મુસ્લિમ ધર્મગુરુઓએ ગાયને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવાની માગ કરી, ભાજપ કેમ મૂંઝવણમાં છે?

ઇમેજ સ્રોત, ANI
ગાયને દેશનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની મુસ્લિમ ધર્મગુરુઓની માગણી પર શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઘણા નેતાઓએ ટિપ્પણી જરૂર કરી છે, પણ હજી સુધી એક પણ નેતાએ આગળ આવીને તે માગણીનું સમર્થન કર્યું નથી.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું હતું, "ગાય આપણી માતા છે અને શું માતા અને પુત્ર વચ્ચે કંઈપણ જાહેર કરવાની જરૂર હોય ખરી?"
તેની સાથે જ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે અગાઉથી જ કહી દીધું છે કે, કેન્દ્ર સરકાર ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવા જેવી કોઈપણ દરખાસ્ત પર વિચારણા કરી રહી નથી.
હિંદુ ધાર્મિક નેતા રામભદ્રાચાર્યએ યોગી આદિત્યનાથના નિવેદનને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે, ગોવધ અટકાવવાનો કેવળ એક જ માર્ગ છે અને તે છે, "હિંદુત્વ સમર્થકોને આગામી લોકસભાની ચૂંટણીઓમાં 370 બેઠકો મળવી જોઈએ."
રામભદ્રાચાર્યએ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માગણીને પ્રચાર તથા રાજકારણથી પ્રેરિત ગણાવી હતી.
ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની ચર્ચા ક્યાંથી શરૂ થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની ચર્ચા તાજેતરમાં જ મુસ્લિમોના બીજા મોટા તહેવાર ઈદ-ઉલ-અઝા અથવા તો બકરી ઈદ પહેલાં શરૂ થઈ હતી.
ગયા મહિને પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર રચાઈ, તે પછી મુખ્ય મંત્રી સુવેંદુ અધિકારીએ 13મી મેના રોજ એક આદેશ જારી કર્યો હતો.
તેના પહેલાં સુધી પશ્ચિમ બંગાળમાં ગોવંશનાં પ્રાણીઓની કતલ પર કોઈ પ્રતિબંધ નહોતો. જોકે, સુવેંદુ અધિકારીની સરકારે એક નિયમ જારી કર્યો હતો, જે મુજબ, સ્થાનિક સત્તાતંત્ર અને સરકારી પશુ ચિકિત્સકની મંજૂરી મેળવ્યા પછી જ ગાય, બળદ, આખલો, ભેંસ કે વાછરડાની કતલ કરવાની પરવાનગી મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્યાર સુધી રાજ્યમાં આવો કોઈ પ્રતિબંધ લાગુ નહોતો અને બકરી ઈદ પહેલાં આ પ્રકારનો નિયમ જારી કરવાથી રાજ્યના ખેડૂતો તથા વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

ઇમેજ સ્રોત, ANI/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ નિયમને કલકત્તા હાઇકોર્ટમાં પડકારવામાં પણ આવ્યો હતો, પરંતુ હાઇકોર્ટે સરકારના નિર્ણયને સાચો માનીને તમામ યાચિકાઓ ફગાવી દીધી હતી.
તેને પગલે, પશ્ચિમ બંગાળના ઘણા મુસ્લિમ ધર્મગુરુઓએ ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માગણી કરી છે. ત્યાર બાદ જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ અર્શદ મદનીએ ઍક્સ પર પોસ્ટ કરીને ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવાની માગણી કરી હતી.
તેમણે ઍક્સ પર લખ્યું હતું, "ગાયના નામે રમાઈ રહેલી મોબ લિન્ચિંગની આ રમત, નિર્દોષ લોકોની થઈ રહેલી હત્યાઓ, નફરતના રાજકારણ અને મુસ્લિમોને બદનામ કરવાની ઘટનાઓ હવે બંધ થવી જોઈએ. આ સ્થિતિમાં, જો ગાયને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દેવામાં આવશે, તો તેનાથી અમને આનંદ થશે, કારણ કે, આમ કરવાથી કોઈ માનવીએ જીવ નહીં ગુમાવવો પડે અને ધર્મના નામે કોઈ રાજકારણ રમવામાં નહીં આવે."
દેશના ભૂતપૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ પણ આ માગણીનું સમર્થન કરતાં કહ્યું હતું કે, જો ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપી દેવાથી ગાયની કતલ પર વારંવાર સર્જાતા વિવાદોનો ઉકેલ લાવવામાં મદદ મળતી હોય, તો આ માગણી ધ્યાન પર લેવી જોઈએ.
સાથે જ હામીદ અન્સારીએ બકરી ઈદ પર ગાયોની કુરબાની ન આપવાની મુસ્લિમોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ઇસ્લામ કોઈ ચોક્કસ પ્રાણીની કુરબાની આપવાનો આદેશ આપતો નથી.
ભાજપના નેતાઓ મુસલમાનોની માગ પર મૌન કેમ છે?

ઇમેજ સ્રોત, ANI
સોમવાર સુધી શાસક પક્ષ ભાજપના એક પણ મોટા નેતાએ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની આ માગણી પર કોઈ ટિપ્પણી કરી નહોતી. ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતાઓ ગોવંશનાં પ્રાણીઓની કતલ સામે સતત વિરોધ નોંધાવતા આવ્યા છે.
જોકે, શનિવારે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે સમાચાર સંસ્થા પીટીઆઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આવી કોઈ દરખાસ્ત વિશે વિચારણા કરી રહી નથી.
તેમણે કહ્યું હતું, "જુદાં-જુદાં સંગઠનો આ મુદ્દા પર કામ કરી રહ્યાં છે અને તેઓ સાંસદોનો સંપર્ક પણ સાધે છે. લોકો અરજી સુપરત કરે છે અને કહે છે કે, આ પ્રકારનાં પગલાં ભરવાં જોઈએ."
જોકે, કેન્દ્રીય મંત્રીએ એવી સ્પષ્ટતા કરી હતી કે, વર્તમાન સમયમાં કેન્દ્રીય કૅબિનેટ પાસે આ મામલા અંગેની કોઈ દરખાસ્ત આવી નથી.
મંત્રીએ વધુમાં કહ્યું હતું, "હાલના તબક્કે, કૅબિનેટ સમક્ષ કોઈ મામલો પડતર નથી. જો કોઈ પ્રસ્તાવ એ તબક્કે પહોંચે કે, જ્યાં સરકાર કે કૅબિનેટની દરમિયાનગીરીની જરૂર પડે, તો ત્યારે અમે તમને એ વિશે જણાવીશું."
રાજ્યના 1950ના કાયદા હેઠળ પશુધનની કતલને લગતા નિયમોમાં સુધારો કરવા માટે પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકાર દ્વારા તાજેતરમાં ભરવામાં આવેલાં પગલાંને ટાંકતાં તેમણે કહ્યું હતું, "જુદાં-જુદાં રાજ્યો તેમના રાજ્યની સ્થિતિ તથા યોગ્યતાના આધારે આવા મામલાઓ અંગે નિર્ણયો લે છે."

ઇમેજ સ્રોત, ANI/BBC
સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે બિજનોરમાં યોજાયેલા એક કાર્યક્રમ દમરિયાન ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માગણી અંગે તેમની પ્રતિક્રિયા આપી હતી.
તેમણે કહ્યું હતું, "વર્તમાન સમયમાં હું એક ટ્રૅન્ડ જોઈ રહ્યો છું. ઘણા મૌલવીઓ અને મૌલાનાઓ એવાં નિવેદનો કરી રહ્યા છે કે, ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ. અમે કહ્યું કે, ગાય અમારી માતા છે અને અમે ઘણા જન્મોથી તેની સાથે સંબંધ ધરાવીએ છીએ."
વધુમાં તેમણે કહ્યું હતું, "શું એક માતા અને પુત્ર વચ્ચે કશું પણ જાહેર કરવાની જરૂર હોય છે ખરી? આ અમારી સંસ્કૃતિ છે. અમારી માતા માટે અમે જે આદર ધરાવીએ છીએ, તે જ આદર અમે અમારા માટે ધરાવીએ છીએ. અમે ગાયને અમારી માતા માનીએ છીએ."
યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ગાય માતા દેશની સ્વયં-ઘોષિત માતા છે અને તેમને દેશનાં માતા ઘોષિત કરવાની કોઈ જરૂર નથી.
વધુમાં તેમણે કહ્યું હતું, "ગાય આપણી માતા છે, તમારી બુદ્ધિ પ્રાણી જેવી છે. તમારી વિચારસરણી પશુ જેવી છે કે, તમે ગાય માતાને એક પ્રાણી કહી રહ્યા છો. જે રીતે કોઈને આપણી માતા વિશે પરિચય આપવાની જરૂર નથી, એ જ રીતે ગાય માતા વિશે કોઈ જાહેરાત કરવાની જરૂર નથી."
જો ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દેવામાં આવે, તો શું થશે?

ઇમેજ સ્રોત, ANI
ભારતના બંધારણમાં કોઈ રાષ્ટ્રીય પ્રાણીનો સીધો ઉલ્લેખ કરાયો નથી, પણ ભારત સરકારે 1972ના વર્ષમાં રૉયલ બંગાલ ટાઇગરની રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઘોષણા કરી હતી.
તે વર્ષે, તત્કાલીન ઇંદિરા ગાંધી સરકારે 'પ્રોજેક્ટ ટાઇગર' શરૂ કર્યો હતો, જેનો આશય વાઘની અલભ્ય પ્રજાતિને લુપ્ત થવાથી બચાવવાનો હતો.
પ્રાણીઓને વિશિષ્ટ મહત્ત્વ આપતા ઘણા કાયદાઓ મોજૂદ છે, જેમાં વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) ઍક્ટ, 1972 અને પ્રિવેન્શન ઑફ ક્રૂઅલ્ટી ટુ ઍનિમલ્સ ઍક્ટ, 1960નો સમાવેશ થાય છે.
વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) ઍક્ટ, 1972 ભારતના રાષ્ટ્રીય પ્રાણી (વાઘ) અને જેમનું અસ્તિત્વ જોખમમાં હોય તેવી અન્ય પ્રજાતિઓના શિકાર અને ગેરકાયદે વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવે છે. વાઘને શિડ્યૂલ 1 પર સૂચિબદ્ધ કરીને સર્વોચ્ચ કાનૂની રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
ગાય અને ગોવંશનાં અન્ય પ્રાણીઓને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાથી એ સુનિશ્ચિત થશે કે તેમની કતલ નહીં થાય અને તેમના કાનૂની વેપાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાઈ જશે. હિંદુ સંગઠનો અને ભાજપ અગાઉથી જ આવી માગણી કરી રહ્યાં છે.
જોકે, કાનૂની નિષ્ણાત તથા ભૂતપૂર્વ કાયદા સચિવ પીકે મલ્હોત્રાએ સમાચાર સંસ્થા ભાષાને જણાવ્યું હતું કે, જો ગાયને 'દેશના રાષ્ટ્રીય પ્રાણી' તરીકેનો દરજ્જો આપવામાં આવે, તો તેની સુરક્ષા માટે વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) ઍક્ટ, 1972 જેવી જોગવાઈઓ કરવી પડશે.
સાથે જ તેમણે એવી ચેતવણી પણ આપી છે કે, આ પ્રકારનો કાયદો ઘડતાં પહેલાં તેનાં કારણો અને અસરો પર વિચારણા કરી લેવી જરૂરી છે.
આગળ તેમણે કહ્યું કે, આવા કાયદાની કોઈ 'વ્યવહારુ ઉપયોગિતા' નહીં હોય અને તે માત્ર 'પ્રતીકાત્મક' સ્વરૂપનો જ બની રહેશે.
ઇન્ડિયન લિગલ સર્વિસ (ભારતીય કાનૂની સેવા)ના ભૂતપૂર્વ અધિકારી મલ્હોત્રાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારમાં કામની વહેંચણીને જોતાં, જો આવો કાયદો લાવવામાં આવે, તો મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય તે માટેની મધ્યવર્તી એજન્સી બની શકે છે.
બંધારણની કલમ 48ને ટાંકતાં ભૂતપૂર્વ કાયદા સચિવે કહ્યું હતું કે, ઘણાં રાજ્યો અગાઉથી જ તેની જોગવાઈઓના આધારે સ્થાનિક કાયદાઓ ઘડીને ગાયની કતલ પર પ્રતિબંધ લગાવી ચૂક્યાં છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક રાજ્યો "ફિટ ફૉર સ્લૉટર"ના સિદ્ધાંતના આધારે ગાયોની કતલ કરવાની છૂટ આપે છે, જે હેઠળ વૃદ્ધ થઈ ગઈ હોય અથવા તો હવે દૂધ ન આપતી હોય એવી ગાયો કતલ કરવા માટે યોગ્ય ગણાય છે.
કલમ 48 પ્રમાણે, "રાજ્ય આધુનિક અને વૈજ્ઞાનિક રેખા પર કૃષિ તથા પશુપાલનને સુવ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરશે અને ખાસ કરીને ગાય, વાછરડા અને અન્ય દૂધાળાં પશુઓની ઓલાદોનું સંવર્ધન કરવા અને સુધારો કરવા માટે તેમજ તેમની કતલ પર પ્રતિબંધ ફરમાવવા માટે પગલાં ભરશે."
ભારતમાં માંસનો વેપાર કેટલો છે?

ઇમેજ સ્રોત, ANI
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત ઍગ્રિકલ્ચરલ ઍન્ડ પ્રૉસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ ઍક્સપૉર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટીના ડેટા દર્શાવે છે કે, ભારતમાંથી થતી માંસની નિકાસો સતત વધી રહી છે.
ઑથોરિટીના જણાવ્યા પ્રમાણે, ભેંસનું માસ એ પશુ પેદાશોમાં ભારત દ્વારા કરવામાં આવતી સૌથી મોટી નિકાસ છે. નાણાંકીય વર્ષ 2025માં ભારતે 4.06 અબજ ડૉલરના મૂલ્યના ભેંસના માંસની નિકાસ કરી હતી. આ પ્રમાણ ડેરી તથા પૉલ્ટ્રી ઉત્પાદનો કરતાં અનેકગણું વધારે હતું.
આ આંકડાઓ એ પણ દર્શાવે છે કે, પાંચ રાજ્યોમાં માંસનું ઉત્પાદન સૌથી ઊંચું છે અને કુલ નિકાસમાં તેમનું યોગદાન 57.45 ટકા છે. આ પાંચ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ (12.62 ટકા), ઉત્તર પ્રદેશ (12.29 ટકા), મહારાષ્ટ્ર (11.28 ટકા), તેલંગાણા (10.85 ટકા) અને આંધ્ર પ્રદેશ (10.41 ટકા)નો સમાવેશ થાય છે.
ગાયની કતલ કે ગાયના માંસના વેપારને લગતા નિયમો રાજ્ય અનુસાર ભિન્ન-ભિન્ન હોય છે. તેના કારણે, ઉત્તર પૂર્વ ભારતનાં ઘણાં રાજ્યો તેમજ કેરળ જેવાં રાજ્યોમાં ગોવંશનાં પ્રાણીઓની કતલ પર પ્રતિબંધ નથી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગોવંશના માંસની નિકાસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે, તેમ છતાં ઘણી રાજકીય ચર્ચાઓ છેડાઈ છે, જેમાં ભેંસના માંસની નિકાસ સામે સવાલો ઊઠાવવામાં આવ્યા છે.
ચાલુ વર્ષના પ્રારંભમાં ઉત્તર પ્રદેશમાં યોજાયેલા માઘ મેળા દરમિયાન સ્વામી અવિમુક્તેશ્વરાનંદના સ્નાનને લઈને વિવાદ સર્જાયો હતો. તે સમયે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવે, એવી માગણી કરી હતી.
તેમણે એવો દાવો કર્યો હતો કે, દેશ દ્વારા કરવામાં આવતી માંસની કુલ નિકાસોમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 40 ટકા કરતાં પણ વધારે છે અને નિકાસના તમામ આંકડા 'ભેંસના માંસ' તરીકે નોંધવામાં આવે છે. ડીએનએ પરીક્ષણ કરાવ્યા વિના જ પશુધનની કતલ કરવામાં આવી રહી છે તથા આ માંસના નામે દેશની બહાર મોકલવામાં આવે છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એવો દાવો કર્યો હતો કે, રાજ્યમાં રજીસ્ટર્ડ થયેલી ભેંસોની કુલ સંખ્યા અને નિકાસ કરવામાં આવતા જથ્થા વચ્ચે ઘણો મોટો તફાવત પ્રવર્તે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















