આણંદ : માતા-પિતા સાથે સૂતેલી બાળકીને ઉઠાવીને બળાત્કાર ને હત્યા, આરોપીનું ઍન્કાઉન્ટરમાં મોત

ઇમેજ સ્રોત, Nachiket Mehta
આણંદના વાસદમાં રેલવે સ્ટેશને માતા-પિતા સાથે સૂતેલી એક ચાર વર્ષની બાળકીને 18 જુલાઈની રાતે ઉઠાવી જઈને તેની હત્યા નીપજાવવાના કેસમાં પોલીસે આરોપી સુરેશ પરમારને પકડ્યો હતો અને ત્યાર પછી તેનું કથિત પોલીસ ઍન્કાઉન્ટરમાં મોત થયું હતું.
પોલીસનું કહેવું છે કે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમ આરોપીને પકડીને આણંદ લાવી રહીહતી ત્યારે 19મી જુલાઈ, રવિવારની રાતે રસ્તામાં તેણે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો જેમાં આરોપી સુરેશ પરમારનું મોત નીપજ્યું હતું.
આખી ઘટના કેવી રીતે બની?

ઇમેજ સ્રોત, Nachiket Mehta
બીબીસી ગુજરાતીના સહયોગી નચિકેત મહેતાએ આપેલી માહિતી પ્રમાણે, આણંદ જિલ્લાના વાસદ સ્ટેશનની ટિકિટ બારી નજીક શનિવારે રાત્રે જયેશભાઈ ગોહિલનો પરિવાર પોતાની ચાર વર્ષની દીકરીને સાથે લઈને સૂતો હતો. તે સમયે લગભગ સવા નવ વાગ્યે સુરેશ પરમાર નામનો શખ્સ ત્યાં આવ્યો અને બાળકીને ઉઠાવી લઈ ગયો હતો. સવારે જાગ્યા પછી પરિવારને બાળકી ન દેખાતાં તેમણે શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન વાસદ રેલવે સ્ટેશનથી લગભગ 200 મીટર દૂર રેલવે ટ્રેક પાસે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના મોઢા પર ઘા મારીને તેને મારી નાખવામાં આવી હતી અને શરીર પર કપડાં પણ નહોતાં.

ઇમેજ સ્રોત, Nachiket Mehta
આ ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ જોઈને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવીનાં દૃશ્યોમાં એક માણસ રેલવે પ્લેટફૉર્મ પરથી સૂતેલી બાળકીને ઉઠાવીને જતો હોય એવું જોવા મળ્યું હતું.
આ ઘટના બાદ આણંદ જિલ્લા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને વાસદ પોલીસની લગભગ સાત ટીમો આરોપીને શોધવામાં લાગી હતી.
સીસીટીવી ફૂટેજના આધારે બોરસદ ગ્રામ્ય પોલીસે થોડા કલાકો પછી આરોપીનેને ઝડપી પાડ્યો હતો.
રવિવારે રાત્રે આરોપીને વધુ તપાસ માટે આણંદ લાવવામાં આવતો હતો ત્યારે રસ્તામાં સુરેશે ઊલટી થતી હોવાનું બહાનું કાઢ્યું હતું એવું પોલીસનું કહેવું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરોપીએ ઊલટીનું બહાનું કાઢ્યું હોવાનો પોલીસનો દાવો

ઇમેજ સ્રોત, Nachiket Mehta
પોલીસના દાવા પ્રમાણે, સુરેશે ઊલટીની ફરિયાદ કરી ત્યારે પોલીસે વાસદના કંથારિયા રોડ પર વાહન થોભાવ્યું હતું. આ દરમિયાન સુરેશે તકનો લાભ લઈને પોતાની પાસેના ચપ્પુથી બે પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં બે પોલીસ જવાનો રાજવીરસિંહ અને મહિપાલસિંહને ઇજા થઈ હતી.
પોલીસનું કહેવું છે કે બેકાબૂ થયેલી સ્થિતિને કાબૂમાં લેવા માટે પીએસઆઈ રાણાએ આરોપીને સરેન્ડર થવા માટે ચેતવણીઓ આપી, પરંતુ તે ન માનતાં પોલીસે આખરે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત આરોપીને કરમસદમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આણંદ પોલીસે શું ખુલાસો કર્યો?

ઇમેજ સ્રોત, Nachiket Mehta
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આણંદના એસપી ગૌરવ જસાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, "આણંદના વાસદમાં સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હતું અને બાદમાં તેની હત્યા થઈ હતી."
આ મામલે જિલ્લા પોલીસ વડા જી. જી. જસાણીએ મીડિયાને જણાવ્યું કે આ ઘટનામાં બાળકીનું મૃત્યુ બળાત્કારના કારણે જ થયું હોવાનું પોસ્ટમૉર્ટમમાં બહાર આવ્યું છે.
"રેલવે પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આરોપીનાં ફૂટેજ બધાં પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવ્યાં હતાં, તેની તપાસ કરતાં આરોપીની ઓળખ થઈ હતી."
આરોપીના ગુનાહિત ઇતિહાસ પર પ્રકાશ પાડતાં આણંદના જિલ્લા પોલીસ વડા ગૌરવ જસાણી જણાવે છે, "2020માં આ જ આરોપી અને સહ-આરોપી વિરૂદ્ધ ખૂન સાથે રેપનો ગુનો નોંધાયો હતો."
"ત્યારબાદ તેની ધરપકડ પણ થઈ હતી અને પાંચ વર્ષ જેલમાં રહ્યો હતો. 2025માં પુરાવાના અભાવે તે નિર્દોષ છૂટી ગયો હતો."
"આમ અંદાજે એક વર્ષ પહેલાં આ આરોપી છૂટ્યો હતો. આ તેનો બીજો સંભવિત ગુનો છે. તે છૂટક મજૂરી કરીને પોતાનું જીવનગુજરાન ચલાવતો હતો."
"પોલીસ દ્વારા આરોપીના પરિવારને મૃતદેહ અંગે જાણ કરવામાં આવી છે. હાલ આરોપીના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ બાકી છે. તે પ્રક્રિયા પૂર્ણ થયા પછી આરોપીના સગાંને તેનો મૃતદેહ આપવામાં આવશે."
તેમણે કહ્યું કે બાળકીનું મોત રેલવે ટ્રેક પર ટ્રેન નીચે આવવાથી નહીં, પણ બળાત્કારને કારણે થયું છે.
એસપી ગૌરવ જસાણીએ કહ્યું, "આ આરોપીનું નામ સુરેશ પરમાર હતું અને ગઈ કાલે તેમની શોધખોળ કરવામાં આવી હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















