ચોમાસાની વિદાય : બે દિવસ બાદ ભારતમાં ચોમાસાની વિદાયની થશે શરૂઆત, ગુજરાતમાં હજી કેટલા દિવસ વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દીપક ચુડાસમા
- પદ, બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 19 સપ્ટેમ્બરની આસપાસ ભારતમાંથી આ વર્ષનું ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે.
હવામાન વિભાગનું કહેવું છે કે એવી અનુકૂળ પરિસ્થિઓ બની રહી છે કે પશ્ચિમ રાજસ્થાનમાંથી બે દિવસમાં ચોમાસાની વિદાય શરૂ થશે.
આ સાથે જ ભારતમાં આ વર્ષના ચોમાસાના અંતની શરૂઆત થઈ જશે. જોકે, એક સાથે જ તમામ વિસ્તારોમાં વરસાદ બંધ નહીં થાય પરંતુ હવે ધીરેધીરે વરસાદમાં ઘટાડો થશે.
સામાન્ય રીતે રાજસ્થાન બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે. જોકે, હજી ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં સૌપ્રથમ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થશે.
ભારતના ઘણા વિસ્તારોમાં આ વર્ષે ચોમાસું નબળું રહ્યું છે અને જ્યારે ચોમાસાની વિદાયની શરૂઆત થશે ત્યારે સરેરાશ દેશમાં વરસાદની ઘટ હશે.
તાજા આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમની સરેરાશ સામે 85 ટકા વરસાદ પડી ગયો છે, જેમાં સાઉથ ગુજરાતમાં સૌથી વધુ 112 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે બાકીના પ્રદેશોમાં વરસાદની ઘટ છે.
કચ્છમાં સૌથી ઓછો 56.46 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 63 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 85 ટકા અને સૌરાષ્ટ્રમાં મોસમનો 65 ટકા વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લા વરસાદમાં સૌથી પાછળ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માંડ 12 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે પોરબંદર જિલ્લામાં 26 ટકા વરસાદ નોંધાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્ય રીતે ચોમાસું પરત ફરવાની તારીખ 17 સપ્ટેમ્બર હોય છે અને તેની આગળ-પાછળના 4 દિવસો મૉડલ ત્રૂટી તરીકે રાખવામાં આવે છે.
હવામાન વિભાગનું કહેવું છે કે પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાંથી ચોમાસું 19 સપ્ટેમ્બરની આસપાસ પરત ફરવાની શરૂઆત કરે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. ગત વર્ષે ચોમાસાની વિદાયની શરૂઆત 14 સપ્ટેમ્બરના રોજ થઈ હતી.
ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે અને સૌથી છેલ્લે ચોમાસું સામાન્ય રીતે રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં પહોંચે છે. જોકે, ચોમાસું જ્યાં છેલ્લે પહોંચે છે ત્યાંથી જ એટલે કે રાજસ્થાનથી જ તેની વિદાયની શરૂઆત થાય છે.
1 જૂન એ ભારતમાં ચોમાસું શરૂ થવાની અને 17 સપ્ટેમ્બર એ દેશમાં ચોમાસું વિદાય લેવાનું શરૂ કરે તેની અધિકારિક તારીખો છે. આ વર્ષે 1 જૂનથી 15 સપ્ટેમ્બર સુધી દેશમાં 15 ટકા જેટલી વરસાદની ઘટ છે. સરેરાશ દેશમાં ચોમાસું નબળું રહ્યું છે.
ચોમાસું પરત ફરે તે નક્કી કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, IMD
ભારતનો હવામાન વિભાગ ચોમાસા પર નજર રાખે છે અને તેના દ્વારા જ ભારતમાં ચોમાસું પૂરું થવાની જાહેરાત કરવામાં આવે છે.
સામાન્ય રીતે ચોમાસાની વિદાય એટલે વરસાદ લાવતા પવનોની દિશા ઊલટાઈ જવી, હવામાંથી ભેજ ગાયબ થઈ જાય અને વાતાવરણ સૂકું થવા લાગે અને દેશમાંથી સત્તાવાર રીતે હવામાન વિભાગ ચોમાસું પૂરું થયું જાહેર કરે.
અત્યાર સુધીનાં વર્ષોમાં સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે ચોમાસાની શરૂઆત થાય ત્યારબાદ તે 3થી 4 અઠવાડિયામાં દેશભરમાં પહોંચી જાય છે. એટલે કે 1 જૂનના રોજ શરૂ થતું ચોમાસું મધ્ય જુલાઈ સુધી દેશના તમામ વિસ્તારોમાં પહોંચી જાય છે.
ચોમાસાની શરૂઆતની સરખામણીએ ચોમાસાની વિદાય થોડી ધીમી હોય છે, એટલે કે રાજસ્થાનથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરે ત્યારથી આખા દેશમાં ચોમાસું પૂરું થાય તેના વચ્ચે 4થી 5 અઠવાડિયાં સુધીનો સમય લાગે છે. 17 સપ્ટેમ્બરથી તેની વિદાયની શરૂઆત થાય ત્યારે 15 ઑક્ટોબર સુધી દેશના તમામ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે.
ચોમાસાની વિદાય નક્કી કરવાના નિયમો શું છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાય શરૂ થવાના કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જેથી એ નિયમોના આધારે જ ચોમાસાની વિદાય જાહેર કરવામાં આવે છે.
1 સપ્ટેમ્બર પહેલાં નહીં : ભારતીય હવામાન વિભાગ 1 સપ્ટેમ્બર પહેલાં વિદાયની સ્થિતિ તપાસતું નથી. એટલે કે 1 સપ્ટેમ્બર પહેલાં વરસાદ પડવાનો બંધ થઈ જાય તો પણ ચોમાસાની વિદાય ગણાતી નથી.
સતત 5 દિવસ સૂકું હવામાન : પશ્ચિમ રાજસ્થાનમાં સતત 5 દિવસ સુધી બિલકુલ વરસાદ ન પડે. એટલે કે પશ્ચિમ રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ન પડે.
એન્ટિસાયક્લૉન : જમીનથી 1.5 કિમીની ઊંચાઈએ ઘડિયાળના કાંટાની દિશામાં ફૂંકાતા સૂકા પવનો (Anticyclone) રચાય. પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનના વિસ્તારોની આસપાસ એન્ટિસાયક્લૉન બનવું જોઈએ. એન્ટિસાયક્લૉન વરસાદને આવતો અટકાવે છે.
ભેજમાં મોટો ઘટાડો: વાતાવરણમાં રહેલા વૉટર વેપર (ભેજ)માં ઝડપી ઘટાડો થાય. એટલે કે વરસાદ ના પડે અને સાથે વાતાવરણમાં રહેલા ભેજમાં પણ ઘટાડો થવો જોઈએ. જેનો અર્થ એ થયો કે ભારતના આ પશ્ચિમ ભાગમાં સૂકા પવનો આવવાની શરૂઆત થાય.
દેશના બીજા ભાગોમાં ચોમાસાની વિદાય હવામાં રહેલા ભેજના પ્રમાણ અને સતત 5 દિવસ સુધીના સૂકા વાતાવરણને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવે છે.
આ ઉપરાંત દક્ષિણ ભારત અને સમગ્ર દેશમાં ચોમાસું સંપૂર્ણ પૂરું થયું 1 ઑક્ટોબર બાદ જાહેર કરવામાં આવે છે. આ ગાળામાં નૈઋત્યમાંથી ફૂંકાતા પવનોની દીશામાં ફેરફાર થાય છે.
ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત ક્યારે થાય છે?

ઇમેજ સ્રોત, ANI
રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય તે બાદ ઝડપથી ચોમાસાની વિદાયની શરૂઆત ગુજરાતમાંથી થતી હોય છે. સામાન્ય રીતે 20 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાંથી ચોમાસું પરત ફરવાનું શરૂ કરે છે.
રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત કચ્છના કેટલાક વિસ્તારોથી થાય છે. જે બાદ સમગ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના પાટણ, વાવ-થરાદ તથા બનાસકાંઠામાંથી ચોમાસાની વિદાય થતી હોય છે.
કચ્છ અને ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાંથી ચોમાસાની વિદાય થતી હોય છે. 30 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે.
રાજ્યમાં સૌથી છેલ્લે ચોમાસાની વિદાય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી થાય છે, લગભગ ઑક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ જતી હોય છે.
જોકે, આ સામાન્ય તારીખો છે, દર વર્ષે ચોમસાની વિદાયની તારીખોમાં ફેરફાર થતો હોય છે. જેમ કે વર્ષ 2025માં 16 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ હતી અને 10 ઑક્ટોબર સુધીમાં ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોમાંથી પરત ફર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























