાળો ભાજપ કરતાં વધુ ન થતો હોય, પરંતુ સંયુક્ત રીતે લડવાથી ઘણું સારું પરિણામ મળી શકે."
તેઓ કહે છે, "ગઠબંધનને કારણે ચોક્કસ બેઠકો પર અસર થઈ શકે અને સત્તાપક્ષને મોટું નુકસાન થઈ શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે."
જગદીશ આચાર્ય કહે છે, "બંને પક્ષોની સ્થિતિ જોતાં તેમના વચ્ચે હવે ગઠબંધન થઈ શકે તેવું લાગતું નથી કારણ કે બંને પક્ષો તેનાથી ઘણા આગળ વધી ચૂક્યા છે. ગઠબંધન થાય તોપણ તેનાથી કોઈ મોટો ફાયદો થાય એવું પ્રતીત થતું નથી."
તેઓ કહે છે, "રાષ્ટ્રીય કે રાજ્યસ્તરની નેતાગીરીમાં પણ તેના માટે કોઈ રસ દેખાતો નથી. કારણ કે બંને પક્ષો પોતાના સ્વાર્થનો જ વિચાર કરે છે. જો તેમને ભાજપને ખરેખર હરાવવો હોય તો થોડું સમાધાન કરીને સાથે આવી શકાય, પરંતુ તેમના નેતાઓમાં એવી પરિપક્વતા પણ દેખાતી નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન