You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિન-મુસ્લિમોના પ્રવેશની મનાઈ છતાં એક અંગ્રેજ મક્કામાં કેવી રીતે ઘૂસ્યો અને પછી શું થયું?
- લેેખક, પૌલા રોસાસ
- પદ, બીબીસી ન્યૂઝ મુન્ડો
- વાંચવાનો સમય: 10 મિનિટ
કેટલાંક જીવનચરિત્રો એટલાં લાંબાં હોય છે, કે તેમને એક જીવનકાળમાં સમાવવાનું મુશ્કેલ થઈ જાય છે.
બ્રિટિશ શોધકર્તા, જાસૂસ, રાજદ્વારી, સૈનિક, અનુવાદક અને નૃવંશશાસ્ત્રી રિચર્ડ બર્ટનનું જીવન તેમના 79 વર્ષના આયુષ્યનાં તમામ પરાક્રમો અને વિવાદોને આવરી લેવા માટે સમય અને અવકાશની મર્યાદા ઓળંગી જતું હોય, એમ લાગે છે.
વિક્ટોરિયન સંશોધનના સુવર્ણયુગના સૌથી અસાધારણ સાહસિક 26 ભાષાઓ બોલી શકતા હતા અને બોલીઓને પણ ગણવામાં આવે, તો 40 ભાષાઓના જાણકાર હતા.
તેમણે મક્કા અને કરાચીનાં પુરુષ વેશ્યાલયોમાં છૂપી રીતે પ્રવેશ કર્યો હતો, નાઇલ નદીના ઉદ્ગમસ્થાનોની શોધ કરી તેમજ રૂઢિચુસ્ત બ્રિટિશ સમાજ માટે "અરેબિયન નાઇટ્સ" અને "કામસૂત્ર"નો અનુવાદ કર્યો, જેમણે અંગ્રેજી ભાષાનાં સૌથી વધુ નકલ કરાયેલાં પ્રતિબંધિત પુસ્તકોમાં સ્થાન મેળવ્યું.
પરંતુ, બર્ટને કેવળ બ્રિટિશ સામ્રાજ્યનાં સીમાડા વિસ્તારવાના આશયથી વિશ્વનો પ્રવાસ નહોતો ખેડ્યો.
બ્રિટિશ લેખક તથા શિક્ષણવિદ રેડમન્ડ ઓ'હેનલોને 19મી સદીના શોધકર્તાઓ પરની તેમની સિરીઝમાં નોંધ્યું છે, "તેમણે અન્ય એવી ચીજો પણ ખોળી હતી, જેનાથી રાણી વિક્ટોરિયાને હાર્ટ એટેક આવી ગયો હોતઃ વિદેશી દેવો અને ધર્મો, પ્રયોગાત્મક દવાઓ અને એ સૌથી પણ આગળ વધીને, સેક્સ અને કામુકતા."
"કેટલાક લોકો તેમને પ્રતિભાશાળી મનાતા હતા, તો કોઈના મતે, તેઓ એક વિકૃત વ્યક્તિ હતા."
1821માં દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લૅન્ડના ટોર્કીમાં જન્મેલા બર્ટનનો ઉછેર ફ્રાન્સ અને ઈટાલી સહિત યુરોપના જુદા-જુદા દેશોમાં થયો હતો, જ્યાં તેઓ તેના પરિવાર સાથે સ્થાયી થયા હતા. ભાષાઓ પ્રત્યે અસાધારણ ક્ષમતા અને તેની સાથે જ લેશમાત્ર વિનમ્રતા ન ધરાવતા બર્ટને ત્રણ વર્ષની વયે લેટિન અને ચાર વર્ષની વયે ગ્રીક ભાષા શીખી લીધી હોવાનો દાવો કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઑક્સફર્ડની ટ્રિનિટી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાં બર્ટને અરેબિક ભાષા શીખી, બાજ પાળવાની કળા શીખી, તલવારબાજીમાં મહારત મેળવી અને "શાનદાર મૂછો" વધારી, જે કાઢી નાખવાની તેમને ફરજ પાડવામાં આવી હતી. કંટાળીને તેમણે નિયમો તોડ્યા અને આખરે 1842માં પરવાનગી વિના રિલે રેસમાં ભાગ લેવા બદલ કૉલેજમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી.
જ્યારે યુનિવર્સિટીના અધિકારીઓએ તેમને ઠપકો આપ્યો, ત્યારે તેમણે વિદ્યાર્થીઓ સાથે બાળકો જેવો વ્યવહાર કરવા બદલ તેમને સામો જવાબ આપ્યો, "શિષ્ટતા દર્શાવીને નમન કર્યું" અને ત્યાંથી ચાલતી પકડી.
પણ તેમણે પ્રભાવશાળી અંદાજથી ત્યાંથી વિદાય લીધીઃ નિયમ ભંગ કરનારા અન્ય એક વિદ્યાર્થી સાથે તેમણે ઘોડાગાડી ભાડે કરી અને ઑક્સફર્ડના માર્ગો પરથી ટ્રમ્પેટ વગાડતાં, મિત્રોને ગુડબાય કહેતાં અને દુકાનની છોકરીઓના હાથ પર ચુંબન કરીને વિદાય લીધી.
આ નાટકીયતા અને બળવાખોર વૃત્તિ જીવનભર તેમની સાથે રહ્યાં, જેના કારણે તેમને "ડિક ધ રફિયન"નું હુલામણું નામ મળ્યું.
તેમણે સ્વયંને "એક રખડુ, ભટકતો આત્મા... ચોક્કસ દિશા વિનાના પ્રકાશના ઝબકારા જેવા ગણાવ્યા." અને વતનથી ઘણે દૂર, યુરોપમાં બાળપણ વીતવાને કારણે તેમની ફરિયાદ હતી કે, "ઇંગ્લૅન્ડ એકમાત્ર એવો દેશ છે, જ્યાં મને કદી ઘર જેવી લાગણી નથી થતી."
વિવિધ જીવનચરિત્રો તેમને એવા અતિશયોક્તિ અને અતિરેક ધરાવતા માણસ તરીકે વર્ણવે છે, જે વેશ્યાલયો અને પુસ્તકાલયોની સાથે-સાથે નશીલાં દ્રવ્યો, દારૂના પીઠાની પણ મુલાકાત લેતા હતા. તેઓ જિજ્ઞાસાવશ વિવિધ સમાજો વિશે જાણકારી મેળવવા માટે પ્રવાસ ખેડતા હતા.
કરાચી રિપોર્ટ
એક કિસ્સા પરથી જાણી શકાય છે કે, બર્ટન કેટલા ઊંડાણપૂર્વક અને કોઈપણ પ્રકારના ભય વિના તેમની આસ-પાસની ચીજોમાં તલ્લીન થઈ જતા હતા.
ઑક્સફર્ડ છોડી દીધા પછી બર્ટન ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં જોડાયા, જ્યાં તેમણે નિર્દયી જનરલ ચાર્લ્સ નેપિયરના હાથ નીચે ફરજ બજાવી.
બર્ટન ગુજરાતી, પંજાબી, તેલુગુ, પશ્તો, મરાઠી અને હિંદુસ્તાની સહિતની ઘણી સ્થાનિક ભાષાઓ શીખ્યા. પર્શિયન અને અરેબિકમાં તેઓ અગાઉથી જ માહેર હતા, જેને પગલે ગુપ્તચર સેવા માટે તેઓ એક મહત્ત્વપૂર્ણ અસ્કયામત બની ગયા.
સ્થાનિક લોકો સાથે હળી-મળી જવા માટે અને બ્રિટિશરો જ્યાં કદીયે પગ પણ નહોતો મૂકી શકતા, તેવાં સ્થળો સુધી પહોંચવા માટે બર્ટને તેમના વાળ ખભા સુધી લાંબા કર્યા અને દાઢી રાખી. તેમણે હાથ-પગમાં મહેંદી લગાવી અને સ્વયંને "મિર્ઝા અબ્દુલા" ગણાવ્યા તથા ઉચ્ચારોને લગતી સંભવિત સમસ્યાઓને છૂપાવવા માટે સ્વયંને આરબ-ફારસી મૂળના ખાડીના વેપારી ગણાવ્યા.
કરાચી જ્યાં આવ્યું હતું, તે પ્રદેશની ભાષા - સિંધી બોલી શકનારા એકમાત્ર બ્રિટિશ અધિકારી તરીકે, નેપિયરે 1845માં તેમને શહેરનાં સમલૈંગિક વેશ્યાલયો વિશે જાણકારી મેળવવાનું કામ સોંપ્યું, જે પાછળનો આશય પુરુષ વેશ્યાવૃત્તિનો અંત આણવાનો હતો.
પોતાના સ્થાનિક મિત્રો સાથે "મિર્ઝા અબ્દુલા" રોજ રાતે જુદાં-જુદાં વેશ્યાલયોની મુલાકાત લેતા અને ઝીણવટપૂર્વક પોતાનું કામ કરતા કે, તેના કારણે રૂઢિવાદી વિક્ટોરિયન સમાજ હચમચી ગયો, જેથી સેનામાં તેમનું ભવિષ્ય હંમેશાં માટે બરબાદ થઈ ગયું.
કેટલાંક જીવનચરિત્રો અનુસાર, તે વેશ્યાલયોના મોટાભાગના ગ્રાહકો બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓ હોવાની બર્ટને જણાવેલી હકીકત તેમની કારકિર્દી માટે પ્રાણઘાતક નીવડી.
મક્કાનો પ્રવાસ
તે પછી બર્ટન ઇંગ્લૅન્ડ પરત ફર્યા, જ્યાં તેમણે ભારતના વિવિધ સમુદાયોના રિવાજો વિશે ઘણાં પુસ્તકો લખ્યાં, પણ રોમાંચ અને શોધના વળગણે કદી તેમનો પીછો ન છોડ્યો.
તેમની પ્રબળ ખેવનાઓ પૈકીની એક હતી - મુસ્લિમોનાં પવિત્ર શહેરો તેમજ તીર્થધામનાં સ્થળો એવાં મક્કા અને મદીનાની યાત્રા કરવી, જ્યાં બિન-મુસ્લિમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો અને આજે પણ છે. વળી, તે સમયે તો, આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારને મૃત્યુદંડ આપવામાં આવતો હતો.
પણ તેનાથી બર્ટન પોતાના નિર્ણય પરથી ડગ્યા નહીં. 1909માં થૉમસ રાઇટ દ્વારા લખાયેલા બર્ટનના વિસ્તૃત જીવનચરિત્ર "ધ લાઇફ ઑફ સર રિચર્ડ બર્ટન"માં આપેલી વિગતો અનુસાર, "તેમણે વર્ષો સુધી મુસ્લિમ ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો, મોટાભાગની કુરાન તેમને કંઠસ્થ થઈ ગઈ હતી અને તેઓ 'નમાઝ પઢવામાં' પણ માહેર થઈ ગયા હતા'."
આ વખતે ઓળખ છૂપાવવા માટે તેમણે પશ્તૂન ડૉક્ટરનો વેશ ધારણ કર્યો અને સ્વયંને "શેખ અબ્દુલા" ગણાવ્યા અને અફઘાનિસ્તાનથી આવ્યા હોવાનો દાવો કર્યો.
તેમણે તેમનું માથું મુંડાવ્યું અને પાછી દાઢી વધારી. એક મિત્રના જણાવ્યા પ્રમાણે, પાત્રમાં વાસ્તવિકતા લાવવા માટે તેમણે સુન્નત સુદ્ધાં કરાવી હતી.
આમ, બર્ટન 1853માં ઇંગ્લૅન્ડથી કેઇરો ગયા. ત્યાં તેમણે તેમનો જાત્રાળુનો પોષાક ખરીદ્યો અને ઇસ્લામની પવિત્ર ભૂમિમાં જવા માટે તમામ તૈયારીઓ કરી લીધી, પણ તે પહેલાં તેમણે આલ્બેનિયાના એક કપ્તાન (જેમની સાથે તેમને નવી-સવી જ ઓળખાણ થઈ હતી) સાથે ખૂબ શરાબ પીધો.
જ્યારે આ વાત ફેલાઈ ગઈ, ત્યારે શેખ અબ્દુલા બનેલા બર્ટનને ત્યાંથી તાબડતોબ વિદાય લેવાનું મુનાસિબ લાગ્યું.
રાઇટે લખેલા જીવનચરિત્ર પ્રમાણે, તેમણે ઊંટની સવારી કરીને જંગલી જાનવરો અને તેથીયે વધારે જંગલી લોકોનો વસવાટ ધરાવતી વેરાન ધરતીના માર્ગે સૂએઝની વાટ પકડી.
સૂએઝમાં તેમને મદીના અને મક્કાના કેટલાક સ્થાનિકો મળ્યા, જે તેમના સહપ્રવાસી બનવાના હતા. તેમાં "સાદ ધ ડેમોન"નો પણ સમાવેશ થતો હતો. તે "એક અશ્વેત વ્યક્તિ હતો અને મદીનાથી તેની ત્રણ પત્નીઓ માટે સરસ કપડાં ભરેલાં બે ખોખાં લઈ આવ્યો હતો. બીજો પ્રવાસી શેખ હામીદ હતો - લાંબો અને પરસેવાથી રેબઝેબ થતો આરબ. શેખ હામીદને તેના બૉક્સમાંથી સ્વચ્છ કપડાં લેવાની આળસ આવતી હોવાથી તે કદીયે નમાઝ પઢતો નહોતો."
આ પ્રકારના કિસ્સા અને વિગતોનાં વર્ણનોને પગલે તે યાત્રા વિશેનું પુસ્તક "પિલ્ગ્રિમેજ ટુ મદીના ઍન્ડ મક્કા" અત્યંત પૂર્વગ્રહ ધરાવતા અને સાથે જ વિદેશીવાદ માટે ઉત્સુક એવા ઇંગ્લૅન્ડમાં ભારે સફળ થયું.
નૌકામાં મુસાફરી ખેડ્યા બાદ બર્ટન યામ્બુના બંદરે પહોંચ્યા અને ત્યાં માર્ગમાં બેદૂઈનોના હુમલાનો સામનો કરીને મદીના ગયા.
તેમણે શહેરનાં પવિત્ર સ્થાનોની મુલાકાત લીધી અને મદીનામાં દમાસ્કસથી આવી રહેલા 7,000 તીર્થયાત્રીઓના એક વિશાળ કાફલાના સાક્ષી બન્યા.
તેમાં ભવ્ય લીલી અને સોનેરી પાલખીઓમાં બેઠેલા અમીર ઉમરાવો, વિશાળ સફેદ સીરિયન ઊંટ, કિંમતી શણગાર ધરાવતા ઘોડા અને ખચ્ચરો, શ્રદ્ધાળુ હાજીઓ, શરબત વેચનારાઓ, પાણીવાળા અને અસંખ્ય ઊંટ, ઘેટાં અને બકરીઓનો સમાવેશ થતો હતો." આવા ભવ્ય દૃશ્યથી કોણ અભિભૂત ન થાય?
તેઓ મક્કા જતા કાફલામાં જોડાઈ ગયા અને 11મી સપ્ટેમ્બર, 1853ના રોજ ત્યાં પહોંચ્યા.
ત્યાં, ઇસ્લામિક સમુદાયના એક સામાન્ય સભ્ય તરીકે તેમણે તમામ ધાર્મિક વિધિઓ પૂરી કરીઃ તેમણે સાત વખત કાબાની પ્રદક્ષિણા કરી - તે એક પવિત્ર ઇમારત છે, જેની દિશા તરફ મોઢું રાખીને મુસ્લિમો નમાઝ પઢે છે. બર્ટનના સેવક મહમ્મદે કેટલાક ઈરાનીઓને ડુક્કર કહીને અપમાનિત કરતાં ત્યાં નાની ઝપાઝપી પણ થઈ હતી. આ શોરબકોરનો લાભ ઊઠાવીને તેઓ કાબાના એક ખૂણે આવેલા પવિત્ર પથ્થર - બ્લૅક સ્ટોનને ચૂમવા જતા રહ્યા.
"જ્યારે હું તે પથ્થરને ચૂમી રહ્યો હતો અને મારા હાથ અને કપાળ તેના પર ઘસી રહ્યો હતો, ત્યારે મેં ધ્યાનથી તેનું નિરીક્ષણ કર્યું અને સમજી ગયો કે, તે ઉલ્કાપિંડ હતો," એમ બર્ટને લખ્યું હતું.
બર્ટને ગુપ્ત રીતે કાબા વિશેની નોંધ મેળવી અને રેખાચિત્રો બનાવ્યાં હતાં.
તેમનું માનવું હતું કે, પવિત્ર સ્થળને ઢાંકનારા પડદાને પકડીને રડનારા તમામ શ્રદ્ધાળુઓમાંથી કોઈએ તેમના જેટલી ઊંડી ભાવના અનુભવી નહીં હોય. જોકે, તેમણે સ્વીકાર્યું કે, તેમની ભાવના "સંતુષ્ટિના ગર્વના પરમ આનંદની હતી."
બર્ટન મક્કામાં પ્રવેશ કરનારા પ્રથમ પશ્ચિમી નાગરિક નહીં હોય, પણ મુસ્લિમ વિધિઓ અને રીત-રિવાજોનું વિગતવાર વર્ણન કરનારા તેઓ પ્રથમ પશ્ચિમી વ્યક્તિ હતા.
તેમણે તેમના સાહસ વિશેની એક પણ વિગત બાકી નહોતી રાખી, જેનાથી તેમણે પોતાની આભાને વધુ પ્રભાવશાળી બનાવી.
નાઇલના ઉદ્ગમસ્થાનની શોધ
તેમનું પુસ્તક સફળ રહ્યું, પણ આ સફળતાની ઊજવણી કરવા માટે ઇંગ્લૅન્ડ પરત ફરવાને બદલે, તેમણે તે સમયે બિન-મુસ્લિમો માટે પ્રતિબંધિત વધુ એક સ્થળનો પ્રવાસ ખેડવાનો નિર્ણય કર્યોઃ આફ્રિકાના હોર્નમાં આવેલું હરાર શહેર.
આ વખતે તેઓ તુર્કિશ વેપારીનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચ્યા અને ત્યાં 10 દિવસ રોકાવા માટે શહેરના અમીર (રાજકુમાર) પાસેથી પરવાનગી મેળવી લીધી.
થૉમસ રાઇટ નોંધે છે: "બર્ટન સાહસિક હતા, પણ અવિચારી નહોતા. જ્યારે તેમણે વિચાર્યું કે, તેઓ એક અસહિષ્ણુ અને લોહીતરસ્યા રાજકુમારના આશ્રય હેઠળ છે, જેની અંધારી કોટડીઓ સાંકળોમાં જકડાયેલા અને અડધા ભૂખ્યા કેદીઓના રૂદનથી ગૂંજતી હતી, જ્યાં લોકો વિદેશીઓને ધિક્કારતા હતા, તેવા સ્થળે આ દુર્ગમ સીમા પાર કરનારા તેઓ એકમાત્ર યુરોપિયન હતા - આ વિચાર સ્વાભાવિક રીતે જ તેમને વ્યગ્ર કરી મૂકતો હતો."
હરાર પહોંચ્યા પછી બર્ટને નાઇલ નદીનાં ઉદ્ગમસ્થાનો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું, આ એક એવું રહસ્ય હતું, જેણે ઘણા શોધકર્તાઓની જિજ્ઞાસાને અકબંધ રાખી હતી.
નદીમાં મળી જતી બે મુખ્ય શાખાઓ પૈકીની બ્લ્યુ નાઇલ ઇથિયોપિયામાંથી નીકળે છે, પણ વ્હાઇટ નાઇલનું ઉદ્ગમસ્થાન અજ્ઞાત હતું.
તેમના આ અભિયાન દરમિયાન બરબેરામાં લગભગ 300 સ્થાનિકોએ હુમલો કરતાં પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
આ અભિયાનમાં અંગ્રેજ અધિકારી અને સંશોધક જ્હોન સ્પીક પણ સામેલ હતા. યોદ્ધાઓએ જૂથના કેટલાક સભ્યોને મારી નાખ્યા.
સ્પીકને ખભા અને પગમાં ઈજા થઈ હતી, જ્યારે બર્ટનના ચહેરા ઉપર ભાલાનો પ્રહાર કરવામાં આવ્યો હતો, જેનાથી તેમના ચહેરા પર તેમનું આ લાક્ષણિક અને ડરામણું નિશાન રહી ગયું.
સાજા થવા માટે ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો, ક્રીમિયન યુદ્ધમાં સ્વયંસેવક તરીકે સેવા આપી અને જીવનને અનુભવોથી અત્યંત સમૃદ્ધ બનાવતાં બર્ટને નાઇલનું તેમનું સાહસ ફરી શરૂ કર્યું.
સ્પીક અને 132 મજૂરો સાથે તેઓ ઝાંઝીબાર ટાપુ પરથી નીકળ્યા. નાઇલમાં ઉપરની તરફ પ્રવાસ કરવાને બદલે બર્ટને વિચાર્યું કે, હિંદ મહાસાગરથી ખંડ પાર કરીને ઉદ્ગમ સ્થાન ઝડપથી શોધી શકાશે.
આ અભિયાનમાં તેમણે જંગલો અને કાદવ-કીચડવાળા વિસ્તારો પાર કરવાં તથા તમામ પ્રકારનાં જીવજંતુઓના ડંખ સહિતની યાતનાઓ વેઠવી પડી.
આખરે, બર્ટન અને સ્પીક ટાંગાન્યિકા સરોવર જઈ પહોંચ્યાં, જ્યાં સુધી અગાઉ કોઈ શ્વેત વ્યક્તિ પહોંચી નહોતી કે તે વિશે જાણ સુદ્ધાં નહોતી.
ત્યાં સુધીમાં તેમને મેલેરિયા થઈ ગયો હતો અને આંશિક અંધાપો આવી ગયો હતો.
સ્પીક ઝડપથી સાજા થઈ ગયા અને જ્યારે ટાંગાન્યિકા સરોવર નાઇલનું ઉદ્ગમ સ્થાન ન હોવાની બંનેને ખાતરી થઈ ગઈ, તે પછી તેઓ અન્ય વિશાળ જળાશય તરફ જવા માટે રવાના થયા, જે માટે ઉત્તર તરફ ઘણાં સપ્તાહોની મુસાફરી ખેડવી પડે તેમ હતું. બીમાર બર્ટન મુસાફરી ખેડવા માટે અક્ષમ હોવાથી તેઓ આગળ ન વધી શક્યા.
સ્પીક અત્યારે જે વિક્ટોરિયા તળાવ તરીકે ઓળખાય છે, ત્યાં જઈ પહોંચ્યા, જેનું નામ તેમણે બ્રિટિશ શાસક પરથી રાખ્યું હતું. તેમણે નિષ્કર્ષ કાઢ્યો કે, નાઇલના ઉદ્ગમસ્થાનનું રહસ્ય તેમણે ઉકેલી કાઢ્યું છે.
પણ સ્પીકની આ શોધને કારણે બર્ટન સાથે તેમને અણબનાવ થઈ ગયો.
બર્ટને સ્પીકની વાત પર વિશ્વાસ ન બેઠો. ઇંગ્લૅન્ડ પહોંચ્યા પછી તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું.
વિક્ટોરિયા સરોવરના સ્પીકના બીજા અભિયાને આ થિયરીની પુષ્ટિ કરી, જેનાથી બર્ટનની પ્રતિષ્ઠા ખરડાઈ.
પણ શોધકર્તાનું તે આખરી સાહસ નહોતું.
કોન્સ્યૂલ અને અનુવાદક
સૉલ્ટ લેક સિટીમાં મોર્મોન્સનો અભ્યાસ કરવા માટે તેમણે અમેરિકાનો પ્રવાસ ખેડ્યો. તેના પરથી તેમણે "ધ સિટી ઑફ ધ સેઇન્ટ્સ" નામનું પુસ્તક લખ્યું છે.
તેમણે એક ઉમરાવ મહિલા સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને તે સમયના સ્પેનિશ સંસ્થાન ઇક્વેટોરિયલ ગિનીની રાજધાની ફર્નાન્ડો પૂના કૉન્સ્યૂલ તરીકે મોકલવામાં આવ્યા.
ત્યાંથી તેમણે આફ્રિકાના જુદા-જુદા પ્રદેશોના સાહસિક પ્રવાસો ખેડ્યા અને તેમના પરિચયમાં આવેલા લોકોના રીત-રિવાજો, તેમની માન્યતાઓ, નરભક્ષણ અને જાતીય વિધિઓ વિશે ઓછામાં ઓછાં બીજાં પાંચ પુસ્તકો લખ્યાં.
તેઓ બ્રાઝિલના સેન્ટોસમાં પણ કૉન્સ્યૂલ હતા. ત્યાં તેમણે "લૂઈસ દ કેમોઇસ"નો અનુવાદ કર્યો હતો અને પછી દમાસ્કસમાં રહ્યા. તે પછી તેમણે ઈટાલીના ટ્રિએસ્ટેમાં કોન્સ્યૂલેટ સ્વીકાર્યું, જે તેમનું છેલ્લું પોસ્ટિંગ હતું.
ત્યાં, સમગ્ર જીવન દરમિયાન તેમણે જે વિદેશી આકર્ષણ પાછળ દોટ મૂકી હતી, તેનાથી દૂર રહીને સાહિત્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
તેમણે આઇસલૅન્ડ અને એટ્રુસ્કન્સ વિશે લખ્યું તેમજ "કેટુલસ" અને "જીયામ્બતિસ્તા બેસિલ"નો અનુવાદ કર્યો. હવે બર્ટન પોતાની કલ્પનાશીલતા અને જ્ઞાન સાથે સફર ઉપર નીકળી પડ્યા હતા.
કદાચ, માનવ સંબંધોનાં અત્યંત અંગત પાસાંઓ અંગેની તે તેમની અદમ્ય ઉત્કંઠા જ હતી, જેણે તેમને આરામદાયક રીતે વૃદ્ધાવસ્થા પસાર કરવાનાં સાધનો પૂરાં પાડ્યાં.
જેલવાસનું જોખમ વહોરીને તેમણે ગુપ્ત રીતે "કામસૂત્ર"નો અનુવાદ અને પ્રકાશન કરીને પ્રેમ અંગેના પૂર્વના ગ્રંથોના જ્ઞાનનો પશ્ચિમને પરિચય કરાવ્યો હતો.
સાથે જ તેમણે "વન થાઉઝન્ડ એન્ડ વન નાઇટ્સ" (અરેબિયન નાઇટ્સ)ની અનસેન્સર્ડ આવૃત્તિ પણ બહાર પાડી હતી, જેમાં તેમણે પોર્નોગ્રાફી, સમલૈંગિકતા અને મહિલાઓ માટે જાતીય શિક્ષણ પરના નિબંધો પણ સામેલ કર્યા હતા.
તેમણે તેમનાં પત્ની ઇઝાબેલને કહ્યું હતું, "મારી વૃદ્ધાવસ્થામાં હું એક શંકાસ્પદ પુસ્તકનો અનુવાદ કરું છું અને તરત જ 16,000 ગિની કમાઈ લઉં છું. હવે જ્યારે હું ઇંગ્લૅન્ડની નસ પારખી ગયો છું, ત્યારે આપણે કદી પૈસાની તંગીનો સામનો નહીં કરવો પડે."
ચુસ્ત કેથોલિક એવાં ઇઝાબેલને પતિનું આ વલણ ખાસ પસંદ ન પડ્યું હોય, એવું લાગતું હતું.
બર્ટનના નિધનના બીજા દિવસે, ઇઝાબેલ પતિના સ્ટડી રૂમમાં પ્રવેશ્યાં હતાં અને રૂઢિચુસ્ત વિક્ટોરિયન સમાજમાં પતિની છબિ ખરડાશે, તેવા ભયથી ઘણી હસ્તપ્રતો સળગાવી દીધી હતી.
તે હસ્તપ્રતોમાં 15મી સદીની અરેબિક પ્રેમ પરની કૃતિ "ધ પરફ્યૂમ્ડ ગાર્ડન"ના નવા અનુવાદનો સમાવેશ થતો હતો, જેના પર તેઓ છેલ્લાં 14 વર્ષથી કામ કરી રહ્યા હતા અને જેમાં સમલૈંગિકતાના આખરી પ્રકરણને સમાવવામાં આવ્યું હતું (જેનો અગાઉ કદી અનુવાદ થયો નહોતો).
બીજો અનુવાદ બહાર આવતાં લગભગ 100 વર્ષ થયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન