સાઉદી અરેબિયા મૃત્યુદંડ અપાયેલા વિદેશીઓના મૃતદેહને તેમના પરિવારજનોને કેમ સોંપતું નથી?

ઇમેજ સ્રોત, Handout/BBC
- લેેખક, હાના ઝેરાત્સ્યોન, બીબીસી ન્યૂઝ અને સ્વામીનાથન નટરાજન, બીબીસી વર્લ્ડ સર્વિસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
"અમે આ બધી વિધિઓ એટલા માટે કરી કે પરિવારને સાંત્વના મળે અને અમે તેના મૃત્યુને સ્વીકારી શકીએ. પરંતુ તેનાથી મને શાંતિ નહીં મળે." આ શબ્દો છે કિન્ફે અરેર્ગાવીના, જેઓ પોતાના પુત્ર કિબ્રોમના મૃત્યુથી દુઃખી છે.
તેઓ કહે છે, "આ પસ્તાવો અને દુઃખ જીવનભર રહેશે."
કિબ્રોમ કિન્ફે અરેર્ગાવી એવા પાંચ ઇથિયોપિયનોમાંના એક હતા, જેમને આ વર્ષે જૂનમાં સાઉદી અરેબિયામાં ગાંજાની દાણચોરીના આરોપમાં મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો.
સાઉદી અરેબિયા વિશ્વના સૌથી વધુ મૃત્યુદંડ આપતા દેશોમાં સામેલ છે. આ મામલે ચીન અને ઈરાન પછી તે ત્રીજા ક્રમે છે.
ઘણા ઇથિયોપિયન ઑર્થોડોક્સ ખ્રિસ્તીઓ માટે ધાર્મિક વિધિઓ સાથે અંતિમ સંસ્કાર કરવા એ આસ્થાનો મહત્ત્વનો ભાગ છે.
આ વિધિમાં મૃત વ્યક્તિના શરીરને એક ખાસ કફનમાં લપેટવામાં આવે છે. ત્યાર બાદ તેને લાકડાની પેટીમાં મૂકવામાં આવે છે.
પરંતુ 25 વર્ષના કિબ્રોમના અંતિમ સંસ્કાર વખતે આવું થઈ શક્યું નહીં. તેમનું પાર્થિવ શરીર ઇથિયોપિયા પરત લાવવામાં આવ્યું નહોતું.
હ્યુમન રાઇટ્સ વૉચ (એચઆરડબ્લ્યુ) અનુસાર, આ વર્ષે 27 જુલાઈ સુધીમાં સાઉદી અરેબિયા 116 લોકોને મૃત્યુદંડ આપી ચૂક્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'યુરોપિયન સાઉદી ઑર્ગેનાઇઝેશન ફૉર હ્યુમન રાઇટ્સ (ઈએસઓએચઆર)'નાં વરિષ્ઠ સંશોધક દુઆ ધૈની કહે છે, "મૃતદેહ પરત કરવાનો ઇન્કાર કરવો એ માત્ર વહીવટી બાબત નથી. તેનો અર્થ એ છે કે સજા તમે માત્ર એ વ્યક્તિને જ નહીં, પરંતુ તેના પરિવારને પણ આપી રહ્યા છો."
તેમનું સંગઠન માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનનો સામનો કરી રહેલા લોકોના રક્ષણ માટેની ઝુંબેશ સાથે જોડાયેલું છે.
ધર્મ અને આસ્થાની સ્વતંત્રતા અંગેની યુનાઇટેડ નૅશન્સનાં વિશેષ રૅપોર્ટિયર નાઝિલા ઘાનેઆએ સાઉદી અરેબિયામાં મૃતદેહો રોકી રાખવાની આ પ્રથાને "યાતના અને દુર્વ્યવહાર" ગણાવી છે.
સગાંઓનું કહેવું છે કે 23 જૂને દક્ષિણ સાઉદી અરેબિયાના અસીર પ્રાંતમાં આવેલા ખમીસ મુશૈત ફૅસિલિટી સેન્ટરમાં પાંચ ઇથિયોપિયન લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. તેમને આ અંગે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી નહોતી. તેમના પરિવારજનોને તેમની અંગત વસ્તુઓ પણ આપવામાં આવી નહોતી.
તેમના પરિવારજનોને તેમનાં ડેથ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યાં નહોતાં.
કિબ્રોમ કિન્ફે અરેર્ગાવી પહેલી વાર 2020માં પોતાના પિતા કિન્ફે સાથે કોઈ માન્ય વિઝા વિના સાઉદી અરેબિયા ગયા હતા.
તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને 15 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા અને ત્યાર બાદ દેશનિકાલ કરવામાં આવ્યા.

જોકે, ઇથિયોપિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે કિબ્રોમે ફરી સાઉદી અરેબિયા જવાનો નિર્ણય કર્યો. લાલ સમુદ્ર પાર કરીને યમનમાં પગપાળા જવા માટે તેઓ માણસોથી ખીચોખીચ ભરેલી એક હોડીમાં સવાર થયા.
2023માં સરહદ પાર કરતી વખતે સાઉદી અધિકારીઓએ કિબ્રોમની ફરી ધરપકડ કરી હતી અને તેમના પર નશીલા પદાર્થોની દાણચોરી કરવાનો આરોપ મૂક્યો હતો.
કિન્ફેનું કહેવું છે કે ત્રણ મહિના જેલમાં રહ્યા બાદ તેમના પુત્રને દોષી ઠેરવીને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. ત્રણ વર્ષ જેલમાં રહ્યા બાદ જૂનમાં અચાનક તેમને મૃત્યુદંડ આપી દેવામાં આવ્યો.
તેમણે બીબીસીને જણાવ્યું, "તેને અમારી સાથે વાત કરવાની તક પણ મળી નહોતી. મને તેના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પરથી મળ્યા."
કિન્ફેનું માનવું છે કે તેમનો પુત્ર નિર્દોષ હતો અને સાઉદી અરેબિયામાં તેને ખોટી રીતે દોષી ઠેરવવામાં આવ્યો હતો.
કિન્ફેનું કહેવું છે, "મારા પુત્રનો ગાંજાની દાણચોરીમાં સમાવેશ હતો એ સાબિત કરે એવા કોઈ પુરાવા નથી."
'તે ટૂંક સમયમાં ઘરે પાછો આવશે અને લગ્ન કરશે'

ઇમેજ સ્રોત, Mebrahtom
એ જ દિવસે અને એ જ જેલમાં ત્સિગાબુ ગેબ્રેમારિયમને પણ આ જ ગુના માટે દોષી ઠેરવ્યા બાદ મૃત્યુદંડ આપી દેવામાં આવ્યો હતો.
26 વર્ષના ગેબ્રેમારિયમ ઇથિયોપિયાના મધ્ય તિગ્રે વિસ્તારમાં આવેલા એક ગ્રામ્ય વિસ્તારના રહેવાસી હતા અને આઠ સંતાનોમાં સૌથી મોટા હતા.
તેમના પિતા હાગોસ ગેબ્રેમેસ્કેલના જણાવ્યા અનુસાર, ગરીબી અને ગૃહયુદ્ધથી બચવા માટે 18 વર્ષની ઉંમર થયા બાદ તેઓ ઘર છોડીને જતા રહ્યા હતા.
હાગોસ કહે છે, "અમારા વિસ્તારમાં યુવાનો માટે નોકરીની તકો બહુ ઓછી છે. તે મારી મદદ કરવા માટે સાઉદી અરેબિયા ગયો હતો."
ત્સિગાબુને ડ્રગ્સની દાણચોરીના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમણે સાડા ત્રણ વર્ષ જેલમાં વિતાવ્યાં હતાં. તેમણે છેલ્લે ફેબ્રુઆરીમાં પોતાના પરિવાર સાથે વાત કરી હતી.
હાગોસે બીબીસીને જણાવ્યું, "તેણે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં ઘરે પાછો આવશે અને લગ્ન કરશે."
તેમનાં માતા લેટેક્રિસ્ટોસ ગેબ્રેટસાદિક તેમના માટે એક છોકરી શોધી રહ્યાં હતાં, પરંતુ આખરે તેમણે અંતિમ સંસ્કારની તૈયારી કરવી પડી.
તેઓ કહે છે, "મારાં બધાં સંતાન દીકરીઓ છે. તે મારો એક માત્ર દીકરો હતો. મારી દીકરીઓને પૂરેપૂરી આશા હતી કે તેમનો ભાઈ ટૂંક સમયમાં ઘરે પાછો આવશે. તેઓ તેનાં લગ્નની તૈયારીઓ કરી રહી હતી. તેમનું દુઃખ મારા દુઃખ કરતાં પણ ઘણું વધારે છે."

સાઉદી અરેબિયામાં રહેતા સંબંધીઓ પાસેથી ત્સિગાબુને મૃત્યુદંડ આપવામાં આવ્યો હોવાની જાણ તેમના પરિવારને થઈ હતી. ત્યાર બાદ તેમના ઑર્થોડોક્સ ખ્રિસ્તી પરિવારે સ્થાનિક ચર્ચમાં પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર અને પ્રાર્થનાસભા યોજવાનો નિર્ણય કર્યો.
લેટેક્રિસ્ટોસ કહે છે, "હું જાણવા માગું છું કે તેનો મૃતદેહ ઘરે કેમ પાછો આવ્યો નહીં."
ત્સિગાબુનાં માતાપિતા ઇચ્છે છે કે સાઉદી અધિકારીઓ તેમના પુત્રના ગુનાના પુરાવા રજૂ કરે. તેમને શંકા છે કે તેમના પુત્રને ફસાવીને બીજા લોકોએ તેનો લાભ લીધો હતો.
માનવાધિકાર સંગઠન ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ દ્વારા ગયા વર્ષે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે નશીલા પદાર્થો સંબંધિત ગુનાઓ માટે મૃત્યુદંડ પામેલા લોકોમાંથી 75 ટકા વિદેશી નાગરિકો હતા.
ધૈનીનું કહેવું છે કે ગુનેગાર ટોળકીઓ નબળા લોકોને નિશાન બનાવીને તેમનું શોષણ કરે છે.
ધૈની કહે છે, "ઇથિયોપિયાના કેટલાક કિસ્સાઓમાં કેદીઓએ જણાવ્યું હતું કે સરહદ પાર કરવામાં મદદ કરવાના બદલામાં તેમને સામાન લઈ જવા માટે મનાવવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક પાકિસ્તાની નાગરિકોને પ્રતિબંધિત પદાર્થો ગળવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. કેટલીક વખત તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું અથવા નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું."

ઇમેજ સ્રોત, Family supplied
ઈએસઓએચઆરના અંદાજ મુજબ, 2015માં કિંગ સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદ સાઉદી અરેબિયાની ગાદી પર બેઠા ત્યારથી દેશમાં મૃત્યુદંડ મેળવનારા લોકોની કુલ સંખ્યા 2,000ને વટાવી ગઈ છે. તેમાં 42 ટકા લોકો વિદેશી નાગરિકો હતા.
સંગઠનના અંદાજ મુજબ, 2025માં સાઉદી અરેબિયાએ 356 લોકોને મૃત્યુદંડ આપ્યો હતો. એક જ વર્ષમાં આપવામાં આવેલા મૃત્યુદંડનો આ સૌથી મોટો આંકડો છે.
સાઉદી કાયદા હેઠળ અધિકારીઓને દૂતાવાસના ખર્ચે મૃતદેહને તેના વતન પરત મોકલવાની મંજૂરી છે. પરંતુ ધૈનીનું કહેવું છે કે આવું ક્યારેય થતું નથી.
તેઓ કહે છે, "મૃત્યુદંડ બાદ કોઈ વિદેશી નાગરિકનો મૃતદેહ તેના પરિવારને પરત કરવામાં આવ્યો હોય એવા કોઈ કેસની અમને જાણ નથી. અમે સાઉદી નાગરિકો સાથે જોડાયેલા જે કેસ નોંધ્યા છે, તેમાં પણ આવી જ સ્થિતિ છે."
ધૈની વધુમાં કહે છે કે ભૂતકાળમાં કેટલાક પરિવારોએ કેદીઓના મૃતદેહ પરત લાવવાની માગ બાબતે અભિયાન પણ ચલાવ્યું હતું. તેમાં તુર્કી અને જોર્ડનના નાગરિકોના પરિવારો પણ સામેલ હતા. પરંતુ તેમને સફળતા મળી નહોતી.

ઇમેજ સ્રોત, Kinfe Aregawi
બીબીસીએ ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને લંડનસ્થિત દૂતાવાસ મારફતે સાઉદી સરકાર પાસેથી આ મામલે પ્રતિક્રિયા માગી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.
જૂનમાં ગાંજા સંબંધિત ગુનામાં એક સાઉદી નાગરિકને દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેને મૃત્યુદંડ આપવામાં આવ્યો હોવાની જાહેરાત ગૃહ મંત્રાલયે કરી હતી. આ જાહેરાત કરતા એક નિવેદનમાં કુરાનની કેટલીક આયતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં "પૃથ્વી પર ભ્રષ્ટાચાર ફેલાવનારા" લોકો માટે આકરી સજાની વાત કરવામાં આવી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર "નાગરિકો અને અહીં રહેતા લોકોને નશીલા પદાર્થોના જોખમથી બચાવવા માટે પ્રતિબદ્ધ છે. સાથે જ, ડ્રગ્સની દાણચોરી અને ગેરકાયદે વેપાર કરનારાઓ સામે કાયદા હેઠળ સૌથી આકરી સજા આપવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે. નશીલા પદાર્થોને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવે છે અને ગંભીર ભ્રષ્ટાચાર ફેલાય છે."

ઇમેજ સ્રોત, Mebrahtom
સાઉદી અરેબિયામાં આવેલા ઇથિયોપિયાના દૂતાવાસ પાસેથી પણ આ મામલે ટિપ્પણી માગવામાં આવી છે.
સાઉદી અરેબિયા એ જણાવતું નથી કે હાલમાં કેટલા કેદીઓ મૃત્યુદંડની રાહ જોઈ રહ્યા છે. જોકે, માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે આ સંખ્યા સેંકડોમાં હોઈ શકે છે.
માનવાધિકાર સંગઠન હ્યુમન રાઇટ્સ વૉચના મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકા વિભાગનાં સંશોધક જૉય શીઆ કહે છે, "સાઉદી અરેબિયામાં ગુપ્ત રીતે અથવા કોઈ પૂર્વસૂચના વિના મૃત્યુદંડ આપવામાં આવે છે. તેના કારણે કેદીઓ અને તેમના પરિવારને મૃત્યુ માટે તૈયાર થવાનો પૂરતો સમય મળતો નથી. આ તેમના અધિકારોનું ઉલ્લંઘન છે."
'ચમત્કાર માટે પ્રાર્થના કરી રહ્યો છું'

મૃત્યુદંડ પામેલા કેદીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવતી હોવાથી તેમનું જીવન વધુ મુશ્કેલ બની જાય છે.
એક કેદીએ બીબીસીને જેલમાં પોતાના જીવન વિશે જણાવ્યું હતું. સુરક્ષાનાં કારણોસર તેમની ઓળખ અને ઠેકાણું જાહેર કરી શકાય તેમ નથી.
તેમની ધરપકડ 2023માં કરવામાં આવી હતી. તેમણે નશીલા પદાર્થોની દાણચોરીનો આરોપ સ્વીકારી લીધો હતો. તેમનું કહેવું છે કે તેમને દોષી ઠેરવીને સજા સંભળાવવામાં આવી હતી.
આ વર્ષે તેમણે પોતાના 15 સાથી કેદીઓને મૃત્યુદંડ અપાતો જોયો છે. હવે તેમને પોતાને પણ મૃત્યુદંડ આપવામાં આવશે એવો ડર છે.
"જ્યારે પણ ગાર્ડ દરવાજા ખોલે, ત્યારે અમે વિચારીએ છીએ કે હવે પછી કોનો વારો હશે."
તેઓ કોઈ ચમત્કારની આશા રાખી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે કોઈક રીતે તેમને રાહત મળી જાય. પરંતુ જો ખરેખર મૃત્યુદંડ આપી દેવામાં આવ્યો, તો તેમની ઇચ્છા છે કે તેમના અવશેષો ઘરે મોકલી આપવામાં આવે.
"મને ડર છે કે મારાં માતાપિતા મારો મૃતદેહ પણ જોઈ નહીં શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























