UPI પેમેન્ટ પર ચાર્જ : શું ભારત સરકારના આ નિર્ણય પાછળ અમેરિકન દબાણ કારણભૂત છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)એ 2,000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર 0.4 ટકા ચાર્જ લાગુ કર્યો છે.
આ શુલ્ક બૅન્કો અને પેમેન્ટ પ્રોસેસર્સને મળશે, જેની ચુકવણી મર્ચન્ટ એટલે કે દુકાનદારો કરશે.
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR, મર્ચન્ટ પેમેન્ટ ઇકૉસિસ્ટમની અંદર વસૂલવામાં આવતો ચાર્જ છે.
UPI દ્વારા વ્યવહાર કરતી વખતે ગ્રાહકે આ ચાર્જ ચૂકવવાનો નહીં હોય. પર્સન-ટુ-પર્સન (P2P) UPI ટ્રાન્સફર મફત જ રહેશે, જ્યારે 2,000 રૂપિયા સુધીના મર્ચન્ટ પેમેન્ટ પણ મફત રહેશે.
સરકારનું કહેવું છે કે લગભગ 96% ગ્રાહકો અને દુકાનદારોના વ્યવહારો પર તેની કોઈ અસર પડશે નહીં.
જ્યારે તમે કોઈ સામાન ખરીદવાના બદલામાં દુકાનદારને પેમેન્ટ કરો છો, ત્યારે તેને મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે.
15 ઑક્ટોબરથી 2,000 રૂપિયાથી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનમાં ખર્ચનું માળખું બદલાશે.
MDR એ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા માટે લેવામાં આવતું શુલ્ક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવા માળખા હેઠળ 2,000 રૂપિયાથી વધુના સામાન્ય UPI પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા MDR લાગશે.
75,000 રૂપિયા અથવા તેથી વધુના ટ્રાન્ઝેક્શન માટે MDR પ્રતિ ટ્રાન્ઝેક્શન વધુમાં વધુ 300 રૂપિયા સુધી મર્યાદિત રહેશે.
મહત્ત્વની વાત એ છે કે NPCIના FAQ મુજબ, દુકાનદારો MDRનો બોજ ગ્રાહકો પર નાખી શકતા નથી.
ગ્રાહકે તે જ કિંમત ચૂકવવી પડશે, જે મર્ચન્ટે દર્શાવી હશે.
આવા સંજોગોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે અને રોકડના ઉપયોગને ઘટાડવા માગે છે, ત્યારે MDR લાવવાનો નિર્ણય શા માટે કરવામાં આવ્યો?
એમડીઆર લગાવવાની જરૂર શું હતી?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નાણાં મંત્રાલયનું કહેવું છે કે નવા MDR માળખાથી UPIને આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે, ગ્રામિણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તેના વધુ વિસ્તરણને પ્રોત્સાહન મળશે અને તેની સ્પર્ધાત્મકતા જળવાઈ રહેશે. સાથે જ, મોટાભાગના પેમેન્ટ મફત રહે તે પણ સુનિશ્ચિત થશે.
UPIને આત્મનિર્ભર બનાવવાનો અર્થ શું છે?
દિલ્હીસ્થિત થિંક ટૅન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના નિર્દેશક અજય શ્રીવાસ્તવ કહે છે, "UPI પર ટ્રાન્ઝેક્શન ફી લગાવવાના પક્ષમાં એવી દલીલ આપવામાં આવી રહી છે કે તે આર્થિક રીતે આત્મનિર્ભર બની જાય. મને પણ લાગે છે કે આ સારી વાત છે. RBIના આંકડાઓના વિશ્લેષણના આધારે મારું માનવું છે કે UPIનું સંચાલન કરવા માટે દર વર્ષે 2,500 કરોડથી 8,000 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે."
"ધારી લો કે તેનું સંચાલન કરવા માટે દર વર્ષે 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, તો શું સરકારે તે શુલ્ક તરીકે વસૂલવો જોઈએ? UPI પેમેન્ટ પર શુલ્કની અસર એ થશે કે લોકો તેનો ઉપયોગ મર્યાદિત કરશે. તેઓ ફરી રોકડ તરફ વળશે."
"રોકડ છાપવા, તેનું વિતરણ કરવા અને રોકડ આધારિત અર્થવ્યવસ્થાનું સંચાલન કરવા માટે પણ મોટો ખર્ચ થાય છે. માત્ર નોટો છાપવામાં જ 6 થી 7 હજાર કરોડ રૂપિયા ખર્ચાય છે. બાકીના સંચાલન ખર્ચ ઉમેરીએ તો દર વર્ષે 15 હજારથી 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. મારું માનવું છે કે જો MDRના કારણે UPI ટ્રાન્ઝેક્શન ઘટશે, તો સરકારને કોઈ વાસ્તવિક બચત નહીં થાય."
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે આ પગલું અમેરિકાના દબાણ સામે સરકારના ઝૂકી જવાનું પરિણામ છે.
આ મામલે વિપક્ષને અમેરિકી દબાણ કેમ દેખાઈ રહ્યું છે?
આ જ વર્ષે માર્ચમાં યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રઝન્ટેટિવ (USTR)એ ભારતની ડિજિટલ પેમેન્ટ નીતિઓને, જે સ્થાનિક કંપનીઓને ફાયદો પહોંચાડે છે, વિદેશી વેપાર માટે અવરોધ તરીકે ચિહ્નિત કરી હતી.
USTRએ કહ્યું હતું કે અમેરિકન ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ UPI ઇકૉસિસ્ટમમાં સામેલ થઈ શકતા નથી, તે બાબતે તેણે ચિંતા વ્યક્ત કરી હતી.
અમેરિકાએ કેમ ચિંતા વ્યક્ત કરી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
USTRએ કહ્યું હતું, "નવેમ્બર 2020માં NPCIએ ભારતના UPI મારફતે ઑનલાઇન પેમેન્ટ શરૂ કરનાર થર્ડ-પાર્ટી ઍપ સપ્લાયર્સ માટે 30 ટકાની માર્કેટ શૅર મર્યાદા નક્કી કરવાની જાહેરાત કરી હતી. આ મર્યાદા ટ્રાન્ઝેક્શનની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવી હતી."
"આ નિયમ જાન્યુઆરી 2023થી અમલમાં આવવાનો હતો, પરંતુ NPCIએ તેને અમલમાં મૂકવાની સમયમર્યાદા ઘણી વખત આગળ ધકેલી હતી. હવે આ મર્યાદા ડિસેમ્બર 2026થી અમલમાં આવવાની છે. 31 ડિસેમ્બર, 2025 સુધીમાં અમેરિકાના માલિકીની બે પેમેન્ટ કંપનીઓ મળીને UPIના 80 ટકાથી વધુ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરી રહી હતી. આ કંપનીઓ Walmart સમર્થિત PhonePe અને Google Pay છે."
ગયા વર્ષે સરકારે ટેરિફના દબાણ વચ્ચે 6 ટકાનો Google Tax સમાપ્ત કર્યો હતો. અમેરિકાનું કહેવું હતું કે ડિજિટલ સર્વિસ ટૅક્સ તેની ટેક કંપનીઓ જેવી કે Apple, Amazon, Google અને Facebook વિરુદ્ધ છે.
ભારત એકમાત્ર એવો દેશ નથી જેના પેમેન્ટ સિસ્ટમ પર અમેરિકાની નજર છે.
જુલાઈ 2025માં બ્રાઝિલની ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ Pix અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિશાન પર આવી હતી.
ગયા વર્ષે 15 જુલાઈએ અમેરિકાએ બ્રાઝિલની કથિત "અનફેર ટ્રેડ પ્રૅક્ટિસ"ની તપાસ શરૂ કરતાં કહ્યું હતું તે આ બાબતની તપાસ કરશે કે શું દક્ષિણ અમેરિકી દેશ પોતાના ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ Pixને પ્રોત્સાહન આપવા માટે અમેરિકી કંપનીઓ સાથે ભેદભાવ કરી રહ્યો છે.
અમેરિકી ટૅક કંપની Metaના મૅસેજિંગ પ્લૅટફૉર્મ WhatsAppએ જૂન 2020માં બ્રાઝિલમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી હતી, પરંતુ એક અઠવાડિયા પછી જ ત્યાંની કેન્દ્રીય બૅન્કે સ્પર્ધા અને ડેટા પ્રાઇવસી સંબંધિત ચિંતાઓના આધારે આ સેવાને અસરકારક રીતે અટકાવી દીધી હતી.
Pixના લૉન્ચના છ મહિના પછી WhatsAppને આ સેવા ફરી શરૂ કરવાની મંજૂરી મળી હતી. તે સમયે સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે WhatsAppએ કહ્યું હતું કે તેનું માનવું છે કે બ્રાઝિલની કેન્દ્રીય બૅન્કને ચિંતા હતી કે મૅસેજિંગ ઍપની પેમેન્ટ સેવા Pix સાથે સ્પર્ધા કરી શકે છે.
શું મોદી સરકારે અમેરિકાના દબાણમાં MDR લાગુ કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
GTRIના નિર્દેશક અજય શ્રીવાસ્તવ કહે છે, "સરકારે આ નિર્ણય અમેરિકાના દબાણમાં લીધો છે. તેને અમેરિકાની National Trade Estimates Report 2026થી સમજી શકાય છે. USTR દર વર્ષે આ અહેવાલ બહાર પાડે છે. તેમાં તેઓ વિશ્વભરના દેશો સામે અમેરિકાની ફરિયાદોની યાદી રજૂ કરે છે. તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે અમુક દેશોની નીતિઓને કારણે અમેરિકન કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે."
"ભારત વિરુદ્ધ પણ તેમાં ઘણી ફરિયાદો નોંધવામાં આવી છે. તેમાંની એક ફરિયાદ એવી છે કે ભારત સરકાર UPI અને RuPayને સમર્થન આપી રહી છે, જેના કારણે અમેરિકન કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. UPI આવ્યા પછી Mastercard અને Visa મારફતે થતાં ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો છે. એવું નથી કે તેઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયાં છે. ભારતમાં તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ તેમની સંખ્યા ઘટી છે. હાલમાં RuPay ડેબિટ કાર્ડ પર કોઈ ટ્રાન્ઝેક્શન ફી લેવામાં આવી શકતી નથી. તેના કારણે લોકો ક્રૅડિટ કાર્ડનો ઓછો ઉપયોગ કરી રહ્યા છે."
અજય શ્રીવાસ્તવ કહે છે કે આ મામલે સરકારનાં પગલાંની સંપૂર્ણ શ્રેણી જોવા મળે છે.
"હમણાં થોડા સમય પહેલાં ભારત સરકારના Department for Promotion of Industry and Internal Tradeએ ઇ-કૉમર્સમાં FDIને મંજૂરી આપી હતી."
"આ પણ અમેરિકાની માગ હતી. તેનાથી અમેરિકન કંપનીઓ Amazon અને Walmartને ફાયદો થશે. એક બાબત લોકો ભૂલી જાય છે કે ભલે Mastercard અને Visaનાં ટ્રાન્ઝેક્શન ઓછા થઈ રહ્યાં હોય, કારણ કે UPI વધુ અદ્યતન ટૅક્નૉલૉજી છે, પરંતુ UPIનાં 80 ટકા ટ્રાન્ઝેક્શન તો અમેરિકન કંપનીઓ જ કરી રહી છે, Google Pay અને PhonePe."
પરંતુ અમેરિકન મીડિયા પ્લૅટફૉર્મ Bloombergના કૉલમિસ્ટ એન્ડી મુખર્જી આ મુદ્દાને સંપૂર્ણપણે અલગ રીતે જુએ છે અને સરકારના નિર્ણયનું સમર્થન કરે છે.
એન્ડી મુખર્જીએ ગયા મહિને 21 ઑગસ્ટે પોતાની કૉલમમાં લખ્યું હતું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દર વર્ષે ચાર ટ્રિલિયન ડૉલરના ઉદ્યોગને નફા વિના મળેલી સફળતાના ભાર હેઠળ તૂટી પડવાથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ સંપૂર્ણપણે યોગ્ય પગલું છે. વિપક્ષે તેને જનવિરોધી પગલું ગણાવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે આ Visa અને Mastercardના કહેવા પર ટ્રમ્પ પ્રશાસન સમક્ષ નાણાકીય સાર્વભૌમત્વનું સમર્પણ છે."
મોદી સરકારના આ નિર્ણયનો અમેરિકા સાથે સંબંધ કેમ જોડવામાં આવે છે તે સમજવું મુશ્કેલ નથી.
USTRની 2026ના રિપોર્ટમાં UPIને લઈને ખાસ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન ઇલેક્ટ્રોનિક સર્વિસ પ્રોવાઇડર્સ UPIમાં સમાન તક સાથે ભાગ લઈ શકતા નથી.
UPIનું સંચાલન NPCI કરે છે, જે એક અર્ધ-સરકારી સંસ્થા છે.
તેના પોતાના RuPay કાર્ડ પણ છે, જેને Visa અને Mastercardની સરખામણીએ ઘણાં વધુ વ્યાપક સ્તરે સ્વીકારવામાં આવે છે. તેનાથી અમેરિકન ક્રૅડિટ કાર્ડ વ્યવસાયને નુકસાન થાય છે.
એન્ડી મુખર્જીએ લખ્યું છે, "જે ફેરફાર થવા જઈ રહ્યો છે, તેનો ક્રૅડિટ કાર્ડ સાથે કોઈ સંબંધ નથી. તે ડેબિટ ટ્રાન્સફર સાથે જોડાયેલો છે. તેના બે પ્રકાર છે. પર્સન-ટુ-પર્સન ટ્રાન્સફર કુલ ટ્રાન્ઝેક્શનના 70 ટકા છે, જેને મફત જ રાખવા પડશે. ચર્ચા બાકીના 30 ટકા અંગે છે. એટલે કે દર વર્ષે એક ટ્રિલિયન ડૉલરથી વધુના મર્ચન્ટ પેમેન્ટ."
"મોટી નાણાકીય ક્ષમતા ધરાવતી Walmart અને Googleએ UPIના વિસ્તરણને આગળ વધાર્યું અને 140 કરોડ ભારતીયોના ખર્ચ સાથે જોડાયેલા અત્યંત મૂલ્યવાન ડેટા સુધી પહોંચ મેળવી. પરંતુ સમગ્ર વ્યવસ્થામાં તેમની ભૂમિકા ગ્રાહક પક્ષે હતી. દર વર્ષે લગભગ એક ટ્રિલિયન ડૉલરના ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવા છતાં કોઈ આવક ન થવી એ ટકાઉ મૉડેલ નથી. તેઓ 24 કલાક મર્ચન્ટ પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે."

ઇમેજ સ્રોત, Getty Images
એન્ડી મુખર્જીએ લખ્યું છે, "દર મહિને 20 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવા માટે સર્વર, કમ્પ્લાયન્સ વ્યવસ્થા અને સાયબર સુરક્ષામાં મોટા પ્રમાણમાં રોકાણની જરૂર પડે છે. છેતરપિંડીના કેસો પણ મોટા પાયે થાય છે અને ગ્રાહકો એવી અપેક્ષા રાખે છે કે તેનાથી થયેલા નુકસાનની ભરપાઈ બૅન્કો અથવા ફિનટેક કંપનીઓ કરશે. સરકારની ઘટતી સબસિડી હાલમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને અમુક હદ સુધી સંભાળી રહી છે, પરંતુ નાણાકીય દબાણનો સામનો કરી રહેલું ભારત હંમેશાં આ ખર્ચ ઉઠાવી શકે તેમ નથી."
પરંતુ અજય શ્રીવાસ્તવ આ દલીલ સાથે સહમત નથી કે Google Pay અને PhonePeને કોઈ કમાણી થતી નથી.
શ્રીવાસ્તવ કહે છે, "ભારત પહેલેથી જ અમેરિકન ટૅક કંપનીઓને UPI સુધી અસાધારણ પહોંચ આપી ચૂક્યું છે. આ પ્લૅટફૉર્મ્સ દ્વારા અમેરિકન કંપનીઓને કરોડો ભારતીયોના ખર્ચ કરવાની આદતો સાથે જોડાયેલી અત્યંત મૂલ્યવાન માહિતી પણ મળે છે. આ માહિતીનો ઉપયોગ અમેરિકન કંપનીઓ પોતાનો વ્યવસાય વધારવા માટે કરી રહી છે. ભારતીય ગ્રાહકોની ખર્ચ કરવાની આદતો સાથે સંબંધિત ડેટા મેળવવો કોઈ મફત સેવા આપવાની બાબત નથી."
Black Dot Public Policy Advisorsના સ્થાપક મંદાર કાગડેએ કહ્યું કે વિશ્વભરમાં કાર્ડ નેટવર્ક અને ઘણા રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમોમાં મર્ચન્ટ પાસેથી શુલ્ક લેવામાં આવવું સામાન્ય બાબત છે.
મંદારે Bloombergને કહ્યું, "તેના કારણે પેમેન્ટ વ્યવસ્થામાં સામેલ કંપનીઓને પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા અને તેનો વિસ્તાર કરવા માટે પ્રોત્સાહન મળે છે. હાલમાં UPIના 50 કરોડથી વધુ વપરાશકર્તાઓ છે, પરંતુ તેની વૃદ્ધિ હવે એક સ્તરે આવીને સ્થિર થઈ ગઈ છે. આવા સંજોગોમાં આગામી તબક્કાના વપરાશકર્તાઓને જોડવા અને તેમને જાળવી રાખવા માટે MDRમાંથી થતી આવક મહત્ત્વપૂર્ણ બની જાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























