આંખની નીચે કાળાં કુંડાળાં કેમ પડી જાય છે? તેનાથી બચવા શું કરવું?

બીબીસી ગુજરાતી હેલ્થ આંખ નીચે કાળા કુંડાળા ડાર્ક સર્કલ્સ ત્વચા બીમારી ડર્મેટોલૉજિસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અપૂરતી ઊંઘ, વધારે પડતો સમય ટીવી અથવા મોબાઇલ ફોન જોવું, લેપટૉપ પર કામ કરવું, વગેરે આંખની નીચેનાં કાળાં કુંડાળાં પાછળનાં કારણો છે.
    • લેેખક, મોહન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

આંખની નીચે કાળાં કુંડાળાં પડી જવાં એ આજકાલ બહુ વ્યાપક પ્રમાણમાં જોવા મળતી સમસ્યા છે.

અપૂરતી ઊંઘ, વધારે પડતો સમય ટીવી અથવા મોબાઇલ ફોન જોવું, લેપટૉપ પર કામ કરવું, વગેરે આની પાછળનાં કારણો હોવાનું કહેવામાં આવે છે.

પરંતુ ત્વચાની બીમારીઓના નિષ્ણાતો (ડર્મેટોલૉજિસ્ટ્સ)ના કહેવા મુજબ આની પાછળ બીજાં કારણો પણ છે.

તાજેતરમાં ઑનલાઇન કેટલીક ક્રીમનું વેચાણ વધ્યું છે, જેમાં દાવો કરવામાં આવે છે કે તે આંખની નીચેના ડાર્ક સર્કલ અથવા કાળાં કુંડાળાં દૂર કરે છે. આ ક્રીમ કેટલી અસરકારક છે તે અંગે સવાલો પેદા થયા છે.

ડર્મેટોલૉજીનાં પ્રોફેસર પી. વિજયાલક્ષ્મી કહે છે કે આંખની નીચેનાં કાળાં કુંડાળાં એ માત્ર આરોગ્યનો પ્રશ્ન નહીં, પરંતુ કૉસ્મેટિકની સમસ્યા પણ છે.

તેમણે આંખ નીચે જોવા મળતાં કાળાં કુંડાળાંનાં કારણો અને તેની સારવાર વિશે ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.

કાળાં કુંડાળાં કેમ થાય છે?

આંખોની આસપાસ કાળાં કુંડાળાં થવા માટે અલગ અલગ કારણો જવાબદાર હોય છે. તેને મુખ્યત્વે ચાર કૅટેગરીમાં વહેંચી શકાય છે.

પ્રથમ કારણ આનુવંશિક (જિનેટિક) છે. માતા-પિતાને આ તકલીફ હોય તો તે બાળકોમાં આવી શકે છે. તેની ગમે તેટલી સારવાર કરવામાં આવે તો પણ તે હંમેશાં પાછા બને છે.

તેનું બીજું કારણ સોજો છે. ખોડાની સમસ્યાના કારણે ત્વચા પર ખંજવાળ આવે છે. આપણે જ્યારે ખંજવાળીએ ત્યારે તેનાથી કાળા ડાઘ પણ પડે છે. આ કાળા ડાઘ ખંજવાળની જગ્યાએ 'મૅલાનિન' નામના પદાર્થના વધુ પડતા ઉત્પાદનને કારણે થાય છે. તેનું કારણ શોધીને સારવાર કરી શકાય છે.

ત્રીજું કારણ રક્તના પ્રવાહમાં ફેરફાર હોઈ શકે છે. આ ફેરફારથી આંખ નીચે અમુક પ્રકારના ડાર્ક સર્કલ્સ જોવા મળે છે. ચોથું કારણ ઉંમર છે. ઉંમર વધવાની સાથે આંખોની નીચે પેશીઓ ઘટવાથી કાળાં કુંડાળાં દેખાય છે. કાળાં કુંડાળાં એ દેખાવમાં થતો એવો એક ફેરફાર છે, જે ઘણાં કારણોસર થઈ શકે છે. તેનું કારણ જાણીને જ આપણે તેની સારવાર કરી શકીએ છીએ.

બીબીસી ગુજરાતી હેલ્થ આંખ નીચે કાળા કુંડાળા ડાર્ક સર્કલ્સ ત્વચા બીમારી ડર્મેટોલૉજિસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંખ નીચે કાળાં કુંડાળાં માટે કોઈ એક કારણ નથી હોતું, પરંતુ અનેક પરિબળો જવાબદાર હોઈ શકે.

ઊંઘ અને કાળાં કુંડાળાં વચ્ચે કોઈ સંબંધ છે?

ઊંઘ અને આંખ નીચેનાં કાળાં કુંડાળાં (ડાર્ક સર્કલ્સ) વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. પરંતુ જો કોઈને પહેલેથી જ કાળાં કુંડાળાં હોય અને તેમને પૂરતી ઊંઘ ન મળે, તો તે કુંડાળાં વધુ સ્પષ્ટ દેખાશે. પૂરતી ઊંઘ ન મળવાને કારણે શરીરમાં પાણીની કમી (ડિહાઇડ્રેશન) પેદા થઈ શકે. તેથી તે જગ્યાએ રક્તનો પ્રવાહ યોગ્ય રીતે જળવાતો થતો નથી. આ કારણથી કાળા ડાઘ વધુ સ્પષ્ટ રીતે દેખાય છે.

શું કાળાં કુંડાળાં ને હૃદય વચ્ચે કોઈ સંબંધ છે?

ના. આ બંને વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. પરંતુ, હાઈ-બ્લડપ્રેશર ધરાવતા લોકોમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું ન હોય ત્યારે આંખોની નીચે કાળાં કુંડાળાં બની શકે છે. જોકે, સીધી રીતે એવું ન કહી શકાય કે આ જ તેનું કારણ છે. ડાર્ક સર્કલ્સ થવા પાછળ વિવિધ કારણો જવાબદાર હોય છે, તેવી જ રીતે હૃદયરોગનું જોખમ વધારતી પરિસ્થિતિ માટે પણ ઘણાં કારણો હોઈ શકે છે.

કાળાં કુંડાળાંનું નિદાન કેવી રીતે કરવું?

બીબીસી ગુજરાતી હેલ્થ આંખ નીચે કાળા કુંડાળા ડાર્ક સર્કલ્સ ત્વચા બીમારી ડર્મેટોલૉજિસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વધતી ઉંમરની સાથે ડાર્ક સર્કલ્સ જોવા મળે, પરંતુ અપૂરતું પોષણ પણ તેનું કારણ હોઈ શકે.

માત્ર ત્વચારોગના નિષ્ણાત તમને આ વિશે જણાવી શકે છે. કેટલાક કિસ્સામાં આંખની નીચે ગોળ ખાડા જેવું દેખાય છે.

આવા કિસ્સામાં ફિલર્સનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે વધારે પડતી ખંજવાળ આવે ત્યારે સતત ઘસવાને કારણે ત્વચા જાડી બની જાય અને ભીંગડા ઉતરે છે. તેની સારવાર થઈ શકે છે.

આંખોની નીચે કાળાં કુંડાળાં હોવા ખતરનાક હોય છે?

આંખોની નીચેનાં કાળાં કુંડાળાં કોઈ જોખમી ચીજ નથી. તે માત્ર સૌંદર્યને લગતી સમસ્યા છે. કોઈપણ વ્યક્તિને કાળાં કુંડાળાં થઈ શકે છે. તે સતત ચહેરા પર દેખાતાં હોવાથી ઘણા લોકો જાતે જ કોઈક ઉપચાર કરવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તેઓ ડૉક્ટરોની સલાહ લે છે. મોટાભાગના લોકો ડાર્ક સર્કલ્સ અટકાવવા માટે સારવાર પણ કરાવે છે. તે થોડા સમયથી હોય કે લાંબા સમયથી હોય, તે જોખમી નથી. જો તેનું કારણ જાણી શકાય, તો સારવાર થઈ શકે છે.

લાંબા સમય સુધી મોબાઇલ કે કમ્પ્યુટર સ્ક્રીન પર જોવાથી ડાર્ક સર્કલ્સ થઈ શકે?

આપણે સ્ક્રીન સામે જોઈએ છીએ, ત્યારે આંખો પર અમુક પ્રકાશનાં કિરણો પડે છે. સૂર્યપ્રકાશમાં બહાર જઈએ ત્યારે પણ કિરણો પડે છે. તડકામાં બહાર જવાથી જે નુકસાન થાય, તેવું જ નુકસાન સ્ક્રીન સામે જોવાથી પણ થાય છે. લાંબા સમય સુધી સ્ક્રીન સામે જોવાથી આંખોને નુકસાન થઈ શકે છે.

બીબીસી ગુજરાતી હેલ્થ આંખ નીચે કાળા કુંડાળા ડાર્ક સર્કલ્સ ત્વચા બીમારી ડર્મેટોલૉજિસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બજારમાં મળતી ક્રીમનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી. ત્વચાના નિષ્ણાતની સલાહ મુજબ સારવાર કરાવવી જોઈએ.

આંખો પર કાકડીના ટુકડા મૂકવાથી કાળાં કુંડાળાં મટી જશે?

આપણી ત્વચામાં પૂરતું પાણી અને મોઇશ્ચર હોવું જોઈએ. ત્વચાના સ્વાસ્થ્ય માટે હાઇડ્રેશન આવશ્યક છે. ક્યારેક શુષ્કતાને કારણે ત્વચા પર કરચલીઓ પડી જાય છે, કારણ કે તેને જરૂરી પાણી મળતું નથી. તમે આંખ પર કાકડી જેવા ફળ લગાવો, ત્યારે ત્વચાને હાઇડ્રેશન મળે છે. ખાસ કરીને આંખોની નીચે તેનો સીધો ઉપયોગ કરવાથી હાઇડ્રેશનનું પ્રમાણ વધે છે. તમે અમુક પ્રકારની સીવીડ (સમુદ્રી શેવાળ)નો પણ ઉપયોગ કરી શકો છો. હાઇડ્રેશન વધે ત્યારે આંખોની નીચેનાં કાળાં કુંડાળાંમાં થોડો ઘટાડો થઈ શકે છે.

ઑનલાઇન વેચાતી ક્રીમનો ઉપયોગ કરવાથી કાળાં કુંડાળાં દૂર થશે?

સૌથી પહેલાં તો તમારી ત્વચા વિશે જાણવું જરૂરી છે. ત્વચાને અંદરથી બહારની તરફ વિકસિત થવામાં ઓછામાં ઓછાં ચાર અઠવાડિયાંનો સમય લાગે છે. સારવારના પ્રકારને આધારે તેની અસરકારકતા જાણવામાં ઓછામાં ઓછો એક મહિનો લાગે છે. આ માટે કેટલીક ક્રીમ ઉપલબ્ધ છે, પરંતુ તમે થોડા દિવસોમાં જ પરિણામોની અપેક્ષા રાખી શકતા નથી.

બજારમાં મળતી ક્રીમ કેટલી સુરક્ષિત છે તે ચોક્કસપણે કહી શકાય નહીં. ડર્મેટોલૉજિસ્ટ્સ તપાસ કરીને સમસ્યાનું કારણ જાણી શકે છે અને યોગ્ય ક્રીમની ભલામણ કરી શકે છે. પરંતુ ઇન્ટરનેટ પર વેચાતી ક્રીમ પર આંધળો વિશ્વાસ કરવો ન જોઈએ.

ગોળાકાર ડાઘને અટકાવી શકાય?

બીબીસી ગુજરાતી હેલ્થ આંખ નીચે કાળા કુંડાળા ડાર્ક સર્કલ્સ ત્વચા બીમારી ડર્મેટોલૉજિસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખંજવાળ આવે ત્યારે વારંવાર ઘસવાથી પણ સર્કલ્સ વધારે ઘેરા રંગનાં બને છે.

તડકામાં બહાર નીકળતી વખતે દરેક વ્યક્તિએ સનગ્લાસ અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. જો કોઈને આનુવંશિક સમસ્યા હોય, તો તેના માટે પણ સારવાર લઈ શકે છે. પરંતુ આ સારવાર નિયમિતપણે લેવી પડે છે. તમે પૌષ્ટિક આહાર લઈ શકે છે. જો સમસ્યાનું કારણ ખોડો હોય, તો નિયમિતપણે શૅમ્પૂનો ઉપયોગ કરીને આંખોની નીચેનાં કાળાં કુંડાળાં પર નિયંત્રણ મેળવી શકો છો.

શું હું કાળાં કુંડાળાંથી મુક્ત થઈ શકું ?

દરેક પરિબળો માટે સારવાર હાજર છે. યોગ્ય તપાસ દ્વારા સૌથી પહેલાં તો મૂળ કારણને ઓળખવું મહત્ત્વનું છે.

કાળાં કુંડાળાંની સાઇઝ ઘટાડવા માટે કેવી સારવાર લેવી?

આંખોની નીચેનાં કાળાં કુંડાળાં જતાં રહે પછી પણ તમારે સનસ્ક્રીનનો ઉપયોગ ચાલુ રાખવો જોઈએ. ખોડાની સમસ્યાને નિયંત્રિત કરી સકાય છે. મૅલાનિનના ઉત્પાદન સાથે કેટલાંક ઘટકો સંકળાયેલાં હોય છે, તેને ઘટાડવાની કેટલીક ક્રીમ ઉપલબ્ધ છે. તેના ઉપયોગથી ડાર્કનેસ ઓછી થઈ શકે છે. કરચલીઓ દૂર કરવા માટે અલગ સારવાર હોય છે. ઉંમર વધવાને કારણે ત્વચા પર ખાડા કે કરચલીઓ પડી શકે છે, જેના માટે ફિલર્સનો ઉપયોગ કરી શકાય છે. ત્વચાનો રંગ અસમાન હોય તો તેને દૂર કરવા લેસર સારવાર પણ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત કેમિકલ પીલ્સ પણ સારવારમાં વાપરી શકાય છે, જે તે ડાર્ક સર્કલ્સને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. કાળાં કુંડાળાંને ઘટાડવાની કેટલીક દવાઓ છે. જોકે, દરેક વ્યક્તિ માટે દરેક ઉપાય યોગ્ય હોતો નથી. તેથી સારવાર શરૂ કરતા પહેલાં તમારે તપાસ કરાવવી જોઈએ.

બીબીસી ગુજરાતી હેલ્થ આંખ નીચે કાળા કુંડાળા ડાર્ક સર્કલ્સ ત્વચા બીમારી ડર્મેટોલૉજિસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવાથી ડાર્ક સર્કલ્સની સમસ્યામાં ઘણી રાહત મળી શકે છે.

દવા વગર માત્ર જીવનશૈલીમાં ફેરફારથી કાળાં કુંડાળાં ઘટાડી શકાય?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આંખોની નીચે કાળાં કુંડાળાં અમુક ચોક્કસ કારણોસર થાય છે. આવાં કારણોથી દૂર રહીને તમે ડાર્ક સર્કલ્સ ઘટાડી શકો છો. તમે પાણી લેવાનું પ્રમાણ વધારી શકો, પ્રોટીન અને વિટામિનથી ભરપૂર ખોરાક લઈ શકો છો.

ઉંમર વધવાને કારણે ત્વચામાં થતા ફેરફારોને ઘટાડવા માટે તમે ઍન્ટીઑક્સિડન્ટ્સથી ભરપૂર ખોરાકનું સેવન કરી શકો. ઉદાહરણ તરીકે, ફળો અને લીલાં શાકભાજી કુદરતી રીતે જ ઍન્ટીઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે.

આ ઉપરાંત પ્રોટીનયુક્ત ખોરાકમાં તમને જરૂરી ઍમિનો એસિડ મળી રહે છે. શાકાહારી લોકો સોયાબીન અને કઠોળનું સેવન વધારી શકે છે, જ્યારે માંસાહારી ખોરાક કુદરતી રીતે જ પ્રોટીનથી ભરપૂર હોય છે.

વિટામિનની વાત કરીએ તો, ઘણા વિટામિન પાણીમાં દ્રાવ્ય હોય છે. તમે વિટામિન સી અને B12થી ભરપૂર ખોરાક લઈ શકો છો.

લીવર, ફણગાવેલાં અનાજ અને માંસમાં વિટામિન B12 વધુ પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે વિટામિન સી તમને લીંબુ, નારંગી અને દ્રાક્ષ જેવાં ખાટાં ફળોમાંથી મળે છે. ગાજર અને પપૈયા જેવા ફળોમાંથી વિટામિન A મળે છે. વિટામિન E તમને ફણગાવેલાં અનાજમાં મળી શકે છે. વિટામિન ડી માટે માછલી, ઈંડાં અને દૂધ જેવા આહાર લેવા જોઈએ.

તમારે શરીરમાં પાણીનું પ્રમાણ પણ જાળવી રાખવું જરૂરી છે. તેથી વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

(આ લેખમાં આપવામાં આવેલા અભિપ્રાય અને માહિતી માત્ર જાગૃતિના હેતુ માટે છે. તબીબી સલાહ માટે તમારા ડૉક્ટરને મળો.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન