'કાગળ પરની' પાર્ટીઓ અંગેનો બીબીસીનો અહેવાલ : ગુજરાત કૉંગ્રેસે કરી તપાસની માગ

ઇમેજ સ્રોત, Amit Chavda/fb
ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને નાગપુરમાં એક પત્રકારે બીબીસીના 'કાગળ પરની' પાર્ટીઓ અંગેના અહેવાલ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.
તેનો જવાબ આપતાં અમિત ચાવડાએ કહ્યું હતું કે, "આ જ મોદી મૉડલ છે. જેમાં આવા ગોટાળા થાય છે. એ કહે છે કે ન મેં ખાઉંગા, ન ખાને દૂંગા, પરંતુ અમે કહીએ છીએ કે એ કરોડોથી ઓછું ખાતાં નથી અને બીજા કોઈને ખાવા દેતા નથી."
અમિત ચાવડાએ કહ્યું હતું કે, "બીબીસી અને અન્ય મીડિયા સંસ્થાઓએ આવી રાજકીય પાર્ટીઓનું રિયાલિટી ચેક કર્યું છે. જ્યાં એ પાર્ટીઓ રજિસ્ટર્ડ છે, તેમની ત્યાં ઑફિસ જ નથી. આવી પાર્ટીઓને કરોડો રૂપિયા મળી રહ્યા છે."
તેમણે કહ્યું હતું કે, "વારંવાર આ સામે આવવા છતાં તેમની ઉપર કોઈ પગલાં લેવાયાં નથી. અમારું માનવું છે કે ભાજપ સાથે જોડાયેલા લોકો તેનાથી મની લૉન્ડરિંગ કરે છે. તેમની સામે એફઆઇઆર પણ થઈ છે, છતાં કાર્યવાહી થતી નથી. આ બહુ મોટો ગોટાળો છે. અમે માગ કરીએ છીએ કે એસઆઇટી બનાવીને તેની તપાસ થાય. તેનાથી ભાજપના મોટા નેતાઓ સાથેના આ પાર્ટીઓના સંબંધ પણ બહાર આવશે."
અહીં ઉલ્લેખનીય છે કે બીબીસીએ ગત ચોથી સપ્ટેમ્બરે એક વિસ્તૃત ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેમાં કરોડો રૂપિયાનું દાન મેળવતી પાર્ટીઓની જમીન પર જઈને તપાસ કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીએ પણ ઉઠાવ્યા સવાલો

ઇમેજ સ્રોત, X/AAPGujarat
આમ આદમી પાર્ટી-ગુજરાતે તેના ઍક્સ હેન્ડલ પર બીબીસીની તપાસનો વીડિયો શૅર કરીને પૂછ્યું હતું કે, "1700 કરોડનું રાજકીય દાન અને ઇન્કમ ટૅક્સની તપાસ શૂન્ય? "
તેમણે લખ્યું કે, "ગુજરાતની છ નાની પાર્ટીને 1700 કરોડનું દાન, જ્યારે ભાજપ સિવાયની તમામ રાષ્ટ્રીય પાર્ટીઓને માત્ર 1480 કરોડ? તો સવાલ સીધો છે કે આટલા કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા? આ કોના પૈસા હતા? આ પૈસાનો અંતિમ લાભ કોને મળ્યો? શું રાજકીય દાનના નામે આ કાળાં નાણાંને સફેદ કરવાની મોટી રમત છે?"
આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે બીબીસીની આ તપાસ પછી આરોપ લગાવ્યો હતો કે આ દાન ભાજપને મળ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે, "જે પક્ષોને આટલું મોટું દાન મળ્યું છે તેમની ઑફિસો ગુજરાતમાં છે. હું સીધો આરોપ લગાવી રહ્યો છું કે આ દાન 'ચંદા ચોર પાર્ટી' ભાજપને મળ્યું છે."
સંજયસિંહે કહ્યું, "ચૂંટણીપંચે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર કુંભકર્ણની જેમ સૂઈ રહ્યા છે. બીબીસીએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચૂંટણીપંચે કોઈ જવાબ આપ્યો નહીં."
બીજા ઘણા પક્ષોએ પણ ઉઠાવ્યા હતા સવાલો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસ સેવાદળે બીબીસીના આ રિપોર્ટ અંગે ઍક્સ પર લખ્યું હતું કે, "જો આ પક્ષોના તાર સત્તામાં બેઠેલા લોકો સાથે જોડાયેલા હોય, તો આ માત્ર દાનનો વિષય નથી, પરંતુ લોકશાહી સાથે મોટી રમત છે."
કૉંગ્રેસ સેવાદળે ઍક્સ પર લખ્યું "ગુજરાતનો નવો રાજકીય દાન-ખેલ? નાની-નાની પાર્ટીઓ, હજારો કરોડનું દાન, મત કેટલાક પણ નહીં ઉપરાંત ઑફિસ બંધ, ફોન પણ બંધ! 620 કરોડ રૂપિયાનું દાન મેળવનાર 'આમ જનમત પાર્ટી' જેની ઑફિસ બંધ છે, પ્રમુખ ગાયબ છે અને ખજાનચી કહે છે કે તેને કંઈ ખબર નથી!"
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજયસિંહે પણ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ઍક્સ પર કટાક્ષ કરતાં લખ્યું કે, 'મોદી હૈ તો સબ મુમકિન હૈ.'
તેમણે લખ્યું, "વર્ષ 2023-24માં આમ જનમત પાર્ટી પાસે કૉંગ્રેસ કરતાં પણ વધુ દાન આવ્યું. શું ચૂંટણી પંચ આ પાર્ટીના બૅન્ક એકાઉન્ટની તપાસ કરશે? શું નાણા મંત્રાલય આની ઈડી અને આઈટી વિભાગ પાસે તપાસ કરાવશે?"
ઝારખંડ મુક્તિ મોર્ચાએ એક ઍક્સ પોસ્ટમાં લખ્યું, "ભાજપનું ગુજરાત મૉડલ... આ ખુલ્લેઆમ લોકશાહીનું ચીરહરણ નથી તો બીજું શું છે? ગુજરાતમાં આ કઈ પાર્ટીઓ છે જેમને હજારો કરોડ રૂપિયાનું દાન મળ્યું અને વોટ નહિવત્ મળ્યા? આટલા હજારો કરોડનું દાન આખરે કોણે આપ્યું? કોના ઇશારે આપ્યું? અને શા માટે આપ્યું?"
તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નાં રાજ્યસભા સાંસદ સાગરિકા ઘોષે પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે.
તેમણે ઍક્સ પર લખ્યું, "બીબીસી હિંદીની ભારતની રહસ્યમય 'કાગળ પરની પાર્ટીઓ' પર મોટી તપાસ એવા રાજકીય પક્ષો જેમની પાસે ના કોઈ ઑફિસ છે, ના કાર્યકરો, ના ઉમેદવાર અને ના તો વોટ આપનારા લોકોનો આધાર છતાં તેમને કરોડો-અબજો રૂપિયાનું ભારે દાન મળી રહ્યું છે."
બીબીસીના અહેવાલમાં શું હતું?
બીબીસીનાં સંવાદદાતા શુભાંગી મિશ્રાએ સૌથી વધુ દાન મેળવનાર છ અનરેકગ્નાઇઝ્ડ પાર્ટીઓની તપાસ કરી હતી.
તેમણે આ પાર્ટીઓના સરનામે જઈને તેમની ઑફિસ ચેક કરી હતી. છમાંથી પાંચ પાર્ટીની ઑફિસ પર તાળાં લાગેલાં જોવા મળ્યાં હતાં.
અમુક પાર્ટીઓના પ્રમુખો પણ તેમને મળેલા દાન અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા.
આ પાર્ટીઓ ચૂંટણી પણ લડતી નથી, અને જવલ્લે જ ઉમેદવારો ઉતારે છે એ વાત પણ સામે આવી.
આવી જ એક પાર્ટી આમ જનમત પાર્ટીનાં સ્થાપક અનામિકા પાસવાન એ ભાજપ સાથે જોડાયેલા હોવાનું પણ આ તપાસમાં સામે આવ્યું છે.
2022-23માં 'આમ જનમત પાર્ટી'ને રૂ. 216 કરોડ મળ્યા અને ત્યાર પછી 2023-24માં આ દાન વધીને રૂ. 620 કરોડ થયું હતું.
આ તમામ છ પાર્ટીઓની ઑફિસ ગુજરાતમાં આવેલી હતી અને તેમાંથી ચાર પાર્ટીની ઑફિસ અમદાવાદના નરોડા અને તેની આસપાસ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























