સીજેપીનું આંદોલન : સંસદથી લઈને સડક સુધી નવી દિલ્હીમાં શું-શું થયું?

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી), શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, બીબીસી, ગુજરાતી દિલ્હી

ઇમેજ સ્રોત, CJP

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

દેશની રાજધાની નવી દિલ્હીમાં સોમવારનો દિવસ ખૂબ જ હંગામાભર્યો રહ્યો.

એક તરફ, જ્યાં કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે જ્યારે જંતર-મંતર પરથી માર્ચ નિકાળવાનું નક્કી હતું, તો બીજી તરફ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાનું હતું.

જેમ જેમ દિવસ વિતતો ગયો તેમ તેમ નવી દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં ભીડ વધતી ગઈ

સવારે નવ વાગ્યે, જ્યારે સીજેપીના સ્થાપક અભિજિત દીપકે અને સોનમ વાંગચુકનાં પત્ની ગીતાંજલિ અંગમોના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓ આગળ વધ્યા, ત્યારે તેમને સુરક્ષા દળોનો સામનો કરવો પડ્યો, જે દરમિયાન ટીયર ગૅસના શૅલ પણ છોડવામાં આવ્યા.

બીજી તરફ, સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં હંગામો શરૂ કરી દીધો.

વિપક્ષે માંગ કરી હતી કે ગૃહમાં નીટ પેપર લીક અને અયોધ્યા રામમંદિરમાં ચોરીના મુદ્દા પર ચર્ચા થવી જોઈએ.

લોકસભા અને રાજ્યસભામાં શું થયું?

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી), શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, બીબીસી, ગુજરાતી દિલ્હી

ઇમેજ સ્રોત, ANI

લોકસભામાં સત્રની શરૂઆતમાં, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સુપ્રીમ કૉર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારો બિલ, 2026 રજૂ કર્યું.

ત્યારબાદ, જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બોલવાનું શરૂ કર્યું, ત્યારે વિપક્ષે હોબાળો શરૂ કર્યો. ભારે હોબાળા બાદ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું.

આ દરમિયાન, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે "આ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો મામલો છે, હજારો બાળકો જંતર-મંતર પર આવ્યાં છે અને તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, સરકાર તેમને મારવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર તેમને દબાવવા અને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે."

આ પછી રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું.

બપોરે 12 વાગ્યે બંને ગૃહો ફરી શરૂ થયાં ત્યારે વિપક્ષે ફરી હોબાળો મચાવ્યો હતો. જેના પગલે ગૃહોને મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યાં હતાં.

રાહુલ ગાંધીનું નિવેદન

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી), શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, બીબીસી, ગુજરાતી દિલ્હી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંસદ પરિસરમાંથી બહાર નીકળતી વખતે, પત્રકારો કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા જાણવા માંગતા હતા, પરંતુ તેમણે આ અંગે કંઈ કહ્યું નહીં.

જોકે, તેણે સોમવારે સાંજે તેમના એક્સ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું , "આ દેશમાં યુવાનો બહુમતી ધરાવે છે. વડા પ્રધાન મોદી ભારતના ઇતિહાસમાં સૌથી યુવાવિરોધી વડા પ્રધાન છે. દિલ્હીના રસ્તાઓ પર ચાલી રહેલા યુવકો અને યુવતીઓ ગુનેગાર નથી. તેઓ પોતાના અધિકારો માંગી રહ્યાં છે."

"તેમને એવી શૈક્ષણિક વ્યવસ્થાનો અધિકાર છે જે તેમનો આદર કરે, એવી શૈક્ષણિક વ્યવસ્થાનો જે ન્યાયી હોય. તેઓ જે કરી રહ્યા છે તેમાં કંઈ ખોટું નથી. પોલીસ અને સરકાર જે કરી રહ્યા છે તે ઘૃણાસ્પદ છે. આ યોગ્ય વર્તન નથી."

દરમિયાન, કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વિપક્ષ સરકાર સાથે શિક્ષણ નીતિ પર ચર્ચા કરવા માંગે છે પરંતુ તે "આ સાથે સહમત નથી અને આપણાં બાળકો પર ટીયર ગૅસના શૅલ છોડવામાં આવી રહ્યા છે અને તેમને માર મારવામાં આવી રહ્યો છે."

દરમિયાન, કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સંસદ પરિસરની બહાર કહ્યું , "સરકાર વિદ્યાર્થીઓની ચિંતા કરતી નથી, પરંતુ તેમને મારી રહી છે. જો તમને પરીક્ષાનું આયોજન કરતાં નથી આવડતું, તો તે બીજા કોઈને આપો."

"આ સરકારે વિદ્યાર્થીઓ પર જે લાઠીચાર્જ કર્યો છે તે લોકશાહી પર હુમલો છે. જો પોતાના વિચારો વ્યક્ત કરવા આવતા લોકોને આ રીતે ડરાવવામાં આવે છે, તો આ લોકશાહી નથી. અમે સરકારને ઘણી વખત આ અંગે વિચાર કરવા કહ્યું છે. એક તરફ બેરોજગારી છે, અને બીજી તરફ પરીક્ષાઓ લેવામાં આવી રહી નથી."

ખડગેએ કહ્યું કે મોન્સૂન સત્રમાં 'ચંદા ચોરી' પણ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે.

સપા સાંસદોએ જંતર-મંતર તરફ કૂચ કરી

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી), શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, બીબીસી, ગુજરાતી દિલ્હી

ઇમેજ સ્રોત, ANI

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સંસદની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે "સરકારને એટલો અહંકાર છે કે તે લોકોને સાંભળવાનું તો દૂર.. લોકો અહીં આવવા પણ માંગે તો પણ તો તેમને પ્રતાડીત કરી રહી છે."

તેમણે દાવો કર્યો હતો કે , "પેપર લીકમાં સામેલ બધા લોકો ભાજપના સભ્યો છે. 20થી વધુ પેપર લીક થયાં છે અને કોઈ પકડાયું નથી. સરકાર એટલે નોકરીઓ નથી આપી રહી કારણ કે અનામત આપવી પડશે. દુઃખ છે કે આજે લાઠી ચાલી છે."

કૉંગ્રેસના નેતા શશિ થરૂરે પત્રકારોને જણાવ્યું હતું કે , "જ્યારે હિંસા વિના વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે, ત્યારે લાઠીચાર્જનું કારણ શું છે? લાઠીચાર્જ હિંસા વિનાનું કૃત્ય નથી. તે હિંસાનું કૃત્ય છે. મને તેનો તર્ક સમજાતો નથી."

"એ જ રીતે, અહીં સંસદમાં દરેક વ્યક્તિ જાણે છે કે આ સમગ્ર દેશના સળગતા મુદ્દાઓ છે. તેની ચર્ચા કરવી લૉજીકલ રહેશે. સંસદ એ એવી જગ્યા છે જ્યાં આપણે લોકોનો અવાજ, લોકોની ચિંતાઓ આગળ લાવી શકીએ છીએ."

બીજી તરફ, સમાજવાદી પાર્ટીનાં સાંસદ ડિમ્પલ યાદવના નેતૃત્વમાં સંસદથી જંતર-મંતર સુધી માર્ચ નીકળી હતી.

ડિમ્પલ યાદવે કહ્યું, "આખો દેશ એક દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં છે જ્યાં યુવાનો પોતાના વિચારો વ્યક્ત કરવા માંગે છે અને સરકાર સાંભળવા માંગતી નથી. દરેક વ્યક્તિ વાત કરવા માંગે છે પરંતુ આ નિર્દય સરકાર કોઈનું ચાલવા દેવા માંગતી નથી."

આ પછી, અખિલેશ યાદવે દાવો કર્યો કે તેમના પક્ષના સાંસદોને પોલીસ સ્ટેશનમાં રાખી દેવાયા છે. તેમણે કહ્યું કે આ સરકારનો અહંકાર દર્શાવે છે.

ટીએમસી સાંસદ સાગરિકા ઘોષે દાવો કર્યો હતો કે સરકારે સંસદ સંકુલના દરવાજા બંધ કરી દીધા છે અને સાંસદોને બહાર જવાની મંજૂરી આપી રહ્યા નથી જેથી તેઓ જંતર-મંતર ન પહોંચી શકે.

ભાજપના નેતાઓએ શું કહ્યું?

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી), શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, બીબીસી, ગુજરાતી દિલ્હી

ઇમેજ સ્રોત, ANI

ભાજપના સાંસદ કમલજિત સેહરાવતે કહ્યું, "સરકાર નીટ મુદ્દા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. સરકારે નીટની પરીક્ષા અંગે યોગ્ય પગલાં લીધાં છે. અમે સમય સમય પર જોયું છે કે ભારતીય વિદ્યાર્થીઓ ભારત સરકાર માટે કેટલાં મહત્ત્વપૂર્ણ છે. જ્યાં સુધી કૉક્રોચ જનતા પાર્ટીની વાત છે, ત્યાં સુધી કેટલાક તકવાદીઓ કોઈપણ તકનો લાભ લેવા તૈયાર છે."

સીજેપીના સંસદ કૂચ અંગે સેહરાવતે કહ્યું, "કોઈ પણ મુદ્દાને ઉઠાવવા માટે એક યોગ્ય પ્લેટફૉર્મ હોય છે અને કોઈ પણ પ્રકારની અરાજકતા ફેલાવવી યોગ્ય નથી."

એનડીએ સરકારના સાથી પક્ષ જેડીયુના સાંસદ સંજયકુમાર ઝાએ કહ્યું , "સરકારે નીટ પેપર લીક કેસને છુપાવ્યો નહીં અને સરકારે પરીક્ષા રદ કરી અને તેના પર કાર્યવાહી કરવામાં આવી."

"એજન્સીઓ દ્વારા ફરીથી પરીક્ષા લેવામાં આવી. જો કોઈ ખામીઓ હશે, તો તેને સુધારવામાં આવશે અને આ સમસ્યા હવે અસ્તિત્વમાં નથી."

ભાજપના સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ કહ્યું, "જો કોઈ સમસ્યા હોય તો વિરોધ કરવાને બદલે તેની યોગ્ય ચર્ચા થવી જોઈએ. મોદી સરકારે દેશના યુવાનો અને શિક્ષણ પ્રણાલી માટે ઘણું કામ કર્યું છે. આ વિરોધનો કોઈ અર્થ નથી."

"વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા ન જોઈએ અને તેમને સમસ્યાઓ શું છે તે જણાવવું જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન